Opinion Magazine
Number of visits: 9658282
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બી.બી.સી. અને હેન્ડેનબર્ગ : હેડલાઈન્સની પેલે પાર

રાજ ગોસ્વામી|Opinion - Opinion|5 February 2023

રાજ ગોસ્વામી

ગયા અઠવાડિયે, ભારતમાં શાહરૂખ ખાનની તાજી ફિલ્મ ‘પઠાણ’નો હાથે કરીને ઊભો કરેલો ‘ટેક્સ્ટબૂક’ વિવાદ ચાલતો હતો (એમાં તો ખુદ વડા પ્રધાને ટકોર કરવી પડી હતી કે ફિલ્મોને લઈને બિનજરૂરી ટીકા-ટીપ્પણીઓ કરવી ન જોઈએ) ત્યારે અચનાક જ જાણે સિલેબસ બહારનો પ્રશ્ન પૂછાયો હોય તેમ બી.બી.સી.ની ડોક્યુમેન્ટરી અને હેન્ડેનબર્ગનો રિપોર્ટ આવી પડ્યો. અંગ્રેજીમાં તેના માટે ‘આઉટ ઓફ બ્લુ’ શબ્દ છે; આકાશ એકદમ ચોખ્ખું ચણાક હોય અને અચાનક જ વરસાદ આવી જાય. બંને રિપોર્ટના રાજીકીય અને આર્થિક સૂચિતાર્થ છે.

પહેલાં એ બંને રિપોર્ટ શું છે તેની થોડી વાત. 17મી જાન્યુઆરીએ, લંડન સ્થિત બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશને ‘ઇન્ડિયા: ધ મોદી ક્વેશ્ચન’ નામની બે ભાગની ડોક્યુમેન્ટરીનો પહેલો ભાગ રિલીઝ કર્યો. તેમાં, 2002નાં ગુજરાતનાં તોફાનોની વાત હતી. તે વખતે નરેદ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા. ડોક્યુમેન્ટરીએ બ્રિટિશ સરકારના રિપોર્ટ સહિત અન્ય દસ્તાવેજોની છાનબીન કરીને એવો દાવો કર્યો કે તોફાનોમાં લઘુમતી કોમ નિશાન બની હતી ત્યારે સરકારે આંખ આડા કાન કર્યા હતા અને તેને ઉત્તેજન પણ આપ્યું હતું. આ પહેલાં ભાગમાં મોદી કેવી રીતે રાજકારણમાં મોટા થયા અને કેવી રીતે તોફાનો થયાં તેની વિગતો હતી.

બીજા ભાગમાં (જે 24 જાન્યુઆરીએ રિલીઝ થયો હતો), 2019માં મોદી વડા પ્રધાન પદે ફરીથી ચૂંટાયા તે પછી કાશ્મીરની 370ની કલમ, સિટિઝનશીપ કાનૂન, કૃષિ કાનૂન અંગેના મોદી સરકારના નિર્ણયો અને 2020નાં દિલ્હીનાં તોફાનોની વાત છે. બંને ભાગનું ફોકસ, ભારતના મુસ્લિમો સાથે મોદીના સંબંધ પર છે. આ ડોક્યુમેન્ટરી ‘બી.બી.સી.-2’ પર રિલીઝ કરવામાં આવી હતી, જે ભારતમાં ઉપલબ્ધ નથી (ભારતમાં બી.બી.સી.-1 જોવાય છે).

ભારત સરકારે આ ડોક્યુમેન્ટરીને ભારત વિરોધી પ્રોપેગેન્ડા ગણાવીને પ્રતિબંધ મૂકી દીધો તેમ જ યુટ્યુબ સહિતની સોશ્યલ મીડિયા સાઈટ્સને આ ડોક્યુમેન્ટરીની લિંક ઉતારી લેવા આદેશ કર્યો. જો કે, દેશની અમુક યુનિવર્સિટીઓમાં વિધાર્થીઓએ પ્રતિબંધમાં છીંડાં પાડીને લેપટોપ પર તેના શો કર્યા. પોલીસે વિધાર્થીઓ પર કાર્યવાહી પણ કરી. બી.બી.સી.એ પ્રતિબંધના જવાબમાં કહ્યું કે તેની ડોક્યુમેન્ટરી કડક રીતે રિસર્ચ કરાયેલી છે અને તેમાં ભા.જ.પ. સહિતના અગ્રણી લોકોના અભિપ્રાય પણ છે.

દરમિયાનમાં, જનહિતની અરજીઓ કરવા માટે જાણીતા એમ.એલ. શર્મા નામના એક વકીલે સરકારના પ્રતિબંધને એકપક્ષી અને ગેરબંધારણીય ગણાવીને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. તો બીજી તરફ પત્રકાર એન. રામ અને વકીલ પ્રશાંત ભૂષણે પણ ડોક્યુમેન્ટરીની લિંકવાળી ટ્વીટ દૂર કરી દેવાના આદેશ સામે સુપ્રીમમાં અરજી કરી છે. આ બંને અરજીઓ પર 6 ફેબ્રુઆરીને સોમવારે વિચાર કરવા માટે ચીફ જસ્ટિસ ચંદ્રચુડ તૈયાર થયા છે.

25 જાન્યુઆરીના રોજ, હેન્ડેનબર્ગ રિસર્ચ નામની ન્યુયોર્ક સ્થિત ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચ ફર્મે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના ગ્રુપ પર એક રિપોર્ટ જારી કર્યો. એનું શીર્ષક હતું, “અદાણી સમૂહ : વિશ્વનો ત્રીજા નંબરનો ધનિક કેવી રીતે કોર્પોરેટના ઇતિહાસમાં સૌથી મોટી ઠગાઈ કરી રહ્યો છે.” હેન્ડેનબર્ગ ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચ ફર્મ, કોર્પોરેટ કંપનીઓ તેમના બિઝનેસમાં કેવી ઘાલમેલ કરે છે અને શેરોમાં શોર્ટ-સેલિંગ કરે છે તેના પર રિપોર્ટ જારી કરતી રહે છે. અગાઉ તેણે નિકોલા, ક્લોવર હેલ્થ, કાંડી ટેકનોલોજી, લોર્ડ્સટાઉન મોટર્સ અને ટેકનોગ્લાસ નામની કંપનીઓના ગોટાળા ઉજાગર કર્યા હતા.

તેના તાજા રિપોર્ટમાં, હેન્ડેનબર્ગે અદાણી સમૂહ પર મુખત્વે 5 આરોપ મુક્યા છે : 1. અદાણી સમૂહની કંપનીઓએ શેરોની કિંમતમાં ઘાલમેલ (મેન્યુપ્યુલેટ) કરી છે અને અકાઉન્ટ ફ્રોડ કર્યું છે. 2. અદાણી સમૂહે વિદેશમાં અનેક કંપનીઓ બનાવીને ટેક્સ બચાવાનું કામ કર્યું છે. 3. મોરેશિયસ અને કેરેબિયન ટાપુઓ જેવા ટેક્સ હેવન દેશોમાં ઘણી બેનામી કંપનીઓ છે, જેમાં અદાણી સમૂહની કંપનીઓની ભાગીદારી છે. 4. અદાણીની લિસ્ટેડ કંપનીઓ પર ઘણું દેવું છે, જેનાથી આખું સમૂહ આર્થિક રીતે અસ્થિર છે. 5. ઊંચા વેલ્યુએશનના કારણે કંપનીના શેરોની કિમત 85 ટકા જેટલી વધુ બતાવામાં આવી રહી છે. 

આ રિપોર્ટ પછી અદાણીના શેરોમાં કડાકો બોલ્યો અને માર્કેટમાં ગભરાટ ફેલાયો. કંપનીએ બે તબ્બકે આ રિપોર્ટનું ખંડન કર્યું. પહેલીવાર, કંપનીના ચીફ ફાયનાન્સિયલ ઓફિસર જગશીન્દર સિંહે વીડિયો મારફતે નિવેદન જારી કરીને કહ્યું કે, “હેન્ડેનબર્ગે રિપોર્ટ અદાણીના એફ.પી.ઓ.ને ખોરંભે પાડવાની બદઈરાદાવાળો છે.” સી.એફ.ઓ.એ આ વીડિયોમાં તેના ડેસ્કની બાજુમાં ત્રિરંગો ધ્વજ ગોઠવ્યો હતો.

હેન્ડેનબર્ગે તેને નિશાન બનાવીને વળતા બયાનમાં કહ્યું કે અમે જે સવાલો ઊભા કર્યા છે તેના તાર્કિક જવાબો આપવાને બદલે અદાણી તેની ગોલમાલને રાષ્ટ્રવાદમાં છુપાવે છે.  બીજા દિવસે, સમૂહે 413 પાનાંનો જવાબ આપ્યો. તેમાં સમૂહની આર્થિક ચોખ્ખાઈની વાતો તો હતી જ, પરંતુ અદાણીએ તેમાં એક મહત્ત્વનો ઈશારો કર્યો હતો. તેણે કહ્યું કે, “આ કોઈ એક કંપની પર અનુચિત હુમલો છે એટલું જ નહીં, તે ભારતની સંસ્થાઓની સ્વતંત્રતા, નિષ્ઠા અને ગુણવત્તા પર અને ભારતની પ્રગતિની કહાની અને મહત્ત્વાકાંક્ષા પર હુમલો છે.” સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં કોઈ કંપનીએ તેની આર્થિક ઘાલમેલના આરોપોને સમગ્ર ભારત પરના હુમલા તરીકે ઓળખાવ્યા હોય તેવી આ પહેલી ઘટના છે.

આ બંને, બી.બી.સી. ડોક્યુમેન્ટરી અને હેન્ડેનબર્ગ રિપોર્ટ, મોદી સરકાર માટે તકલીફવાળા છે. બી.બી.સી. રિપોર્ટમાં ખેર સીધું નરેન્દ્ર મોદી પર નિશાન છે અને સરકારે ઈમરજન્સી પાવરનો ઉપયોગ કરીને તેના પર પર પ્રતિબંધ મૂકી દીધો છે. ટેકનિકલી, હેન્ડેનબર્ગ રિપોર્ટ સેબી અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના દાયરામાં આવે છે અને બંને સ્વાયત્ત સંસ્થાઓ છે, પરંતુ આ રિપોર્ટ પણ વડા પ્રધાને એટલા માટે ‘અડે’ છે કારણ કે વિરોધ પક્ષો લગાતાર આરોપ મુકતા રહ્યા છે કે અદાણીની પ્રગતિ તેમની મોદી સાથેની ઘનિષ્ઠતાનું પરિણામ છે.

ત્યાં સુધી કે ખુદ ગૌતમ અદાણીએ તેનું ખંડન કરવું પડ્યું છે. તાજેતરમાં જ તેમણે પત્રકાર રજત શર્માના ‘આપ કી અદાલત’ કાર્યક્રમમાં સફાઈ આપતાં કહ્યું હતું કે તેમને કોઈ એક સરકારે મદદ નથી કરી. તેમણે કહ્યું હતું કે કાઁન્ગ્રેસના શાસનમાં રાજીવ ગાંધીની, નરસિંહમા રાવની અને ગુજરાતમાં ભા.જ.પ.ની કેશુભાઈની સરકારની નીતિઓથી અદાણીની પ્રગતિ થઇ છે.

એટલે આ બંને વિવાદના આર્થિક અને રાજકીય તાણાવાણા એકબીજામાં જોડાયેલા છે. બંને રિપોર્ટ એક સાથે જ જારી થયા તે માત્ર યોગનુગોગ છે કે ગણતરીપૂર્વકની યોજના? એક વર્ગ, ખાસ કરીને સરકારનો સમર્થક વર્ગ, એવું માને છે કે નરેન્દ્ર મોદીની સરકાર અમુક લોકો અને વર્ગને પસંદ નથી એટલે આ બંને રિપોર્ટ જારી કરવાનો સમય જાણી જોઈને પસંદ કરવામાં આવ્યો છે.

કેરળના રાજ્યપાલ આરીફ મહોમ્મદે એવો આરોપ મુક્યો કે આ વર્ષે ભારતને જી-20નું અધ્યક્ષપદ મળ્યું છે, ત્યારે જ આપણી પર બસો વર્ષ સુધી રાજ કરનારાઓ તરફથી આવો મિથ્યા રિપોર્ટ આવ્યો છે. લોકસભાની ચૂંટણી પહેલાં આવેલા બી.બી.સી.ના રિપોર્ટને મોદી સરકારે ભારતને બદનામ કરવાનું કાવતરું ગણાવ્યું છે અને અદાણી સમૂહે પણ હેન્ડેનબર્ગ રિપોર્ટને ભારત પર હુમલો ગણાવ્યો છે.

પ્રશ્ન એ છે કે બી.બી.સી. કે હેન્ડેનબર્ગને નરેન્દ્ર મોદી પાછા સત્તામાં આવે કે ન આવે તેમાં શું રસ હોય? ડિપ્લોમસીને જાણતા લોકોને આખી વાતમાં રશિયા-યુક્રેનના યુદ્ધનો એન્ગલ દેખાય છે. આ યુદ્ધમાં ભારત ખુલ્લેઆમ રશિયાની પડખે છે. પશ્ચિમના દેશો યુક્રેનને મદદ કરી રહ્યાં છે. પશ્ચિમે રશિયા સામે અનેક પ્રતિબંધો લગાવી રાખ્યા છે, પણ ભારતે તેના હિતમાં અમુક લે-વેચ ચાલુ રાખી છે. આનાથી ભારત તરફ નારાજગી પ્રવર્તે છે. ઇન ફેક્ટ, બી.બી.સી. રિપોર્ટના મુદ્દે રશિયા ભારતની તરફેણમાં બહાર આવ્યું છે. સોમવારે, રશિયન વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા મારિયા ઝખારોવાએ કહ્યું હતું કે, “આ વધુ એક પુરાવો છે કે બી.બી.સી. માત્ર રશિયા જ નહીં, પરંતુ સ્વતંત્ર નીતિઓ પર ચાલતી વૈશ્વિક તાકાતો વિરુદ્ધ અલગ-અલગ રીતે ઇન્ફોર્મેશન યુદ્ધ કરી રહ્યું છે. “અમુક વર્ષોથી બી.બી.સી. બ્રિટિશ સત્તાની અંદર પણ અમુક જૂથો વતી બીજા જૂથો સાથે લડાઈ કરી રહ્યું છે.”

એક વાત સાફ છે કે બી.બી.સી. ડોક્યુમેન્ટરી નરેન્દ્ર મોદીની ઈમેજને નુકશાન કરે તેવી નથી. અત્યારે સુધીનો રેકોર્ડ છે કે જ્યારે પણ હિંદુ-મુસ્લિમ ધ્રુવીકરણ થયું છે, ત્યારે તેમને રાજકીય રીતે તો ફાયદો જ થયો છે. ઊલટાની, આ ડોક્યુમેન્ટરી તો તેમના સમર્થકોમાં ‘મજબૂત નેતા’ની તેમની ઈમેજને વધુ મજબૂત કરે છે, પરંતુ અદાણીનો મામલો વધુ ગંભીર છે અને એટલી ઝડપથી ઠંડો પણ નહીં પડે. માર્કેટ અને મતદારોનો વ્યવહાર સરખો નથી હોતો. અદાણીની આર્થિક પ્રગતિ મોદીની રાજકીય પ્રગતિના ગ્રાફ સાથે જોડાયેલી છે એવો આરોપ ઘણા વખતથી થતો રહ્યો છે અને હેન્ડેનબર્ગ રિપોર્ટે એ ધારણાને બળ આપ્યું છે. બી.બી.સી. જેટલું નુકશાન નહીં કરી શકે તેટલું નુકશાન આ રિપોર્ટ કરી શકે તેમ છે. જોવાનું એ છે કે સરકાર કેવો અને કેટલો સમય સુધી અદાણીથી પોતાને અલગ રાખી શકે છે.

લાસ્ટ લાઈન :

“અર્થતંત્ર રૂપ વેશ બદલીને કામ કરતું રાજકારણ જ છે.”

— હેઝલ હેન્ડરસન 

બ્રિટિશ-અમેરિકન પર્યાવરણવિદ્દ

પ્રગટ : ‘ક્રોસ લાઈન’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ ગુજરાતી મિડ-ડે”, 05 ફેબ્રુઆરી 2023
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

5 February 2023 Vipool Kalyani
← હિન્ડનબર્ગ રિપોર્ટ અને અદાણી જૂથઃ આર્થિક બાબતોનું પોલું સાંબેલુ
ભાવ વધવા માટે ને વજન ઘટવા માટે હોય છે … →

Search by

Opinion

  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?
  • સેનાપ્રમુખની નિર્ણય -કટોકટી : રાષ્ટ્રીય નેતૃત્વની આઘાપાછી?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved