
રવીન્દ્ર પારેખ
શિક્ષણ જગતમાં જે કામચલાઉ વ્યવસ્થાઓ છેલ્લાં થોડાં વર્ષોમાં ઊભી થઈ છે તેણે શિક્ષિતોમાં ભારે નિરાશા જન્માવી છે. ઘણાંનાં મનમાં પ્રશ્ન થાય છે કે તેણે ઢગલો રૂપિયા ખર્ચીને ભણવું જ શું કામ જોઈએ, જ્યાં અભણ કે ઓછું ભણેલા વધુ તકો ને આર્થિક લાભ મેળવતાં હોય? સાદો દાખલો મંત્રીઓનો લઇએ. એ જો માત્ર આર્થિક રીતે સદ્ધર હોવાને લઈને ઉચ્ચ પદ મેળવતા હોય ને એના હાથ નીચેના કમિશનરો ને કલેક્ટરો હુકમ ઉઠાવતા હોય, પીએચ.ડી. થયેલો અધ્યાપક કોઈ કોલેજ કે સ્કૂલમાં નોકરી કૂટતો હોય ને એનાથી ઓછું ભણેલો રાજકીય વગને કારણે કોઈ યુનિવર્સિટીમાં કુલપતિ થઈને આદેશો આપતો હોય કે કોઈ ઉદ્યોગપતિ વધારે ભણેલા કરતાં મોટા આવાસોમાં લહેર કરતો હોય, તો શિક્ષણનું કેટલું મૂલ્ય ખરેખર રહ્યું છે તે વિચારવાનું રહે.
રાજા કરતાં એનો મંત્રી કે સેનાપતિ વધુ સક્ષમ હોય એવું ઘણીવાર બન્યું છે. કાલિદાસ કે ટાગોર કરતાં વધુ અમીરો જગતમાં હતા જ, પણ વિદ્યાનું, કળાનું ત્યારે મૂલ્ય હતું. સભામાં કોઈ કવિ આવતો તો રાજા તેના સત્કારમાં આગળ આવતો ને તેને યોગ્ય સ્થાન આપતો. ટૂંકમાં, જે આર્થિક રીતે સક્ષમ ન હતી તે વ્યક્તિ વિદ્યાને બળે ઘટતું સન્માન પામતી. એ રીતે વિદ્યા સત્તાની સમકક્ષ મુકાતી. આજે ક્યાંક શિક્ષણનું, કળાનું ઉચિત સન્માન થાય છે, પણ મોટે ભાગે શિક્ષણ કરતાં સંપત્તિ વચ્ચેની ખાઈ વધુને વધુ પહોળી થતી આવે છે. એમ થવાનું એક કારણ શિક્ષણને આપણે અતિશય મોંઘું બનાવી મૂક્યું છે તે છે. લાખો રૂપિયા વગર એન્જિનિયર કે ડૉક્ટર થવાનું મુશ્કેલ છે. સાધારણ ડિગ્રી કોર્સની ફી પરવડે એવી ભાગ્યે જ હોય છે. એમાં ખાનગી શૈક્ષણિક સંસ્થાઓને તો ગ્રાન્ટ ન મળતી હોવાને લઈને, હેતુ એ રહ્યો છે કે પૈસા હોય તે જ ભણે. એમાં બધું જ ઉત્તમ હોય છે એવું નથી. કમાલ તો એ છે કે પ્રાથમિક શિક્ષણ મફત છે ને પૂર્વ પ્રાથમિક શિક્ષણ ફીથી ચાલે છે. ઘણીવાર તો કે.જી., નર્સરીની ફી જ એટલી હોય છે કે કોલેજની ફી સહ્ય લાગે. આટલી માથાકૂટ પછી, મોંઘી ફી ભરીને પ્રાથમિક શિક્ષક થવું હોય તો તે સહેલું નથી. પ્રાથમિક શિક્ષક થવામાં જ પરસેવો પડી જતો હોય ત્યાં અધ્યાપક કે હેડ થવાનું કેટલું મુશ્કેલ હશે એની તો કલ્પના જ કરવાની રહે છે.
એક તરફ નવી સ્કૂલો ખૂલવાનાં લાઇસન્સો અપાય છે, પણ છે તે સ્કૂલોની દશા બદથી ય બદતર છે. દેશ રામ ભરોસે ને સ્કૂલો ભગવાન ભરોસે ચાલે છે. ગામડાંની સ્કૂલોને જરૂરી વર્ગો નથી, માથે છત નથી, શિક્ષકો નથી ને આપણે ‘મેરા ભારત મહાન’ બોલી બોલીને જ દેશને મહાન કરી રહ્યાં છીએ. કરોડો, અબજોની યોજનાઓ છાશવારે ખુલ્લી મુકાતી રહે છે, એને બજેટની મુશ્કેલી નથી, પણ એક નાની સ્કૂલને સરખી રીતે ચલાવવાની મુશ્કેલીઓ દૂર થતી નથી. શિક્ષકોની ઘટ પુરાતી જ નથી ને વિદ્યા સહાયકો, શિક્ષણ સહાયકો, પ્રવાસી શિક્ષકોની હંગામી નિમણૂકોનો ઉપકાર, ઉમેદવારો પર થતો રહે છે. નિર્દયતાનો, નિષ્ઠુરતાનો આ નમૂનો છે. દેખાવ એવો છે કે હંગામી નિમણૂકો દ્વારા લાયકાત ધરાવતા ઉમેદવારોની બેકારી દૂર કરાય છે, પગાર નહીં, પણ રોજ પર મજૂરો રખાતા હોય એ ધોરણે. બધી રીતે લાયક ઉમેદવારને કોઈ કારીગર કરતાં ઓછો રોજ આપીને આ સેવા શિક્ષણ વિભાગ વર્ષોથી કરે છે.
આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા, એક જિલ્લા માટે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકની સીધી ભરતી માટે પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ માંગવામાં આવી છે. 28 ફેબ્રુઆરી, 2023 અરજી કરવાની છેલ્લી તારીખ છે. બધી જ યોગ્યતા છતાં ઉમેદવાર પસંદ થાય તો તેને ધારાધોરણ પ્રમાણે પગાર નહીં, પણ ફિક્સ પગાર આપવાનું નક્કી થયું છે. પાંચ વર્ષ માટે દર મહિને 19,950, ધોરણ 9-10ના શિક્ષા સહાયક માટે 25,000, તથા 11-12 માટે 26 હજાર અપાશે. આમ તો જે તે યોગ્યતા મુજબ જ ઉમેદવારની પસંદગી થઈ હશે, છતાં પાંચ વર્ષ સુધી સેવા સંતોષકારક જણાશે તો નિયમિત પગાર ધોરણમાં જે તે સહાયકનો સમાવેશ કરાશે ને તેવું ન જણાય તો પાંચ વર્ષ પહેલાં પણ, એક માસની નોટિસથી તેને છૂટો કરી શકાશે. જોઈ શકાશે કે નિયમિત પગાર ધોરણ માટે જરૂરી છે એ બધી જ યોગ્યતા સહાયકો પાસેથી પણ અપેક્ષિત છે, પણ એમના લાભો મર્યાદિત છે. જેમ કે, પાંચ વર્ષ પૂરાં થતાં પહેલાં સેવા સંતોષકારક ન જણાય તો એક મહિનાની નોટિસથી જે તે વ્યક્તિને ફરજ મુક્ત કરી દેવાશે. સાડા ચાર વર્ષથી વધુ સમય સુધી સારી રીતે નોકરી કરી હોય ને છેલ્લા મહિનાઓમાં સાહેબને લાગે કે સહાયકને છૂટા કરવા છે, તો આગલી શ્રેષ્ઠ સર્વિસનો કોઈ અર્થ ન રહે ને એની નોકરી જશે. હવે આ સેવા ‘સંતોષકારક’ લાગવાનું ગુણવત્તા કે ફરજ પરસ્તી પર જ આધારિત હોય એવું જરૂરી નથી. એ સિવાયનાં માનવીય કારણો પણ હોઈ શકે. એટલે કે જે નોકરી કરે છે તેણે શોષણ માટે પણ તૈયાર રહેવાનું છે. ઉપરી અધિકારીઓને નારાજ કરવાનો સાદો અર્થ નોકરીથી હાથ ધોવાનો જ થાય. જ્યાં પ્રમાણિકતાથી સહાયક કે સાહેબો વચ્ચેના સંબંધો નભે છે ત્યાં તો બહુ વાંધો નથી આવતો, પણ જયાં એવું નથી, ત્યાં સાહેબની ખફગી સહાયકને અસહાય કરી શકે. જો સહાયક ખરેખર જવાબદાર હોય ને તેને છૂટો કરાય, તો તેનો અફસોસ ન થાય, પણ એવું ન હોય તો તેણે પોતાનો ભોગ આપવાનો થાય. પાંચ વર્ષ પછી નિયમિત પગારે તેની નોકરી ચાલુ થાય ને પછી ફરજ બરાબર ન બજાવાય તો બહુ વાંધો નથી આવતો. એવા કેટલા ય કાયમી શિક્ષકો હશે જે પછી તો કોઈ હંગામી નોકરીને ય લાયક નહીં હોય, પણ તે પેન્શન ખાવા જેટલા સફળ ગણાય છે ને વિદ્યા કે શિક્ષા સહાયકો પાંચ વર્ષમાં કોઈ ગફલત કરે તો તેની હાલત કફોડી થઈ જાય છે. તેને બીજે નોકરીનાં ય પ્રશ્નો નડે એમ બને, કારણ પાંચ વર્ષ ઉમર વધી ગઈ હોય ને બીજે પણ નોકરીની ઉંમર નીકળી જાય એમ બને. આ અનિશ્ચિતતા ઉમેદવારનું પેટ ચોળીને ઊભી કરાઈ છે ને છેવટે તો ઉમેદવારોને, સાહેબોની મહેરબાની પર જ છોડી મૂકવા જેવું થાય છે.
આવી જ અનિશ્ચિત્તતા પ્રવાસી શિક્ષકો સંદર્ભે પણ ઊભી થાય છે. પ્રવાસી શિક્ષકોની નિમણૂકનાં નિયમો, તેનું પગાર ધોરણ અને જુદા જુદા જિલ્લાઓમાં ભરતીની સંખ્યાની વિગતો, 1 જુલાઇ, 2022થી 30 એપ્રિલ, 2023ના ગાળા માટે બહાર પડી છે. આ વખતે 10,000 જગ્યાઓ પ્રવાસી શિક્ષકો માટે જાહેર થઈ છે. આમ મજૂરો રોજ પર રખાય છે, પણ પ્રવાસી શિક્ષકોને તાસ પર રખાય છે. પટાવાળો માસિક પગાર પર હોઈ શકે, પણ પ્રવાસી શિક્ષક પિરિયડ પર રાખીને તેમનાં શિક્ષણનું માન જાળવી લેવાય છે. સરકારી ગ્રાન્ટેડ સ્કૂલોમાં, 1થી 12 ધોરણમાં હજારો જગ્યાઓ ખાલી છે, પણ તેને વિકલ્પે શિક્ષણ વિભાગ પ્રવાસી શિક્ષકો, હજારોની સંખ્યામાં રાખે છે. સરકારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં માનદ વેતનમાં 175નો તાસ દીઠ અને મહત્તમ રોજનો 875નો ભાવ પાડ્યો છે. તાસનો ભાવ વધ્યો છે, પણ પિરિયડ 6ના 5 થયા છે. એ જ રીતે ઉચ્ચતર મધ્યમિકમાં તાસ દીઠ ભાવ 200 છે અને મહત્તમ દૈનિક વેતન 800 નક્કી થયું છે. પિરિયડ 6ના 4 થયા છે. પ્રાથમિક શિક્ષણમાં તાસ નથી હોતા, ત્યાં દૈનિક માનદ્દ વેતન 510 છે ને ઉચ્ચક મહત્તમ માસિક વેતન 10,500 છે. આમાં કરકસર છે. મહિનાનો પગાર ગણાય તો 510ને હિસાબે અંદાજે 15,300 થાય, પણ હિસાબ 10,500માં જ પતી જાય. 4,800નો ચોખ્ખો નફો. આવી નાની બચત માટે જે મજૂરો રાખેલા હોય તેમને પણ કૈં ખટાવવું પડેને, તે 4,800માંથી ચૂકવાતું હોય એમ બને. એવી જ રીતે માધ્યમિકમાં 16,500 અને ઉચ્ચતર માધ્યમિકમાં 16,700 નો ભાવ તૂટે નહીં તેની કાળજી લેવાની રહે છે. આ વર્ષે ગ્રાન્ટેડ સ્કૂલોમાં 14 હજાર જેટલી જગ્યાઓ 10,000 પ્રવાસી શિક્ષકોથી ભરવાની થશે. એ જ રીતે અગાઉ 3,300 વિદ્યા સહાયકો સરકારે લીધા છે. આ ઉપરાંત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં 9,000 જેટલા પ્રવાસી શિક્ષકો પણ ખાલી પડેલી જગ્યાઓ પર મુકાશે. અહીં સવાલ એ થાય કે આટલી કસરત કરવા કરતાં મૂળ જગ્યાઓ ભરતાં કોણ રોકે છે? આટલી કસરત પછી પણ મૂળ નિમણૂકો તો ઊભી જ છે.
આ બધું જોતાં કેટલાક પ્રશ્નો ઉદ્ભવે છે. શિક્ષણ વિભાગ એ જાણે છે કે કેટલાય પ્રવાસી શિક્ષકોના આટલા ઓછા પગાર પણ ચૂકવી શકાતા નથી ને 6થી 7 મહિનાના પગાર બાકી જ રહે છે? બીજી નોકરી નથી એટલે લાચારીથી આ પ્રવાસી શિક્ષકો 35-40 કિલોમીટરનો પ્રવાસ પોતાને ખર્ચે કરીને સ્કૂલે પહોંચે છે ને તાસ દીઠ ચૂકવણું, મહિનાઓ થવા છતાં નથી થતું તે શિક્ષણખાતું ને શિક્ષણ મંત્રીશ્રી જાણે છે? જ્યાં પગાર થતો હોય ત્યાં સરકારને વધાવીએ, પણ એકને ગોળ ને એકને ખોળ જેવું થતું હોય તો તેની ચિંતા કરવાની કે કેમ? એવો પણ વહેમ પડે છે કે ઉચ્ચક પગાર ને ફિક્સ પગારની આખી ફોર્મ્યુલા શિક્ષકોને પૂરા લાભ ના આપવા પડે એટલે અજમાવાય છે. 10-11 મહિનાના કોન્ટ્રાક્ટ પર શિક્ષકો રાખવાથી બે મહિનાનો પગાર બચે, વેકેશનનો પગાર ન આપવો પડે, અન્ય રજાઓ ને સગવડોથી શિક્ષકોને વંચિત રાખી શકાય, એ કોઈ યુનિયનમાં જઇ ન શકે કે ફરિયાદ ન કરી શકે, કારણ કે એની પાસે બધી યોગ્યતા છતાં પૂરા પગારની નોકરી નથી ને છે તે નોકરી ગુમાવવાનું તેને પાલવે એમ નથી, એટલે એ લાચાર થઈને ઓછામાં પણ ચલાવે છે. શિક્ષણ જ જો શોષણનો પર્યાય હોય તો શિક્ષકના હાથમાં ભવિષ્ય છે એવી શ્રદ્ધા બચે છે ખરી? જેનું પોતાનું ભવિષ્ય ધૂંધળું છે, એ શિક્ષક વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઘડે એવી કેટલી જગ્યા આપણે એની પાસે રહેવા દીધી છે? જો બીજા બધા માટે બજેટ ફાળવી શકાતું હોય તો શિક્ષણ માટે વધુ બજેટ ફાળવીને એ સ્થિતિ ઊભી કરવી જોઈએ કે શિક્ષક આત્મનિર્ભર બને ને વિશ્વાસથી દેશનું ભવિષ્ય ઘડે, બાકી, આંગળાં ચાટવાથી પેટ ભરાતું નથી, તે કહેવાની જરૂર છે?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 17 ફેબ્રુઆરી 2023