વાયબ્રન્ટ ગુજરાતનું ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાનું અંકલેશ્વરથી આશરે ૭૦ કિલોમીટર દૂરનું થવા ગામ. થવા અને આજુબાજુનાં ચાલીસેક ગામોમાં વીજળી ગમે ત્યારે કલાકો સુધી અને અનેક વાર ડૂલ થઈ જાય. આ રોજનો ક્રમ. સરકારની બસ તો દિવસમાં બેત્રણ વખત જ આવે છે!
આવા થવા ગામમાં BRS, BEd અને MSW એમ ત્રણ કોલેજોમાં અને એક શાળામાં આશરે ૧,૧૦૦ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને અધ્યાપકો સમક્ષ ગઈ કાલે અને આજે આપેલાં ત્રણ વ્યાખ્યાનોમાં જણાવેલા મુખ્ય મુદ્દા :
(૧) ગાંધીનો અર્થ સરકારે ઊંધા ચશ્માં કર્યો છે, માત્ર ઝાડૂ અને સફાઈ કરી નાખ્યો છે. ઊંધી સરકારનો આ ઊંધો અર્થ છે. ખરેખર તો, ગાંધી એટલે અન્યાય સામેનો અહિંસક પ્રતિકાર, એટલે કે સત્યાગ્રહ.
(૨) ગાંધીએ હિંસાને સ્થાને અહિંસાને પરિવર્તનનું સાધન બનાવવાની કોશિશ કરી. એના પ્રયોગો કરનારા તરીકે ગાંધી માનવજાતના પહેલા માણસ હતા.
(૩) ગાંધીએ તોપબળ નહીં પણ તપબળને, અને દ્વેષધર્મને બદલે પ્રેમધર્મને પ્રયોજ્યાં. ગાંધી કહે છે કે હિંસા અસ્વાભાવિક ઘટના છે, અહિંસા જ સ્વાભાવિક ઘટના છે. જો એવું ન હોત તો માણસજાત ક્યારની ય મરી ગઈ હોત. અહિંસાને સામાજિક, આર્થિક અને રાજકીય પરિવર્તન માટે પ્રયોજવાની જરૂર છે. દુનિયામાં અત્યારે યુદ્ધો ચાલે છે ત્યારે ગાંધીની અહિંસા જ મહત્ત્વની બને છે.
(૪) ગાંધી ભારે શ્રદ્ધાળુ હતા, રોજ સવારસાંજ પ્રાર્થના કરતા હતા. પણ કોઈ મંદિરમાં ગયા હોય એવું જાણમાં નથી આવતું. ગાંધીને ઇશ્વરમાં રસ હતો, ઈશ્વરનાં સ્થાનકોમાં નહીં, કર્મકાંડમાં નહીં.
(૫) ગાંધીએ ઈશ્વરની વ્યાખ્યા બદલી નાખી. બધા ધર્મોવાળા તેમના ઇશ્વર, અલ્લાહ, ગોડ વગેરેને ભગવાન સમજીને લડતા રહ્યા છે. દરેકનો ભગવાન જુદો જુદો છે. બધા એને નામે લડે છે. ગાંધીએ કહ્યું કે ઇશ્વર સત્ય છે એમ નહીં, “સત્ય જ ઇશ્વર છે.” જો આ વ્યાખ્યા સ્વીકારવામાં આવે તો ધર્મો વચ્ચેના બધા ઝઘડા મટી જાય. પોતાના જ ભગવાનનો અને પોતાના જ ધર્મનો કક્કો ખરો કરવા માગતા લોકોને ગાંધીએ મારેલો આ અહિંસક ઈશ્વરીય તમાચો છે. ગાંધીનો કોઈ ધર્મ નથી; સત્ય, અહિંસા અને અન્યાય સામેનો અહિંસક પ્રતિકાર એટલે કે સત્યાગ્રહ એ જ ગાંધીધર્મ છે.
(૬) ગાંધીએ છેક ૧૯૦૯માં લખેલા પુસ્તક ‘હિંદ સ્વરાજ’માં માત્ર દેશના સ્વરાજની વાત નથી કરી, માણસના સ્વરાજની વાત કરી છે. તેઓ કહે છે કે, “મુખ્ય મુદ્દો વ્યક્તિના સ્વરાજનો છે.” આવું સ્વરાજ એટલે ખરી લોકશાહી અને સત્તાનું વિકેન્દ્રીકરણ. એટલે તેઓ કહેતા હતા કે એકેએક ગામ પ્રજાસત્તાક બને.
(૭) ગાંધી રાજ્યની, સમાજની, ધર્મની અને અર્થતંત્રની સત્તા સામે વિદ્રોહ પોકારે છે. તેઓ દરેક મનુષ્યને સત્તા આપવા માગે છે. તેઓ એવું પ્રજાસત્તાક ઇચ્છે છે કે જેમાં બધા જ મનુષ્યો સ્વતંત્ર હોય. દેશ આઝાદ હોય અને લોકો ગુલામ, એવી આઝાદી ગાંધીને નથી જોઈતી. ગાંધીને મન એ સ્વરાજ નથી.
(૮) ગાંધીનું સ્વદેશી એ મનુષ્યના સ્વરાજ માટેનું સ્વદેશી છે, માત્ર વસ્તુઓના ઉત્પાદન અને રોજગારી માટેનું નહીં, અત્યારની આત્મનિર્ભરતા માટે નહીં. જો અત્યારે ૫,૪૦૦ વિદેશી કંપનીઓ દેશમાં ઉત્પાદન કરતી હોય અને ૧૧,૨૦૦ જેટલી વિદેશી કંપનીઓ શેરબજારમાં રોકાણ કરતી હોય તો એવું આત્મનિર્ભર ભારત ગાંધીના સ્વદેશીનું ભારત નથી.
(૯) ગાંધી સમાનતાનો, અહિંસાનો, ન્યાયનો અને સત્યનો, લોકશાહીનો માણસ છે. અને એટલે જ દુનિયાનાં ૮૦ દેશોમાં એનાં પૂતળાં છે. ભારતની દુનિયાને સૌથી મોટી કોઈ દેણ હોય તો તે મહાત્મા ગાંધી છે; રામ, કૃષ્ણ કે શંકર જેવા દેવ કે દેવાધિદેવ નહીં. એ બધાના હાથમાં બીજાને મારવાનું શસ્ત્ર છે. ગાંધીના હાથમાં રેંટિયો એટલે કે ઉત્પાદનનું શસ્ત્ર છે. ઉત્પાદન એટલે રોજગારી, આવક અને શાંતિ. એનો અહિંસક શસ્ત્ર તરીકે તેમણે આઝાદીના આંદોલનમાં વિનિયોગ કર્યો. શાશ્વત શાંતિનું નિર્માણ હિંસાથી ન થઈ શકે. અહિંસા જ એનું સાધન બની શકે.
(૧૦) ૫૬૫ જેટલાં રજવાડાં એટલે કે દેશો ભેગા કરીને ભારતનો જે નકશો ૧૯૫૦માં બન્યો તે પણ ગાંધીની સર્વસમાવેશક અહિંસક વિચારધારાનું પરિણામ છે. એ નકશામાં નવું ઉમેરવાની વાત છોડો, જે છે તે બચી રહે તો પણ ભયો ભયો.
તા.૩૦-૦૯-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર