૧.

રમેશ ઓઝા
બંધારણના ચોથા વિભાગમાં માર્ગદર્શક સિદ્ધાંતો કે નિર્દેશક સિદ્ધાંતો છે જેનું અંગ્રેજીમાં શીર્ષક છે; ‘ધ ડાયરેક્ટીવ પ્રિન્સીપલ્સ ઑફ સ્ટેટ પોલિસી’. અહીં સ્ટેટનો અર્થ ગુજરાત મહારાષ્ટ્ર એવાં રાજ્યોનો નથી લેવાનો પણ રાજ્ય અર્થાત શાસન લેવાનો. કેટલીક ચીજો રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા માટે અને આધુનિક માનવીય સમાજની રચના માટે નિતાંત આવશ્યક છે, પણ અત્યારે તેને બંધારણનો ભાગ નથી બનાવવામાં આવ્યો, કારણ કે જે તે સમાજ આજે તેને માટે અનુકૂળ નથી. આને માટે સંબંધિત સમાજને તૈયાર કરવાનો છે અને પછી તે બધી હોવી જોઈતી જોગવાઈ લાગુ કરવાની છે. આ વખતે જોરજબરદસ્તી કરવી યોગ્ય નથી. ટૂંકમાં લક્ષ બતાવી આપવામાં આવ્યું હતું, વળી તે અફર હતું અને એક દિવસ ભવિષ્યના શાસકોએ તે પ્રાપ્ત કરવાનું છે એવો નિર્દેશ તેમાં કરવામાં આવ્યો છે.
ત્રણ સવાલ હતા; ૧. ભવિષ્ય એટલે કેટલું લાંબુ ભવિષ્ય? ૨. જે તે સંબંધિત સમાજ બંધારણમાં બતાવવામાં આવેલી જોગવાઈ સ્વીકારવા તૈયાર થાય એ માટે પ્રયાસ કોણ કરે? ૩. સમાજ તૈયાર થયો છે કે નહીં અને અધૂરા રહેલા લક્ષને પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે કે નહીં એ કોણ નક્કી કરે? નક્કી કરવાના માપદંડો શું હોઈ શકે? આના વિષે કોઈ નિર્દેશ આપવામાં આવ્યો નહોતો અને એ શક્ય પણ નહોતું. આ વિવેક અને નિસ્બતનો પ્રદેશ છે. બંધારણ ઘડનારાઓએ એમ માન્યું હતું કે ધીરેધીરે લોકો શિક્ષિત થશે, સારાસાર વિવેક કરતા થશે, વિજ્ઞાની મિજાજ વિકસશે, બંધારણીય મૂલ્યો લોકો સુધી પહોંચશે, લોકો તેને અપનાવતા થશે, તેમાં તેમને લાભ દેખાશે ત્યારે આપોઆપ પરંપરાગત રિવાજો અને માન્યતાઓ ક્ષીણ થતી જશે.
પણ એવું બન્યું નહીં. આધુનિક શિક્ષણ મેળવ્યા પછી પણ લોકોને સામાજિક રીતિરિવાજ અને પરંપરાનું ભયંકર આકર્ષણ વધ્યું છે અને તેમાં ઘટાડો થવાની જગ્યાએ વધારો થઈ રહ્યો છે. સ્ત્રી પોતાને સૌભાગ્યવતી ગણાવવા તલસે છે, વટસાવિત્રીનું વ્રત રાખે છે, માંગમાં સિંદુર ભરે છે, મંગલસૂત્ર પહેરે છે, કન્યામાં મંગળનો દોષ હોય તો તેનાં ઝાડ કે પ્રાણી સાથે લગ્ન કરીને દોષ દૂર કરવામાં આવે છે, હિંદુ પુત્રીઓ પારિવારિક એકતાના મહાન આદર્શ માટે પૈતૃક સંપત્તિમાં પોતાનો હક જતો કરે છે, મુસ્લિમ સ્ત્રીઓ હિજાબ અને બુરખો પહેરવામાં ગર્વ અનુભવે છે, કેટલીક ઇસ્લામના નામે તીન તલ્લાકનો પણ સ્વીકાર કરે છે, પિતાની મરજી મુજબ લગ્ન કરે છે, જાતપંચાયત પોતાની મરજી મુજબ કરેલાં લગ્નનો વિરોધ કરે અને તેને ફોક કરે તો તેનો સ્વીકાર કરી લે છે, બોહરાઓમાં સ્ત્રીઓને ખતમા કરવામાં આવે છે જેનો સ્ત્રીઓ હોંશેહોંશે સ્વીકાર કરે છે, ધર્મગુરુનો વિરોધ કરનારાઓને જાતબહાર કરવામાં આવે છે, જમીનદારી અને સામંતશાહીને શાન ગણવામાં આવે છે, સામંતશાહી મૂલ્યોનો મહિમા કરવામાં આવે છે, વર્ચસ ધરાવતી પ્રજાની તુમાખી અને રંજાડને શૌર્ય તરીકે ખપાવવામાં આવે છે, દલિતોને મૂળભૂત માનવીય અધિકારો આપવામાં આવતા નથી, ઘોડા પર કે મોટરમાં બેસીને દલિત ગામમાં પ્રવેશી શકતો નથી, સંતાન નહીં થવા માટે કે પુત્ર નહીં જન્મવા માટે માત્ર સ્ત્રીને દોષી ઠેરવવામાં આવે છે, આદિવાસીઓ પોતાનાં કાયદા મુજબ જીવે છે, નરબલિ ચડાવવાની ઘટના પણ બને છે, સતીનો મહિમા કરવામાં આવે છે, વગેરે વગેરે. યાદી બનાવો તો સમાજના કોઈ એક ઘટકને અન્યાય કરનારા અને કેટલાક તો અમાનવીય એવા પરંપરા અને રિવાજ આધારિત અન્યાય કરનારા આવા હજાર ઉદાહરણો મળી આવશે. સમાજ ઊંધી દિશામાં જઈ રહ્યો છે અને એ પણ ગર્વ સાથે.
ગયા અઠવાડિયે પંજાબના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને અકાલીદળના નેતા સુખબીર સિંહે બાદલે નતમસ્તક થઈને સીખોની સર્વોચ્ચ પીઠ અકાલ તખ્તે કરેલી સજા સ્વીકારી અને ભોગવી. તેમણે અમૃતસરમાં સુવર્ણમંદિરમાં દરવાન તરીકે કામ કરવાની શિક્ષા કરવામાં આવી હતી. તેમણે તે સજા સાચા સીખ તરીકે સ્વીકારી હતી અને અકાલ તખ્તની સજા કરવાની સત્તા પણ સ્વીકારી. તો પછી દેશના કાયદાનું શું? ન્યાય કરવાનો અને સજા કરવાનો અધિકાર બંધારણીય અદાલતોનો હોવો જોઈએ કે સમાંતરે જે તે કોમની અદાલતો પણ આ કામ કરી શકે?
એમાં સંસદીય રાજકારણ ઉમેરાયું. જે તે કોમને વોટબેંક બનાવો અને સત્તા મેળવો. જો કોઈ સમાજને વોટબેંક બનાવવો હોય તો તેમાં સબળા નબળાને અન્યાય કરે તો તેની સામે આંખ આડા કાન કરવાના. ખોટી પ્રથાઓ અને કુરિવાજો વિષે નહીં બોલવાનું, બલકે સીધી કે આડકતરી રીતે તેનું સમર્થન કરવાનું.
આ ઉપરાંત નિર્દેશક સિદ્ધાંતની વિરુદ્ધનું રાજકારણ કરવામાં આવે છે. જેમ કે નિર્દેશક સિદ્ધાંતોમાં હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવાનું કહેવામાં આવ્યું છે, પરંતુ ઉત્તર ભરતમાં હિન્દુત્વવાદીઓ હિન્દીનું અને દક્ષિણમાં દ્રવિડો હિન્દી વિરોધનું રાજકારણ કરી રહ્યા છે. એ બન્ને મળીને હિંદીને રાષ્ટ્રભાષા બનાવવા દેતા નથી. તેમને ખબર છે કે તેઓ શું કરી રહ્યા છે, પણ તેઓ જાણીબૂજીને એકબીજાની સામે બોલિંગ અને બેટિંગ કરી રહ્યા છે. બન્ને એકબીજાનું પોષણ કરે છે. ભારતમાં માત્ર મુસલમાન વોટબેંક નથી, જે કોઈ કોમ ખાસ પ્રકારની ઓળખ ધરાવે છે અને વોટની ગણનાપાત્ર સંખ્યા ધરાવે છે એ દરેક વોટબેંક છે અને તેનું તુષ્ટિકરણ કરવામાં આવે છે. આ દેશમાં એવો એક પણ પક્ષ નથી જે વોટબેંકનું રાજકારણ ન કરતો હોય. સુન્ની મુસ્લિમ સ્ત્રીઓને ઇસ્લામિક કાયદાઓથી મુક્ત કરવાનો દાવો કરનારાઓ અને દેશના કાયદાઅંતર્ગત લાવવા માટે શેખી મારનારાઓ દાઉદી બોહરાઓને અને સીખોને ધાર્મિક કાયદાઓથી મુક્ત કરવાની વાત કરતા નથી.
ભારતમાં બંધારણ ઘડાયું તેને ૭૫ વરસ થયાં. ભારત દેશને અને ભારતીય સમાજને સંપૂર્ણપણે માનવીય અને આધુનિક બનાવવા માટે જે નિર્દેશો આપવામાં આવ્યા છે તે સાકાર કરવામાં આવતા નથી. પરંપરાને જાળવી રાખવામાં લાભ જોનારા જે તે સમાજના વગદાર લોકો અને એ વગદાર લોકોને સાથે લઈને વોટબેંકનું રાજકારણ કરનારાઓ આ થવા દેતા નથી. પરંપરાનું ઓળખ, અસ્મિતા અને સંસ્કૃતિના નામે ઉદાત્તીકરણ કરવામાં આવે છે. આપણે મહાન કારણ કે આપણી સ્ત્રીઓ મર્યાદાઓનું પાલન કરે છે, પુરુષોની આમન્યા રાખે છે, બાળકો વડીલોની આજ્ઞાનું પાલન કરે છે. એમાં રહેલા અન્યાયને જોવામાં આવતો નથી. જો કોઈ ધ્યાન દોરે તો આંખ આડા કાન કરવામાં આવે છે. નિર્દેશક સિદ્ધાંતો સાકાર ન થઈ શક્યા એનું એક કારણ શિક્ષણ પણ છે. આપણી કેળવણી માણસને ઘડવામાં નિષ્ફળ નીવડી છે, તે માત્ર જીવનનિર્વાહ કરી શકે એવા ભણેલાઓને પેદા કરે છે, ટકોરાબંધ માણસને નહીં.
પણ આની વચ્ચે એક રાજકીય દૃષ્ટિકોણ પણ છે જે એમ કહે છે કે વ્યાપક રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને બંધારણમાં બતાવવામાં આવેલા કેટલાક નિર્દેશક સિદ્ધાંતોને લાગુ કરવામાં ઉતાવળ ન કરવી જોઈએ. અને આવું કહેનારા અત્યંત પ્રમાણિક અને મેધાવી લોકો છે. પહેલી હરોળના સમાજશાસ્ત્રીઓ છે. એ કેટલાક નિર્દેશક સિદ્ધાંતો એટલે કયા? અને શા માટે? આની ચર્ચા હવે પછી.
૨.
દેશની એકતા અને અખંડિતતા માટેનો માર્ગ શું ?

રમેશ ઓઝા
સીખોની ધર્મપીઠ (અકાલ તખ્ત) ભારતના રાષ્ટ્રપતિ, દેશના ગૃહ પ્રધાન, પંજાબના એકથી વધુ આજી-માજી મુખ્ય પ્રધાન અને બીજા બે ડઝન નેતાઓને ધર્મદ્રોહ કે સીખ કોમ સાથે દ્રોહ માટે અપમાનજનક શિક્ષા કરે, વ્હોરાઓના ધર્મગુરુ દાઉદી વ્હોરાઓ ઉપર સમાંતરે શાસન કરે, તેમને શિક્ષા કરે, દક્ષિણના કેટલાક લોકો હિન્દીને દેશની રાષ્ટ્રભાષા બનવા ન દે, આદિવાસીઓ પોતાનાં અલગ કાયદાઓનું પાલન કરે અને તે જાળવી રાખવાનો આગ્રહ કરે, મુસલમાનો પર્સનલ લોઝનો આગ્રહ રાખે, ઈશાનનાં રાજ્યો તેમની અસ્મિતા જાળવી રાખવાનો આગ્રહ કરે, કાશ્મીરીઓ આર્ટીકલ ૩૭૦ અને સ્વાયત્તતાનો આગ્રહ કરે, એક જ ભાષા બોલનારા લોકો હજુ વળી પેટા અસ્મિતાના નામે અલગ રાજ્યની માગણી કરે, કોઈ પણ જાતિ ધારે ત્યારે પોતાને પછાત જાહેર કરીને અનામતની જોગવાઈની માગણી કરે, કોઈ વળી દેશના કાયદા કરતાં જ્ઞાતિના કાયદાઓને કે રિવાજોને સર્વોપરી ગણે તો દેશની અખંડતા અને એકતા સધાય કેવી રીતે અને સાધી પણ લઈએ તો જળવાય કેવી રીતે? ભારતની અનેક પ્રજાને એક સરખા કાયદા અને એક સરખાં બંધારણીય જીવનમૂલ્યો સાથે જીવવું નથી અને તેમને પોતાનું નોખાપણું કે પોતાપણું જાળવી રાખવું છે. ચર્ચાનો આ મુખ્ય મુદ્દો છે. બંધારણ ઘડનારાઓ તો કહેતા ગયા છે કે જે કામ અમે નથી કરી શક્યા અથવા વ્યાપક દેશહિતમાં અત્યારેને અત્યારે જ કરવું હિતાવહ નથી લાગ્યું એ કામ તમે ભવિષ્યમાં કરજો, પણ કરજો અચૂક. દેશને જોડવાનો છે.
પોણી સદીનો અનુભવ એવો છે કે અનુકૂળતા પેદા તો નથી થઈ, પણ કેટલીક બાબતે પ્રતિકૂળતા પેદા થઈ છે. ચૂંટણી જીતવા માટેના અને સત્તા માટેના સંસદીય રાજકારણે પોતાપણાને નામે નોખાપણાને પ્રોત્સાહન આપ્યું છે. દરેકની પોતપોતાની વોટબેંક છે. ભા.જ.પ.ની પણ છે. એ મુસલમાનોની વાત આવશે તો એક દેશ એક કાનૂનની વાત કરીને રાષ્ટ્રવાદી બની જશે, પણ સીખોની બાબતે ચૂપ રહેશે.
તો આનો ઉપાય શું એ ચર્ચાનો બીજો મુદ્દો છે. ધીરજ ધરો એમ કોઈ કહેશે તો ક્યાં સુધી અને કેટલી ધીરજ રાખવાની? એમાં કોઈ શંકા નથી કે દેશની એકતા અને અખંડિતતા જાળવી રાખવા માટે ભારતનો પ્રત્યેક નાગરિક માત્ર બંધારણ દ્વારા શાસિત હોવો જોઈએ. દેશની એકરાષ્ટ્ર ભાષા હોવી જોઈએ, એક સરખી રાષ્ટ્રીય નિષ્ઠા હોવી જોઈએ. આ ઉપરાંત અને આનાથી પણ વધારે નાગરિકને તેની અંગત સ્વતંત્રતા હોવી જોઈએ. આ તેનો અધિકાર છે. એમાં તેનું ગૌરવ રહેલું છે અને ગૌરવ જાળવવાનો તેનો અધિકાર છે અને રાજ્યની ફરજ પણ છે. ધર્મગુરુઓ અને ધર્મપીઠોને કે જાતિના ઠેકેદારોને કોણે સત્તા આપી કે તેઓ સમાંતરે ચોક્કસ પ્રજા પર રાજ કરે?
આ પ્રશ્નના ઉત્તરમાં બે ફાંટા પડે છે અને તે સમજવાની જરૂર છે. એક અભિપ્રાય એવો છે કે રાષ્ટ્રના ઇતિહાસમાં ૭૫ વરસ એ કોઈ બહુ મોટો સમયગાળો ન કહેવાય. સામાજિક રસાયણો રાતોરાત પેદા નથી થતાં. કાયદા ઘડવાથી નથી થતા. એની સ્વાભાવિક પ્રક્રિયાને સમય આપવો જોઈએ. તેઓ એ વાતે ચિંતિત છે કે જો એ પ્રક્રિયાને પૂરતો સમય આપવામાં નહીં આવે અને તેના પર તાકાત અજમાવવામાં આવશે તો ફાયદા કરતાં નુકસાન વધુ થશે. સીખોની ધર્મપીઠ સીખો પર સમાંતરે શાસન કરે અને ભારતના રાષ્ટ્રપતિ અને મુખ્ય પ્રધાનને સજા કરે એ સેક્યુલર લોકતાંત્રિક દેશ માટે કલંક છે, પરંતુ સીખોમાં નોખાપણાની માનસિકતા પ્રબળ છે એટલે થોડો સમય આપવો જોઈએ. જબરદસ્તી કરવામાં ફાયદા કરતાં નુકસાન વધુ છે એમ કહેતી વખતે તેઓ દલીલ કરશે કે મૂળમાં સીખોમાં નજીવી પોતાપણાની ભાવના જ માત્ર હતી જેને પંજાબના હિન્દુત્વવાદી આર્યસમાજીઓએ દિવસરાત સીખોની નિંદા કરીને પોતાપણાની ભાવનાને નોખાપણામાં ફેરવી. રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય એકતાના ઠેકેદારો દિવસરાત જે તે પ્રજા પર નજર રાખે છે, તેને રાષ્ટ્રવાદ અને દેશપ્રેમને ત્રાજવે તોળતા રહે છે, તેને બારોબાર દેશદ્રોહી જાહેર કરે છે, તેમની નિંદા કરતા રહે છે, વગેરે. ચોવીસ કલાક મેળવેલા દૂધમાં આંગળી નાખીને તપાસ્યા કરો તો દહીં જામે કઈ રીતે? ટૂંકમાં દેશની એકતા અને અખંડતામાં બાધા નાખવાનું કામ તેના બની બેઠેલા ઠેકેદારો પણ કરે છે.
કાઁગ્રેસના શાસકોનું વલણ એવું હતું કે ઉપરની દરેક બાબતે જે તે પ્રજાને સમય આપવો. એટલે તો તેમણે બંધારણ ઘડતી વખતે કેટલીક બાબતો ભવિષ્ય પર છોડી હતી. તેઓ એ સાથે જે તે પ્રજાની અલગ જોગવાઈને પાતળી પાડતા જતા હતા. જેમ કે આર્ટીકલ ૩૭૦માં હવે બચ્યું છે શું? એવો સવાલ દેશના નિવૃત્ત મુખ્ય ન્યાયમૂર્તિ ધનંજય ચન્દ્રચૂડે પૂછ્યો હતો. કાઁગ્રેસના શાસકોએ ધીરેધીરે આર્ટીકલ ૩૭૦ને નિષ્પ્રાણ બનાવી નાખ્યો હતો. તમારે મમમમ સાથે કામ છે કે ટપટપ સાથે? આવું જ ઇશાનરાજ્યોની બાબતમાં. આવું જ હિન્દીની બાબતે. જોગવાઈ કાયમ ભલે રહે, પણ તેમાંથી અસ્થીમજ્જા ઘટાડતા રહો. કાઁગ્રેસીઓની આવી ચાલાકી જોઇને તેનો વિરોધ કરવા માટે જે તે અસ્મિતાઓને બચાવવાના નામે પ્રાદેશિક પક્ષો ફૂટી નીકળ્યા હતા. જમ્મુ અને કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સથી લઈને દક્ષિણમાં દ્રવિડ મુનેત્ર કળગમ્ અને મહારાષ્ટ્રમાં શિવસેનાથી લઈને મણિપુરમાં નેશનલ પીપલ્સ પાર્ટી સુધીના સેંકડો પક્ષો અસ્તિત્વમાં આવ્યા છે. આ બધા પક્ષો કાઁગ્રેસના રાષ્ટ્રીય એકતાના છૂપા એજન્ડાનો વિરોધ કરવા પેદા થયા હતા.
બી.જે.પી.નું વલણ આનાથી બીજા છેડાનું હતું અને વધારે ચાલાકીવાળું હતું. બહુ ઘોંઘાટ કર્યા વિના અને જોગવાઈનો ઊઘાડો વિરોધ કર્યા વિના જે તે જોગવાઈમાંથી અસ્થી-મજ્જા કાઢી લેવાના કાઁગ્રેસના ચાલાકીયુક્ત પણ સપાટી પરના લચીલાપણાને ભા.જ.પે. કાયરતા તરીકે ખપાવવાનું શરૂ કર્યું. કાઁગ્રેસીઓ નમાલા છે એટલે દેશની એકતા અને અખંડતાનો વિરોધ કરનારા દેશદ્રોહીઓ છાતી પર ચડી બેઠા છે, તેમને લાડ કરવામાં આવે છે એટલે આ નમાલાઓ શું દેશને સુરક્ષિત અને અખંડ રાખવાના! એમાં વોટ્સેપ યુનિવર્સિટી આવી એટલે એમાં સ્નાતક થયેલા અલ્પબુદ્ધિ દેશભક્તો વાજિંત્ર બની ગયા. આ બાજુ બીજા છેડે ભા.જ.પ.ના નેતાઓ અસ્મિતાઓનું રાજકારણ કરનારા અને માત્ર પોતાપણાનું નહીં, નોખાપણાનું રાજકારણ કરનારા પ્રાદેશિક પક્ષો સાથે ચૂંટણી સમજુતી કરતા હતા અને હજુ કરે છે. કાઁગ્રેસીઓ નમાલા છે, પણ નોખાપણાનું રાજકારણ કરનારાઓ અમારા મિત્રો છે. અને દેશની એકતા અને અખંડિતતાનાં મહાન યજ્ઞમાં બાધા નાખવા માટે લલકારવાના કોને? માત્ર મુસલમાનોને. મુસલમાનોને લલકારશો એટલે અલ્પબુદ્ધિ દેશભક્તો નશામાં રહેશે કો કોઈ દેશનો વાળ પણ વાકો કરી શકે એમ નથી. જમ્મુ અને કાશ્મીરમાંથી આર્ટીકલ ૩૭૦ હટાવ્યો એ તો મરેલાને મારી નાખવાનું પરાક્રમ હતું.
આની સામે પ્રબુદ્ધ નાગરિક સમાજની પણ એક ભૂમિકા રહી છે. જયપ્રકાશ નારાયણ આમાં પહેલા હતા. એકંદરે તેમનો મત એવો છે કે મરાઠાઓ અને પટેલો અનામતની જોગવાઈની માગણી કરે તો તેનો વિરોધ કરો, પણ છેવાડાની પ્રજા અને સરહદી રાજ્યોની પ્રજાના આગ્રહોની બાબતે ઉદારતા દાખવો. તેઓ તો જે તે જોગવાઈમાંથી અસ્થી-મજ્જા કાઢી લેવાના કાઁગ્રેસીઓના વલણનો પણ વિરોધ કરતા હતા. આ છેતરપિંડી છે અને છેતરપિંડીની પણ કિંમત ચૂકવવી પડશે. દેશ ક્યાં હાથમાંથી સરકી ગયો છે કે સરકી જવાનો છે! જે તે પ્રજા અને પક્ષો કરતાં રાજ્ય (લશ્કર અને શસ્ત્રસરંજામ વાંચો) હજારગણી તાકાત ધરાવે છે. અનેક વિદ્રોહને કચડી નાખ્યા છે અને ભવિષ્યમાં કચડી શકે એમ છે. ન છેતરપિંડી કરો કે ન દેશપ્રેમના નામે આળા થઈને નિંદાજન્ય ઘોંઘાટ કરો. આના દ્વારા ફાયદા કરતાં નુકસાન વધુ થશે. સમય આપો. એકાદ સદી રાષ્ટ્રના ઇતિહાસમાં બહુ લાંબો સમય ન કહેવાય. અને એમાં જરા ય આશ્ચર્ય ન થવું જોઈએ કે ભા.જ.પ.ના નેતાઓએ જયપ્રકાશ નારાયણની પણ આંગળી પકડી લીધી હતી!
વાચાળતા અને ઘોંઘાટ છીછરા દેશપ્રેમનો સ્થાયીભાવ છે. પણ તમે વિચારો કે દેશહિતમાં કેવું વલણ અપનાવવું જોઈએ? ક્યાં અસહિષ્ણુ બનવું જોઈએ અને ક્યાં સહિષ્ણુ બનવું જોઈએ? ક્યાં ધીરજ ધરવી જોઈએ અને ક્યાં ઉતાવળા થવું જોઈએ? દેશની એકતા અને અખંડિતતા માટેનો માર્ગ શું હોઈ શકે?
પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 15 તેમ જ 22 ડિસેમ્બર 2024