Opinion Magazine
Number of visits: 9446695
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બેરફૂટ કૉલેજ

આશા બૂચ|Opinion - Opinion|30 August 2019

ગાંધી – એક વિશ્વ માનવ શ્રેણી મણકો – 9

નામ સાંભળતાં સવાલ થાય, આ તે કઈ કૉલેજનું નામ હોઈ શકે? તેના દ્વારા થતું શૈક્ષણિક અને અન્ય અનેક દિશાઓમાં થતાં કાર્યની વિગતો જાણીને એ નામની સાર્થકતા જરૂર સમજાઈ જાય. 

ટૂંકમાં કહું તો બેરફૂટ કૉલેજ તેમના દ્વારા તાલીમ પામેલી માતાઓ થકી દુનિયાના દરેક ખૂણે પ્રકાશ રેલાવે છે.

આ કૉલેજનું લક્ષ્ય સ્પષ્ટ કરતું વિધાન છે : અમે ગ્રામ્ય વિસ્તારમાં વસતી ગરીબ પ્રજાની સંભાવ્ય શક્તિ પર પારાવાર વિશ્વાસ ધરાવીએ છીએ. બેરફૂટ કૉલેજ સ્ત્રીઓને કેન્દ્રમાં રાખીને જ્યાં ગરીબી અસ્તિત્વ ધરાવે છે તેવા દરેક સમૂહમાં ટકાઉ વિકાસ સાધવા માટે વિશ્વ સ્તરનું એક માળખું ઊભું કરવા આગળ ધપી રહી છે, જે આ પ્રકારનો પ્રથમ પ્રકલ્પ છે.

મહાત્મા ગાંધીજીએ વિદેશની રાજકીય ધુરામાંથી સ્વતંત્ર થવા પ્રયત્નો આદરેલા તેની સાથે જ સામાજિક પુનરુત્થાનની અહાલેક જગાડેલી. તેમાંનો એક કાર્યક્રમ તે ગ્રામ્ય વિસ્તારોમાં રહેતી મહિલાઓ માટે શિક્ષણ દ્વારા આર્થિક સ્વનિર્ભરતા અને મહિલા સશક્તિકરણનો હતો. તેઓ દ્રઢપણે માનતા કે જે સમાજ પોતે જ પોતાના વિકાસ માટે પ્રયાસ કરશે તો પહેલાં બીજા લોકો તેમને અવગણશે, પછી તેમની હાંસી ઉડાવશે, ત્યાર બાદ તેઓની સાથે ઝઘડો કરશે અને આખરે તેઓ જ જીતશે.  

બેરફૂટ કૉલેજે અમલમાં મુકેલ વલણો ગાંધીજીના અપનાવેલા સિદ્ધાંતોનું જ સીધું પરિણામ છે. આ સંગઠન ગ્રામોદ્ધારની ધૂણી ધખાવીને ગરમાયુ વિસ્તારોમાં વીજળી અને પીવાના પાણીની સુવિધા સ્થાનિક પ્રજા – અને ખાસ કરીને અશિક્ષિત મહિલાઓ કરે તે માટે તેમને તાલીમબદ્ધ કરવા કટિબદ્ધ છે અને પર્યાવરણની જાળવણી કરવાની સાથે જ મહિલાઓને આધુનિક ટેક્નિકની પૂરેપૂરી તાલીમ આપીને આર્થિક તેમ જ સંસાધનો ઊભા કરવાની બાબતમાં સ્વનિર્ભર બનાવવાનું એક અત્યંત મહત્ત્વનું કામ કરે છે. વધુ આનંદ થાય તો એ વાતનો છે કે માત્ર ભારતની મહિલાઓને જ નહીં, પરંતુ દુનિયાના જાણ્યા-અજાણ્યા દેશોમાં અંતરિયાળ પ્રદેશોમાં રહેતી નારીઓને સોલર મામા (Solar Mama) બનવાની તક પૂરી પાડે છે. મને તો લાગે છે કે અહીં ગાંધીજીના વિચારોને અમલમાં મુકવા માટેનું તંત્ર બદલાયું પણ તત્ત્વ સુપેરે જળવાયું છે.

આ સંગઠનનો હેતુ છે બેરફૂટના અભિગમનો દુનિયાના તમામ ગ્રામ્ય સમુદાયોમાં પ્રસાર કરવો. બીજા સમાવેશી અભિગમો આ ધ્યેય પર પાડવામાં સફળ નથી થયા, તે શિખર સર કરવાની તેમની નેમ છે. એ માર્ગમાં વિવિધતામાં એકતા સ્થાપિત કરવી એમાં જ મજા છે અને આપણી સભ્યતાની કસોટી પણ છે એમ તેનો કાર્યકારીગણ જાણે છે.

બેરફૂટ કૉલેજના ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર મેગન ફાલને (Meagan Fallon) કહ્યું છે, “અમે ગ્રામ્ય મહિલાઓ માટે અલગ પ્રકારની તકો ઊભી કરવાનું સ્વપ્ન સેવેલું. એવી તક, જેમાં તેઓ કંઈ પણ શીખવા માટે સ્વતંત્ર હોય.”

ઈ.સ. 1972થી શરૂ થયેલ આ સાહસ અત્યાર સુધીમાં 96 દેશોમાં પાંખ પસારી ચૂક્યું છે. લગભગ 10,00,000 લોકો સુધી વીજળી પહોંચાડી, અને એ કામ ‘સોલર મામા’ તરીકે ઓળખાતી મહિલાઓએ કર્યું. આશરે દુનિયા આખીના 750થી વધુ એન્જીનિયર્સના પ્રયાસોથી 1,300 ગામડાંઓને સૂર્ય ઊર્જાથી વીજળી મળી છે.

આખર આ બેરફૂટ કૉલેજ શાનું શિક્ષણ આપે છે? શું કરે છે? કહી શકાય કે તેઓ માત્ર સૂર્ય શક્તિને નાથે છે! આપણે સહુ જાણીએ છીએ કે સૂર્ય ઊર્જા વીજળી પેદા કરે છે જેના ઉપયોગથી કાર્બનનું હવામાનું પ્રમાણ ઘટે છે. સાથે સાથે તેનાથી રોજગારીની તકો વધે, કર્મચારીઓની આવકમાં વધારો થાય અને ગ્રામ્ય પ્રજાને સ્વનિર્ભર બનાવાની તક મળે. પરંતુ આટલી સાદી સીધી લાગતી બાબતનો અમલ શી રીતે થઇ રહ્યો છે એ જાણવા યોગ્ય છે.

આંતરરાષ્ટ્રીય સોલર (સૂર્ય ઊર્જા) તાલીમ કાર્યક્રમનો 2008ની સાલમાં પૂર્ણતયા પ્રારંભ થયો. ભારત સરકારની વિદેશી ખાતાની એક શાખા ઇન્ડિયન ટેક્નિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશનની સહાય બેરફૂટ કૉલેજને મળે છે. વર્ષમાં છ છ મહિનાના બે તાલીમી અભ્યાસક્રમ બેરફૂટ કૉલેજ, આઈટેક (Indian Technical and Economic Cooperation), અને ભાગ લેનાર જે તે દેશના બિનસરકારી સંગઠનની સાજેદારીથી ચાલે છે. અહીં મહિલાઓને ટેકનિકલ પ્રશિક્ષણ આપવાનું ઉત્તમ કાર્ય સહિયારા પ્રયાસોથી થાય છે.

તાજ્જુબીની વાત એ છે કે બેરફૂટ કૉલેજની તાલીમાર્થી મહિલાઓ સામાન્ય રીતે તદ્દન અશિક્ષિત દાદી કે નાની હોય છે કે જેમનાં મૂળ પોતાનાં ગામડામાં મજબૂતપણે સચવાયેલાં હોય છે. અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી પૂરી પાડીને તેઓ પોતાની કોમના વિકાસમાં મહત્ત્વનો ભાગ ભજવતાં હોય છે. કુદરતી સ્રોતોનો સમજણપૂર્વક અને જોઈતી માત્રામાં જ ઉપયોગ કરવાની શાણી વાતો આપણા પૂર્વજોએ કહેલી, જે હવે આજે સ્વીકારાઈ રહી છે. તો જુઓ, સૂર્ય ઊર્જાથી પેદા થતી વીજળીક શક્તિથી CO2 ઓછી માત્રમાં પેદા થાય, વીજળી અને ગરમી પેદા કરવા લાકડાંનો ઉપયોગ કરવા જતાં જંગલો કાપવાથી થતી વિપરીત અસરોમાં ઘટાડો થાય અને બળતણનાં લાકડાં અને કેરોસીન વાપરવાથી થતા પ્રદૂષણમાં ધરખમ ઘટાડો થાય એ વાતને લક્ષ્યમાં લઈને બેરફૂટ કૉલેજે આ અભિયાન શરૂ કર્યું. માની ન શકાય એવી હકીકત એ છે કે આશરે 2,200 અશિક્ષિત મહિલાઓ (અહીં ‘અશિક્ષિત મહિલાઓ’ શબ્દ પર ભાર મુકું છું) સોલર સિસ્ટમની ડિઝાઇન કરવામાં, તેને પોતાના ઘર કે શાળા અથવા બીજાના કામના સ્થળે ફિટ કરવામાં અને તેની જાળવણી કરવામાં નિષ્ણાત થયાં છે. મહિલા ઉત્થાનનો કેવો અનોખો પ્રયોગ!

ભારત અને અન્ય દેશોની મહિલાઓને વીજ શક્તિ ઉત્પન્ન કરનાર એન્જીનિયર્સ બનાવવા એ જાણે અપૂરતું હોય તેમ બેરફૂટ કૉલેજે ગરમ પાણી માટે પણ સૂર્ય ઊર્જાને ઉપયોગમાં લઈને સાધનસંપન્ન ન હોય તેવા વર્ગને ગરમ પાણીની સુવિધા પૂરી પાડવાનું 2000ની સાલથી માથે લીધું છે. ગ્રામ્ય વિસ્તારોના રહેવાસીઓને ધુમાડો પેદા કર્યા વિના ગરમ પાણીના હીટર મળતા થયા છે. સ્થાનિક સમાજના યુવકોને હીટર બનાવવા, ફિટ કરવા અને તેની જાળવણી કરવાની તાલીમ આપીને તેમને આ કાર્યક્રમમાં ભાગીદાર બનાવાય છે. આજે ભારતના આઠ રાજ્યોના ગામડાંઓમાં હજારો લોકોને પોતાના જ લોકો દ્વારા બનાવેલ હીટરથી ગરમ પાણીની સુવિધા પ્રાપ્ત થઇ રહી છે. આટલેથી ન અટકતા બેરફૂટ કૉલેજના નેજા હેઠળ વધુ એક સાહસનો આરંભ થયો છે. ભારતના પ્રથમ સૂર્ય શક્તિથી ચાલતા પાણીના શુદ્ધિકરણના પ્લાન્ટને સફળતા મળી છે. સામાન્ય વીજ શક્તિને બદલે 2.5 કિલો વોટની સૂર્ય ઊર્જાથી ચાલતા આ પ્લાન્ટથી પાણીમાંનો ક્ષાર અને બીજી અશુદ્ધિઓ નાશ પામે છે. એ પાણીનો એક મોટી ટાંકીમાં સંચય કરવામાં આવે છે. આ રીતે લગભગ 3,600 લિટર્સ પાણી એકઠું થાય અને એકાદ હજાર ગામડાંઓને પૂરું પાડવામાં આવે છે.

આમ તો સૂર્ય કુકરનો ઉપયોગ ઘણાં વર્ષોથી થવા લાગ્યો છે, પરંતુ બેરફૂટ કૉલેજે મહિલાઓની બેરફૂટ કૉલેજ સૂર્ય કૂકરની સોસાયટી ટીલોનિયા – રાજસ્થાનમાં સ્થાપના કરી. આ પહેલું એવું સંગઠન છે, જે અશિક્ષિત અને અલ્પ શિક્ષિત મહિલાઓ જાતે જ સૂર્ય કુકર બનાવે, ફિટ કરે અને તેની જાળવણી કરવાની પૂરેપૂરી તાલીમ આપે. આ પેરાબોલિક સૂર્ય કુકર કાચના 300 ટુકડાઓથી બનેલ હોય છે જે સૂર્યના કિરણોને તપેલીના તળિયા સુધી પહોંચાડે અને અંદરનું અનાજ રાંધી શકાય. આ રીતે જે મહિલાઓ દિવસના કલાકો ઇંધણ મેળવવા પાછળ ગાળતી અને કલાકો સુધી ધુમાડા ભરેલ રસોડામાં ચૂલો ફૂંક્યાં કરતી તેમાંથી તેમને મુક્તિ મળી અને હવે એ સમય વધુ ઉપયોગી પ્રવૃત્તિઓમાં વિતાવી શકે છે. આમ થવાથી જંગલનાં લાકડાં કપાતાં ઓછાં થયાં અને પ્રદૂષણ પણ ઘટ્યું.

બેરફૂટ કૉલેજના કાર્યના વ્યાપ અને પદ્ધતિ પર નજર નાખતાં ખ્યાલ આવશે કે તેના દરેક સભ્યોની શૈક્ષણિક લાયકાત, ઉંમર, જ્ઞાતિ કે જાતિ તેમનું ઓછું કે વધુ મૂલ્ય આંકવામાં મદદરૂપ કે બાધારૂપ નથી થતી. તેની બીજી એક ખાસિયત એ છે કે સંગઠનમાં કોઈ ઉચ્ચ પદાધિકારીઓ કે હાથ નીચે કામ કરનારાઓ એવું કોઈ સ્તરીકરણ નથી. બધાને સમાન માહિતી મળે, પોતાનો મત વ્યક્ત કરવાની મુક્તિ મળે અને પરસ્પરને જવાબદાર રહીને નિર્ણયો લે તેવી કાર્ય પદ્ધતિ અપનાવી છે. આ સ્વાયત્તતાનો ઉત્તમ નમૂનો કહેવાય. મોટા ભાગના અન્યાયો અને શોષણ કેન્દ્રીય વ્યવસ્થામાંથી જન્મે. આથી આયોજન અને તેના અમલમાં વિકેન્દ્રીય પદ્ધતિ અપનાવીને બેરફૂટ કૉલેજે તેવા દૂષણની શક્યતાને બારણાં બહાર રાખી.

કૉલેજની સ્થાપના જ એ વિચાર સાથે થયેલ કે જો લોકો પોતાના જીવનને સ્પર્શતા પ્રશ્નોનો હલ શોધવા એકઠા મળે, તો એમનામાં આત્મવિશ્વાસ જાગૃત થાય અને અહેસાસ થાય કે અમારી સમસ્યાઓને તકમાં પરિવર્તિત કરવા માટે અન્ય કોઈ પર આધારિત થવાની જરૂર નથી. બેરફૂટ કૉલેજનો પ્રયાસ છે, તેના લાભાર્થીઓ પોતાની જીવન પદ્ધતિ અને કાર્યમાં નીતિમત્તાના ધોરણો દ્વારા ગાંધી ચિંધ્યા આદર્શોને અમલમાં મૂકે. એવા આદર્શો કે જે વિશ્વ આખાને અને એકવીસમી સદીના જીવનને આજે પણ અનુરૂપ અને પ્રસ્તુત હોય. આથી જ તો વીજ શક્તિ પેદા કરવા જેવી આધુનિક ટેકનિકને ગ્રામ્ય આધારિત સંકુલમાં સ્થાપી, જેને પરિણામે ગરીબ પ્રજાનું સદીઓ પુરાણું અનુભવ જનિત સંચિત શાણપણ અને નવી ટેકનિકનો સંયોગ સાધી શકાય. આજની આંટીઘૂંટી વાળી ટેક્નોલોજીનો ઉપયોગ જરૂર કરવો, પરંતુ એનું સંચાલન અને માલિકી છેવાડાના લોકોના હાથમાં હોવા જોઈએ જેથી તેઓ અન્ય સત્તા કે સંગઠન પર નિર્ભર ન રહે અને એ રીતે શોષણ મુક્ત વિકાસ સાધી શકે. કૉલેજના સ્થાપકો અને તાલીમ આપનારાઓએ માત્ર લેખન-વાંચન શીખવે તેવા શિક્ષણ અને કેળવણી વચ્ચેનો ભેદ બરાબર સમજીને આ પ્રકારની તાલીમ શરૂ કરેલ છે.

મહિલા ઉત્થાન માટે તો સદીઓથી ઘણા નામી-અનામી સામાજિક સુધારકો દ્વારા પ્રયાસો થતા આવ્યા છે અને તેનાથી ભારતના નારી જીવનને ધીમે ધીમે ઘણી મુક્તિ પણ મળતી રહી છે. બેરફૂટ કૉલેજ મહિલાઓમાં રહેલ સુષુપ્ત શક્તિઓ અને સમાનતાના ખ્યાલનો આદર કરે છે. તો આવો, બેરફૂટ કૉલેજ દ્વારા આદરાયેલ મહાયજ્ઞનના પરિણામ સ્વરૂપ મળેલ સુવિધાઓ અને સિદ્ધિઓ જોઈએ : રાજસ્થાન, જમ્મુ અને કાશ્મીર, ગુજરાત અને મધ્યપ્રદેશમાં કુલ મળીને 530 ગામડાંઓમાં આશરે 1,735 હેન્ડપમ્પ નાખીને સાઈઠ હજાર જેટલા લોકોને પાણી પૂરું પાડ્યું છે. જો કે માત્ર હેન્ડપંપ, કૂવાઓ અને તળાવોનાં પાણી પુરવઠા પર આધાર રાખવાને બદલે વરસાદી પાણીનો સંચય કરવાનું – પાણીની ખેતી કરવાનું શરૂ કર્યું છે. આમ તો આ રીત પુરાણી છે, પરંતુ તેને નવી ટેક્નોલોજી સાથે સાંકળીને શુદ્ધ અને સલામત એવું પીવાનું પાણી પૂરું પાડી શક્યા છે. છાપરા પર પડતા વરસાદને જમીનમાં ઊતારેલી – બહુ ખર્ચાળ નહીં તેવી – ટાંકીમાં સંચિત કરીને 18 રાજ્યોમાં 90 મિલિયન વરસાદનું પાણી બે મિલિયન લોકો સુધી પહોંચતું કરીને એક સ્વસ્થ નિરોગી સમાજ ઊભો થઇ રહ્યો છે.

કોઈ પણ સંગઠન માટે 1,600 જેટલી શાળાઓ અને ગ્રામ્ય સમુદાયોને 50 બિલિયન લિટર્સ જેટલું પીવાનું પાણી પૂરું પાડવું, 1,042 જેટલા એન્જીનીનિયર્સને રોજગારી આપવી અને દક્ષિણ અમેરિકા તથા આફ્રિકા અને ભૂમધ્ય સમુદ્રના દેશોની મહિલાઓ સુધી આ ટેક્નોલોજી પહોંચાડવી એ કઇં નાનીસૂની સિદ્ધિ નથી. અહીં એવી એક સોલર મામા તાલીમની લાભાર્થી મહિલાનો પ્રતિભાવ જણાવો ઊચિત થશે. બલિઝની એક બેરફૂટ એન્જીનિયર ફ્લોરેન્ટીન પાસેથી તેનો અહેવાલ વાંચો : જિંદગી ભર તેણે પોતાના વતન માયાન ગામડામાં અંધારામાં રાત્રિઓ વિતાવેલી. ફ્લોરેન્ટીન પોતાને ઘેર વીજળીનું અજવાળું લઈ જવાની આકાંક્ષાથી બેરફૂટ કૉલેજ આવી પહોંચી. તેણે કહ્યું, “મેં કદી ધાર્યું નહોતું કે હું કોઈ પણ પ્રકારનું ઉપયોગી કામ કરી શકું. મારું જીવન મકાઈ અને કસાવાની વાવણી કરવાની આસપાસ ઘુમતું હતું. તમને ખબર છે, મેં માત્ર છ ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે. હું બહુ લખી-વાંચી નથી શકતી. મને ખબર નહોતી સોલર પેનલ એ શું છે કે સૂર્ય આપણને વીજ શક્તિ આપી શકે. અહીં આવી ત્યારે મને સૂર્ય ઊર્જાથી ચાલતો લેમ્પ જોઈને નવાઈ લાગી. પણ હવે હું જાતે આવી સોલર લાઈટ બનાવી શકું છું!”

કેટલાંક કાર્યો કરવાથી એક કાંકરે બે પક્ષી મરે તેમ કહેવાય છે, અહીં બેરફૂટ કૉલેજે તો એક સાથે છ લક્ષ્યો પર તીર સંધાન કર્યું; જેમ કે વીજ શક્તિ અને પીવાનાં પાણી જેવી મૂળભૂત જરૂરિયાતો અંતરિયાળ ગામડાંઓ સુધી પહોંચાડવી, અશિક્ષિત પ્રજાને તાલીમ આપવી, મહિલા સશક્તિકરણને અગ્રતા આપવી, ગામડાંના લોકોને શહેરના મોટા મોટા પાવર પ્લાન્ટમાં ખસેડવાને બદલે ખુદ વીજ ઉત્પાદનનો પ્રકલ્પ ગ્રામ્ય વિસ્તારમાં લઈ જવો, સૂર્ય ઊર્જાના ઉપયોગ દ્વારા પર્યાવરણની જાળવણી કરવી અને વિકેન્દ્રિત ઔદ્યોગિક સાહસ મારફત શોષણ મુક્ત અર્થ અને સમાજ વ્યવસ્થાનું નિર્માણ કરવું.

બેરફૂટ કૉલેજના સ્થાપકો, વહીવટ કરનારાઓ તાલીમ આપનારા નિષ્ણાતો અને તાલીમ લેનારા તમામને ધન્યવાદ અને સફળતા બદલ અભિનંદન. 

e.mail : 71abuch@gmail.com

Loading

30 August 2019 admin
← ‘થેંક્યુ ,ખૈયામ સા’બ : તમે મને જેલમાં જતા બચાવ્યો!’
નવાં અંગ્રેજી પુસ્તકો : ઑગસ્ટ 2019 →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved