માતૃભાષામાં થતા રહેતા પ્રાણસભર સળવળાટ પર કે ભાષાપરક નૂતન આવિષ્કારો પર આપણું કશું ધ્યાન નથી હોતું
દીવાળી આવે એટલે પહેલાંના જમાનામાં અમારા શાહ-પરિવારોમાં ગૃહિણીઓ પાપડ મઠિયા થાપડા સેવો ખાજાપૂરી કળીના લાડુ સક્કરપારા સુંવાળી કે ઘૂઘરા બનાવે. છોકરાં ફટાકડા ફોડે. બાપદાદાઓ નફા-તોટાના હિસાબ માંડે, સરવૈયાં કાઢે. એમના જેવું દરેક ડિસેમ્બરમાં મીડિયાવાળા કરે છે. જીવનવ્યવહારનાં જુદાં જુદાં ક્ષેત્રોમાં શું શું બન્યું તેના માંડી-ટીપીને સરવાળા કરે, સાર કાઢે, ને તેને જાહેર કરે. એથી ઝળહળતી સમાચાર-જ્યોત નાતાલની રોશનીના ચમક-ચમકારા વચ્ચે વિચારોને ઉત્તેજિત કરતી હોય છે.
દર વર્ષે આપણે ત્યાં કહેવાય છે કે ગત વર્ષનું રાજકીય પરિદૃશ્ય આવું રહ્યું કે તેવું રહ્યું. ગયા વર્ષે પર કૅપિટા ગ્રૉસ ડોમેસ્ટિક પ્રોડક્ટ આટલી હતી, આ વર્ષે આટલી થઈ. ભારતની વસતીમાં આટલા ટકાનો વધારો થયો. સ્ટૉક-માર્કેટ વૉલેટાઈલ રહ્યું કે ન રહ્યું. બૉલિવૂડે આટલી ફિલ્મો બનાવી. આ દરેક બાબતે સંશોધક પત્રકારો ઘણું ઘણું શોધી લાવતા હોય છે. સારી વાત છે. જિવાતા જીવનનાં પ્લસ-માઈનસનો ખ્યાલ આવે; જરૂરી છે.
પણ સુથારનું મન બાવળિયે હોય એમ મારા જેવા સાહિત્યવાળાઓને અવનવા શબ્દો અને શબ્દગુચ્છો પ્રગટ્યા કે કેમ એ જાણવાની ઉત્કણ્ઠા થતી હોય છે. એ માટે આ ઈન્ટરનેટના આકાશમાં આતુર નજરે ઊંચે તાકી રહેવું પડે એવું તો નથી જ નથી, પણ અરે, મને પણ એવા પ્રયોગો યાદ આવી જાય છે. ક્યારેક તો મારા તરફથીયે નવા નવા દાખલ કરી દઉં છું…જેમ કે, 'પ્રોલિફિક રાઇટર' માટે 'બહુલખુ' અને 'ઍવિડ રીડર' માટે 'બહુવાંચું' કે 'ડાયલેમા' માટે ‘શિંગડાંભીડ' …
દર વર્ષે ઑક્સફર્ડ ડિક્ષનરીમાં નવા શબ્દો ઉમેરાય છે. એક શબ્દ બ્રિટનમાં પ્રગટ્યો હતો, 'યુથક્વેક' – યુવાકમ્પ. યુવાશક્તિ વડે પ્રગટેલું રાજકીય સામાજિક પરિવર્તન તે યુથક્વેક. કહેવાય છે કે આર્થિક કટોકટી અને જાહેર જીવનમાં ભ્રષ્ટાચાર જેવાં દૂષણો સામેનું એક માત્ર સફળ યુવા-આંદોલન સ્વાતન્ત્ર્યોત્તર ભારતના ઇતિહાસમાં ગુજરાતમાં પ્રગટેલું, ૧૯૭૪માં -નવનિર્માણ. એ યુથક્વેક પછી ગુજરાતમાં અર્થક્વેક જરૂર થયા છે.
મેરિયમ-વેબ્સ્ટરવાળા જણાવતા હોય છે કે વર્ષ દરમ્યાન એમની ડિક્ષનરીમાં લોકોએ કયા શબ્દોને વધુ વાર જોયા અને સૌથી વધુ કયો શબ્દ જોવાયો; ટકાવારી સાથે જણાવે છે. ૨૦૧૮-નો એમણે જાહેર કરેલો શબ્દ છે, 'જસ્ટિસ'. ૭૪% જોવાયો છે. જણાવે છે કે એ શબ્દ રેસિયલ જસ્ટિસ, સોશ્યલ જસ્ટિસ, ક્રિમિનલ જસ્ટિસ, વગેરે માટેની ચર્ચાઓમાં કેન્દ્રમાં હતો. હું એનો અર્થ એમ ઘટાવું કે ૨૦૧૮-ના વર્ષ દરમ્યાન મનુષ્યોનો ન્યાયને માટેનો પોકાર ઘણો તીવ્ર હતો.
આપણા જોડણીકોશમાં એવાં ઉમેરણ વરસે વરસે ભલે ન કરી શકાય પણ તેની જાહેરાતો તો કરી જ શકાય. પણ નથી થતી. કેમ કે કોઇને ખબર જ નથી કે કયા નવા શબ્દો પ્રગટ્યા છે ને ચલણી બન્યા છે. સાહિત્યજગતના અન્તરાલમાં તો ભાષા ખીલી હોય એવાં અનેક સ્થળો હોય છે, બતાવી શકાય, પણ એ શ્રમ લેવા કોઇ આગળ નથી આવતું. ટૂંકમાં, માતૃભાષામાં થતા રહેતા પ્રાણસભર સળવળાટ પર કે ભાષાપરક નૂતન આવિષ્કારો પર આપણું કશું ધ્યાન નથી હોતું.
ભાષા કઢંગી રીતભાતમાં ખીલતી રહેતી હોય એવું તો રાજકારણમાં વધારે જોવા મળે છે. ઉચ્ચ પદધારી નેતાઓ એમ સમજાવતા હોય છે કે – હે પ્રજાજનો, તમે જેને ગાળો કહો છો એને અમે એમ નથી ગણતા. વિજય માલ્યા પછી નીરવ મોદી અને આજકાલ ડાયમણ્ડ જ્વેલર મેહુલ ચૉક્સી નેશનલ ન્યૂઝ છે. અને ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી આવ્યા ત્યારથી ઈન્ટરનેશનલ ન્યૂઝ છે. મેરિયમ-વેબ્સ્ટર અનુસાર, આ વરસે 'નેશનાલિઝમ' શબ્દને લોકોએ એટલો તો જોયો-તપાસ્યો હતો કે એને ૮૦૦૦% મળ્યા છે. કેમ કે ઑક્ટોબરની ૨૨ અને ૨૩ તારીખો દરમ્યાન ટૅક્સાસની રૅલિ વખતે ટ્રમ્પભાઈ ભારે વ્યંગમાં બોલેલા; કહે : તમે જાણો છો, હું કોણ છું? હું નેશનાલિસ્ટ છું; ઓકે? હું નેશનાલિસ્ટ છું. નથિન્ગ રૉન્ગ ! : આપણે જાણીએ છીએ કે 'નેશનાલિસ્ટ' પ્રયોગથી 'રાષ્ટ્રભક્ત' તો સૂચવાય જ છે પણ બીજાં રાષ્ટ્રો પર પોતાના વિચારોનું આધિપત્ય સ્થાપવા નીકળેલાને તો વગર ભૂલ્યે નેશનાલિસ્ટ કહેવાય છે ! ટ્રમ્પ સાચા ક્હૅવાય ! મને થાય છે, 'અર્થ' શબ્દની ગમે તેટલી વ્યાખ્યાઓ કરીએ, જ્યૉર્જ ઑરવેલે કહેલું તે સાચું છે કે Meaning, at bottom, is about power. અર્થ, મૂળે તો, સત્તાને વિશે હોય છે.
નસીરુદ્દીન-પરિવાર : સૌજન્ય : યુટ્યૂબ
ભારતમાં સલામતીની ચિન્તા તો ભરબજારે ધંધાપાણીમાં અને ઑફિસોમાં નોકરીઓમાં વ્યસ્ત સરેરાશ નાગરિકોને વધારે હોય છે. પોતાનાં સન્તાનો અંગે હિન્દી ફિલ્મ ફ્રૅટર્નિટીના અભયારણ્યમાં નસીરુદ્દીન શાહ જેવા લબ્ધપ્રતિષ્ઠ ઍક્ટરને સલામતીની ચિન્તા જો થઇ, તો તે સ-કારણ હોવી જોઇએ. પણ એમના એ ઉચ્ચારણને પરિણામે, 'રાષ્ટ્રપ્રેમ' 'સૅક્યુલર સ્ટેટ' 'નૉન-ઍક્ટિવ મુસ્લિમ' 'ગદ્દાર' જેવા મહત્ અર્થ ધરાવતા શબ્દો ઊછળ્યા. નસીરુદ્દીનને પાકિસ્તાન ચાલ્યા જવાની ટિકિટ મોકલવામાં આવી. પાકિસ્તાનના પ્રધાનમન્ત્રીએ 'વ્હાલ' દર્શાવ્યું. એમને નસીરુદ્દીને કહ્યું કે – તમે તમારું ઘર સંભાળો. પરન્તુ, દેશમાં અસલામતી પ્રવર્તે છે કે કેમ એ વાતનો નિર્ણય કરી શકાય એવી સ્વસ્થ ચર્ચા તો બાજુ પર જ મુકાઈ ગઈ ! 'હનુમાનજીની જાતિ' જેવો પ્રયોગ દેશમાં કદાચ પહેલી વાર પ્રગટ્યો. હનુમાનજીને 'દલિત' કે 'મુસ્લિમ' કહેવા એ વાત જ અસ્થાને છે. એમની ઓળખ તો એ છે કે તેઓ પવનના પુત્ર છે ને તેથી જાતિ વગેરે તમામ ભેદભાવોથી મુક્ત છે. ને એટલે, હનુમાનજી સૌના છે. પણ એટલું તો બિલકુલ સાચું છે, ઘણું સાચું છે, કે તેઓ અસુરોનું નિકન્દન કાઢી નાખનારા ય છે.
અંગ્રેજી 'ઍકેડેમી' પરથી બનેલો 'અકાદમી' શબ્દ ૨-૩ વર્ષથી ભારતમાં સૌથી વધુ કોઇ રાજ્યમાં વપરાયો હોય તો તે ગુજરાતમાં. એની સાથે સતત કોઇ સંસ્કૃત શબ્દ વપરાયો હોય તો તે છે, 'સ્વાયત્તતા'. પણ આજે બન્ને શબ્દોના સંકેતો ઠૅર-ના-ઠૅર છે. પ્રવર્તમાન સાહિત્યિક વાતાવરણ ડ્હૉળાયેલું છે. પોતાને વિવેકબૃહસ્પતિ સમજતા સાહિત્યકારોને એની ચિન્તા સતાવે છે કે કેમ, ખબર નથી પડતી. આવા શબ્દપ્રયોગોને મેં ઈરાદાપૂર્વક યાદ કર્યા છે. કેમ કે જમા કે ઉધાર બાજુએ ખોટી ઍન્ટ્રી નાખવાની ભૂલ કરી હોય એને પરિણામે સાચાં સરવૈયાં નથી નીકળતાં. સુધર્યા વિનાની એ ભૂલો ચૉપડામાં દબાઈને પડી રહે છે અને કડવું સત્ય એ છે કે જતે દિવસે પેઢી ઊઠી જાય છે.
કરુણ વીગત એ છે કે સમાચાર-જ્યોતને ઝળહળતી રાખવા નીકળેલા વિશ્વના ૨૫૧ પત્રકારોને આ વર્ષે જૅલમાં ધકેલવામાં આવ્યા છે. ૩૪-ને મારી નંખાયા છે – ગયા વર્ષની તુલનામાં ૮૯%નો વધારો ! ૧૯૯૨-થી ગણતાં, ભારતમાં ૪૭ પત્રકારોની હત્યા થઈ છે. આ વર્ષે, નવીન નિશ્ચલ (બિહાર) અને સુજાત બુખારી (કશ્મીર) મરાયા છે. સત્તામદાન્ધો એક જ વાત કરી રહ્યા છે – સામે પડનારાઓને ખતમ કરો ! અન્યાય અને કુકર્મોથી દૂષિત વાસ્તવિકતાઓને ખુલ્લી પાડનારાઓને જ નેસ્તનાબૂદ કરનારી આ સિતમખોરીનું શું કરીશું? આ વાતો હજી ચાલુ છે. આવતા શનિવારે …
= = =
"સાહિત્ય સાહિત્ય" : લેખ-ક્રમાંક : 225 : શનિવાર : તારીખ ૨૯ ડિસેમ્બર ૨૦૧૮
https://www.facebook.com/suman.shah.94/posts/2271241592906741