અમરેલીનાં કવયિત્રી પારુલ ખખ્ખરે જ્યારે રહેવાયું નહીં ત્યારે એક કવિતા લખી. એ કવિતા દાવાનળની જેમ વાઈરલ થઈ. એક હાથથી બીજે હાથ અથવા તો એક ગ્રુપથી બીજા ગ્રુપમાં પહોંચવા લાગી. હજુ તો ચોવીસ કલાક માંડ વીત્યા હશે ત્યાં તેનો બીજી ભાષાઓમાં અનુવાદ થવા લાગ્યો. વળી આ કવિતા લોકો સુધી પહોંચાડવા માટે બી.જે.પી.ના સાયબર સેલનો કોઈ હાથ નહોતો. ભાડૂતી માણસોની મહેનત અને મબલખ રૂપિયાની તાકાત વિના કવિતા પ્રસરી રહી હતી. તાજેતરનાં વર્ષોમાં પહેલી વાર એવું જોવા મળ્યું કે અસત્ય કરતાં સત્યની ફેલાવાની ઝડપ અનેક ગણી જોવા મળી. એમ કહેવાય છે કે સત્ય હજુ તો બુટની દોરી બાંધતું હોય ત્યાં સુધીમાં અસત્ય અનેક ગાઉંનું અંતર કાપી નાખે છે. એટલે તો અસત્યના પ્રસારણ માટે અને સત્યના અવાજોને રુંધવા માટે અબજો રૂપિયાની યંત્રણા વિકસાવવામાં આવી છે.
હવે? કરવું શું? ડરાવવા-ધમકાવવા અને ગાળો દેવા સિવાય બીજાં હકીકત અને તર્કના પ્રદેશને અડે એવાં સંસાધનો તો હિન્દુત્વવાદી રાજકારણીઓએ તેનાં લગભગ સો વરસના ઇતિહાસમાં વિકસાવ્યાં જ નથી. એ શક્ય પણ નથી. ઇસ્લામિક રાષ્ટ્રની સ્થાપના કરવા માગતા અંધ મુસલમાનો, હિટલર અને મુસોલિનીઓ અને ચીન, રશિયા અને બીજા દેશોના જંગલી સામ્યવાદી શાસકો પણ નહોતા વિકસાવી શક્યા. એ શક્ય જ નથી, કારણ કે તેઓ ગમે તે ભોગે સત્તા હાથમાંથી જવા દેવા માગતા નથી. એ માટે પહેલો ત્યાગ તેઓ લાજ-શરમનો કરે છે અને બીજો ત્યાગ સત્યનો કરે છે. જૂઠાણાં ફેલાવો અને જૂઠનો કોઈ પ્રતિકાર કરતું હોય તો તેને ડરાવો-ધમકાવો અને ગાળો આપો. આ જ તેમનાં એક માત્ર સાધનો અને ઓજારો છે.
હમણાં થોડા દિવસ ઉપર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં ઉછરેલા એક મિત્રએ મને ખબરઅંતર પૂછવા ફોન કર્યો અને પોરસાતા-પોરસાતા મારા ઉપર ઉપકાર કરતા હોય એમ કહ્યું કે, ‘રમેશભાઈ, તમે જોયું હશે કે હું તમને ક્યારે ય ગાળો નથી આપતો.’ બાવળિયે કેરી ઊગી હતી એવું નહોતું, મારા ઉપર તેમનો વ્યક્તિગત ઉપકાર હતો. ગુજરાતના જાણીતા વિદ્વાન અને ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પ્રકાશ ન. શાહે એક મુલાકાતમાં કહેલો પ્રસંગ ટાંકવા જેવો છે. ઈમરજન્સીમાં પ્રકાશભાઈને વડોદરાની જેલમાં પૂરવામાં આવ્યા હતા. તેમની સાથે થોડા સંઘના સભ્યો પણ હતા જેમાં ગુજરાતના સંઘના જાણીતા નેતા વજુભાઈ શુક્લ એક હતા. ઈમરજન્સી ઊઠી એ પછી જ્યારે કેદીઓને છોડવામાં આવ્યા ત્યારે વજુભાઈ શુક્લએ પ્રકાશભાઈને કહ્યું હતું કે, ‘પ્રકાશ, આ બાઈ (ઇન્દિરા ગાંધી) મૂરખી છે. અમે હોઈએ તો અમારા વિરોધીઓને ન છોડીએ. એ વાત જુદી છે કે દોસ્તી દાવે તારા જેવાને કષ્ઠ ન પડે એવી વ્યવસ્થા કરી આપીએ, પણ છોડીએ તો નહીં જ.’ આમ વજુભાઈ શુક્લનો પ્રકાશભાઈ ઉપરનો અને મારા મિત્રનો મારા ઉપરનો ઉપકાર વ્યક્તિગત હતો, બાકી બગીચો તો થોર અને બાવળિયાનો જ છે. હા, મારે કબૂલ કરવું જોઈએ કે મારા એ મિત્રએ હજુ સુધી મને ગાળો આપી નથી. તેમણે બીજાને ગાળો દેતા રોક્યા પણ નથી કે તેમની નિંદા કરી નથી એ જુદી વાત છે.
તો અચાનક સમસ્યા પેદા થઈ કે આ પારુલબહેનનું અને તેમની કવિતાનું કરવું શું? તેમની ચિંતા એ વાતની હતી કે લોકો હાથોહાથ એ કવિતા એકથી બીજાને પહોંચાડતા હતા. સત્ય લોકો સુધી પહોંચે કે અસત્ય ઉઘાડું પડે એ વાતની તેમને ચિંતા નહોતી. એની ચિંતા તો તેમણે ક્યારે ય કરી જ નથી. તેમની ચિંતા એ વાતની હતી કે લોકોના મનમાંથી જો આ રીતે ડર જતો રહે તો રાજ કરવું કેવી રીતે? ગંગામાં વહેતા મુર્દાઓ જો ડરેલા મુર્દાઓનો ડર છોડાવવામાં નિમિત્ત બને તો આખો ખેલ ખતમ થઈ જાય. ડરના જરૂરી હૈ. ડરાના જરૂરી હૈ. એટલે આદેશ આપવામાં આવ્યો કે તૂટી પડો. એમ કહેવાય છે કે ૧૪ પંક્તિની કવિતા લખવાનો અપરાધ કરનારાં પારુલબહેનને ૨૮ હજાર મા-બહેનની ગાળો આપવામાં આવી. એ પછી હલ્દીઘાટીના યુદ્ધમાં રાણા પ્રતાપનો વિજય થયો હતો એવી જેમ જાહેરાત કરવામાં આવી હતી એમ આર્મી ઓફ ટ્રોલ્સે જાહેરાત કરી દીધી કે પારુલબહેને પોતાની કવિતા ફેસબુકની વોલ ઉપરથી હટાવી દીધી છે. હકીકત આનાથી જુદી છે. નિર્ભયતાના મશાલચી પારુલબહેનને પ્રણામ.
મનુસ્મૃતિમાં એક વચન છે: यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवता: । यत्रैतास्तु न पूज्यन्ते तत्र सर्वास्तत्राफला: क्रियाः ।। અર્થાત્ જ્યાં નારીની પૂજા કરવામાં આવે છે, નારીનો આદર કરવામાં આવે છે ત્યાં દેવતાઓ વાસ કરે છે અને જ્યાં નારીની પૂજા કરવામાં નથી આવતી, આદર આપવામાં નથી આવતો ત્યાં કરવામાં આવેલા દરેક સારા કર્મોનો નાશ થાય છે. રગેરગમાં સાચા દેશભક્તો, હિંદુ ધર્મને તેમ જ હિંદુ સંસ્કારને આત્મસાત કરી ચુકેલા સાચા હિંદુઓ, હિંદુ હિતરક્ષકો, હિંદુ યોદ્ધાઓ અને ‘ભગવાન’ના ભક્તોને કહેવામાં આવ્યું કે તમારે અમરેલીમાં એક નારીની પૂજા કરવા જવાનું છે. તેઓ પહોંચી ગયા. રમન્તે તત્ર દેવતા: એમ જો કહેવામાં આવ્યું છે! આખરે ‘ભગવાન’ આ જોઇને રાજી થવાનો હતો. બીજી બાજુ કઢીચટાઓને કાવ્યસમીક્ષા કરવાનું કહેવામાં આવ્યું હતું. વડા પ્રધાન અને તેમના હનુમાન માટે ‘રંગા-બિલા’ શબ્દ વપરાય? વડા પ્રધાનની સરખામણી નીરો સાથે કરાય? તેમને ‘નગ્ન રાજા’ તરીકે ઓળખાવાય વગેરે. આમન્યા વિનાની અભિવ્યક્તિ શોભા નથી આપતી એમ કાવ્યશાસ્ત્રીઓ કમ સભ્યતાના પ્રહરીઓએ પારુલબહેનને સલાહ આપી હતી. આ સંસ્કાર અને સભ્યતાના જાગતલોનો અંતરાત્મા ત્યારે નથી જાગતો જ્યારે મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ અને ગાંધીપરિવાર વિષે એલફેલ લખાય છે અને બોલાય છે. તેમનો અંતરાત્મા એ જોઇને વ્યથિત નહોતો થયો જ્યારે એક સ્ત્રીને હજારો લોકો ટોળે મળીને મા-બહેનની ગાળો આપતા હતા. શા માટે ડંખે? એ લોકો થોડા કઢી ખવડાવે છે! જેની કઢી ચાટી હોય તેની ગુલામી કરવી પડે.
અસંસ્કારી હિન્દુત્વવાદીઓ, ભાડૂતી શ્વાનો અને કઢીચટાઓએ વિચારવું જોઈએ કે અવાજો રૂંધવાનો આટલો પ્રયાસ કરવા છતાં અને તેની પાક્કી વ્યવસ્થા કરવામાં આવી હોવા છતાં પારુલબહેનની કવિતા કેમ ચપોચપ એક હાથથી બીજે હાથ પહોંચવા માંડી? ભારતની લગભગ બધી ભાષાઓમાં તેનો અનુવાદ થયો છે. લંડનના લબ્ધપ્રતિષ્ઠ સામયિક ‘ધ ઇકોનોમિસ્ટ’ નામના સામયિકે તેનો અંગ્રેજી અનુવાદ છાપ્યો છે. એ કવિતા કાવ્યતત્ત્વની એરણે નબળી હોવા છતાં શા માટે ભાષા અને ભૂગોળના સીમાડાઓ ઓળંગી ગઈ? ભક્તો, ભાડૂતી શ્વાનો અને ભાડૂતી કઢીચટાઓએ આ વિષે વિચારવું જોઈએ.
આનું કારણ છે સત્ય, સંવેદનશીલતા અને નિર્ભયતા. ભારતની પ્રજા રાહ જોતી હતી કે ક્યાંકથી સત્યનો અવાજ સંભળાય. કોઈક અસહ્ય પીડાને વાચા આપે. કોઈક હિંમત બતાવે. પારુલબહેને આ કરી બતાવ્યું. કાવ્યતત્ત્વની દૃષ્ટિએ કવિતા નબળી છે કે સબળી છે એ મહત્ત્વનું નહોતું, અભિવ્યક્તિ મહત્ત્વની હતી. અવાજ મહત્ત્વનો હતો. જીવતા માણસને જીવતા મુર્દામાં ફેરવનારાઓ અને તે બોલતો ન થાય તેની રખેવાળી કરનારા ડાઘુઓ હેબતાઈ ગયા. પારુલબહેનની કવિતા દાવાનળની જેમ વાઈરલ થઈ એનું બીજું કારણ છે જેઓ સત્ય જાણે છે, જેમણે બોલવું જોઈએ, જે બોલી શકે છે એવા લોકોની નપુંસકતા. ધુતરાષ્ટના દરબારમાં જ્યારે ભીષ્મપિતામહ અને ગુરુ દ્રોણ મૂંગા રહેતા હોય ત્યારે દ્રૌપદીનો ચિત્કાર સીમાડા ઓળંગી જતો હોય છે. પારુલબહેન એક સ્ત્રી છે એ અકસ્માત નથી.
અને છેલ્લે સેક્યુલરિઝમની વાત. હોસ્પિટલ, ડોક્ટર, નર્સ, વોર્ડબોય, દવાઓ, ઓક્સીજન, વેન્ટીલેટર, એમ્બ્યુલન્સ, પેથોલોજીકલ લેબોરેટરીઝ, મેડીકલ ટેકનોલોજી, હૂંફ, કાળજી, સંવેદનશીલતા વગેરે જીવન ટકાવી રાખવા માટેની શુદ્ધ માનવીય જરૂરિયાત છે એટલે કે સેક્યુલર જરૂરિયાત છે. તેને ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી. આપણે જનરલ વી.કે. સિંહ જેવા કેન્દ્રીય પ્રધાનને, ભારતીય જનતા પક્ષના નેતાઓને, ભક્તોને, ટ્રોલ્સને, ગોદી મીડિયાવાળાઓને અને કઢીચટાઓને પોતાની કે પોતાનાં આપ્તજનની જિંદગી બચાવવા માટે આ સેક્યુલર ચીજની ભીખ માગતા જોયા છે. ધર્મના રાજકારણનો આનાથી વધારે મોટો પરાજય કયો હોઈ શકે!
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 23 મે 2021