Opinion Magazine
Number of visits: 9448697
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આયેશા

વલ્લભ નાંઢા|Opinion - Short Stories|11 September 2019

અસ્‌ડા સુપર સ્ટોરમાંથી મોરિસ બહાર આવ્યો ત્યારે વરસાદનાં ફોરાં પડતાં હતાં, ઘરે પહોંચવા માટે તેણે ચાલની ઝડપ થોડી વધારી. લંડનની રોયલ સોસાયટીએ આર્ટિસ્ટ ફ્લેટ્સના ત્રીજા માળે મોરિસને એક સ્ટુડિયો એપાર્ટમેન્ટ રાહતના દરે ભાડે આપ્યો હતો. મોરિસ થોડેક આગળ વધ્યો એટલામાં વરસાદે જોર પકડ્યું. શરીર પરથી જેકેટ ઉતારી તેણે માથું ઢાંક્યું. ધોધમાર વરસાદની ઝાપટો ને સૂસવાતા પવનની થપાટો ઝીલતો પોતાના એપાર્ટમેન્ટના કોર્ટયાર્ડ સુધી પહોંચ્યો ત્યારે રસ્તાની જમણી તરફ ફૂટપાથની નજીક કોર્ટયાર્ડના ભીના ઘાસ પર તેણે એક યુવતીને બેઠેલી જોઈ. વરસાદનાં પાણીથી એ યુવતીનાં વસ્ત્રો લથબથ હતાં અને શરીર ધ્રૂજતું હતું.

શું આ યુવતી હોમલેસ હશે? મોરિસના મનમાં સવાલ ઊઠ્યો.

યુવતીની પાસે જઈ અવાજ જરા મોટો કરી મોરિસે તેને પૂછ્યું, “હેલો … કાંઈ તકલીફ છે?”

*આયેશા****

જરા વાર પછી આયેશાએ મોરિસની સામે જોયું. લંડનમાં તેનો મુસ્લિમ પોશાક જોઈને બદમાશો તેને “પાકી” કહીને પજવતા. પાકી યાને પાકિસ્તાની. આયેશા અફઘાન હતી. અયેશાના અબ્બુ લંડનમાં ટેક્સી ચલાવતા હતા અને અમ્મી એક ટેલર શોપમાં રફૂકામ કરતાં. તે કોલેજમાં ભણીગણીને જાતે નોકરી કરવા તૈયાર થાય ત્યાં એક્સિડેન્ટ થયો અને અમ્મી ને અબુજાન જન્નતનશીન થયાં. ત્યારે તેની સ્કૂલ ફ્રેંડ મિન્ડીએ તેને ત્યાં સાથે રહેવા આવવા કહ્યું, પણ મિન્ડીના પેરન્ટ્સે વિવેકથી ના પાડી ને થોડા પાઉન્ડ આપી તેના નસીબ પર છોડી દીધી. અમ્મીની બહેનપણી વીરાને ત્રણ બચ્ચાંને પાલવવાના હતાં, એટલે મદદ માટે એની આગળ હાથ લંબાવાય એમ નહોતો. બે મહિના સુધી નોકરી મળી નહીં ને ભાડું ચડી ગયું, ઉપરથી લેન્ડલોર્ડે એક અઠવાડિયામાં મકાન ખાલી કરી નાખવાની નોટિસ ફટકારી દીધી! અને આયેશા હોમલેસ બની ગઈ. તે હવે હોમલેસ લોકોના શેલ્ટરમાં રહેતી અને ત્યાં જાત જાતના લોકોની હેરાનગતિથી બચતી બચતી દિવસો કાઢતી હતી. કોઈનો માયાળુ વહેવાર જોતાં જ તેની આંખ ફરકતી, અમ્મી તેને કાયમ કહેતી કે બેટી, કોઈ મરદ મફતમાં ધરમાદો કરતો નથી. અત્યારે આ અંગ્રેજનો સહાનુભૂતિ ભરેલો અવાજ સાંભળી તેના કાન સરવા થયા.

“મને કાંઈ તકલીફ નથી.” તેણે કહ્યું.

*મોરિસ****

મોરિસ યુવતીને જોઈ રહ્યો. લંડનની સડકો ઉપર ગોરી છોકરી આમ પડી રહેતી હોય તો તે ધંધાદારી બાઈ હોઈ શકે પણ આ છોકરી મુસ્લિમ હતી અને એની ઢબછબથી મધ્યમ વર્ગની યુવતી હોય એવું લાગ્યું.

“કંઈ ખાવું છે, તારે? પિઝા ખાશે?’’ મોરિસે પૂછ્યું.

આ વખતે યુવતીએ માથા પરથી હૂડ સહેજ ખસેડ્યું. તેના કાળા વાળ તેની માખણ જેવી પીઠ પર પથરાઈ ગયા.

યુવતીએ કહ્યું: “યસ, … હા,ભૂખ લાગી છે.”

યુવતી ઊભી થઈ. ‘ટોમો પિઝેરિયા રેસ્ટોરન્ટ’ અત્યારે ગ્રાહકોથી ભરેલું હતું. ‘ટોમો’નાં પગથિયાં પર પગ મૂકતાં બેઉનાં ફેફસાંમાં ચીઝ અને શેકાતી બ્રેડની વાસ ભરાવા લાગી …

“કેવો પિઝા ખાશે?’’ મોરિસે ‘ટોમો’માં દાખલ થતાં યુવતીને પૂછ્યું.

“સ્ટાન્ડર્ડ વેજી.’’ યુવતીએ સંકોચ સાથે જણાવ્યું.

કાઉંટર પર જઈ મોરિસે બે વેજિટરિયન પિઝાનો ઓર્ડર આપ્યો.

પિઝા ખાઈ ‘ટોમો પિઝેરિયા’ના પગથિયાં ઊતરતી વખતે યુવતીએ કહ્યું : “માય નેમ ઇઝ આયેશા.’

“નાઈસ નેમ.’’ મોરિસે હાથ લંબાવી કહ્યું, “માય નેઇમ ઇઝ મોરિસ જોન્સ.”

યુવતીએ સંકોચથી હાથ લંબાવ્યો, તરત પાછો ખેંચી લીધો. બંને મૂગાંમૂગાં મોરિસના એપાર્ટમેન્ટ બિલ્ડિંગ તરફ જતાં હતાં ત્યારે આયેશાએ કહ્યું :

“ચાર મહિના પહેલાં મારી અમ્મી અને અબુજાન કાર-એક્સિડેન્ટમાં મૃત્યુ પામ્યાં. એક ડ્ર્ગ-એડિક્ટ ડ્રાઈવરે નશાની ધૂનમાં લાલ સિગ્નલ ક્રોસ કરી નાખેલું અને મારા અબુજાનની ટેક્સી તેની કાર સાથે ટકરાઈ પડેલી. મારાં અબુ અને અમ્મી ખુદાનાં પ્યારાં બની ગયાં.’’ કહી યુવતીએ આંસુઓ લૂછી લેતાં માથા પર હૂડ પાછું ચડાવી લીધું.

“માય ગોડ!  આયમ રીઅલી સોરી …!’’

*આયેશા****

હોમલેસ થયા પછીથી આયેશાને પોતાની કરુણ કથા કહેવાનો મહાવરો થઈ ગયો હતો. હૂડ નીચે કરી વાત કરવી જેથી આંખો બરાબર દેખાય. ખુદાને પ્યારા થવાની વાત આવે ત્યારે અવાજ સહેજ ફાટે. આંસુની એકાદ ધાર થાય. આડું જોવાઈ જાય. હૂડ પાછું ચડાવી મોં ફેરવી લેવાનું.

બંને ફરી ચાલવા લાગ્યાં. બરફ હોય કે વાવાઝોડું કે વરસાદ વગેરે હોય ત્યારે હોમલેસ સેન્ટરમાં તેના જેવી એકલદોકલ છોકરીને જગ્યા કોઈ વાર ન પણ મળે. કોઈ ‘સારો’ માણસ તેને જગ્યા કરી આપે તો તેની સારમાણસાઈની પોલ તરત દેખાય. આટલા ટૂંકા વખતમાં આયેશાને તેવે વખતે કેવાં મકાનોની પાસે આસરો લેવો તેનો મહાવરો પણ થઈ ગયેલો. મોરિસનું મકાન આર્ટિસ્ટો માટે હતું, જેમાં મોરિસ જેવા ભલા લોકો રહેતા હોય. અને એવા લોકો દયા ખાઈને પિઝા ઓફર કરે તો ખાઈ લેવાય. અને હવે વરસાદ અટકી ગયેલો.

*મોરિસ****

“મારી સ્લીપિંગ–બેગ વરસાદમાં પેલા ઓક-ટ્રીની બખોલમાં રાખી છે.” તેણે ઓક-ટૃી તરફ આંગળી ચીંધતાં ઉમેર્યું, “આજ જેવી ખરાબ વેધરમાં હોમલેસ સેન્ટરમાં મારો નંબર લાગ્યો નહીં પણ સવારે સેંટરમાં બ્રેક્ફાસ્ટ મળશે.’’ મોરિસે જોયું કે આવું કહેતાં આયેશા સંકોચ અનુભવતી હતી.

આયેશાને થોડી વધુ મદદ કરવાની મનમાં ઇચ્છા જાગતાં તેણે કહ્યું, “એકાદ બે દિવસ માટે તારે મારા એપાર્ટમેન્ટમાં રહેવું હોય તો તું આવી શકે છે.’’

*આયેશા****

બ–રા–બ–ર! આયેશા વિચારવા લાગી. માટીડાએ પિઝા ઓફર કર્યો. હવે કહે છે મારા ભેગી રહેવા આવ. નો થેંક્યુ, તેણે મનમાં કહ્યું. હું અહીં તમારા કોર્ટયાર્ડમાં પડી રહીશ, મારી પોતાની સ્લીપિંગ બેગ છે, ઓકે? આયેશાએ જવાબ વિચારી લીધો અને તે મોરિસને જણાવવા તેણે મોં ખોલ્યું :

“અરે, સાહેબ તમે કેવા ભલા છો. મારાં કપડાં ભીનાં છે ને  કોર્ટયાર્ડનું ઘાસ પણ લથપથ છે. તમને ના કેમ પાડું. પણ તમને તકલીફ નહીં થાય? તમારી પત્નીને ––“

આયેશા પોતે પોતાનો જવાબ સાંભળી આભી થઈ ગઈ. તે ‘ના’ કહેવા જતી હતી પણ જીભ જાણે પોતાની મરજીથી જુદી વાત કરતી હતી.

*મોરિસ****

આયેશા, યસ? મોરિસે વિચાર કર્યો. મોરિસ પ્રોફેસર મોરિસ જોન્સ હતો. કિંગ્ઝ સર્કલ પાસેની સેન્ટ પોલ્સ યુનિવર્સિટીમાં થિયોલોજીનો યાને ધર્મશાસ્ત્રનો પ્રોફેસર આ મુસ્લિમ છોકરી કોઈ એકલા પુરુષના ઘરમાં રહે તો તે ‘ગુનાહ’ કહેવાય. પણ મોરિસ એકલો નહોતો, તેની મા જીવતી હતી અને હેરોમાં રહેતી હતી પણ અઠવાડિયાના ચાર દિવસ માનોને કે મોરિસને મળવા આવતી–જતી.

“મારું એપાર્ટમેન્ટ નાનું છે, પણ સગવડ થઈ શકશે.’’ મોરિસે તેનો સંકોચ દૂર કરવા જણાવ્યું. “હું પરણેલો નથી; પણ મારી મા છે.” મોરિસે કહ્યું. કોને ખબર શાથી પોતાની મા તેના એપાર્ટમેન્ટમાં રહેતી નથી ફક્ત મળવા આવે છે તે કહેવાનું હાલ તેને જરૂરી ન લાગ્યું.

યુવતીએ કહ્યું, “તમને અગવડ નહીં પડે?’’

“નોટ એટોલ.’’

મોરિસના સ્ટૂડિયો એપાર્ટમેન્ટ સુધી લઈ જતી લિફ્ટમાં બંને ઊભાં હતાં. મોરિસ લિફ્ટ્નાં બારણાં પાસે અને આયેશા મોરિસની પાછળ ખૂણામાં સંકોડાઈને ઊભી હતી. તેની સાથે પ્લાસ્ટિકની એક બેગમાં ટુથબ્રશ, દાંતિયો, વોલેટ અને કપડાંની ત્રણ જોડી હતાં.

હળવા આંચકા સાથે ત્રીજા માળે આવીને લિફ્ટ અટકી. મોરિસનું એપાર્ટમેન્ટ લિફ્ટથી બે ડગલાં જ દૂર હતું. એપાર્ટમેન્ટ્માં બે સોફા, સિંગલ બેડ, સુઘડ કિચન, એક બુકશેલ્ફ, નાનકડું ડેસ્ક અને ડેસ્ક પર મેકિન્ટોશ લેપટોપ! આટલો જ અસબાબ!

*આયેશા****

“તમારાં મમ્મી ક્યાં?” આયેશાએ સફાળા પૂછ્યું.

“કપડાં ભીંજાયા છે. બદલવાં છે ને?’’ મોરિસે પૂછ્યું.

આયેશાએ ગભરાટની નજરે મોરિસ સામે જોયું. “તમારાં મમ્મી ક્યાં?” તેણે સહેજ મોટા અવાજે ફરીથી પૂછ્યું.

“અને શાવર લેવો હોય તો બાથરૂમમાં ટોવેલ, શેમ્પૂ, … બધું છે.’’ મોરિસે જણાવ્યું. “હેં? મમ્મી? તે હેરો રહે છે પણ અઠવાડિયાના ચાર દિવસ અહીં આવે છે, સન્ડેના હું તેને ચર્ચમાં લઈ જાઉં છું. તમે … ફિકર ના કરશો. તમે બેડરૂમ વાપરો, હું ––“

આયેશા ઊભી થઈ ગઈ. ‘સોરી, મિસ્ટર જોન્સ.”

*મોરિસ****

ઓહ ગોડ. પહેલેથી જ મમ્મીની વાત જણાવી હોત તો છોકરી આવતે જ નહીં. આખી રાત સબડતી પડી રહેતે નીચેના કોર્ટયાર્ડમાં. ને કદાચ માંદી પડતે, કે મરી જતે. કે કોઈની બૂરી નજરનો શિકાર બનતે. તેના કરતાં ભલે સત્ય સહેજ ઢાંકીને તે છોકરીને ઘરમાં લઈ આવ્યો છે. પણ તેની દાનતમાં પાપ નથી. પોતે ક્રિશ્ચિયન છે, ઇસુ ખ્રિસ્તના ઉપદેશ મુજબ કોઈને આશરો આપવાથી વિશેષ તેનો કોઈ સ્વાર્થ નથી. પણ તે છોકરી પાસે કેમ પુરવાર કરવું?

*આયેશા****

જો હરામખોર. આયેશાએ મનોમન ગાળ દીધી પણ તેમાં ગુસ્સો નહીં ને રમૂજ હતી. મોરિસ ફૂટડો હતો, એનું ઘર સુઘડ હતું. પોતે ઊભી તો થઈ ગઈ પણ તેને જવું નથી. શી ખબર કઈ વિદ્યાથી તે સમજી ગયેલી કે મોરિસ બચ્ચુ એકલો જ રહે છે. પણ તે વાત મોરિસે છુપાવી તે આયેશાને પ્યારું લાગ્યું છે કેમ કે નહીંતર તે તેની સાથે તેના ઘરમાં આવે તો ‘ગુનાહ’ કહેવાય. અને હવે હકીકત જાણ્યા પછી જો સહેજ ચણભણ ન કરે તો ‘ચાલુ’ ઓરત લાગે.

હટ, હલકટ! આયેશાને થયું કે આ બધું કેવું ફાઇન ફાઇન લાગે છે. જાણે સાચેસાચ કોઈ પુરુષ સાથે સંબંધ બાંધીને તેની સાથે ‘ટોળ’ કરે છે! આયેશાને થયું પોતે કેવી હલકટ છે, ને તેવી હલકટ હોવાની બી કેવી મજા છે!

“મારા ધર્મમાં હું એકલી મુસ્લિમ છોકરી કોઈ એકલા મરદ સાથે એક છાપરા નીચે રહું તો મારા જાતવાળા લોકો મને પથ્થરથી મારે.”

*મોરિસ****

“ડોન્ટ વરી, પથ્થરના ઘા હું ખાઈશ; તમને વાગવા નહીં દઉં.” મોરિસે કહ્યું. તેને પોતાને નવાઈ લાગી કે તેને આવું બોલતાં કોણે શીખવ્યું! “કાલથી મારી મોમને પણ અહીં રહેવા બોલાવીશું.”

નાનકડી બેગ સાથે યુવતી બાથરૂમ તરફ ગઈ. અંદરથી બાથરૂમનું બારણું લોક થયું એવો જ મોરિસને વિચાર આવ્યો કે પોતે આવો ઘેલો ઘેલો થાય છે તો તેની ગેરહાજરીમાં આ યુવતી એપાર્ટમેન્ટમાંથી મારી ચીજવસ્તુઓનો સફાયો કરી છૂ થઈ જશે તો? પણ બીજી જ પળે તેણે એ વિચારને મનમાંથી હડસેલી નાખ્યો.

*આયેશા****

અઠવાડિયાથી આયેશા રીતસરનું નહાઈ નહોતી. ગરમ ફુવારામાં શેમ્પૂ વગેરેથી નહાવામાં તેને જાદુઈ આનંદ આવ્યો. નહાતાં નહાતાં તેને થયું કે આ અંગ્રેજ બચ્ચો કાંઈક ‘ટ્રાય’ કરશે તો? પણ મોરિસનો ચહેરો યાદ આવતાં આયેશાને થયું કે જેન્ટલમેનનો બચ્ચો થવા જશે ને ‘ટ્રાય’ નહીં કરે તો? આયેશાનાં રોમ ઊભાં થઈ ગયાં.

*મોરિસ****

થોડી મિનિટમાં આયેશા બાથરૂમમાંથી બહાર આવી ત્યારે તેના માથા પર ટોવેલ વીંટાળેલો હતો અને બીજા ટુવાલથી શરીર લપેટાયેલું હતું. આયેશાની આંખોમાં ચમક હતી અને ચહેરા પર તેજ હતું. પ્રથમ નજરે જ જન્નતમાંથી ધરતી પર ઊતરી આવેલી અપ્સરા જેવી લાગતી હતી આ નિરાધાર છોકરી. મોરિસનું હૃદય એકાદ સેકન્ડ ધબકવાનું ચૂકી ગયું, પણ તેણે કાચી સેકન્ડમાં જ સંયમ કેળવી લીધો …

“તું આ આ રૂમ વાપરજે.” મુખ્ય રૂમ બતાવી તેણે કહ્યું, “હું બહાર સોફા ઉપર સૂઈશ.’’

આયેશાના હોઠ હસી ઊઠ્યા હતા. તેના ચહેરા પર આ પ્રકારનું સ્મિત મોરિસે પહેલી વાર જોયું.

“ભલે,” કહી આયેશાએ બાથરૂમમાં જઈને વસ્ત્રો બદલી પથારીમાં અને મોરિસે પાયજામો પહેરી હોલમાં સોફા પર લંબાવી દીધું. આયેશાના શરીરમાં અચાનક પેટ ભરાયાથી ને સરસ નહાયાથી ઊંઘના પહાડ જાણે તૂટી પડ્યા અને વચ્ચેનું બારણું બંધ કરવાનું રહી ગયેલું. ભરનીંદરમાં તેને ખ્યાલ આવેલો અને આયેશાને સહેજ ગમેલું.

*મોરિસ****

બાથરૂમ બેડરૂમમાં હતો તેથી બેડરૂમનું બારણું બંધ કરાય તેમ નહોતું, યુ સી, મોરિસે પોતાની જાતને સમજાવ્યું. તે રાતે  બાથરૂમ જવા માટે ઊઠ્યો ત્યારે સહજ રીતે આયેશા તરફ નજર ગઈ હતી. આ યુવતી વિશે તેની પાસે કોઈ જાણકારી નહોતી. પણ એક યુવતી તરફ આ રીતે જોવું તેને ઠીક ન લાગ્યું. અને તરત પીઠ ફેરવી એ હોલમાં ચાલ્યો ગયો.

સવારે બેડમાંથી ઊઠીને બેડરૂમમાં ગયો તો આયેશા બેડરૂમમાં નહોતી. ઓહ, ભાગી ગઈ? ડરી ગઈ? કાંઈ ચોરી ગઈ? નો, નો! આયેશાને કિચન ટેબલ પર બેઠેલી જોઈ. ટેબલ પર આયેશાએ બ્રેક્ફાસ્ટ તૈયાર કરી રાખ્યો હતો.

“મારી સવારની નમાઝ પઢી હું તમારી શેલ્ફ પરનાં પુસ્તકો જોતી હતી. પોએટ્રી તમારો પ્રિય વિષય છે?’ આયેશાએ કહ્યું.

“યસ. મારો શોખ છે પોએટ્રી. પણ યુનિવર્સિટીમાં હું રિલિજિયન શીખવું છું. દુનિયાના ધર્મો.” મોરિસ આયેશા સુકૂનપૂર્વક આ ઘરમાં આઝાન, વાઈદ કે નમાઝ પઢી શકે એ માટે વ્યવસ્થા ગોઠવવાનું વિચારવા લાગ્યો.

“આયમ રીઅલી થેંકફુલ.’’ કહી આયેશાએ ઊંડો શ્વાસ લીધો.

મોરિસ હાથ ઊંચો કરીને એપાર્ટ્મેન્ટમાંથી બહાર નીકળી ગયો.

મોરિસની માને મળવાની કે તેને ત્યાં રહેવા જવાની વાત બેમાંથી કોઈ ન બોલ્યું.

ફુરર કરતા રમત રમતમાં પાંચ દિવસ વીતી ગયા. શરૂઆતનો સહેજ અતડો સહેજ ઔપચારિક સમય વીતી ગયો ને બંને સ્વાભાવિક રીતે વર્તવા લાગેલાં.

*ડોરોથી****

રવિવારે મોરિસની મમ્મી ડોરોથી એપાર્ટમેન્ટ ઉપર આવ્યાં. પોતાનો દીકરો કદી આટલો હસમુખો થતો જોયેલો નહીં ડોરોથીએ. નાનપણથી જ મોરિસ જિસસ જિસસ કરતો થયેલો અને તેને જાણે સંસારમાં રસ નહોતો. બીજા છોકરા જ્યારે છોકરીઓની પાછળ ઘેલા થતા ત્યારે મોરિસ બાયબલ સ્ટડીઝમાં સમય ગુજારતો. સોળ વરસનો થયો ત્યારે તેના બાપાએ રીતસર પાસે બેસાડીને માથે હાથ ફેરવતાં પૂછેલું કે બેટા, તું હોમોસેક્સુઅલ છે?

મોરિસે આભા થઈને કહેલું “વ્હોટ? નો!”

મોરિસે કહેલું કે જિસસે ધાર્યું હશે તો મારા માટે યોગ્ય છોકરી આપોઆપ આકાશમાંથી ટપકશે. તેના માટે હું બીજા બેવકૂફોની જેમ સમય વેડફું તે તો મૂર્ખામી કહેવાય!

અને યસ, ડોરોથીને લાગે છે કે આ છોકરી આયેશાને ભગવાન જિસસે છેક અફઘાનિસ્તાનથી અહીં મોકલી છે ને મારા દીકરા માટે આકાશમાંથી એના ઘરના દરવાજે ટપકાવી છે. એ આવી છે ત્યારથી મોરિસ આયેશા-આયેશા-આયેશા બોલતાં થાકતો નથી.

થેંક્યુ જિસસ!

*આયેશા****

પરવરદિગારે આલમ! મોરિસ તો છે જ દેવદૂત જેવો ઉદાર, પણ તેનાં મમ્મી તો વળી ઔર સોહામણાં છે. આજે છ મહિના થઈ ગયા છે હું ને મોરિસ એક મકાનમાં રહીએ છીએ. તે જાહિલે તો બિલકુલ કોઈ આછકલી વાત કરી નથી. મને બેન્કમાં નોકરી મળી છે પણ હું બીજા મકાનમાં જવાની જરૂર જોતી નથી. દર સન્ડેના રોજ અમે ત્રણે ચર્ચમાં જઈએ છીએ. ડોરોથી મને જાણે તેના દીકરાની પ્રેમિકા હોઉં તેવા લાડથી રાખે છે ને વારંવાર પૂછે છે તને મારા ઘરે રહેવું ફાવે?

ફાવે, કેમ ન ફાવે પણ લગ્ન પછી હું ડોરોથીના ઘરે રહેવા શા માટે જાઉં. કે અમે બંને તેને ત્યાં શા માટે રહેવા જઈએ? અમારું પોતાનું આ સ્ટુડિયો એપાર્ટમેન્ટ છે તો પછી તેને બોધર શા માટે કરવી, નો?

*મોરિસ****

આયેશાની સપ્રમાણ ગોરી દેહ યષ્ટિ પર શોભતો પેલો પીળો ડ્રેસ, મદીલું બદન, નશીલી આંખો અને મોહક જિભાન કોઈ પણ મરદ માટે આ આકર્ષણ ખાળવું મુશ્કેલ હતું.

“આજે હું ફ્રી છું અને હું તને ફરવા લઈ જવા માગું છું. તું આવીશ ને?’’

“કંઈ ગોઠવ્યું તો નથી પણ તમે જ્યાં લઈ જશો ત્યાં હું આવીશ.’’

“હાયડપાર્ક જઈએ. સરપેન્ટાઈન લેકની આસપાસ લટાર મારીશું, બોટિંગ કરીશું ને પછી ડિનર!”

“એક્સલન્ટ!”

*ડોરોથી****

આજે સવારથી આયેશા મારા ઘરે આવીને બેઠી છે. મોરિસ પણ અમારી સામે બેઠો છે. આયેશાને જાણે કાંઈક કહેવું છે, પણ કહેતાં જીભ ઊપડતી નથી. કદાચ જે કહેવું છે તે એવું મીઠું છે કે તે કહેવાના વિચારને પકડી હજી આ છોકરી તેનો આનંદ દોહી લેવા માગે છે, કેમકે કહી દીધા પછી તે ગુદગુદી નહીં રહે.

ડોરોથીને પોતાના સ્વર્ગસ્થ પતિની યાદ આવી ગઈ. મોરિસ પેટમાં રહેલો તે વાત કરવામાં ડોરોથીએ સાત દિવસ લીધેલા. બસ કહેવાય છે, કહેવાય છે, જરા આનંદ લો, એના રોમાંચનો.

ડોરોથી જાણે છે કે હસું હસું થતી આ છોકરી કાંઈક કહેવા આવી છેએએએ.

“તમે જાણો છો ને કે એક છોકરાને એક છોકરી સાથે રહેવાની મુસ્લિમ સમાજ મંજૂરી આપતો નથી. તમે મને આશરો આપ્યો, આયમ એક્સ્ટ્રિમલી થેકફુલ ફોર ધેટ.’’

મોરિસને કોઈ ઉતાવળ નથી. કે કોઈ અવઢવ નથી. તે સ્વસ્થ છે, આનંદમાં છે.

“તું મારી સાથે રહે તે સામે મારી મોમને કોઈ વાંધો નથી.” મોરિસ એક અખરોટ ફોલીને તેનો દાણો મોંમાં મૂકે છે.

“હા, પણ મારાથી લાંબો સમય અહીં રહી શકાય નહિ.’’ આયેશા બોલે છે. “સિવાય કે –” કહીને આયેશા જાણે દડાનો દાવ મોરિસની માની કોર્ટમાં ફેંકે છે.

“ના, ના આયેશા, હું તને જવા નહીં દઉં. અમે વિચારી લીધું છે.” મોરિસ આયેશાના ખભે હાથ મૂકીને કહે છે.

“શું  વિચારી લીધું છે?” આયેશા બત્રીસે દાંત બતાવી પૂછે છે.

“મારાં મમ્મી તને દત્તક લેવાનું વિચારે છે, આયેશા. મારી નાની બહેન તરીકે.”

e.mail : vallabh324@aol.com

(પ્રગટ : “નવનીત સમર્પણ”, સપ્ટેમ્બર 2019; પૃ. 67-74)

Loading

11 September 2019 admin
← સોશ્યલ મીડિયા દલા તરવાડીની વાડી છે. જાણે, ભગાભાઇની આઇપીઍલ
અવકાશ વિજ્ઞાન હોય કે અણુ ટેકનોલોજી, વિકાસ અગત્યનો છે. →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved