21 જુલાઈ 2025ના રોજ સવારે 7.30 વાગ્યે અમે આગલા ડેસ્ટિનેશન તરફ રવાના થયા અને બપોરે 1 વાગ્યે Salt Lake City પહોંચ્યા.
રસ્તામાં 9.15 વાગ્યે Idaho – ઇડાહો રાજ્યના રોડ સાઈડે એક બટાકાના ખેતર પાસે રોકાયા. ત્યાં એક નાની કેબિન હતી, કેબિનના મથાળે ‘Potatoes’ અને બંધ બારણા પર લખેલ હતું : ‘Open Come in’. કેબિનમાં કોઈ ન હતું. પરંતુ ત્યાં વેરાઈટી મુજબ બટેકાના બોક્સ મૂકેલા હતા. જ્યાં પેમેન્ટની રકમ બોક્સની અંદર મૂકી બટાકા લઈ શકાય તેવી વ્યવસ્થા હતી ! થોડાં બટાકા ખરીદ્યા અને પેમેન્ટ પેટીમાં નાખી દીધું. પેમેન્ટ કર્યા વિના બટાકાનું બોક્સ લઈને કોઈ જતું નહીં હોય એટલે જ આ વ્યવસ્થા ટકી રહી હશે ! આપણે ત્યાં કથાઓ / પારાયણો / મંદિરો / મસ્જિદોમાં ઊભરાતા કરોડો ભક્તો છે; છતાં આવી વ્યવસ્થા અમલમાં મૂકી શક્યા નથી !
કેબિન પાછળ એક મહિલા પોતાની શાકભાજીની ખેતીકામમાં વ્યસ્ત હતી. તેમની મંજૂરી લઈને અમે એપ્રિકોટ અને સફરજન ઝાડ પરથી તોડ્યાં અને ખાધાં.
ઇડાહો બટાકા, અદ્દભુત કુદરતી લેન્ડસ્કેપ્સ અને કિંમતી અને અર્ધ-કિંમતી પથ્થરોનાં કારણે જાણીતું છે. તેનું ઉપનામ ‘જેમ સ્ટેટ’ છે. ઇડાહો વિશાળ જંગલ વિસ્તારો માટે જાણીતું છે. ઇડાહો યુનાઇટેડ સ્ટેટ્સમાં બટાકાનું ટોચનું ઉત્પાદક રાજ્ય છે, જે USના બટાકાનો 30 ટકા હિસ્સો ઉત્પાદન કરે છે. ઘઉં, મકાઈ અને અન્ય ચીજવસ્તુઓનું ઉત્પાદન પણ થાય છે. ઈડાહોને ‘Potato Capital of the World’ કહે છે. બટાકાના ખેતરો કોઈપણ અન્ય પાક કરતાં વધુ ખોરાક ઉત્પન્ન કરી શકે છે. રસેટ બટાકા એ ઇડાહોની સૌથી પ્રચલિત બટાકાની જાત છે. તેમાં ઉચ્ચ સ્ટાર્ચ અને ઓછો ભેજ હોવાથી fluffy baked potatoes અને crisp French fries બને છે. એક મધ્યમ, બેકડ બટાકામાં 200 કેલરી કરતાં ઓછી કેલરી હોય છે અને તે ફાઇબર, વિટામિન C, B6 અને પોટેશિયમનો સારો સ્રોત છે. હકીકતમાં, બટાકામાંથી ખૂટતા વિટામિન્સ ફક્ત A અને D છે. 1995માં, જ્યારે સ્પેસ શટલ કોલંબિયા પર બીજ અંકુરિત કરવામાં આવ્યા ત્યારે બટાકા અવકાશમાં ઉગાડવામાં આવતી પ્રથમ શાકભાજી બની હતી !
પછી અમે બ્લેકફૂટ સિટીમાં, રસ્તા પરનું ‘Idaho Potato Museum’ જોયું. આ એક અનોખું મ્યુઝિયમ છે જે ઇડાહોના પ્રખ્યાત બટાકાને યોગ્ય રીતે પ્રદર્શિત કરે છે. બટાકાના ઇતિહાસને દર્શાવતા સમૃદ્ધ ગ્રાફિક્સ / બટાકા ઉદ્યોગની ક્રાંતિની સફર કરાવે છે. અહીં અમે ફ્રેન્ચ ફ્રાઈસ અને બટાકાના અમેરિકન ભજિયાં પેટ ભરીને ખાધાં.
આ સંગ્રહાલયના પ્રદર્શનોમાં વિશ્વની સૌથી મોટી બટાકાની ચિપ, 25 બાય 14 ઇંચની, અને USમાં બટાકાના વપરાશનો ઇતિહાસ છે. થોમસ જેફરસનના રાષ્ટ્રપતિકાળ દરમિયાન વ્હાઇટ હાઉસના મેનુ પસંદગીમાં ફ્રાઈસનો સમાવેશ થયો હતો. આ ઉપરાંત પેરુવિયન-નિર્મિત 1,600 વર્ષ જૂનાં વાસણો પણ પ્રદર્શિત કરવામાં આવ્યાં છે, જે ખાસ કરીને બટાકાના સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતા પ્રથમ કન્ટેનર હોવાનું માનવામાં આવે છે.
બટાકા મૂળ તો દક્ષિણ અમેરિકાના Andes mountains – એન્ડીઝ પર્વતોમાંથી ફેલાયા છે. જે આધુનિક દક્ષિણ પેરુ અને ઉત્તરપશ્ચિમ બોલિવિયા વચ્ચે છે. બટાકા લગભગ 7,000-10,000 વર્ષ પહેલાં ઉદ્દભવ્યા હતા. ઇન્કા લોકો 1,800 વર્ષ પહેલાં બટાકાની ખેતી કરતા હતા. તે પછી 16મી સદીમાં યુરોપમાં ફેલાયા. 17મી સદીની શરૂઆતમાં પોર્ટુગીઝ વેપારીઓ ભારતમાં બટાકા લાવ્યા. બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ પાછળથી તેની ખેતી અને વપરાશને પ્રોત્સાહન આપ્યું હતું. બટાકા બીજમાંથી ઉગાડવામાં આવતા નથી. બટાકાને ટુકડાઓમાં કાપીને જમીનમાં રોપવામાં આવે છે. બટાકા ઉગાડવામાં સરળ હોવાને કારણે તે દુનિયા આખીમાં લોકપ્રિય બન્યા છે.
વિશ્વભરમાં બટાકાની 4,000થી વધુ જાતો છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં, બટાકાની 200થી વધુ જાતો ઉપલબ્ધ છે, જેમાં સાત મુખ્ય પ્રકારો છે : રસેટ, લાલ, સફેદ, પીળો, વાદળી / જાંબલી, Fingerling – ફિંગરલિંગ અને Petite – પેટાઇટ. રસેટ સૌથી લોકપ્રિય પ્રકાર છે, ખાસ કરીને બેકિંગ, મેશિંગ અને ફ્રાયિંગ માટે.
યુનાઇટેડ સ્ટેટ્સના 30 રાજ્યોમાં બટાકા ઉગાડવામાં આવે છે. જેમાં ઇડાહો, વોશિંગ્ટન અને વિસ્કોન્સિન અગ્રણી છે. બટાકાનું ઉત્પાદન US અર્થતંત્રમાં અબજો ડોલરનું યોગદાન આપે છે અને અસંખ્ય નોકરીઓ પૂરી પાડે છે. બટાકાનાં વાવેતર, લણણી અને પ્રક્રિયા કરવા માટે અદ્યતન મશીનરીનો ઉપયોગ થાય છે. બટાકાની લણણી સામાન્ય રીતે ઓગસ્ટથી ઓક્ટોબર દરમિયાન કરવામાં આવે છે.
વિશ્વમાં 150થી વધુ દેશોમાં બટાકાની ખેતી થાય છે. જેમાં ચીન અને ભારત આગળ છે. ચીન લગભગ 95.5 મિલિયન ટન તથા ભારત 56 મિલિયન ટન ઉત્પાદન કરે છે. બટાકા ઉદ્યોગ પરિવહન વિક્ષેપો, ભાવમાં અસ્થિરતા અને અન્ય પાકોની સ્પર્ધા જેવા પડકારોનો સામનો કરી રહ્યો છે. ઉત્તર પ્રદેશ ભારતનું સૌથી મોટું બટાકા ઉત્પાદક રાજ્ય છે. ઉપરાંત પશ્ચિમ બંગાળ, બિહાર, પંજાબ, મધ્ય પ્રદેશ, ગુજરાત અને આસામનો સમાવેશ થાય છે. ભારતમાં, લોકપ્રિય જાતોમાં કુફરી જ્યોતિ, કુફરી ચંદ્રમુખી, કુફરી બાદશાહ, કુફરી જવાહર, કુફરી લાલિમા, કુફરી સિંધુરી, કુફરી બહાર, કુફરી ચિપ્સોના, કુફરી સતલજ, કુફરી અલંકાર, કુફરી અશોક, કુફરી દેવા, કુફરી મોહન, કુફરી નીલકંઠ અને કુફરી પુખરાજ સહિત અનેક બટાકાની જાતો ઉગાડવામાં આવે છે. ગુજરાતમાં, બટાકા ઉત્પાદનમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓ આગળ છે. CPRI – સેન્ટ્રલ પોટેટો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ 2050 સુધીમાં ભારતને વિશ્વનું સૌથી મોટું બટાકા ઉત્પાદક બનાવવાનું લક્ષ્ય રાખે છે.
અમેરિકામાં બટાકાના ખેડૂતો અનેક પડકારોનો સામનો કરે છે, જેમાં અણધારી હવામાન પેટર્ન, આબોહવા પરિવર્તન, માટીનું ધોવાણ, જીવાત અને રોગોનો ફેલાવો, મજૂરોની અછત અને બજારની અસ્થિરતાનો સમાવેશ થાય છે. ભારતીય બટાકાના ખેડૂતોને પણ અનેક પડકારોનો સામનો કરવો પડે છે, જેમાં ભાવમાં વધઘટ, આબોહવા પરિવર્તનની અસરો, સંગ્રહ મર્યાદાઓ અને ઊંચા ઇનપુટ ખર્ચનો સમાવેશ થાય છે. આ પરિસ્થિતિ ખેડૂતોને તેમના બટાકા ઓછા ભાવે વેચવાની ફરજ પાડે છે કારણ કે બજારમાં વધુ પડતા બટાકાના કારણે ભાવ ઘટે છે. બીજી બાજુ, જ્યારે બટાકાનો સંગ્રહ કરવામાં આવે છે અને પછી કોલ્ડ સ્ટોરેજમાંથી કાઢવામાં આવે છે, ત્યારે તે ઊંચા ભાવે વેચાય છે, જેનાથી ખેડૂતો કરતાં વેપારીઓને વધુ ફાયદો થાય છે. વધુમાં, ખેડૂતો મોંઘા બિયારણ, ખાતરો અને વધતા મજૂરી ખર્ચનો સામનો કરે છે, જેના કારણે ખેડૂતો દેવાદાર બને છે.
અમેરિકા હોય કે ગુજરાત, બટાકાના ખેડૂતોએ રસ્તા પર બટાકા ફેંકી દીધા હોવાના કિસ્સાઓ બન્યા છે, જે મુખ્યત્વે વધુ પડતા પુરવઠા અને માંગના અભાવને કારણે બને છે !
22 જુલાઈ 2015
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર