આવ્યો જ્યાં માથા ઉપર કાળો ભમ્મર સાંઢ,
તેં આવી પૂછ્યું મને, શરૂ કરું આષાઢ …?
પતરાં જેવાં આભને ગગડાવે સુદ બીજ,
ભાલા જેવી સોંસરી નીકળે ચકચક વીજ,
ફાડી આખું આભ તું વરસે ધોધ પ્રગાઢ …
તું હેલી થઈ બોલતી, શરૂ થયો આષાઢ …
સામે તું ઊભી રહી જળની થઈ દીવાલ,
મેં પણ તોડી છે તને લઈને મારું વ્હાલ,
પછી તો ચાલી આપણી ભીની કાઢાકાઢ …
તું ભૂલી ગઈ પૂછવું, શરૂ કરું આષાઢ …?
આજે તેં આકાશનો હંફાવ્યો છે મેહ,
જળ વરસી ઢીલું પડ્યું તો ય વરસતો નેહ,
તારી ચાહતની પછી કદી ન ઊતરી બાઢ …
તેં થાકીને કાનમાં કહ્યું, ગમ્યો આષાઢ …?
e.mail : ravindra21111946@gmail.com
![]()

