Opinion Magazine
Number of visits: 9504425
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અવળી ગંગા વહે તે આનું નામ

આશા બૂચ|Opinion - Opinion|19 April 2016

ગયે અઠવાડિયે whats app પર સમાચાર આવ્યા : ‘ખાનગી શાળાઓથી પણ સરકારી શાળાઓ વધુ સારી હશે.’ દિલ્હી સરકારના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાઉવાચ.

વાત એમ છે કે આમ જનતા પાર્ટીની કેટલીક વહીવટી અને અન્ય ક્ષતિઓ છતી થઈ છે, છતાં તેણે દિલ્હી રાજ્યમાં કેટલાંક પ્રજાહિતનાં કાર્યો કર્યાં છે, એ નકારી શકાય તેમ નથી. સ્વતંત્રતા મળ્યા બાદ, જે રીતે શિક્ષણની ધુરા વધુને વધુ ખાનગી ક્ષેત્રના આશ્રય નીચે નભવા લાગી છે અને તેના લાભ કરતાં ગેરલાભ વધુ ઉભરવા લાગ્યા છે, તે જોતાં કેજરીવાલ સરકારને એ વિષે કંઈ કરવાના ઓરતા જાગ્યા છે. ભારતની રાજધાની દિલ્હી અને શૈક્ષણિક રીતે વિકસિત એવા પ્રાંતોમાં શોધખોળ કરવા છતાં કોઈ મોતી હાથ નહીં લાધ્યું હોય, એટલે 90 જેટલા આચાર્યોને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં તાલીમ અર્થે મોકલવાના કરાર દિલ્હી સરકારે કર્યા, એવા સમાચારથી એક વાતે આનંદ થયો કે ચાલો, કમસે કમ નેવું જેટલી શાળાઓનાં શિક્ષણનું સ્તર તો સુધરશે.

કોઈ પણ અસરકારક શિક્ષણ પદ્ધતિ બાળ મનોવિજ્ઞાન અને શિક્ષણ શાસ્ત્રના સિદ્ધાંતોને લક્ષ્યમાં લઈને વિકસતી હોય છે. તે ઉપરાંત બાળકોની ભાષા, સંસ્કૃિત, ઉછેર અને સામાજિક રચનાના સંદર્ભનો પણ તેમાં સમાવેશ કરવામાં આવે છે. તેમાંના કેટલાક સિદ્ધાંતો અને પદ્ધતિઓ વૈષ્વિક હોય, કેટલીક સ્થળ-કાળ સંબંધિત હોય. તાલીમાર્થે કેમ્બ્રિજ જનારા આચાર્યોએ એ જોવાનું રહેશે કે બ્રિટનના વિદ્યાર્થી માટે ઉપયુક્ત પદ્ધતિ ભારતીય સમાજમાં ઉછરેલાં બાળકો માટે કેટલી બંધબેસતી થશે.

ભારતનો ઇતિહાસ હજારો સદીઓમાં પથરાયેલો છે. તેની સંસ્કૃિતનાં મંડાણ થયાં અને પૂર્ણ વિકસિત રાજ્ય તેમ જ સમાજ વ્યવસ્થા તરીકે ઉભરી આવી તેની યાશોગાથાની હારો હાર વેદ, ઉપનિષદો, મહાકાવ્યો તેમ જ ધર્મ ગ્રંથોની રચનાના ગૌરવ પૂર્ણ સાહિત્ય વારસાનો ખજાનો પણ સાંભરી આવે. લગભગ તે સમયે ઋષિઓ અને મહા આચાર્યો દ્વારા અપાતા શિક્ષણ ધામ સમાં ગુરુકુળોની ગાથા અનેક પુરાણ કથાઓમાં કહેવાતી સાંભળી છે. એવી જ રીતે રાજકીય દ્રષ્ટિએ સુવર્ણ યુગ તરીકે પંકાયેલ ગાળામાં તક્ષશિલા અને નાલંદા જેવા વિશ્વવિખ્યાત વિશ્વવિદ્યાલયો જ્ઞાન-વિજ્ઞાનનાં ઉત્તુંગ શિખરો સર કરીને વિદ્યાદાન કરતાં તેના પુરાવા પણ ઉપલબ્ધ છે. રાજકીય ઉથલ પાથલ, અંધાધૂંધી અને વિદેશી શાસન દરમ્યાન થયેલી શિક્ષણ ક્ષેત્રની પડતીના કાળમાં પણ શાંતિનિકેતન જેવા મહાવિદ્યાલયે ભારતની જૂની પરમ્પરા અને ઉચ્ચ ધોરણોને પુનર્જીવિત કરી આપ્યાનું આપણે ક્યાં નથી જાણતાં? કહેવાનો મતલબ એ છે કે ભારત પાસે શિક્ષણની પદ્ધતિ અને તેના અમલનો એક સોનેરી ઇતિહાસ છે. અને છતાં આજે કોઈ પણ ભારતીય નાગરિકને પૂછશો કે તમને સહુથી મોટા પ્રશ્નો કયા નડે છે તો લાંચ-રુશ્વત અને બેકારી-મોંઘવારી પછી તેઓ એ જ વાક્યમાં શિક્ષણ અને સ્વાસ્થ્યનાં કથળેલાં ધોરણો વિષે ચિંતા સેવતા સાંભાળવા મળશે. આમ કેમ?

સ્વતંત્રતા મળવાની સાથે કેન્દ્ર અને કૈંક અંશે રાજ્ય સરકારનું મોટા ભાગનું નાણું અને ધ્યાન મોટા ઉદ્યોગો ઊભા કરવા, બંધો બાંધવા અને વેપારી ક્ષેત્રોમાં રોજગારીની તકો ઊભી કરવામાં રોકાયેલું રહ્યું. સરકારી શાળાઓ કે દવાખાનાઓમાં ન તો તાલીમ પામેલા શિક્ષકો કે ડોકટરોને નોકરી મળતી કે ન તો તે બંને ક્ષેત્રોને પૂરતાં સાધન સગવડ પૂરાં પાડવામાં આવ્યાં. પરિણામે શિક્ષણ અને સ્વાસ્થ્ય પહેલેથી જ ઉપેક્ષિત ક્ષેત્રો રહ્યાં અને ધીમે ધીમે પણ ચોક્કસપણે તેની ગુણવત્તા ગુણાકારને બદલે ભાગાકાર પામતી રહી.

આપણા છેલ્લા વિદેશી શાસકોને તો પાંચ હજાર માઈલ દૂર બેઠે ચપટી ભર અમલદારો દ્વારા વહીવટ ચલાવવો હતો જેને માટે હજારો કારકુન અને નીચલી પાયરીના કર્મચારીઓની જરૂર પડે તેથી આપણે માટે વિદેશી એવી ભાષાના માધ્યમથી પ્રાથમિક કક્ષાનું શિક્ષણ આપીને પોતાના રાજ્ય વહીવટની સોઈ તેમણે પાક્કી કરી લીધી. થયું એવું કે તેમના પ્રસ્થાન પછી જેમ એ દેશની લોકશાહી શાસન પદ્ધતિ અને તુમારશાહી વહીવટી પદ્ધતિ ભારતે અપનાવી તેમ શિક્ષણનું માધ્યમ અને પદ્ધતિ પણ એની એ જ ચાલુ રાખી. આમ શાસકો બદલ્યા પણ શાસન પદ્ધતિ એની એ જ રહી જેની અસર શિક્ષણ ઉપર પડી. તેમાં અપવાદ હતો કેટલીક રાષ્ટ્રીય શાળાઓનો જે ભારતની આમ પ્રજાને સમજી, તેના જીવનને અનુબંધિત હોય તેવા શિક્ષણની સાથે સર્વાંગી કેળવણીનો યજ્ઞ કરતી રહી. સ્વ. મનુભાઈ પંચોળીએ કહેલું તેમ નાનાભાઈ ભટ્ટ અને મૂળશંકરભાઈ ભટ્ટ જેવાઓને ગામડાંમાં એક શાળા નહોતી ચલાવવી, એમને તો ગામડાંની શાળા ઊભી કરવી હતી. એ સંસ્થાઓમાં કેવું શિક્ષણ અપાતું તેનું એક ઉદાહરણ મનસુખભાઈ સલ્લાના એક લેખમાંથી ઉદ્ધૃત કરું:

મૂળશંકરભાઈનું ઘડતર નાનાભાઈ ભટ્ટે કર્યું હતું. એક વાર મિત્રની સોબતથી ચૌદેક વર્ષના મૂળશંકર ભાવનગરથી ધોળા સુધીની વગર ટિકિટે મુસાફરી કરી આવ્યા. છાત્રાલયમાં બધું ગૌરવભેર વર્ણવ્યું. નાનાભાઈએ જાણ્યું. બોલાવીને કહે, “મૂળશંકર, આ ટિકિટના પૈસા, આ દંડના પૈસા અને આ માફી માગતી ચિઠ્ઠી છે. તમે જઈને સ્ટેશન માસ્તરને આપજો. પહોંચ લેતા આવજો.” મૂળશંકરભાઈ પાછા આવ્યા ત્યારે નાનાભાઈએ કહ્યું, “મૂળશંકર, આપણે અહીં માત્ર ભણવા જ નથી આવ્યા, સારા માણસ બનવા આવ્યા છીએ.”

આજે કેટલા શિક્ષકો પોતાના વિદ્યાર્થીઓને આવું નીતિમત્તાનું શિક્ષણ આપવા તત્પર હોય છે? વિદ્યાર્થીને એક સારા નાગરિક બનાવવાની ઈચ્છા રાખે છે? અરે, તેઓ પોતે વગર ટિકિટે મુસાફરી કરે અને વિદ્યાર્થીઓને પણ તેમ કરતા રોકે નહીં એટલું જ નહીં, તેમ કરતાં આડકતરું પ્રોત્સાહન આપતા હોય તો પણ આશ્ચર્ય ન થાય (જો કે અહીં પ્રામાણિક અને નીતિમાન શિક્ષકોને અપવાદ ગણીએ અને તેમને સાદર વંદન કરીએ).

એક સ્વતંત્ર દેશ તરીકે ભાખોડિયા ભરતા દેશના નેતાઓને ભાન થયું કે સર્વ દુઃખોનું મૂળ અજ્ઞાનતા અને નિરક્ષરતા છે, માટે ફરજિયાત પ્રાથમિક શિક્ષણની જોગવાઈ કરી. સારું જ કર્યું. આથી એ પેઢીના બધા લોકોને અપેક્ષા રહી કે વધુ લોકોને શિક્ષણની તકો મળી તેથી દેશના પ્રશ્નો દૂર થઈ જશે. પણ આજે એમ સવાલ થાય છે કે આ ભણતર? એવા પ્રશ્નો પણ ચર્ચાય છે કે ભણતર એક સારો નેતા કે રાજકારણી બનાવે છે? ભણતર ઉત્તમ હોવું જોઈએ એમ ઘણા સ્વીકારે છે, પણ ‘ઉત્તમ’ એટલે કેવું? આજનું શિક્ષણ કેવું છે? બાળકને પહેલા ધોરણથી પાઠ ગોખીને પરીક્ષાઓ પાસ કરવાનું યંત્ર બનાવીએ અને હાથમાં ત્રણ કે ચાર અક્ષર વળી ઉપાધિનું ફરફરિયું પકડાવીને ઘાણીના બળદની માફક કોઈ ‘white collar job’ કરતો કરી મુકીએ છીએ. તેને આપણે લખતાં – વાંચતાં શીખવીએ અને નિરક્ષરતા ટળ્યાનો સંતોષ લઈએ પણ જો માણસ તરીકે સારો ન બને તો એ નેતા તરીકે કેવો બને? દરેક માતા-પિતા, શિક્ષક, શિક્ષણ શાસ્ત્રી અને જાગૃત નાગરિકે વિચારવું રહ્યું કે ભારતમાંનું આજનું શિક્ષણ બાળકોને અને યુવાનોને શું શીખવે છે? તેમને ‘શિક્ષણ’ મળે છે, પણ ‘કેળવણી’ મળે છે? કેળવણીનો અર્થ કેટલા જાણે છે? કહે છે અનામત બેઠકોને કારણે પછાત જ્ઞાતિ કે પછાત જાતિનાં સ્ત્રી-પુરુષો ચૂંટાઈ આવે છે આથી એ અશિક્ષિત નેતાઓને ભણાવવા પડે છે. તો સવાલ થાય કે એમને શું  ભણાવતા હશે? માત્ર અક્ષર જ્ઞાન આપતા હશે કે નીતિ શાસ્ત્ર, રાજ્ય્કારણ, વહીવટી જ્ઞાન કે પોત પોતાના વિશિષ્ટ ખાતાની તાલીમ અપાતી હશે? જો આવું સર્વલક્ષી શિક્ષણ અપાતું હોય તો એ કહેવાતા ‘પછાત’ પ્રતિનિધિઓ ઉત્તમ વહીવટ કરી શકે.

આધુનિક શિક્ષણની ઉપજનો એક બીજો દાખલો. વિવિધ સમાચાર માધ્યમો દ્વારા જાણવા મળે છે કે ભારતમાં યુવા વર્ગ તેમ જ પ્રતિષ્ઠિત ગણાતા અધિકારી વર્ગોમાં કોઈ દેવી-દેવતા અને તહેવારોને લઈને અકલ્પ્ય એવા વિરોધ અને અશોભનીય વર્તનનાં પ્રદર્શનો થઈ રહ્યાં છે. દેવ-દેવીઓની વિભાવના સામાન્ય રીતે પૌરાણિક કથાઓ સાંભળીને ઉભરતી હોય છે. તે પુરાણ કથાઓ બોધ લેવા માટે છે કે મારું-તારું કરવા માટે? દેવોમાં ય કામુકતા અને જાતીયતાનું પ્રત્યારોપણ કરે છે લોકો? હવે તો હદ થાય છે. ભક્તિ યોગ, કર્મ યોગ અને જ્ઞાન યોગ જાણ્યા છે, પણ આપણે તો અજ્ઞાન યોગ આચરવા  બેઠા !

ધર્મનો મૂળ મર્મ સમજીને આચરણમાં ઉતારવાને બદલે દેવી-દેવતા, સુર-અસુરમાં અટવાયાં. જુદા જુદા દેવ અને અસુરોમાંથી કોણ શહીદ કહેવાય અને કોણ વધુ મહાન કહેવાય તેના વિવાદમાં પડ્યાં. રાવણ અત્યંત બુદ્ધિશાળી વિદ્વાન હતો, તેની પાસે બાહુબળ પણ હતું. એ તેની ઉજળી બાજુ હતી. પણ સાથે સાથે સીતા સ્વયંવરમાં હારી જવાથી ઘવાયેલા ઘમંડને કારણે વિવેકની મર્યાદા ચૂકી જઈને સીતાનું અપહરણ કર્યું અને સીતાને રામને સુપુર્દ કરવાની તકને ઠોકરે લગાવી તેથી તેનો વધ કરવો પડ્યો. તો એ કથા પરથી પોતાની હાર સ્વીકારી, પરસ્ત્રીનું અપહરણ ન કરવું એવો બોધ લેવાને બદલે રાવણને જુઠ્ઠી રીતે આસુરી વૃત્તિ વાળો ઠરાવ્યો છે એવો પ્રચાર આજે કરું તો તેમાં મારું શિક્ષણ લાજે કે નહીં? પાર્લામેન્ટ અને ખુદ રાષ્ટ્રપતિ પણ આવા મુદ્દા ચર્ચે એ માની ન શકાય તેવી હકીકત છે. દુર્ગા પૂજાનું મૂળ સેંકડો વર્ષ પહેલાં એક વિદેશી શાસકને ખુશ કરવામાં હતું તેવી માહિતી કદાચ મળી આવે, પણ આજે એ ઉજવવા પાછળ અને તેનો વિરોધ કરવા પાછળનું ગાંડપણ તો જુઓ! હજુ એટલું ઓછું હોય તેમ આદિવાસીઓ અને દલિતના દેવો જુદા અને એ આતતાયી પણ હોય એવી માન્યતાઓ પાછળ શું તથ્ય? વાલ્મીકિ ઋષિ બન્યો, જેનું પૂર્વ જીવન યાદ કરી તેની મૂર્તિની પૂજા કરવી અને એ જ્ઞાતિને અલગ અને અછૂત ગણવી તેમાં આપણા શિક્ષણની શોભા છે કે તેના પરથી બોધ લેવો કે ગમે તેવા પ્રકારના સંયોગો તળે ઉછરેલ વ્યક્તિ પોતાનાં સત્કર્મો વડે સામાજિક અને આધ્યાત્મિક ઊંચાઈએ પહોંચી શકે તેવું સમજવામાં છે? પાછા આવી માન્યતાઓ ધરાવનારા યુનિવર્સિટીમાં ભણેલા હોય છે. તો વિચારવાનું એ રહે કે આજનું શિક્ષણ આપણને આપણા અધ્યાત્મ, તત્ત્વજ્ઞાન અને પુરાણ કથાઓને તેમાંથી તત્કાલીન યુગના નીતિ નિયમો અને સામાજિક ધારા ધોરણોના સંદર્ભમાં અને વિજ્ઞાનની કસોટીએ ખરા ઉતરે તેવાં મૂલ્યો શીખવાની દ્રષ્ટિ આપે છે ખરું? આમ થશે તો જ વ્યક્તિ અને સમાજને શિક્ષિત વર્ગનો ખરો લાભ થશે.

આથી કેમ્બ્રિજ જનારા આચાર્યોને વિચાર કરવા વિનંતી કે આજ સુધી અંગ્રેજી માધ્યમમાં ભણેલાઓએ ભારતના સામાજિક અને સાંસ્કૃિતક ઉત્ત્થાનમાં શો ફાળો આપ્યો? વર્તમાન શિક્ષણ પદ્ધતિથી મજબૂત ચારિત્ર્ય ઘડાય છે કે ઘેટાંશાહી મનોવૃત્તિવાળા બીબાંઢાળ કારકૂનો બને છે? બ્રિટનની શાળાઓ પોતાના વિદ્યાર્થીઓને માતૃભાષામાં શિક્ષણ આપે છે કે વિદેશી ભાષામાં એ જોવું પણ મહત્ત્વનું છે. શાળાઓ માત્ર લખી વાંચીને પરીક્ષાઓ આપવા માટે છે કે બાળકો અને યુવાનોની ક્રિયાશીલતા અને કલ્પનાશક્તિને પાંખો આપવા માટે છે એ જોવાનું પણ રસપ્રદ થશે.

એક સમયે દુનિયાના ચારેય ખૂણેથી વિજ્ઞાન, તત્ત્વજ્ઞાન, અધ્યાત્મ અને કળા-સંસ્કૃિતનું શિક્ષણ લેવા જિજ્ઞાસુઓ ભારતની શાળાઓ-વિશ્વવિદ્યાલયોમાં ઠલવાતા હતા. લાગે છે, આજે ગંગા અવળી વહેવા લાગી છે. આજે ભારતના શિક્ષકો પોતાના બાળકોને કઈ પદ્ધતિથી અસરકારક શિક્ષણ આપવું એ શીખવા પશ્ચિમ ભણી નજર માંડે છે. આશા રાખીએ કે આ આચાર્યો ભગીરથ જેવા સાબિત થશે અને જ્ઞાન ગંગાને ફરી ભારત ભૂમિ પર ઉતારીને બીજા સેંકડો અને હજારો કુશળ શિક્ષકોનો ફાલ ઉતારશે.

e.mail : 71abuch@gmail.com

Loading

19 April 2016 admin
← IS INDIA A SECULAR NATION?
અન્યાય સામે અડીખમ લડાઈ →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved