Opinion Magazine
Number of visits: 9504778
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બા

નારાયણભાઈ દેસાઈ|Gandhiana|11 April 2025

આજે પૂ. બાની જયંતી નિમિત્તે વંદન :

નારાયણ દેસાઈ

મહાપુરુષોના જીવનમાં તેમની અર્ધાંગિનીઓનો ફાળો એ ઇતિહાસના સંશોધનનો વિષય બની શકે એમ છે. એક તરફ રામાયણ તો રચાયું જ સીતાને લીધે, તો બીજી તરફ તુલસીદાસને વૈરાગ્યની પ્રેરણા એમની અર્ધાંગિનીએ આપી. પંડિત નેહરુના ઘડતરમાં કમળા નેહરુનો ફાળો નાનોસૂનો નહોતો. એ રીતે જોઈએ તો બાપુના જીવનમાં બાનો ફાળો અનેક ગૃહસ્થોનાં જીવનમાં એમની સ્ત્રીઓનો હોય છે તેવો જ, છતાં પણ અસાધારણ હતો. એક કાઠિયાવાડી રજવાડાના દીવાનના ભણેલાગણેલા દીકરાની અભણ પત્ની તરીકે કસ્તૂરબાએ પોતાના લગ્નજીવનનો —અને એક રીતે જોઈએ તો પૂરા જીવનનો પણ — આરંભ કરેલો. આગાખાન મહેલમાં તેઓ બાપુના સાન્નિધ્યમાં ગુજરી ગયાં ત્યારે તેમને વિશે બાપુએ કહ્યું : ‘એ તો જગદંબા હતી.’ આમ એક સાધારણ ભારતીય નારીએ એક જીવનકાળ દરમિયાન આટલી મોટી મજલ શી રીતે કાપી? અલબત્ત, મહાત્મા ગાંધી જેવાની પત્ની થવાની તક દરેક સાધારણ ભારતીય નારીને મળતી નથી. અને કસ્તૂરબાના વિકાસમાં સૌથી મહત્ત્વનું કારણ એ જ હતું કે તેઓ નિત્ય વિકાસશીલ મહાત્માનાં પત્ની હતાં. પરંતુ એ એક જ કારણ નહોતું. તેઓ સાચા અર્થમાં મહાત્માનાં સહધર્મચારિણી હતાં. અને મહાત્માની સાથે સાથે ધર્મનું આચરણ કરવું એ કંઈ નાનીસૂની વાત નહોતી. મારા કાકા(મહાદેવભાઈ દેસાઈ)ના શબ્દોમાં કહીએ તો એ જ્વાળામુખીના મોં પર રહેવા જેવું કપરું કામ હતું.

ભારતીય પુરાણો અને સાહિત્યમાં પત્નીની જે શ્રદ્ધાવાન મૂર્તિ કલ્પી છે, તે શ્રદ્ધામયી, નિષ્ઠાવાન સતીનાં દર્શન આ કાળે બામાં થતાં. બાની સો ટચની શ્રદ્ધાએ જ તેમને બાપુનાં સહધર્મચારિણી બનાવ્યાં.

પણ આ શ્રદ્ધાને લીધે તેમણે પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ ગુમાવ્યું નહોતું. અવારનવાર તેમણે બાપુને સરખે રસ્તે દોરવાનું કામ પણ કર્યું હતું. દક્ષિણ આફ્રિકામાં પોતાના હરિજન સહાયકનાં મળમૂત્રનું વાસણ સાફ કરવા બા તૈયાર ન થયાં, તેથી બાપુ તેમને ઘરમાંથી કાઢવા તૈયાર થયા તે વખતે “તમે જરા લાજો તો ખરા, આ દૂર વિદેશમાં મને ઘર બહાર કાઢવા નીકળ્યા છો તે!’ એમ કહી બાપુની સિદ્ધાંતઆંધળી આંખોને દેખતી કરવાનો પ્રસંગ તો બાપુએ જાતે જ આંસુભરી કલમે પોતાની આત્મકથામાં નોંધ્યો છે અને ત્યારબાદ આખું જીવન બાએ પોતાની સ્વતંત્ર અસ્મિતા જાળવી રાખી. બાપુ સાથે તેઓ અખંડ તપ્યાં હતાં, બાપુ સાથે તેમણે નિરંતર જીવનપરિવર્ત કર્યું હતું, પરંતુ એ તમામ પરિવર્તનો સ્વેચ્છાપૂર્વકનાં હતાં. બાપુની સર્વધર્મપ્રાર્થનામાં તેઓ શ્રદ્ધાપૂર્વક ભળતાં, પણ પોતે નિયમિત રીતે તુલસી ને પીપળાની પૂજા પણ કરતાં. બાપુનો વિશાળ પરિવાર બાની અંદર પોતાની જનનીની પ્રતિછાયા ભાળતો. બા પોતાનાં લોહીનાં સગાં વિશે બાપુ જેટલાં અલિપ્ત રહેતાં નહિ.

આ સંબંધમાં સૌથી આકરી કસોટી કરાવી હરિલાલકાકાએ (બાપુના જયેષ્ઠ પુત્ર). નાનપણથી તેમને અસંતોષ હતો કે બાપુએ તેમને ભણવાની પૂરી સગવડ આપી ના એટલે ત્યારથી જ તેમનો સ્વભાવ બાપુ સામે બંડ કરવાનો હતો. ખાસ કરીને એમનાં પત્ની ગુલાબબહેન (જેવું નામ તેવો સ્વભાવ હતો એમનો) ગુજરી ગયાં ત્યાર બાદ હરિલાલકાકા જુદે મારગે ઊતરી ગયા. સોબતની અસરને લીધે તેઓ કુમાર્ગે વળી ગયા આ બધાને લીધે બાને ભારે દુઃખ થતું. સારી પેઠે પ્રયત્નો છતાં ય હરિલાલકાકા પાછા ન જ આવ્યા. વચ્ચે તેમણે ઇસ્લામ અંગીકાર કર્યો ત્યારે કસ્તૂરબાએ એમને નામે કકળતે હૈયે એક વેદના નીતરતો પત્ર લખ્યો. પણ હરિલાલકાકાએ એ કાગળ વિશે, માત્ર એટલો જ અભિપ્રાય આપ્યો કે, “આ કાગળ બાનો નથી. કોઈએ બાના નામે લખી આપ્યો છે.” પણ હરિલાલકાકાના મનમાં બાને માટે કૂણી લાગણી હતી. એમણે બાપુને કહેલું કે બાના પુણ્યે જ તમે આટલા મોટા થયા છો, એ ભૂલશો મા.

મણિલાલકાકા દક્ષિણ આફ્રિકામાં રહીને ‘ઇન્ડિયન ઓપિનિયન’ છાપું સંભાળતા. રામદાસકાકા રેશમી સ્વભાવના માણસ. ગાંધીનો દીકરો છું એમ ક્યાં ય ઓળખાણ આપે નહિ. નાગપુરમાં રહીને એક સામાન્ય નોકરી કરીને તેઓ કુટુંબનિર્વાહ કરતા. દેવદાસકાકા ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’ના મૅનેજિંગ ડિરેક્ટર હતા. આમ બાના દીકરાઓ બાથી દૂર હતા. પણ પૌત્રપૌત્રીઓ બાની સાથે રહેતાં. સાબરમતી આશ્રમમાં કાન્તિભાઈ, રસિકભાઈ અને મનુબહેન હતાં. ઉપરાંત છગનલાલ, મગનલાલ, નારણદાસ ગાંધી(બાપુના ભત્રીજાઓ)નાં અનેક બાળકો એ આશ્રમમાં હતાં. સેવાગ્રામમાં રામદાસકાકાનો કનુ હતો. પાછળથી ગાંધી પરિવારનાં બાળકોમાં જયસુખલાલ ગાંધી(બાપુના પિતરાઈ ભત્રીજા)ની પુત્રી મનુ પણ હતી. આ બાળકોને લીધે બાનું વાત્સલ્ય વિશેષ ભાવે પોષાતું.

તે ઉપરાંત બાપુનાં સગાંઓ બાનાં સગાં થઈને આવતાં તે જુદાં. એક વાર મધ્ય પ્રદેશના ખરે પ્રધાનમંડળમાં હરિજનોને લીધા નહોતા તેથી કેટલાક હરિજનોએ બાપુના આશ્રમમાં આવી ‘સત્યાગ્રહ’ કરવાનો નિશ્ચય કર્યો. એમના સત્યાગ્રહનું સ્વરૂપ બાપુના સત્યાગ્રહ કરતાં કાંઈક જુદું જ હતું. બાપુ સત્યાગ્રહ કરતા ત્યારે અન્યાયની વિરુદ્ધ પોતાના પ્રાણ પાથરી દેતા. આ સત્યાગ્રહમાં ઉપવાસ હતા, પણ મરણનો ભય નહોતો. વારાફરતી એક એક માણસે ચોવીસ કલાક ઉપવાસ કરવાના હતા! એ લોકોએ બાપુ પાસે સત્યાગ્રહીઓને સારુ આશ્રમમાં કોઈ જગા માગી. બાપુએ એમને પોતે જ આશ્રમ જોઈને જગા પસંદ કરી લેવાનું સૂચન કર્યું. એ લોકોએ બધાં ઘર જોઈ છેવટે બાના રહેવાના ઘરને પસંદ કર્યું! બાની ઝૂંપડી બાપુની ઝૂંપડીની પડખે જ  હતી. 12′ x 12’નો એક ઓરડો અને એક બાથરૂમ. તે ઉપરાંત પ્રાર્થનાની જગા. ચારેક ફૂટ પહોળી ઓશરી. એ મકાનની એક તરફ ઘણાખરા આશ્રમવાસીઓને રહેવાનું મુખ્ય મકાન (આદિ નિવાસ) હતું. બીજી તરફ બાપુની ઝૂંપડી અને બાના નિવાસ વચ્ચે બાના ઉછેરેલા તુલસી-મોગરાના છોડ હતા. હરિજન ‘સત્યાગ્રહી’ઓએ પોતાને આડા પડવા સારુ બાના ઘરનો મોટો ઓરડો અને ઓશરી પસંદ કર્યાં એટલે બાને સારુ બચતું હતું માત્ર નાવણિયું.

બાપુએ બાને પૂછ્યું : ‘કેમ, આ લોકોને તારો ઓરડો પસંદ છે, તો એમને એ આપીએ ને?’ શરૂઆતમાં તો બાએ થોડી આનાકાની કરી. બાપુએ ‘સત્યાગ્રહી’ઓ વતી આગ્રહ કર્યો. છેવટે બાએ કહ્યું : ‘એ તો તમારા દીકરાઓ છે. આપો એમને તમારી ઝૂંપડીમાં જગા!”

બાપુએ હસીને જવાબ આપ્યો : ‘પણ મારા દીકરા તે તારા દીકરા પણ ખરા કે નહિ?” અને બાએ નિરુત્તર થઈ પોતાનો ઓરડો ‘સત્યાગ્રહી’ઓને સારુ ખાલી કરી આપ્યો. આ ‘સત્યાગ્રહ’ થોડા દિવસ ચાલીને પછી બનતાં સુધી નવા સત્યાગ્રહીઓને અભાવે આટોપાઈ ગયેલો. પણ એટલા દિવસ એમણે બાની જગા પર પોતાનો કબજો જમાવેલો. એમની રહેણીકરણીમાં ખાસ સફાઈ નહોતી. પણ બા એ બધું સાંખી લેતાં; એટલું જ નહિ, પણ એમને જરૂર પડે ત્યારે પીવાનું પાણી લાવી આપતાં અને અવારનવાર ખબરઅંતર પૂછતાં. એક વાર પોતાના દીકરા તરીકે સ્વીકાર્યા પછી એ ગમે તેવા ગાંડાઘેલા હોય તેની બાને શી પરવા? એમનું કર્તવ્ય તો દીકરાઓની સ્નેહમય સેવા કરવાનું જ હતું.

આશ્રમમાં સાધારણ રીતે ભોજન વખતે પીરસવાનું કામ બાપુ કરતા. ભોજન અંગેના એમના વિધવિધ પ્રયોગોનો પરિચય તેઓ મહેમાનોને કરાવતા : ‘આ ખાખરામાં એક ચમચી જેટલો સોડા નાખેલો. છે. આ ચટણી શાની છે, ખબર છે ? ખાશો ત્યારે સમજાશે. (કડવા તે લીમડાના ગુણ ન્હોય કડવા !) લસણથી બ્લડપ્રેશર પર લાભ રહે છે’ વગેરે. પીરસવામાં બા પણ બાપુને સાથ આપતાં. પણ તેઓ માખણ, ગોળ કે બીજી કોઈ મીઠી ચીજ પીરસતાં. એમના પીરસણમાં અમને બાળકોને વધુ રસ પડતો અને બાળકોને પીરસવામાં એમને વધુ રસ પડતો! બહારથી કોઈક ભેટ આવી હોય તો તે પણ બા અમારે સારુ સાચવી રાખતાં. પ્રવાસમાં પણ અમને લોકોને પૂરતો ખોરાક મળ્યો છે કે નહિ એની ચિંતા બા રાખતાં.

નવું નવું શીખવા અંગેની જિજ્ઞાસાવૃત્તિમાં બાને સહેજે ઘડપણ આવ્યું નહોતું. એક બાળકની ઉત્સુકતાથી તેઓ શીખવા તૈયાર હતાં; બાનું અક્ષરજ્ઞાન સાવ સામાન્ય હતું. એને લીધે જ્ઞાનવિજ્ઞાનના દરવાજાઓ તેમને સારુ લગભગ બંધ જેવા જ હતા. બાપુના સંગમાં રહેવાને લીધે મોટું ભણતર મળી શકે એ વાત સાચી, પણ બાપુના સંગમાં રહીને પણ અનેક લોકોને એવા ને એવા જ જડ જેવા રહેતા મેં જોયા છે. પણ બાનું તેમ નહોતું. સદા કાંઈક ને કાંઈક શીખવા એમનું મન તાજું રહેતું. એક વાર એમણે મને પાસે બોલાવીને પૂછયું : ‘કેમ બાબલા, તારા હમણાં શાના શાના વર્ગો ચાલે છે ?

મેં એમને કહ્યું કે હું રાજકુમારી અમૃતકૌર પાસે અંગ્રેજી અને વિજ્ઞાન, ભણસાળીકાકા પાસે અંગ્રેજી વ્યાકરણ, મોરિસ ફ્રીડમેન પાસે સુથારી અને ભૂમિતિ અને રામનારાયણ ચૌધરી પાસે હિંદી વ્યાકરણ અને રામાયણ શીખતો હતો. અંગ્રેજી, ગણિત વગેરે વિષયો એવા હતા કે જેમાં બાને બહુ ફાવે તેમ નહોતું, એટલે એમણે મને કહ્યું, ‘તું મને રામાયણ ન શીખવે?” હું મૂંઝાયો. મેં એમને કહ્યું : ‘મોટીબા, તમે રામનારાયણજી પાસે જ શીખો ને ! હું તો નવો નિશાળિયો છું.’

બા કહે : ‘ના, ના, રામનારાયણજી પાસે એવો વખત હોય ન હોય અને મારે તો કોઈ ગુજરાતીમાં સમજાવે એવો જોઈએ. તું એમ કર, એમની પાસે જે શીખે તે સાંજે બેસીને મને શીખવતો જા. હું પણ નવો નિશાળિયો જ છું ને!” અને ત્યાર બાદ થોડા દિવસો સુધી રોજ સાંજે સિત્તેર વરસની આસપાસનાં મોટીબાએ પંદર વરસની આસપાસના બાબલા પાસે તુલસીકૃત રામાયણના પાઠો લીધા. બાપુ પણ વચ્ચે એકાદ દિવસ આ નાટક જોઈ ગયેલા અને પોતાના સ્મિત દ્વારા એમણે એમાં સંમતિ આપેલી. આજે પણ જ્યારે જ્યારે હું રામચરિતમાનસ ઉઘાડું છું ત્યારે ત્યારે માનસપટ પર જગન્માતા સીતાની સાથે જગદંબા કસ્તૂરબાની એ ભક્તિમય નિર્મળ મૂર્તિ વિરાજમાન થાય છે.

[‘સંત સેવતાં સુકૃત વાધે’]
11 ઍપ્રિલ 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક – 281

Loading

11 April 2025 Vipool Kalyani
← ક્રૂડના ભાવ ઘટે તો ઈંધણના ભાવ વધે … !?
બે કાવ્યો →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved