એક સમયે એવું મનાતું કે પાપની સજા મળે છે કે પુણ્ય તપે ત્યાં સુધી માનવનું કુદરત રક્ષણ કરે છે કે કર્મનું ફળ મળે જ છે, પણ કોઈ પાપ ન કર્યું હોય તો ય પાપીને મળે તેથી ભયંકર સજા પુણ્યાત્માઓને મળે છે. કર્મ કરવાની તક ઊભી જ ન થઈ હોય તો ય ફળ મળી જાય છે. પાપ-પુણ્ય, સારા-નરસાની ખબર પડવાની બાકી હોય ત્યાં મૃત્યુ શિકાર કરી નાખે છે. આપણો કોઈ વાંક હોય ને તેની સજા મળે તે તો સમજાય, પણ કોઈ વાંક જ ન હોય ને કોઈ એમ જ ઉડાવી દે એની હવે નવાઈ રહી નથી. વારુ, આપણે ભરપૂર જીવ્યા હોઇએ ને પછી મરવાનું થાય, તો એટલું આશ્વાસન તો રહે કે જીવ્યા વગર જ મરી ગયાં નથી, પણ હજી આંખ ખૂલી ન હોય, પાંખ ફફડી ન હોય, આકાશ ઊઘડ્યું ન હોય ને કૈં ખબર પડે, તે પહેલાં આંખ મીંચી દેવી પડે કે આંખો કોઈ પરાણે મીંચાવી દે, ત્યારે રહી રહીને સવાલ થાય કે એ પતંગિયાઓનો વાંક શું હતો કે તેમને કોઈએ એમ જ મસળી નાંખ્યાં? આમ ન થવું જોઈએ, પણ આમ થાય છે ને હવે તો આમ જ થાય છે.
ગયા ગુરુવારે થાઈલેન્ડના નોંગબુઆ લામ્કુનાં એક ચાઇલ્ડ કેર સેન્ટરમાં, પન્યા કામરાબ નામનો 34 વર્ષનો માથા ફરેલ પૂર્વ પોલીસ લેફ્ટનન્ટ ઘૂસી જાય છે ને એમ જ અંધાધૂંધ ગોળીઓ છોડીને સાવ નિર્દોષ ને બેખબર ઊંઘતાં 24થી વધુ બાળકોનાં લોહીનાં ખાબોચિયાં બનાવી દે છે. બનેલું એવું કે એ માથા ફરેલ પોલીસ અધિકારીને કોઈક ગુના સબબ કાઢી મૂકવામાં આવેલો. તેનો બદલો લેવા તેણે આમ કર્યું હોવાનું મનાય છે. હત્યારાને તો મારવા માટે કોઈ કારણ હશે, પણ જે મર્યાં તે બાળકોને તો મરવાનું કોઈ કારણ જ ન હતું ને એ મર્યાં. એ બચ્ચાંઓ આમ કારણ વગર મરી જવાં તો આ દુનિયામાં નો’તાં આવ્યાં ! પાપનું નામ પણ ન સાંભળ્યું હોય ને એમને કોઈ પાપીને ય ન મળે એવી સજા મળી. હુમલાખોરે પહેલાં તો સેન્ટરના સ્ટાફના 5 લોકોને માર્યા, જેમાં એક 8 માસની ગર્ભવતી શિક્ષિકા પણ હતી. ગર્ભનાં એ જીવને મરવાનું તો ઠીક, જીવવાનું પણ કોઈ કારણ ન રહ્યું. હત્યારાએ પણ આત્મહત્યા કરીને જ શાંતિ મેળવી. માની લઇએ કે એ નિવૃત્ત પોલીસ અધિકારીને અન્યાય થયો હોય, પણ તેણે જે માર્ગ ન્યાય માટે પસંદ કર્યો એમાં તેને ન્યાય મળ્યાનું તો લાગતું જ નથી. 2020માં પણ આમ જ એક સૈનિકે અંધાધૂંધ ફાયરિંગ કરીને 29 લોકોને મારી નાખ્યા હતા. ગયા મે મહિનામાં જ અમેરિકાના ટેક્સાસમાં 18 વર્ષનાં સાલ્વાડોર રામોસેએ એલિમેન્ટરી સ્કૂલમાં ઘૂસી જઈને 22 લાશો પાડી દીધી હતી, જેમાં 19 તો બાળકો હતાં. એમાં પણ મારનારને હશે, પણ મરનાર બાળકોને તો મરવાનું કોઈ કારણ જ ન હતું.
થાઈલેન્ડની ઘટનાની સમાંતરે આફ્રિકાના ગામ્બિયામાં ભારતીય કંપનીઓનાં કફ સિરપ પીવાથી 66 બાળકોનાં મોત થયાં. આવી રીતે અગાઉ પણ ભારતમાં કફ સિરપ પીવાથી 33 બાળકો મરણ શરણ થયાં છે, પણ તે અંગે કોઈ પ્રતિબંધ મુકાયો નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનિઝેશને એલર્ટ જાહેર કર્યું છે. એ એલર્ટ પછી આ કંપનીઓ પર દરોડા પાડવાનું શરૂ થયું છે. WHOએ ભારતીય કફ સિરપ અંગે એલર્ટ તો જાહેર કર્યું, પણ કયા બેચનાં એ સિરપ છે કે એ અંગેની અહીં તપાસ થઈ શકે એવી વિગતો હજી સુધી ભારતને આપી નથી. એ સ્થિતિમાં ભારતે જવાબદારો પર કોઈ પગલાં ભરવા હોય તો તે તક સરકાર પાસે નથી. કઇ કંપનીનાં સિરપ છે એ વિગતો તો બહાર આવી છે, પણ એટલાં પરથી શિક્ષાત્મક પગલાં ભરવાનું મુશ્કેલ છે. બને કે વધુ વિગતો મળે તો એ બારી ઊઘડે. એવું પણ બહાર આવ્યું છે કે ડાયથિલીન ગ્લાયકોલ અને ઇથિલીન ગ્લાયકોલ બાળકોના સિરપમાં ઉમેરવામાં આવે તો સિરપની મીઠાશ વધે છે ને બાળક તે આનાકાની વગર પી જાય છે, પણ એ સંયોજનોની માત્રા વધે તો તે જીવલેણ પણ બની જાય છે. ગામ્બિયામાં એ જ થયું. આટલાં મૃત્યુ પછી તો આવાં જોખમી સિરપ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મુકાવો જોઈએ, પણ એવું થયું નથી, એના પરથી પણ આપણાં તંત્રો કેટલાં નીંભર અને નિષ્ઠુર છે તે સમજી શકાય એમ છે. બાળકોનાં મૃત્યુની આવાં તંત્રો પર અસર જ ન થાય એટલી જાડી ચામડી આ તંત્રોની હોય છે. મોટે ભાગે તો કફ સિરપ ડૉક્ટરનાં પ્રિસ્ક્રિપ્શન વગર જ ખરીદાતાં હોય છે ને મેડિકલ સ્ટોરવાળા એ રીતે દવાઓ વેચતાં પણ હોય છે. ડૉક્ટર પણ એવી દવાઓ લખી આપતા હોય છે જેમાં એમનો લાભ વધુ હોય. મેડિકલ રિપ્રેઝન્ટેટિવ પણ કોઈને કોઈ લાલચમાં ડોકટરોને ખેંચતા હોય છે. આ સ્થિતિ હોય ત્યાં દરદીના આરોગ્યની કેટલીક કાળજી રહે? આમ તો નબળી દવા ઘાતક હોય ને દરદીનું મોત દવાથી થતું હોય, પણ ડૉક્ટર પર તો અવિશ્વાસ કેમનોક થાય? દરદીના સંબંધીઓ તો એમ જ માનવાના કે મૃત્યુ રોગને લીધે થયું, પણ થયું હોય દવાને લીધે –
આપણે ત્યાં દવાનું યોગ્ય પરીક્ષણ ખાસ થતું જ નથી. જે કફ સિરપ 66 બાળકોનાં મૃત્યુનું કારણ બન્યું તેમાં દેખીતું છે કે પરીક્ષણમાં બેદરકારી દાખવાઈ હોય, પણ એમાં ભારત બદનામ થઈ ગયું છે. હવે જ્યારે WHOનું એલર્ટ આવ્યું છે તો બને કે ભારત સરકાર અને ડ્રગ કન્ટ્રોલર જાગે ને જાનહાનિ દેશમાં ને બીજે થતી અટકાવે. આવી બેદરકારી ભારત, વિદેશમાં જ દાખવે છે એવું નથી, એના નમૂનાઓ તો દેશમાં પણ મળી રહે એમ છે. ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં કદાચ 2019માં ઓક્સિજન કાંડ થયેલો. હોસ્પિટલ સત્તાવાળાઓએ ઓક્સિજન સપ્લાય કરતી કંપનીનું બિલ, વારંવારની ઉઘરાણી છતાં ન ચૂકવ્યું તો કંપનીએ ઓક્સિજન સપ્લાય બંધ કરી દીધો. કોરોના કાળમાં ઓક્સિજનની જરૂર કેટલી તીવ્ર હતી તે હોસ્પિટલ સત્તાવાળાઓ સિવાય કોણ વધુ જાણતું હશે? છતાં ઓક્સિજનની અછતના અભાવે તે વખતે સોએક બાળકોએ જીવ ગુમાવ્યા હતા. આવી ઘટનાઓ ભારતમાં કે અન્ય દેશોમાં બનતી રહે છે ને સત્તાવાળાઓ કે સરકાર વળતર ફેંકીને ધંધે લાગી જતાં હોય છે. બેપાંચ લાખનો વિકલ્પ એટલે એક જીવ – એવા ભાવ પડતા રહે છે. અહીં જે ઘટનાઓ નિર્દેશી છે એમાં બે પ્રકારે મૃત્યુ થયાં છે. આ ઘટનાઓ થાઈલેન્ડ અને અમેરિકન ટેક્સાસની અંધાધૂંધ ગોળીઓથી માસૂમ બાળકોની થયેલી હત્યાની છે. હત્યામાં બાળકો ઉપરાંત બીજાની હત્યાઓ પણ થઈ જ છે, પણ હત્યારાઓનો હેતુ મુખ્યત્વે તો બાળકો પર જ ફાયરિંગ કરવાનો છે. એ ખરું કે હત્યારાઓને કોઈક વાતે વાંકું પડ્યું અને તેનો બદલો લેવા બાળકોને ટાર્ગેટ કરાયા.
છેલ્લી બે ઘટનાઓમાં પણ બાળકોનાં મૃત્યુ જ કેન્દ્રમાં છે, પણ એમાં બાળકો ટાર્ગેટ કરવામાં નથી આવ્યાં, પણ મર્યાં તો છે બાળકો જ ! આ ઘટનાઓનાં કારણો ગમે તે હોય, પણ પરિણામ એક જ છે, બાળકોનાં અકાળ મૃત્યુ. થાઈલેન્ડ કે અમેરિકામાં એટલું છે કે હત્યા કરવા માટેનું હથિયાર હત્યારાઓને સહેલાઈથી મળી રહે છે. એમને બાળકો કે કોઈ પણ મરે, કોઈ ફરક પડતો નથી. આમ તો આખું વિશ્વ પરાણે હિંસા વહોરવાની હોડ બકીને બેઠું હોય તેમ કોઇની પણ સામૂહિક હત્યાઓ કરવામાં જરા ય સંકોચ અનુભવતું નથી. ગન કલ્ચર અમેરિકામાં જ વિકસ્યું છે એવું નથી. ભારતમાં પોલીસને હથિયાર હાથવગું હોય છે એટલે પણ કૌટુંબિક કે અન્ય હત્યાઓ કરવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી રહે છે. સામૂહિક બળાત્કાર પછી પીડિતાની હત્યા કરવાનું ભાગ્યે જ ગુનેગારો ચૂકતા હોય છે. પરાણે પ્રેમ કરનારા, પ્રેમિકા ન માને તો તેની જાહેરમાં હત્યા કરનારા વીરલાઓની પણ ખોટ નથી. પતિ કે પત્ની નડતરરૂપ હોય તો પ્રેમિકા કે પ્રેમીની મદદથી પતિ કે પત્નીની હત્યા કરવાની ઘટનાઓમાં કોઈને કોઈ પણ પ્રકારનો ખચકાટ થતો નથી, પણ પેલાં નિર્દોષ ભૂલકાંઓ જેમણે કોઈનું ય કૈં બગાડ્યું નથી, જેમને હત્યારાની ને જગતની જોડે દૂર દૂર સુધી કોઈ સંબંધ પણ નથી, જે કેવળ ને કેવળ જગતના ઈરાદાઓથી અજાણ છે, તેઓનો સર્જાતો ભયંકર હત્યાકાંડ ગુનેગારને ગમે એટલી ભયાનક સજાઓ થાય તો પણ એ મૃત બાળકોને ન્યાય નથી કરતો. પેલાં બાળકોનાં માતાપિતાએ તો ખાંસી, તાવથી સારાં કરવાં જ કફ સિરપ આપ્યું હશે ને એણે જ 66 બાળકોની જિંદગી છીનવી લીધી. એ સિરપ ન આપ્યું હોત તો કદાચ માંદા માંદા પણ એ બાળકો જીવતાં હોત, પણ બચાવશે એની આશા હતી એ દવાઓએ જ બાળકોનો જીવ લીધો ને સૌથી શરમજનક વાત તો એ છે કે એ સિરપ ભારતીય કંપનીનું હતું.
કમ સે કમ આવી હત્યાઓમાં ભારત આરોપી ન બને એટલું જોવાવું જોઈએ …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 10 ઑક્ટોબર 2022