Opinion Magazine
Number of visits: 9448927
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બાલુભાઈ મગનલાલ દેસાઈ – ઘાસવાલા ઉર્ફે મોટાકાકા : કઠોરતાની ભીતર કરુણા

બકુલા ઘાસવાલા|Opinion - Opinion|22 June 2021

પિતૃદિને શ્વસુરજીનું વ્યક્તિચિત્ર

વલસાડમાં એક સમય એવો હતો કે મોટાકાકા બોલો એટલે પરિચિતો સમજી જાય કે બાલુકાકાની વાત થઈ રહી  છે. વાસ્તવમાં અંતર્મુખી, બે શબ્દની જરૂર હોય તો એકનો ઉપયોગ કરે, મોટા કુટુંબ-કબીલામાં પોતે કોઈને અંગત નિર્ણય લેતા ન રોકે અને સામી વ્યક્તિની અંગત સ્વતંત્રતાને માન આપે પણ ઈચ્છે કે પોતે કહ્યું તે થાય એટલે એ કામ મોટા ભાગે એમના વતી કીકુકાકા અને નાનાકાકા કરે. વળી દરેક વખતે બાઈ તો એમની મોટી ઢાલ! એને મોટાકાકા વતી મુકાદમગીરી કરવામાં કોઈ સંકોચ નહીં એટલે એણે પોતાનાં સાતેસાત સંતાનોને સીધાં દોર અને મુઠ્ઠીમાં રાખ્યાં ને સંસારલીલામાં ઝઝૂમતાં રાખ્યાં એમાં શ્રવણકુમાર મારો ઘરવાળો અશોક શિરમોર. હા, તો મૂળ વાત મોટાકાકાની જ કરીએ.

મોટાકાકા સગપણે મારા શ્વસુરજી અને બાઈ ઉર્ફે શાંતાબહેન મારાં સાસુમા. બાળપણથી જ કુટુંબના વડા દીકરા તરીકે બાલુકાકાને આદરમાન મળતું એટલે પછી એ કાયમી રહ્યું. પહેલાં તો મુંબઈની મુખ્ય પોષ્ટ ઓફિસમાં નોકરી કરી, પરંતુ પછી વલસાડ જ સ્થાયી થયા. પહેલાં હનુમાન શેરી ,છીપવાડને નાકે ગોદામ અને છેલ્લા દિવસોમાં જલતરંગ, હાલર રોડ ખાતે રહ્યા. વલસાડમાં રહ્યા તે દરમિયાન ઘાસ, કેરી અને ચીકુનો વેપાર વિકસાવ્યો. કીકુકાકા હરહંમેશ સાથે ને સાથે. પોતાના સાત સંતાન અને પોતે સાત ભાઈબહેનો એવો મોટો મસ કબીલો પણ સંતાનો માટે વહેરોવંચો બિલકુલ નહીં. મારું લગ્ન થયું ત્યારે કુટુંબની સ્ત્રીઓ, બાળકો અને  પુરુષો પોતપોતાની રીતે અલગ રસોડે જમવા મથી રહ્યાં હતાં પરંતુ સમજાતું નહીં કે કોણ કોને વધારે ચાહે છે! એક બાજુ રાજકારણ, સમાજકારણ કે આર્થિકકારણે ગરમાગરમ ચર્ચા ચાલતી હોય, આપણને એમ લાગે કે હવે આ લોકો એકબીજા સાથે નહીં બોલે અને મોઢું પણ નહીં જુએ ત્યાર રસોડામાં બાઈ કોઈને કે કોઈને મગજ ખવડાવતી હોય એવું દ્રશ્ય જોવા મળે! વળી મોટાકાકા બોલ્યા એટલે બ્રહ્મવાક્ય!

દિવાળીની આસપાસ ખાસ કરીને શ્રાદ્ધના દિવસો અગાઉથી ઘાસકાપણી શરૂ થાય, કદાચ ડિસેમ્બરથી માર્ચ ચીકુ અને પછી કેરી પાડવાનું શરૂ થાય અને ભર તાપમાંથી મોટાકાકાનું ઘરમાં આગમન થાય એટલે સોય પડે તો પણ અવાજ સંભળાય એવું પીન ડ્રોપ સાયલન્સ! રેડિયો જ મનોરંજનનું સાધન હતો એટલે રેડિયો ચાલુ હોય તો સ્વીચ ઑફ્ફ! એક પ્રકારની લશ્કરી શિસ્ત! એમને હાથમાં પાણી માંગવાની આદત ન હતી એટલે પાણિયારે પાણી પીવા આવે પણ નજરેથી કાંઈ ન ચૂકે! મેં તો એમને ખાસ હસતા ન જોયેલા પણ કેરીબજારમાં સતીશ, ઘાસની ગોદીએ અદીભાઈ એ બધા સાથે બેસતા તેથી હવે ક્યારેક વાતવાતમાં તેઓ કહે કે બાલુકાકાની વાત જુદી! અમારી સાથે તો ખૂબ ખીલતા ને વાત કરતા! બાકી એમનો પહેરવેશ અને ખોરાક સાદો. ખાદી અપનાવ્યા પછી આજીવન ખાદીધારી રહ્યા. પ્રથમ દર્શને કઠોર લાગે. આંખોમાં એ જ રૂક્ષતા, બોલી બરછટ લાગે પણ એમને જેટલા કડક ગણવામાં આવતા એટલા કડક તે ન હતા એવું હવે મને લાગે છે. ૮૬ વર્ષની જીવનયાત્રા અને સિત્તેર વર્ષની દામ્પત્યયાત્રા એમને પલ્લે રહી.

એમના વિશે સાંભળેલી વાત લખું તો કલ્પનાતીત લાગે! પ્રજાસમાજવાદી ડો. અમૂલ દેસાઈ એમના નાનાભાઈ. મોટાકાકાએ વલસાડમાં જે મૂળ સોતું કાર્યબીજ રોપેલું અને એમના પિતાજી મગનકાકાનો જે મિજાજ હતો તેના આધારે પ્રજાસમાજવાદીઓને મોરારજીકાકાના ગઢમાં પ્રવેશ મળ્યો. મોરારજીકાકાને વિશ્વાસ હતો કે પોતે ચૂંટણી ન હારે! મૂળભૂત તો મગનકાકા અને મોરારજીકાકા મિત્રો હતા પરંતુ મગનકાકાને મોરારજીકાકાનો આત્મવિશ્વાસ વધારે પડતો લાગેલો અને તેઓ આમને સામને થઈ ગયા. એમના પુત્ર અમૂલભાઈ ડોક્ટર તો ખરા સાથે નિર્ભય અને સ્પષ્ટવક્તા, બુદ્ધિશાળી તો ખરા જ. એમને પ્રજાસમાજવાદીઓએ પસંદ કર્યા અને પછીની બધી વાત ઇતિહાસ છે. મોરારજીકાકા હાર્યા. ૧૯૫૩થી લગભગ ૧૯૬૯ સુધી પારડી ખેડ સત્યાગ્રહ ચાલ્યો. ૧૯૮૪-૮૫ સુધી તો એ સત્યાગ્રહની યાદમાં નીકળતી રેલીમાં આવતા નેતાઓ, મિત્રો માટે વલસાડનું સરનામું બાલુકાકાનું ગોદામનું ઘર હતું.

નવનિર્માણ આંદોલન પછી ઘાસવાલા પરિવારમાં રાજકારણના નામે ઉદાસીનતા શરૂ થઈ ચૂકેલી. તે પહેલાં ગુજરાત અને વલસાડનાં રાજકારણમાં ખાસ કરીને નગરપાલિકામાં બાલુકાકાનું અને રાજ્યસ્તરે અમૂલકાકાનું નામ ગણાતું તો ખરું. મોટાકાકા લગભગ પાંચેક મુદત સુધી નગરપાલિકાના સભ્ય તરીકે ચૂંટાયેલા એવું અશોકની સ્મૃતિમાં છે. મોટાકાકા હોય કે અમૂલકાકા એમને વિરોધપક્ષે બેસવાની જેટલી ફાવટ તેટલી સત્તાપક્ષે નહીં! લોકશાહીમાં વિરોધપક્ષ તો બોલકો ને મજબૂત હોવો જ જોઈએ એ મિજાજ બરકરાર. બાકી નગરપાલિકાનો મતદાર વિભાગ, ઘાસકાપણીના શ્રમજીવીઓ અને પશુચારા માટે ઘાસની વ્યવસ્થા હોય કે મુંબઈમાં દાક્તરી મદદ માટે વલસાડથી કોઈએ પણ જવાનું હોય મોટાકાકાના વલસાડનાં ગોદામનાં કે અમૂલકાકાની વૃંદાવન હોસ્પિટલનાં અને ઘરનાં બારણાં ચોવીસે કલાક ખુલ્લાં. તે સમય એવો હતો કે ગોદામના નાકે શેરડીના રસનાં કોલાનું ભાડું કે મુંબઈની સાઉથ ઈન્ડિયન રેસ્ટેરન્ટ અરાસાનું ભાડું કોઈ વાર આવે જ નહીં કારણ કે નાસ્તાપાણી અને મહેમાનગતિમાં જ પૂરું થઈ જાય! અમૂલકાકા તો નાતજાતથી પર એટલે શુભ પ્રસંગે જાહેર જમણવાર માટે વાત અલગ પણ મોટાકાકાને લોકોને જમાડવામાં ભારે રસ. પ્રસંગોપાત્ત અમે સુધારાની કે ઓછાં માણસોની વાત કરીએ તો કહેતા કે હારાં ખરાં રેજાલાં ને ચિહટાં દેહું!

પ્રજાસમાજવાદી વિચારધારાનો પલટો કોંગ્રેસ તરફ ઢળ્યો ત્યારે મોટાકાકા સ્વતંત્ર પક્ષ તરફ ઢળ્યા અને ૧૯૬૭માં વલસાડમાં વિધાનસભાની બેઠક પર ઊભા રહી ડો. કેશવભાઈ પટેલ સામે ચૂંટણી હારેલા. આમ પ્રજાસમાજવાદી કે સ્વતંત્ર પાર્ટી બન્નેને વલસાડ પ્રવેશમાં ઘાસવાલા કુટુંબ નિમિત્ત ખરું. એ અર્થમાં એમને માટે વલસાડ સામા પૂરે તરવાનું સ્થળ ગણાય પણ તેઓ અડગ, અડીખમ ને મજબૂત રહ્યા તેમાં વિશાળ પરિવારની, મિત્રોની અને ઘડોઈનાં નવઘરની એકતા બરકરાર હતી એવું હવે મને લાગે છે. જો કે પછી બન્ને પક્ષ રહ્યા નહીં અને તેઓ બન્ને ભાઈઓ પણ ઇન્દિરા કોંગ્રેસમાં જોડાયા. અને હવે તો ઘાસવાલા પરિવારના કેટલાક સભ્યોનો ઝોક ભા.જ.પ. તરફ પણ ખરો.

દર વરસે ઘાસના ભાવ નક્કી કરવાનો સમય આવે. ક્યારેક લીલો તો ક્યારેક સૂકો દુકાળ હોય તો વેપારી અને સરકાર બન્ને વચ્ચે સંતુલન રાખવું પડે, મોટાકાકા ઘરે આરામ ખુરશીમાં ઝૂલતા હોય તો કલેક્ટર એમને મળવા આવે અને પૂરતું માન આપી એમની સાથે પરિસ્થિતિને પહોંચી વળવાની વ્યૂહરચના ગોઠવે તે તો અમે પણ જોયેલું. પોતે પણ કલેક્ટરાલયમાં જાય, કોઈ વાર ઠરાવ ને આવેદનપત્ર વગેરે પણ આપવાના હોય કે ઘાસના ભાવ પણ નક્કી કરવાનાં હોય ત્યારે સાથે એમની વેપારી મંડળી હોય, નક્કી કરીને જાય કે કલેક્ટરની સામે અંદરોઅંદર ગરમાગરમીનું નાટક પણ કરવાનું ને કરે જ. પછી થાબડભાણાં થાય ક્યારેક પોતે ધારેલું કરે ને ક્યારેક જનહિતમાં જતું પણ કરે. ક્યારેક ગાંધીનગર પણ જાય અને મંત્રીઓને મળે ત્યારે નાદુરસ્ત તબિયતને લીધે પોતાનું ખાવાનું ઘરેથી લઈ જાય પણ બાકીના સાથે હેવમોર વડોદરા જાય જ અને મરચાં વગરનું ભોજન પણ થોડું આરોગે! ઘરેથી વડાં-પૂરી લઈ જાય, મારે હજી એની બાઈ જેવી ગુણવત્તાની પરીક્ષા અદીભાઈને આપવી પડતી હોય છે જેમાં મને મઝા પણ આવે છે. મને બરાબર  યાદ છે કે ઘરે પાપડ વણવા બે’નો આવે અને બાઈ જો મજૂરી માટે રકઝક કરે તો મોટાકાકા પૂરતી મજૂરી ચૂકવવાનો આગ્રહ રાખે. એક વાર ઘરકામ સહાયકે તેલ લીધું એટલે બાઈને ચોરીનો વહેમ પડ્યો, બાઈ ગરમ પણ મોટાકાકા કહે કે ચોરી એટલે કરે છે કે તમારે ત્યાં વધારે જુએ છે અને એને ઘરે અછત છે! એ ચોરી કરીને પણ બંગલો તો નથી બાંધી શકી, એનાં છોકરાંનું પેટ ભરાય એટલું જ લઈ જાય છે! પછી કહે કે તારાં છોકરાંને તું એમને અંબીફુઈ અને ઢેડકીફુઈથી સંબોધવા કહે છે અને આવું વિચારે છે! જો કે બાઈ ગાંજ્યાં ન જાય તે કહેતાં કે લાવો, લખલૂટ રૂપિયા તો હું પણ લુંટાવું! આમ કોકા પહેરીને નીકરી પડવાનું તે તમને પોહાય, મારે તો સંસાર ચલાવવાનો છે! મોટાકાકાની એ જ લઢણે અશોક પણ વાત કરે. ત્યારે મને બાઈ યાદ આવે જ.

બાઈનાં ગયાં પછી એક વણલખ્યો નિયમ અમે પાળેલો કે ત્રણે દીકરાએ મોટાકાકાની કાળજી રાખવાની. દિવસે બે વાર જમાડવાની અને રાત્રે અમારાં કુટુંબ વારાફરતી એમની સાથે રહે. મને યાદ આવે છે કે એમના જમવાના સમય દરમિયાન ગામગપાટામાં નગરપાલિકા અને રાજકારણની જાણીઅજાણી વાતો કરવામાં એમને મજા પડતી. હું એમની અને અમૂલકાકાની વાતો ટેપ કરવાનું ચૂકી ગઈ. કેટલુંક લખ્યું પણ ઘણું રહી ગયું. આ સમય દરમિયાન જ એમના પિતૃવાત્સલ્યનો અનુભવ થયો. મારા પિતા અને બાઈના મૃત્યુનો સમયગાળો લગભગ સરખો એટલે એક દિવસ મને પૂછે કે બાઈ તો કાગળ નથી લખતી પણ ઈશ્વર (મારા પિતા) લખે કે? આ વાતથી આંસુ ન આવે તો જ નવાઈ!

અમારાં દીકરા-વહુ આનંદ અને હેતલ માટે એમને પ્રેમભાવ ખરો. એક-બે વાર હેતલને ખાદી અપાવવા લઈ ગયેલા. અમારી ઘરે રહેવા આવવાનું તો ન જ ગમે પણ વાત નીકળે તો મને  કહે કે આનંદની રૂમ પર રહેવા જવા! ત્યારે આનંદ આર્થિક રીતે સ્થિર થવાનો સંઘર્ષ કરતો હતો અને નાના ફ્લેટમાં રહેતો! એમની દ્રષ્ટિએ જો કોઈ કામ બરાબર ન કરી શકે તો એક જ શબ્દ મોઢે આવે, ‘પાજી!’ એમને હારવું પસંદ ન હતું. અમને કોઈવાર કહી પાડતા કે મફતમેં ખાના, મસ્જિદને સોના ઔર ઉપરસે સીનાજોરી! પણ પછી મનમાં કાંઈ ન હોય! આનંદને હંમેશાં કહેતા કે આપણે તો સિંહ, એમ જ રહેવાય! સિંહ ઘાસ ન ખાય, ભલે પોતે ઘાસવાલા હતા! એમને ફોટા પડાવવાનું બિલકુલ ન ગમતું એટલે એમના ખાસ ફોટા ન મળે પરંતુ બાઈ તો પહેરવા-ઓઢવાનાં ભારે શોખીન અને જીવંત વ્યક્તિત્વની માલકિન એટલે તક મળે તો ધરાર ફોટો પડાવે જ. મોટાકાકાના તેવર ઉન્ન્તભ્રૂ પણ બાઈની ઈચ્છા ક્યારેક પૂરી કરે.

એમના બે મિત્રો ખાસ, જયંતીકાકા અને ભીખુકાકા. બન્ને એમને નિયમિત મળવા આવે. એ બન્ને સ્કૂલમાં સાથે કામ કરતા પણ રાજકારણની સૂઝસમજ ધરાવતા એટલે મોટાકાકાના રાજકીય સલાહકાર પણ ખરા. એક થાળીમાં શાંતિભુવનનું ભૂસું અને મેથિયું એ એમની જ્યાફત. મગનકાકાએ મ્યુનિસિપાલિટીની શાળામાં શિક્ષકની નોકરી કરેલી એટલે કહેલું કે ચોથા વર્ગના કર્મચારીઓનાં બાળકો ભણી શકે એવી શાળા શરૂ કરવી એ સપનું દીકરાઓએ પૂરું કર્યું. જો કે હવે ઘાસવાલા સ્કૂલનાં રૂપરંગ બદલાઈ રહ્યાં છે. આનંદને પોતાના દાદાજીઓની પરંપરાનું પાલન કરવું ગમે છે, એ જ મોટી મૂડી.

… તો, આ મોટાકાકા ઉર્ફે બાલુભાઈ ઘાસવાલાનું શબ્દચિત્ર પુત્રવધૂ દ્વારા.

—

e.mail : bakula.ghaswala@gmail.com

“AadiRaj", Behind Jalaram Temple, Halar Road, Valsad 396 001 Gujarat, India.

Loading

22 June 2021 admin
← વરસાદ -૨
પ્રણય-બીજ વાવીએ! →

Search by

Opinion

  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved