ભારતમાં મુસલમાનો બીજે ક્યાં ય પણ હોય તેના કરતાં વધુ મુક્ત અને સલામત છે એ સાચું જ હશે પણ એ ભાવના કાયમ રહે, એ માટે આપણે એક રાષ્ટ્ર તરીકે પૂરતું કરી રહ્યા છીએ?

ચિરંતના ભટ્ટ
ગણતરીના મહિના પહેલાં કોઇને વિચાર પણ નહીં આવ્યો હોય કે ભારત અને બાંગ્લાદેશના સંબંધો આટલા તંગ થઇ જશે. આ તણાવના દાયરામાં બે દેશના સંબંધો આવ્યા તેનુ સીધું કારણ એ કે આપણે અરાજકતા અને વિરોધના સંજોગોમાં બાંગ્લાદેશનું વડા પ્રધાનનું પદ છોડીને ભારત પહોંચેલાં શેખ હસીનાને શરણ આપી. શેખ હસીનાએ પોતાના રાજકારણને, પોતાના કારભારને યોગ્ય ઠેરવવા માટે અત્યારે મોહંમદ યુનૂસની જે સરકાર ખડી થઇ તેને કારણે બાંગ્લાદેશમાં રહેતા હિંદુઓને નરસંહાર થઇ રહ્યો છે, નવી સરકાર નીચે હિંદુઓ સલામત નથી એમ ભાર દઇને કહ્યું.
સ્વાભાવિક છે કે બાંગ્લાદેશ ભડકે બળતો હોય, ત્યાં રાજકીય સામાજિક સ્થિરતા લાવવા માટે નવી સરકાર બનતા બધા પ્રયત્નો કરતી હોય એમાં દેશનું સુકાન છોડીને ચાલ્યા ગયેલાં પૂર્વ વડા પ્રધાનના આવા વિધાનો પર ભારત હા યે હા કરે તો તેનું પરિણામ સારું તો ન જ આવે. એ પણ સાહજિક છે કે બાંગ્લાદેશમાં હિંદુ વિરોધી બનાવ બને તો ભારતમાં તેનો વિરોધ થાય જ, તેમાં ય ખાસ કરીને રાષ્ટ્રીય સેવક સંઘ, વિશ્વ હિંદુ પરિષદ જેવા જૂથ હોય અને ભા.જ.પા.ની સરકાર હોય. હિંદુત્વનું પાનું ઉતરીને રાજકારણ ખેલવામાં અત્યારનો સત્તાપક્ષ પાવરધો છે, કારણ કે તે તેમના એજન્ડાનો સૌથી મોટો હિસ્સો છે. અહીં વાત હિંદુ-મુસલમાન કોમના વિગ્રહની નથી. જોવાનું એ છે કે બાંગ્લાદેશ ભડકે બળે છે ત્યારે રાજદ્વારી ઉકેલને બદલે દરેક પક્ષ કે રાજકારણી પોતપોતાની રીતે એ મુદ્દામાં ઝંપલાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.
પશ્ચિમ બંગાળને બાંગ્લાદેશના રાજકારણ સાથે નાહવા નીચોવવાનો સંબંધ નથી પણ છતાં ય મમતા બેનર્જીએ એમ કહ્યું કે યુનાઇટે નેશન્સે આ મુદ્દામાં વચ્ચે પડવું જોઇએ. મમતા બેનર્જી આ બોલ્યાં એટલે ભા.જ.પા.માં બંગાળ રાજકારણના પ્રતિનિધિ સમા સુવેન્દુ અધિકારીએ એમ કહ્યું કે ભારતના હિંદુઓ જો બાંગ્લાદેશમાં વિરોધ કરનારાઓ સાથે ભળી જશે (મુક્તિ તરફી જૂથો) તો મોહંમદ યુનૂસની ચામડી ઉતરડી નાખશે. કોઇ બીજા રાષ્ટ્રના વડા વિશે આવી ભાષામાં ટિપ્પણી કરવી કેટલું અભદ્ર હોઈ શકે તેની ચર્ચા કરવાનું પણ ઊતરતી કક્ષાનું લાગે. બીજી તરફ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્ય નાથે સંભલ જામા મસ્જિદના વિવાદને બાંગ્લાદેશની પરિસ્થિતિ સાથે સરખાવ્યો.
આપણે ત્યાં અત્યારે ‘હિંદુ’ઓ બાંગ્લાદેશમાં લઘુમતીની સલામતી માટે પ્રદર્શન કરી રહ્યા છે પણ એક રાષ્ટ્ર તરીકે આપણો વહેવાર લઘુમતી સાથે યોગ્ય છે એવું વિચારવાની તેમને – એટલે કે આપણને તસ્દી નથી લેવી. ભારતમાં કોમવાદને મામલે હાલત જરા ય વખાણવા જેવી નથી. હિંદુઓ ભારતમાં બહુમતીમાં છે, સત્તાપક્ષ હિંદુત્વ લક્ષી છે, તેમની પાસે જી.ડી.પી. અને સૈન્યની તાકત છે એટલે મુસલમાન વિરોધી અભિગમ અને તિરસ્કાર પંપાળવાની, તેનો પ્રચાર-પ્રસાર કરવાની તેમની પાસે ઇજારાશાહી છે તેવું માની બેસવું એક રાષ્ટ્ર તરીકે, એક સત્તાપક્ષ તરીકે કેટલું ખોટું કહેવાય એ સમજાવવા કે સમજવા માટે કોઇ થોથાં ઉથલાવવાંની જરૂર નથી. વિવિધતામાં એકતાના સૂત્રના તાંતણે બંધાયેલા દેશમાં કોઇપણ કોમ કે જાતિને હાંસિયામાં ધકેલાતી જોવી એ સાંસ્કૃતિક વારસાનું હનન નહીં તો બીજું શું છે. મુસલમાન કે બૌદ્ધ બહુમતી ધરાવતા દેશો હિંદુ વિરોધી લાગણી વ્યક્ત કરે તો આપણાથી સંખાતું નથી.
આપણી બિનસાંપ્રદાયિકતા આપણી તાકાત છે એ આપણે ભૂલી રહ્યા છીએ. કોઈ બીજા દેશના રાજકારણીઓના પ્રપંચમાં આપણે ભરમાઈ જઇએ એટલા કાચા પણ નથી પણ છતાં ય વિકાસલક્ષી નથી એવા એજન્ડાને ધકેલવામાં આપણને જોડાઇ જવું છે. બાંગ્લાદેશમાં હિંદુઓની ખરી સ્થિતિ કળવી સહેલી નથી, ખાસ કરીને ફેક ન્યૂઝના વખતમાં તો જરા ય નહીં. બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં જે રીતે જમાત-ઇ-ઇસ્લામી જેવા જૂથ રાજકારણમાં સીધા જોડાયેલા છે. સદ્નસીબે ભારતમાં વી.એચ.પી., રામ સેના જેવા જૂથ રાજકારણમાં સીધા નથી જોડાયેલા છતાં પણ તેમનો ચંચુપાત, સત્તાપક્ષ દ્વારા જરૂર પડે તેમનો ઉપયોગ આડકતરી રીતે થતો હોય છે. ટૂંકમાં આપણે ત્યાં, એક બિનસાંપ્રદાયિક દેશ હોવા છતાં મુસલમાન વિરોધી માહોલની ઝાળ જે લબક્યા કરે છે તે જોતાં આપણે પાડોશી દેશમાં લઘુમતીના અધિકારોને મામલે ટીકા કરવાનું ટાળવું જોઇએ.
અયોધ્યા રામ મંદિર કઈ રીતે બન્યું તેની હકીકત, મિથ્યા બધું બધા જ જાણે છે. બાબરી મસ્જિદનો ધ્વંસ અને પછી અયોધ્યા રામ જન્મભૂમિ સુધીની લાંબી સફરમાં કોમવાદનું તાપણું સતત સળગતું રખાયું. અંગ્રેજોની ભાગલા પાડો રાજ કરોની નીતિની બારીકાઈ જાણવા છતાં તેને નેવે મૂકીને હિંદુ ધર્મને આગળ કરી સાંસ્કૃતિક બિનસાંપ્રદાયિક ધરોહર પર રાજકારણ ખેલાયું. એ સાચું -ખોટુંના લેખા જોખા કરવાનો વખત હવે ગયો. પણ આપણે ત્યાં અટકી નથી રહ્યા. અત્યારે અજમેર શરીફની દરગાહ, જ્ઞાનવાપી મસ્જિદ વારાણસી, શાહી ઇદગાહ મસ્જિદ મથુરા, સંભલ શાહી જામા મસ્જિદ ઉત્તર પ્રદેશ, હાજી મલંગ દહગાહ મહારાષ્ટ્ર અને અઢાઇ દીન કા ઝોંપડા અજમેર – આ છ ધાર્મિક સ્થળો પર પ્લેસિસ ઑફ વર્શિપ એક્ટ 1991ના કાયદાને પડકારાઇ રહ્યો છે. આ ધાર્મિક સ્થળોના સરવે કરાઈ રહ્યા છે. આ તમામ હેરિટેજ સાઇટ્સ છે – આપણી સાંસ્કૃતિક ધરોહર છે પણ તેની પર આંખ મીંચીને રાજકારણ ખેલાઈ રહ્યું છે.
ભારતના મધ્ય યુગના ઇતિહાસનું મનફાવે એ અર્થઘટન કરાઈ રહ્યું છે, એ હદે કે તાજમહેલને શિવ મંદિર ગણાવવામાં ય ઘણા લોકોને બે આંખની શરમ નથી નડતી. વર્તમાન સત્તાધીશોને પ્રભાવિત કરવા માટે નક્કર પુરાવા વગરના ઇતિહાસના ગાણાં ગવાય છે. મુગલોએ મંદિરો તોડ્યાં કારણ કે તેઓમાં અંદરોઅંદર પોતાની સત્તા સિદ્ધ કરવાના યુદ્ધો ચાલતા હતા, તેમાં દર વખતે હિંદુ વિરોધી તત્ત્વ ભળેલું હતું એમ હતું જ નહીં. અજમેર શરીફ એક એવું સ્થળ છે જે હિંદુ અને મુસલમાનોને એક સરખું આકર્ષતું આવ્યું છે. અહીં મુગલો જ નહીં પણ મરાઠા, રાજપૂત રાજવીઓએ પણ ભંડોળ આપ્યું છે, તેને જીવંત રાખ્યું છે. રાજકારણની દોટમાં એકતા નહીં વૈમનસ્ય કામ લાગે છે ત્યારે અજમેર શરીફ જેવું સ્થળ જે બંન્ને ધર્મના લોકો માટે સન્માનપાત્ર રહ્યું છે એ હકીકત ગણતરીમાં જ નથી લેવાતી. વિવિધ મસ્જિદોના સરવે થવા, તેમની પર વિવાદો થવા, હિંસાના છમકલાં થવા એ બધું જ આપણા સાંસ્કૃતિક વારસા પર હુમલો છે અને તે સમજવા માટે આપણે નાગરિક તરીકે આંખો ખોલવી પડશે.
દક્ષિણ એશિયામાં વધી રહેલો કોમી તણાવ પ્રાદેશિક સ્થિરતા મોટું જોખમી બની રહ્યો છે. 2016થી નકામું બનેલ SAARC પહેલાં સંવાદ સાધવાનો મંચ બનતો પણ હવે તેનો પણ કોઈ અર્થ નથી. ભારત અને નેપાળમાં હિંદુ બહુમત છે પણ બિનસાંપ્રદાયિક રાષ્ટ્રો છે, જો કે ભારતમાં માહોલ ડહોળાતો રહે છે જેનું કારણ રાજકારણ છે. ભુતાન અને શ્રીલંકામાં બૌદ્ધ બહુમતી છે જેને સત્તાધીશોનો પણ ટેકો છે. પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને માલદિવ્ઝ મુસલમાન દેશો છે જેમાંથી માલદિવ્ઝમાં સુન્ની મુસલમાન ધર્મના પાલન પર ભાર મુકાય છે. બાંગ્લાદેશ મુસલમાન ઓળખ અને બિનસાંપ્રદાયિકતા વચ્ચે ઝોલાં ખાતો દેશ છે. આ પ્રકારના સંજોગો હોય ત્યારે દક્ષિણ એશિયાના એક મોટા, મજબૂત અને બુદ્ધિશાળી દેશ તરીકે આપણ સાંપ્રદાયિકતાની મિસાલ બનવું જોઈએ. કોમવાદની હોળીની આગમાં ઘી હોમવાનો કોઈ ફાયદો નથી. ધર્માધારિત ધ્રુવીકરણ પતન નોતરે એ પહેલાં આપણે ચેતી જવું જોઇએ કારણ કે ઉજળા ભવિષ્ય માટે સાચો, નક્કર ઇતિહાસ તેનો પાયો બને તે જરૂરી છે. ચેડાં થયેલા ઇતિહાસને આધારે ઘડાયેલું ભાવિ પોકળ હશે. દક્ષિણ એશિયામાં વિવાદો ડામવાને મામલે રાજકીય નિષ્ફળતાઓ છતાં દરેક રાષ્ટ્રમાં એક કડી છે જે સઘળું જોડી રાખે તેવી છે, તેની પર ધ્યાન કેન્દ્રિત કરી કામ થાય તે અનિવાર્ય છે. SAARCનું પુનરુત્થાન થાય, રાષ્ટ્રો વચ્ચે સહકારની ભાવના પર ભાર મુકાય અને પારંપરિક રાજકીય વાડાબંધી દૂર થાય તો વિકાસની રાહ પર મક્કમ પગલાં સાથે આગળ વધવું શક્ય બનશે.
બાય ધી વેઃ
ભારતમાં મુસલમાનો બીજે ક્યાં ય પણ હોય તેના કરતાં વધુ મુક્ત અને સલામત છે એ સાચું જ હશે, પણ એ ભાવના કાયમ રહે એ માટે આપણે એક રાષ્ટ્ર તરીકે પૂરતું કરી રહ્યા છીએ? ભારતના પ્રતિજ્ઞા પત્રમાં એક વાક્ય છે, ‘હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે.’ – આ વાક્યને કડકડાટ બોલી જનારાઓ તેને જીવવાનું ચૂકી રહ્યા છે. આવનારી પેઢીઓને આ સમૃદ્ધિ પ્રિઝમના સાત રંગમાં જોવા નહીં મળે તેનો વસવસો કરવાનો વખત આવે તે પહેલાં આપણે ચેતી જવું જોઇએ અને આ વારસાનું જતન થાય તે દિશામાં કામ કરવું જોઇએ. માત્ર હિંદુત્વ આપણો વારસો નથી, આપણી વિવધતા જ આપણો વારસો છે – આપણો યુનિક સેલિંગ પોઇન્ટ – યુ.એસ.પી. છે. ભારતના ઇતિહાસમાં એવી ઘણી ઘટનાઓ છે જે દૂઝતા ઘા સમી છે, મંદિરો તોડીને બનેલી મસ્જિદો પણ આવા ઘા છે પણ તેને ખોતરીને નવી ઈજાઓ ટાળવી જોઇએ. અનંત વિવાદોમાં ભેરવાઈ રહેવાને બદલે આપણે પ્રગતિના પંથે ચાલવું રહ્યું. વળી બાંગ્લાદેશની રાજકારણમાં રાજદ્વારી વલણ અપનાવીને બીજા દેશનો ભડકા લઈને આપણા દેશમાં હિંસા અને વેરની ચિંગારીઓ સળગાવવાનો છીછરું રાજકારણ ટાળવું જોઇએ.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 15 ડિસેમ્બર 2024