મારા વિદ્યાર્થીઓને કહું છું કે ખૂબ તોફાન કરો, પ્રાણનો વિકાસ કરો, ખૂબ અખતરા કરો; ટાઢતડકામાં ફરો, જંગલ અને પાણી સાથે દોસ્તી બાંધો, અખાડામાં જઈને શરીર કસો. ખૂબ મહેનત કરતાં શીખજો. નવરાશ એ શરીરનો કાટ છે. શરીર અને બુદ્ધિને કસરત આપતા રહેજો. ઉપરાંત ખૂબ મુસાફરી કરજો ને કોઈ જબરો ઊઠીને જ્યારે નબળાને કનડે ત્યારે નબળાનું ઉપરાણું લેવા જજો.
— કાકા કાલેલકર
(જન્મદિન : 1 ડિસેમ્બર 1885)

કાકા કાલેલકર
‘મારા વિદ્યાર્થી મિત્રોને કહું છું કે – ધ્યાનમાં રાખજો કે તમે ગરીબોને માટે છો, ગરીબોની સેવા એ જ તમારું વ્રત છે. બીજી વાત, અધ્યયન પ્રત્યેનો પ્રેમ જીવનભર જાળવી રાખજો. તેનાથી વિષાદ અને થાકના સમયે પ્રસન્ન રહેવામાં મદદ મળશે. અને ત્રીજી વાત, માનવીનો ધર્મ એક જ છે – અજ્ઞાન, અસહિષ્ણુતા, શોષણ અને અન્યાય સામે નિરંતર લડતા રહેવું.’
આટલું કહી એ તેજસ્વી જૈફ પુરુષે આગળ કહ્યું, ‘ગરીબોનો બેલી આજે કોઈ નથી. એવી દશામાં વિદ્યાર્થીઓ આગળ હું કઈ ‘કેરિયર’ મૂકું ? જેમને ગરીબોની દાઝ છે, એવાઓને માટે એક જ કેરિયર છે – ગરીબ થઈને ગરીબોની સેવા કરીએ. પેલા બિચારા લાચારીથી ગરીબ થાય છે, આપણે સ્વેચ્છાપૂર્વક ગરીબાઈ સ્વીકારીએ. આપણી તાકાત છતાં આપણે પૈસા મેળવવાની શરતમાં ન દોડીએ. શહેરમાં ગામડાંની સાદાઈ ને તેજસ્વિતા લઈ જઈએ. આ નવી કેરિયરમાં વિદ્યાર્થીઓ આગળ રહે, તો આ દેશનો ઉદ્ધાર થવાનો છે. સ્વરાજ્યનો અર્થ ગોરા અમલદારોને બદલે દેશી અમલદારો નિમાય એ નથી, પણ ભણેલા લોકો ગરીબોની સેવા કરતા થાય એ છે.’
આ પુરુષ તે કાકાસાહેબ કાલેલકર. એમણે આ શબ્દો કહ્યાને લગભગ સો વર્ષ થઈ ગયાં છે, છતાં આ શબ્દો આજે પણ એટલા જ સાચા અને પ્રેરણાદાયક છે. આ તો હતી તરુણ વિદ્યાર્થીઓ માટેની વાત. તેમણે નાના વિદ્યાર્થીઓને શું કહ્યું છે? ‘નાના વિદ્યાર્થીઓને કહું છું કે ખૂબ તોફાન કરો, પ્રાણનો વિકાસ કરો, ખૂબ અખતરા કરો; ટાઢતડકામાં ફરો, જંગલ અને પાણી સાથે દોસ્તી બાંધો, અખાડામાં જઈને શરીર કસો. ખૂબ મહેનત કરતાં શીખજો. નવરાશ એ શરીરનો કાટ છે. શરીર અને બુદ્ધિને કસરત આપતા રહેજો. ઉપરાંત ખૂબ મુસાફરી કરજો ને કોઈ જબરો ઊઠીને જ્યારે નબળાને કનડે ત્યારે નબળાનું ઉપરાણું લેવા જજો.’
ભારતના સુપ્રસિદ્ધ રાષ્ટ્રસેવક, ચિન્તક અને સમર્થ ગુજરાતી લેખક કાકા કાલેલકરનું પૂરું નામ દત્તાત્રય બાળકૃષ્ણ કાલેલકર. સરકારી નોકરી અંગે વારંવાર બહારગામ જતા પિતા બાળ દત્તાત્રયને સાથે લઈ જતા. એને લીધે પ્રવાસ અને પ્રકૃતિપ્રેમનાં બીજ રોપાયાં. ભાઈઓ જોડે ચર્ચા કરતાં દેશમુક્તિનાં સ્વપ્નાં સેવ્યાં. પૂનાની ફરગ્યુસન કૉલેજમાં આચાર્ય પરાંજપેના પ્રભાવથી બુદ્ધિવાદ વિકસ્યો. બી.એ.માં ફિલસૂફી ભણ્યા અને ધર્મચિંતન માટેની ભૂમિકા તૈયાર થઈ. કૉલેજમાં ખૂબ વાંચ્યું. જીવનદૃષ્ટિ ઘડાતી ગઈ. રાજકીય ક્રાન્તિ જોડે સામાજિક ક્રાન્તિનો આગ્રહ સેવ્યો.
રાષ્ટ્રસેવાની ધૂન લાગવાથી અને શિક્ષણ દ્વારા જ રાષ્ટ્રને જાગ્રત કરી શકાય એમ લાગવાથી તેમણે બેલગામના ગણેશ વિદ્યાલયના આચાર્ય, તે પછી લોકમાન્યના દૈનિક રાષ્ટ્રમતના સંપાદક, તે પછી વડોદરાના ગંગનાથ વિદ્યાલયના આચાર્ય તરીકે સેવા આપી. સરકારની કરડી નજર પડતાં શાળા બંધ થઈ અને એમણે હિમાલયમાં જઈ આધ્યાત્મિક સાધના કરવાનો નિર્ણય લીધો. સ્વામી આનંદ તથા ગંગનાથ વિદ્યાલયના સાથી અનંતબુવા મર્ઢેકર સાથે હિમાલયની યાત્રાએ ગયા ને પગપાળા સાડાત્રણ હજાર કિ.મી.ની મુસાફરી કરી. પછીથી સ્વામી આનંદ અને કાકા કાલેલકરે અલગ-અલગ સમયે પોતાના પ્રવાસ અનુભવ લખ્યાં. અપૂર્વ આશર સંપાદિત અને નવજીવન પ્રકાશિત પુસ્તક ‘એક યાત્રા બે વૃત્તાંત’માં કાકાસાહેબ અને સ્વામીનો હિમાલય પ્રવાસ એક સાથે વાંચવા મળે છે. એક જ સ્થળને બે વિચક્ષણ વિભૂતિઓ પોતપોતાની દૃષ્ટિએ કેવી રીતે નીરખે અને અનુભવે એ જાણવાની એક મઝા છે.
1924માં પ્રગટ થયેલા ‘હિમાલયનો પ્રવાસ’ પુસ્તકનું આ શતાબ્દીવર્ષ છે. ગુજરાતી પ્રવાસસાહિત્યના આ અજોડ અને અદ્વિતીય પુસ્તકનું સાહિત્યમૂલ્ય ઊંચું છે.
હિમાલયયાત્રા પૂરી થતાં હરિદ્વાર પાસેના ઋષિકૂળ, કાંગડી ગુરુકૂળ, સિન્ધુ બ્રહ્મચર્યાશ્રમ વગેરે સંસ્થાઓમાં રાષ્ટ્રીય શિક્ષણના પ્રયોગો કરીને શાંતિનિકેતનનું આમંત્રણ આવતાં કાકાસાહેબ ત્યાં ગયા. ત્યાં બંગાળી ભાષા પર પ્રભુત્વ મેળવ્યું. ગુરુદેવની ‘લિપિકા’માં એમણે ગુરુદેવનાં કાવ્યોનો ગુજરાતી અનુવાદ કર્યો છે. શાન્તિનિકેતનમાં દક્ષિણ આફ્રિકાથી આવેલા ગાંધીજી સાથે એમનો પ્રત્યક્ષ પરિચય થયો. ગાંધીજીએ સાબરમતીમાં સત્યાગ્રહ આશ્રમ શરૂ કરતાં તેમણે આશ્રમશાળામાં અને પછી ગૂજરાત વિદ્યાપીઠ સ્થપાતા ત્યાં અધ્યાપનકાર્ય કર્યું. બીજા વિષયોની સાથે બંગાળી પણ શીખવતા. જેવી ઊલટથી હિમાલયનો પ્રવાસ કર્યો એવી જ ઊલટથી જેલની ચાર દીવાલો વચ્ચે પણ મહાલ્યા અને ‘ઓતરાતી દીવાલો’ જેવું સુંદર પુસ્તક આપ્યું. સત્યાગ્રહ દરમિયાન ગૂજરાત વિદ્યાપીઠ બંધ થતાં એમણે ગાંધીજીના કહેવાથી રાષ્ટ્રભાષાપ્રચાર માટે દેશ ભરમાં ફર્યા. જીવનના છેલ્લા તબક્કામાં તેઓ રાજઘાટ પાસે રહેતા હતા.
કાકાસાહેબે ગુજરાતીમાં 36, હિન્દીમાં 27 અને મરાઠીમાં 15 પુસ્તકો લખ્યાં છે. એમનાં પુસ્તકોના વિષયોમાં પ્રવાસ, પ્રકૃતિ સાથે આત્મીયતા, આત્મકથન, સમાજ-સંસ્કૃતિ ચિંતન, શિક્ષણ, કલા, તહેવારો, મૃત્યુ જેવા વિષયો પર રસ અને બુદ્ધિ બંનેને અપીલ કરે એવું ચિંતન છે. ઉપરાંત એમણે રસળતી શૈલી અને વિવિધ વિષયોની છણાવટ કરતાં પુષ્કળ પત્રો લખ્યાં છે જેનાં ચાર પુસ્તકો થયાં છે. કાકાસાહેબની શૈલી એવી સરળ, મધુર, વિશદ, જીવંત, હળવાશવાળી અને આલંકારિક છતાં સાદગીભરી છે કે ઉમાશંકર જોશીએ કાકાસાહેબના ગદ્યને કવિતા કહ્યું હતું.
કાકાસાહેબના સમગ્ર લખાણોને સમાવતી કાલેલકર ગ્રંથાવલિ પ્રગટ થઈ છે જેના 15 ગ્રંથોમાં 60 જેટલાં પુસ્તકો સમાવાયાં છે. એમનાં લેખનનો વ્યાપ પ્રવાસવર્ણનોથી લઈને ધર્મ, શિક્ષણ, પ્રવાસ, ચિંતન અને લલિત નિબંધો સુધી વિસ્તરેલો છે, પરંતુ ગ્રંથાવલિની પ્રસ્તાવનામાં ઉમાશંકર જોશી નોંધે છે તેમ, ‘કાકાસાહેબનું ગદ્ય પ્રકૃતિચિત્રણમાં અને પ્રવાસવર્ણનમાં ખીલી ઊઠે છે. ભૂગોળના રસિયા તેવા જ ખગોળની સૌંદર્યસમૃદ્ધિના પણ તરસ્યા. ભારતયાત્રી કાલિદાસ પછી સ્વદેશની પ્રકૃતિશ્રીનું આકંઠ પાન કરનાર અને એને શબ્દબદ્ધ કરનાર કાકાસાહેબ જેવા ઓછા જ પાક્યા હશે. એમનું ગદ્ય અનેકવાર કાવ્યની કોટિએ પહોંચે છે. કાકાસાહેબને બીજી એક મોટી અને વિરલ એવી બક્ષિસ છે વિનોદવૃત્તિની…’
ઓછા શબ્દોમાં ‘મોટી’ વાત સરળતાથી અને વિનોદવૃત્તિથી કહેવાની કાકા પાસે જબરદસ્ત હથોટી હતી. આપણો કુદરત સાથેનો નાતો દિવસે ને દિવસે ઘટી રહ્યો છે ત્યારે કાકાસાહેબનાં ‘ક્લાસિક’ લખાણો આજની પેઢી સમક્ષ મૂકાવા જોઈએ. શહેરમાં રહેતા હોઈએ એટલે કુદરતની નજીક ન રહી શકાય એ માન્યતા ખોટી છે. એની પાછળ આપણી સામુદાયિક આળસ છે. પ્રકૃતિનો આનંદ લેવા માટે ફક્ત દૃષ્ટિ અને રસ હોવો જરૂરી છે. નદી-ઝરણાંમાં નહાતાં, પર્વતો પર ચડતાં, જંગલમાં રાત વીતાવતાં, અંધારામાં બિહામણા અવાજ સાંભળતાં અને વડની વડવાઈઓ પર લટકીને હાથ છોલતાં બાળકો આજે તો શોધ્યા મળે તેમ નથી. વરસાદ પડે ત્યારે વનસ્પતિસૃષ્ટિ ખીલી ઊઠે અને નવાં નવાં જીવજંતુના મેળા ભરાય એમાં બાળકો રસ લે એ માટે જાતે જ નાની નાની સફારી આયોજન કરી શકાય. ગામડાંમાં કે નાના નગરમાં રહેતા હોઈએ તો વાંધો નથી, પરંતુ શહેરમાં હોઇએ તો આસપાસના બગીચા, નાનકડાં વન-વગડાં જેવા વિસ્તારો, મેદાનો અને ખાડામાં ભરાયેલા પાણી તેમ જ ખેતરોમાં જઈને વનસ્પતિઓ અને જીવજંતુઓને નજીકથી નિહાળવાનું આયોજન કરી શકાય.
હિમાલયનું વર્ણન કરતાં એક જગ્યાએ કાકાસાહેબે લખ્યું છે, ‘હિમાલય આર્યોનું આદ્યસ્થાન, તપસ્વીઓની તપોભૂમિ, પુરુષાર્થી લોકોને માટે ચિંતન કરવાનું એકાંત સ્થાન, થાક્યાંપાક્યાંનો વિસામો, નિરાશ થયેલાઓનું સાંત્વન, ધર્મનું પિયર, મુમૂર્ષુઓની અંતિમ દિશા, સાધકોનું મોસાળ, મહાદેવનું ધામ અને અવધૂતની પથારી છે. માણસોને તો શું, પશુપક્ષીઓને પણ હિમાલયનો આધાર અપૂર્વ છે. સાગરને મળનારી અનેક નદીઓનો એ પિતા છે. એ જ સાગરમાંથી ઉદ્ભવેલાં વાદળોનું એ તીર્થસ્થાન છે. એ ભૂલોકનું સ્વર્ગ, યક્ષકિન્નરનું વસતિસ્થાન છે. જગતનાં સર્વે દુઃખોને સમાવી લે એવડો તે વિશાળ છે, સર્વ ચિંતાગ્નિને શમાવી દે એટલો એ ઠંડો છે, કુબેરને પણ આશ્રય આપી શકે એવડો એ ધનાઢ્ય છે અને મોક્ષની સીડી બની શકે એવડો એ ઊંચો છે.’
એક વાર એક યુગ હતો, એમાં હિમાલય જેવા ઊંચા લોકો પાકતા …
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 01 ડિસેમ્બર 2024
 

