ભારત ડાયરી:
જી-20ના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા ભારત આવેલા બ્રિટનના વિદેશ મંત્રીએ ગત મહિને બી.બી.સી.નાં ભારતીય કાર્યાલયો પર કરાયેલી આવકવેરા વિભાગની કાર્યવાહીનો મુદ્દો ઉઠાવ્યો.
બ્રિટનના વિદેશ મંત્રી જેમ્સ ક્લેવરીએ ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે મુલાકાત કરી.
જેમ્સ ક્લેવરીએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન સંબંધિત જાણકારી આપી.
ગત મહિને બી.બી.સી.નાં દિલ્હી અને મુંબઈસ્થિત કાર્યાલય પર આવકવેરા વિભાગે લગભગ ત્રણ દિવસ સુધી સર્વે કર્યો હતો.
જયશંકરે બ્રિટનના વિદેશ મંત્રીને કહ્યું કે જે કંપનીઓ ભારતમાં કામ કરી રહી છે, એણે ભારતના કાયદાનું પાલન કરવું પડશે.
તાજેતરમાં જ બી.બી.સી.એ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર એક ડૉક્યુમેન્ટરી પ્રસારિત કરી હતી. જેનું પ્રસારણ કોઈ પર રીતે ભારતમાં નહોતું કરાયું અને એ માત્ર બ્રિટનમાં રહેતા દર્શકો માટે જ રજૂ કરાઈ હતી.
ભારત સરકારે આ ડૉક્યુમેન્ટ્રીને ‘શત્રુત્રાપૂર્ણ દુષ્પ્રચાર’ ગણાવતાં ભારતમાં એને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. કેમ કે કેટલા ય લોકો આને ગેરકાયદે અપલૉડ કરીને સોશિયલ મીડિયા પર શૅર કરી રહ્યા હતા.
સર્વે દરમિયાન શું થયું હતું?
બી.બી.સી.ના દિલ્હી અને મુંબઈસ્થિત કાર્યાલયો પર આવકવેરા વિભાગે 14 ફેબ્રુઆરીએ સર્વે શરૂ કર્યો હતો.
આવકવેરા વિભાગે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે આ ‘સર્વે’ એટલે કરવામાં આવ્યો છે કે જેથી સતત ચાલનારાં મીડિયા / ચેનલની ગતિવિધિઓને સુગમ બનાવી શકાય.
આ દરમિયાન કેટલા ય કલાકો સુધી બી.બી.સી.ના પત્રકારોને કામ કરવા ન દેવાયા. કેટલા ય પત્રકારો સાથે આવકવેરા વિભાગના કર્મચારીઓ અને પોલીસકર્મીઓએ ગેરવર્તન પણ કર્યું.
પત્રકારોનાં કમ્પ્યુટરોની ચકાસણી કરવામાં આવી અને તેમના ફોન મુકાવી દેવાયા તથા તેમની પાસેથી તેમની કામ કરવાની રીતની જાણકારી લેવામાં આવી. આ સાથે જ દિલ્હી કાર્લાયલમાં કામ કરી રહેલા પત્રકારોને આ સર્વે અંગે કંઈ પણ લખતાં અટકાવાયા.
સિનિયર એડિટરો દ્વારા સતત કહેવાયા બાદ જ્યારે કામ કરવા દેવાયા, ત્યારે પણ હિંદી અને અંગ્રેજીના પત્રકારોને ઘણા સમય સુધી કામ કરતા અટકાવાયા. આ બન્ને ભાષાના પત્રકારો જ્યારે પ્રસારણના સમયની નજીક પહોંચી ગયા હતા ત્યારે જ એમને કામ કરવાની મંજૂરી અપાઈ.
આવકવેરા વિભાગની આ કાર્યવાહીની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણી ટીકા થઈ હતી.
ભારતમાં વિપક્ષી દળોના નેતાઓએ આ કાર્યવાહીને ‘પ્રેસની સ્વતંત્રતા પર હુમલો’ ગણાવ્યો હતો.
સતત ત્રણ દિવસ સુધી ચાલેલા આયકર વિભાગના સર્વે દરમિયાન બી.બી.સી. દેશ-દુનિયા સાથે જોડાયેલ અહેવાલો પોતાની ઑડિયન્સ સુધી પહોંચાડતું રહ્યું હતું.
બી.બી.સી.એ એમ પણ કહ્યું હતું કે “અમે ભરોસાપાત્ર, નિષ્પક્ષ, આંતરરાષ્ટ્રીય અને સ્વતંત્ર મીડિયા છે.
અમે અમારા એ સહકર્મીઓ અને પત્રકારો સાથે ખડેપગે છીએ. જે સતત આપ સુધી કોઈ પણ ભય કે પક્ષપાત વગર સમાચાર પહોંચાડતા રહેશે.”
બી.બી.સી. ડાયરેક્ટર–જનરલે મોકલ્યો ઈમેલ.
બી.બી.સી.ના ડાયરેક્ટર-જનરલ ટિમ ડેવીએ ભારતમાં સ્ટાફને એક ઈમેલ દ્વારા જણાવ્યું હતું કે બી.બી.સી. ડર કે પક્ષપાત રહિત રિપોર્ટિંગ કરતા અટકશે નહીં.
આવકવેરા અધિકારીઓ દ્વારા દિલ્હી અને મુંબઈમાં બી.બી.સી.ની ઑફિસમાં સર્ચ બાદ ડી.જી.એ સ્ટાફને આ સંદેશ આપ્યો હતો.
ટિમ ડેવીએ સ્ટાફનો તેમણે દાખવેલી હિંમત બદલ આભાર માન્યો અને કહ્યું કે નિષ્પક્ષપણે રિપોર્ટિંગ કરતાં વધુ મહત્ત્વનું કંઈ નથી.
ટિમ ડેવીએ જણાવ્યું હતું કે બી.બી.સી. સ્ટાફને તેમની કામગીરી અસરકારક અને સુરક્ષિત રીતે કરવામાં મદદ કરશે.
બી.બી.સી.ના ડાયરેક્ટર–જનરલ ટિમ ડેવી
તેમણે ઈમેલમાં કહ્યું, “ક્ષમતા સાથે ડર કે પક્ષપાત રહિત રિપોર્ટિંગ કરવાથી વિશેષ આપણા માટે વધુ મહત્ત્વનું કંઈ નથી.”
“વિશ્વભરના આપણા દર્શકો પ્રત્યેનું આપણું કર્તવ્ય સ્વતંત્ર અને નિષ્પક્ષ પત્રકારત્વ દ્વારા સત્યને ઉજાગર કરવાનું છે અને શ્રેષ્ઠ સર્જનાત્મક સામગ્રીનું નિર્માણ અને વિતરણ કરવાનું છે.
આપણને આપણું કામ કરતા અટકાવી શકાશે નહીં.
“હું સ્પષ્ટ કહેવા માગું છું કે બી.બી.સી.નો કોઈ એજન્ડા નથી – આપણે હેતુને લઈને ચાલીએ છીએ. અને આપણો પ્રથમ જાહેર હેતુ લોકોને તેમની આસપાસની દુનિયાને સમજવા અને તેમની સાથે જોડાવવામાં મદદ કરવા માટે નિષ્પક્ષ સમાચાર અને માહિતી પ્રદાન કરવાનો છે.”
બ્રિટિશ રાજકારણીઓની ચિંતા
બ્રિટિશ લેબર પાર્ટીના નેતા ફેબિયન હૅમિલ્ટને ભારત સરકારની આ કાર્યવાહી અંગે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું, “એવા લોકતાંત્રિક દેશો જ્યાં હકીકતમાં પ્રેસ પોતાનું કામ કરવા સ્વતંત્ર હોય, ત્યાં કારણ વગર ટીકાત્મક અવાજોને દબાવી શકાય નહીં અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની દરેક કિંમતે સુરક્ષા થવી જોઈએ.”
તેમણે કહ્યું, “જેથી ગયા અઠવાડિયે બી.બી.સી.ની ભારતસ્થિત ઓફિસોમાં દરોડા પડવા એ ચિંતાજનક બાબત છે, ભલેને તેનું સત્તાવાર કારણ કંઈપણ આપવામાં આવતું હોય. બી.બી.સી. વિશ્વભરમાં પોતાના ઉચ્ચ ગુણવત્તાસભર પત્રકારત્વ માટે જાણીતું છે અને તેને કોઈ પણ ભય વગર તેને યથાવત રાખવાની સ્વતંત્રતા હોવી જોઈએ.”
બ્રિટનની ડૅમોક્રેટિક યુનિયનિસ્ટ પાર્ટીના સાંસદ જિમ શૅનને કહ્યું, “આપણે એ બાબતે બિલકુલ સ્પષ્ટ હોવું જોઈએ કે આ એક ધમકાવવાની કાર્યવાહી હતી. જે દેશના નેતાની ટીકાત્મક ડૉક્યુમૅન્ટરી પ્રસારિત થયા બાદ કરવામાં આવી હતી.”
“આ ડૉક્યુમૅન્ટરી પ્રસારિત થયા બાદ ભારતમાં તેનું સ્ક્રીનિંગ રોકવાના પૂરજોશમાં પ્રયાસ કરવામાં આવ્યા. સાથે જ મીડિયા અને પત્રકારોની અભિવ્યક્તિની સ્વતંત્રતા પર દમન ગુજારવામાં આવી રહ્યું છે. જ્યારે યુનિવર્સિટીઓમાં ભણતા વિદ્યાર્થીઓએ સામૂહિક રીતે આ ડૉક્યુમૅન્ટરી જોવાનો પ્રયાસ કર્યો તો ડઝનબંધ વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી. ઘણા વિદ્યાર્થીઓએ તો ઇન્ટરનેટ અને વીજળી વગર રહેવું પડ્યું હતું.”
“ભારત સરકારની આ કાર્યવાહીની પત્રકારો, માનવાધિકાર વકીલો અને ધાર્મિક અલ્પસંખ્યકો પર ગંભીર અસર પડી. આ દરોડા સાત દિવસ પહેલાં પાડવામાં આવ્યા હતા. તે પછીથી એફ.સી.ડી.ઓ. (ફૉરેન, કૉમનવેલ્થ અને ડૅવલપમેન્ટ ઑફિસ) તરફથી કંઈ કહેવાયું નથી અને સરકાર તરફથી પણ કોઈ નિવેદન જાહેર કરાયું નથી. શું મંત્રી મને અને આ સદનને જણાવી શકે છે કે સરકાર આ મામલે ભારતીય હાઇકમિશનને પ્રશ્નો કરવા બોલાવશે અથવા આ મામલે પોતાના સમકક્ષ સામે આ મુદ્દો ઉઠાવશે?”
લેબર પાર્ટીના ભારતીય મૂળના સાંસદ તનમનજીત સિંહ ઢેસીએ પણ આ મુદ્દે બ્રિટિશ સરકારને સવાલ પૂછ્યો હતો.
તેમણે કહ્યું, “બ્રિટનમાં આપણે પ્રેસની સ્વતંત્રતાને લઈને ઘણો ગર્વ અનુભવીએ છીએ, આપણે બી.બી.સી. અને અન્ય સન્માનિત મીડિયા સમૂહો તરફથી બ્રિટિશ સરકાર, તેમના વડા પ્રધાન અને વિપક્ષી દળોની જવાબદારી સુનિશ્ચિત કરવાથી ટેવાયેલા છે.”
“આ કારણે આપણામાંથી ઘણાં લોકો ચિંતિત હતા કારણ કે ભારત એક એવો દેશ છે જેની સાથે આપણે લોકતાંત્રિક અને પ્રેસ સ્વતંત્રતાનાં મૂલ્યો વહેંચીએ છીએ અને ત્યાંની સરકારે વડા પ્રધાનનાં પગલાંની ટીકા કરનારી ડૉક્યુમેન્ટરી રિલીઝ થયા બાદ બી.બી.સી.ની ઓફિસો પર દરોડા પાડવાનો નિર્ણય લીધો. એવામાં મંત્રીએ પોતાના સમકક્ષ સાથે શું વાત થઈ એ જણાવવું જોઈએ. જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે પત્રકાર કોઈ પણ ભય વગર કે કોઈને પણ ફાયદો પહોંચાડ્યા વગર પોતાનું કામ કરી શકે.”
ડૉક્યુમૅન્ટરી
બી.બી.સી.એ તાજેતરમાં જ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર એક ડૉક્યુમૅન્ટરી પ્રસારિત કરી હતી. જેનાં કેટલાંક સપ્તાહો બાદ દિલ્હી અને મુંબઈસ્થિત કાર્યાલયોની તપાસ કરાઈ. જો કે, આ ડૉક્યુમૅન્ટરી ભારતમાં પ્રસારિત કરવા માટે નહોતી.
આ ડૉક્યુમૅન્ટરી ગુજરાતનાં રમખાણો પર હતી. એ વખતે ભારતના વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા.
આ ડૉક્યુમૅન્ટરીમાં કેટલા ય લોકોએ ગુજરાતનાં રમખાણો દરમિયાન નરેન્દ્ર મોદીની ભૂમિકા પર પ્રશ્નો કર્યા હતા.
કેન્દ્ર સરકારે ડૉક્યુમૅન્ટરીને પ્રૉપેગૅન્ડા અને કૉલોનિયલ માનસિકતા ઉપરાંત ભારતવિરોધી ગણાવતાં ભારતમાં એના ઑનલાઇન શૅરિંગને બ્લૉક કરવાનો પ્રયાસ કર્યો હતો.
બી.બી.સી.એ કહ્યું હતું કે ભારત સરકારને આ ડૉક્યુમૅન્ટરી પર પોતાનો પક્ષ રાખવાની તક અપાઈ હતી. જો કે, સરકાર તરફથી કોઈ જવાબ નહોતો મળ્યો.
બી.બી.સી.નું કહેવું છે કે “આ ડૉક્યુમૅન્ટરી પર સંપૂર્ણ ગંભીરતા સાથે રિસર્સ કરવામાં આવ્યું, કેટલા ય અવાજો અને સાક્ષીઓને સામેલ કરવામાં આવ્યા અને વિશેષજ્ઞોનો મત લેવાયો તથા અમે ભા.જ.પ.ના લોકો સહિત કેટલા ય પ્રકારના વિચારોને પણ સામેલ કર્યા.”
દિલ્હીમાં પોલીસે આ ડૉક્યુમૅન્ટરીને જોવા માટે એકઠા થયેલા કેટલાક વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી.
જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય સહિત દેશની કેટલીય યુનિવર્સિટીઓમાં આ ડૉક્યુમૅન્ટરીને પ્રદર્શિત કરવામાં આવી હતી.
જો કે, કેટલીય જગ્યાએ પોલીસ અને વિશ્વવિદ્યાલયના તંત્રે એને રોકવાના પ્રયાસો કર્યા હતા.
સૌજન્ય : નોર્થ અમેરિકામાં વસતા વિચારશીલ અને કર્મશીલ માનવીઓનું પાક્ષિક “માનવ”; 01 માર્ચ 2023; પૃ. 12-15