Opinion Magazine
Number of visits: 9452767
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અનુપમ જેવી વ્યક્તિનાં પુણ્યો પર આપણા જેવા લોકો જીવી રહ્યા છે

પ્રભાષ જોષી, પ્રભાષ જોષી|Gandhiana|3 January 2017

આ કાગળ હું એ અનુપમ મિશ્ર અને તેમનાં કાર્યોના નામે કલમથી કાળા કરી રહ્યો છું, જેમનો ઉલ્લેખ તમે આ જગ્યા પર અનેક વખત જોયો અને વાંચ્યો હશે. જોખમ એ છે કે તમારામાંના કેટલાક લોકો મારા પર પક્ષપાત કરવાનો કે પછી પોતાના જ લોકોને ખટાવવા-ચગાવવા જેવો અંધાપો હોવાનો આરોપ લગાવી શકો છો. અલબત્ત, તમારા પર કોઈને આરોપ લગાવવાની તક જડી જશે, એવા ડરથી તમે તમારે જે કરવું કે કહેવું છે, એ કરવાનું કે કહેવાનું છોડી દેવા દબાણ અનુભવતા હો તો પછી તમારા હોવા કે કરવાનો શું મતલબ?

લોકલાજ કે આરોપ લાગવાનો ડર જે તમને સાચું લાગતું હોય એ કરતાં કે કહેતાં અટકાવવા લાગે તો જોતજોતાંમાં તમે મોહરું બનીને રહી જશો. પછી તમને પોતાને જ સમજ નહીં પડે કે તમે એ જ છો, જે ભીતર છો કે પછી એ જે મોહરામાં દેખાવ છો? મોહરા વિના દુનિયા અને જીવનનું કામ નથી ચાલતું, પરંતુ જે વ્યક્તિ માત્ર મોહરું બનીને રહી જાય તેની જિંદગી તેની પોતાની નથી રહેતી. તે બીજાની દિશાદોરી મુજબ જીવન જીવે છે, અને આવી જિંદગીથી વધુ ખોખલું જીવન બીજું કયું હોઈ શકે!

આ કોઈ સ્પષ્ટતા નથી. ભૂમિકા પણ નથી. આગળ જે કહી રહ્યો છું, એનો નિચોડ પણ નથી. આ જીવનનું વલણ છે, જેને સમજ્યા વિના અનુપમ મિશ્રનાં કામ અને તેની કામ કરવાની પદ્ધતિ(શૈલી)ને સમજવું મુશ્કેલ છે. જે બહુ સીધો, સપાટ અને સમર્પિત દેખાય છે, એ એવો જ હોત તો જિંદગી રણ જેવી સપાટ અને સમતળ સડકની જેમ કંટાળાજનક હોત. હું, તમે અને આપણે સૌ એક જ પ્રકારના લોકો હોત. અને દુનિયા લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈનાં ત્રણ પાસાંઓવાળી બહુરૂપી અને અનંત સંભાવનાઓથી સભર ન હોત. પરમશક્તિની કૃપા છે કે જીવસૃષ્ટિ અનંત અને અગમ્ય છે. કેટલું સારું છે કે આપણા હાથની પકડ, આંખોની પહોંચ અને મનની સમજથી પર કેટલું બધું છે, જે આપણી પકડ, પહોંચ અને સમજમાં ક્યારે ય આવી શકતું નથી. આવું છે એટલે તો જીવવાનું, કરવાનું અને શોધવાનું છે. આવું ન હોત તો જિંદગીમાં અને દુનિયામાં શું બળ્યું હોત?

મનમાં ક્યાંક ઠસ્યું હતું કે અનુપમનો પહેલી વાર સામનો ઈ.સ. ૧૯૭૧માં થયો હતો. પરંતુ એ વાત ખોટી છે. ગાંધી શતાબ્દી સમિતિની પ્રકાશન સલાહકાર સમિતિનું કામ સંભાળ્યા પછી દેવેન્દ્રભાઈએ એટલે કે રાષ્ટ્રીય સમિતિના સંગઠન મંત્રીએ કહેલું કે ભવાનીભાઈએ ગાંધી પર ઘણી બધી કવિતાઓ લખી છે. તેમની પાસેથી મેળવી લો અને પ્રકાશિત કરો. એમનાં કાવ્યો લેવા માટે જ મારે ભવાનીપ્રસાદ મિશ્રના ઘરે જવાનું થયેલું અને ત્યાં જ તેમના ત્રીજા દીકરા એટલે કે માનનીય અનુપમ પ્રસાદ મિશ્ર, અનુપમ મિશ્ર કે પમપમને મળવાનું થયેલું. ભવાનીભાઈનાં એ કાવ્યો ‘ગાંધી પંચશતી’ના નામે પ્રકાશિત થયાં. એ સંગ્રહમાં પાંચસોથી વધારે કવિતાઓ છે.

ગાંધી શતાબ્દી સમાપ્ત થતાં સુધીમાં એક દિવસ દેવેન્દ્રભાઈએ કહ્યું કે અનુપમ આવવાના છે. આપણે તેમનો ‘गांधीमार्ग’ અને અન્ય પ્રકાશનોમાં ઉપયોગ કરવાનો છે. પછી રાધાકૃષ્ણજીએ કહ્યું કે કોઈને મોકલી રહ્યો છું, જરા જોઈ લેજો. અનુપમને જોયેલા તો હતા, પરંતુ કોઈના દ્વારા મોકલેલાથી બંદા હંમેશાં દૂર જ રહે છે. કોઈના દ્વારા મોકલેલો જ્યાં સુધી આવેલો નથી બની જતો ત્યાં સુધી મારી નજરમાં ચડતો જ નથી. પછી તો અનુપમે પોતાનું કામ શરૂ કર્યું – સેવકની વિનમ્ર ભૂમિકામાં. સર્વોદયમાં સેવકો અને તેમની વિનમ્ર ભૂમિકાઓનું ત્યારે બહુ મોટું માહાત્મ્ય રહેતું હતું. શીખેલી કે ઓઢેલી વિનમ્રતા અને સેવકપણાનું વર્ણન તો હું વ્યંગ્યમાં જ કરી શકું. વિનમ્ર અને સેવક હોવા છતાં પણ અનુપમ સેવાને કામની રીતે કરી શકતા હતા.

સેવાનો પુણ્ય જેવો જ મોટો પથારો હોય છે. વિનમ્ર સેવકનો અહં ઘણી વાર તાનાશાહના અહં કરતાં પણ મોટો હોય છે. તાનાશાહ તો હજુ પણ ઝૂકે છે અને સમાધાન કરે છે, કારણ કે તે જાણે છે કે પોતે અત્યાચાર કરી રહ્યો છે, પરંતુ વિનમ્ર સેવકને લાગે છે કે તે કંઈ ખોટું કરી જ શકે નહીં, કારણ કે તે પોતાના માટે ક્યાં કશું કરી રહ્યો છે! અનુપમમાં મને સેવાનું આ આત્મઔચિત્ય જોવા ન મળ્યું. જો કે, કામ તો એ અન્યો કરતાં વધારે જ કરતા. કામ સોંપનારાઓને ક્યારે ય ના ન પાડે અને ક્યારે ય એવું ન જતાવે કે શહીદ કરી દેવાયો છે. સોંપાયેલું કામ કર્યા કરે. એ વખતે તેની ઉંમર હશે એકવીસ-બાવીસની. સંસ્કૃતમાં એમ.એ. કર્યું હતું અને સમાજવાદી યુવજન સભાના સક્રિય સભ્ય રહી ચૂક્યા હતો. સંસ્કૃતના અભ્યાસીઓનું પોંગાપણું અને યુવજન સભાવાળાઓની વાચાળ ક્રાંતિકારિતા – માનનીય અનુપમપ્રસાદ મિશ્રમાં નહોતી.

ભવાનીપ્રસાદ મિશ્રના દીકરા હોવાનો અને ઝાકઝમાળભરી દુનિયા છોડીને ગાંધી સંસ્થામાં કામ કરવાનો અહેસાસ પણ તે અન્યોને થવા દેતો નહોતો. એવી રીતે રહેતો જાણે રહેવાની માફી માગી રહ્યો હોય. તમને લજ્જિત કરવા કે આત્મદયામાં નહીં, સહજપણે જ. જાણે તેનું હોવું તમારા પર અતિક્રમણ હોય અને એટલે ઇચ્છતો હોય કે તમે તેને માફ કરી દો. જાણે કોઈ પર તેનો કોઈ અધિકાર જ ન હોય અને તેને જે મળ્યું કે મળી રહ્યું છે, એ આપનારાની કૃપા હોય. મે ૧૯૭૨માં છતરપુરમાં ડાકુઓના સમર્પણ પછી પાછા ફરવા માટે ચંબલ ઘાટી શાંતિ મિશને અમને એક જીપ આપી હતી. અમે નીકળ્યા ત્યારે અનુપમ ચકિત! તેને તો વિશ્વાસ જ નહોતો બેસતો કે અમને એક આખી જીપ આ રીતે મળી શકે. આ જીપમાં ખરેખર અમે જ બેઠા છીએ અને તે અમારા કહ્યા મુજબ જ ચાલશે! આવા વિનમ્ર સેવકનું તમે શું કરી લો? સમજાય નહીં તો અથાણું બનાવીને પણ ન રાખી શકીએ. અનુપમ મિશ્રને વરતવા (ઓળખવા) આસાન નહોતા. આજે પણ નથી.

આમ, ગાંધી શતાબ્દી આવી અને ગઈ અને ગાંધીવાદી સંસ્થાઓએ ઉપસંહારની જેમ ગાંધીનાં કાર્યો ફરી શરૂ કરી દીધાં. વિનોબા ક્ષેત્ર સંન્યાસ લઈને પવનારના પરમધામમાં બેઠા અને ‘બી સે બાબા અને બી સે બોગસ’ કહીને ગ્રામ સ્વરાજ્યની સ્થાપનાની અંગત જવાબદારીઓથી મુક્ત થઈ ગયા. બધાને લાગવા માંડ્યું કે હવે આ કામ જેપીનું છે. અને જેપીને લાગવા માંડ્યું કે ગ્રામ સ્વરાજ્ય सर्वेषाम्‌ अविरोधेन નહીં આવે. સંઘર્ષ વિના આંદોલનમાં ગતિ અને શક્તિ નહીં આવે અને અન્યાય સામે લડવું જ પડશે. બાબાના માર્ગેથી જેપી થોડા હટવા માગતા હતા, પરંતુ લક્ષ્ય તો તેમનું પણ ગ્રામ સ્વરાજ્ય જ હતું. મુસહરીમાં જેપીએ નક્સલવાદી હિંસાનો સામનો કરવાની જાહેરાત કરી. પછી બાંગ્લાદેશના સંઘર્ષ અને ચંબલના ડાકુઓના સમર્પણમાં વ્યસ્ત થઈ ગયા.

સર્વોદયી પ્રવૃત્તિઓનું દિલ્હીમાં કેન્દ્ર ગાંધી શાંતિ પ્રતિષ્ઠાન બની ગયું અને અનુપમ તથા હું – આંદોલન અંગે લખવા, સામયિકો પ્રગટ કરવા અને સર્વોદય પ્રેસ સર્વિસ ચલાવવામાં લાગી ગયા. આ પ્રવૃત્તિ અંતર્ગત અનુપમનું ઉત્તરાખંડમાં આવવા-જવાનું થતું. ભવાનીબાબુ ગાંધી નિધિમાં જ રહેવા આવી ગયા હતા, એટલે કામકાજ દિવસ-રાત થઈ શકતું હતું. પછી ચમૌલીમાં ચંડીપ્રસાદ ભટ્ટ અને ગૌરા દેવીએ ચિપકો (આંદોલન) શરૂ કર્યું. ચિપકો આંદોલન પર પહેલો અહેવાલ અનુપમ મિશ્રએ જ લખ્યો. સર્વોદયી સામયિકોની પહોંચ બહુ સીમિત હતી એટલે એ અહેવાલ અમે રઘુવીર સહાયને આપ્યો અને ‘દિનમાન’માં તેને બહુ સારી રીતે પ્રકાશિત કરવામાં આવ્યો.

ચિપકો આંદોલનને વીસથી વધારે વર્ષોનાં વા’ણાં વહી ગયાં છે, પરંતુ અનુપમનો ઉત્તરાખંડ સાથેનો સંબંધ આજે પણ એટલો જ આત્મીય છે. આપણે જેને પર્યાવરણના નામે ઓળખીએ છીએ, તેના સંરક્ષણનું પહેલું આંદોલન ચિપકો જ હતું અને તે કોઈ પશ્ચિમી પ્રેરણાથી શરૂ થયું નહોતું. વૃક્ષોને કપાતાં અટકાવવા માટે શરૂ થયેલું આ આંદોલન અને તેનાથી આવેલી પર્યાવરણીય ચેતના પર કોઈ લખી શકે એમ છે તો એ છે અનુપમ મિશ્ર. જો કે, કોઈ એમ કહે કે તેઓ જ લખવાના હકદાર છે તો અનુપમ મિશ્ર હાથ જોડી દેશે, ને કહેશે અપના ક્યા હૈ જી, અપન જાનતે હી ક્યા હૈ – તેમની નાની બહેન ડૉક્ટર નમિતા (મિશ્ર) શર્મા પણ આવા લહેકામાં કહી શકે છે.

અનુપમ પૂર્ણપણે પર્યાવરણનાં કાર્યોમાં વ્યસ્ત થાય એ પહેલાં જ બિહાર આંદોલન આરંભાયું. અમે લોકો ગાંધી પ્રતિષ્ઠાનથી ‘એવરીમેન્સ’ થઈને એક્સપ્રેસ પહોંચી ગયા અને ‘પ્રજાનીતિ’ કાઢવા માંડ્યા ત્યારે પણ દિલ્હીની એક્સપ્રેસ કચેરીમાં કોઈ વિનમ્ર સેવક પત્રકાર હતા તો તે અનુપમ મિશ્ર. બધાની કૉપી સંપાદિત કરવી, પ્રૂફ વાંચવા, પેજ બનાવડાવવાં, તમાકુનાં પાન થકી પ્રેસને પ્રસન્ન રાખવું અને પત્રકાર તથા આંદોલનકારી હોવાની સહેજે ય હવા પણ ન રાખવી, થેલો લટકાવી પગપાળા ચાલીને દફતર આવવું અને જ્યારે પણ કામ પૂરું થાય પગપાળા ચાલીને જ ઘરે જવું. પ્રોફેશનલ જર્નલિસ્ટો વચ્ચેય અનુપમ મિશ્ર વિનમ્ર સેવક-મિશનરી પત્રકાર રહ્યા. ઇમરજન્સી લદાઈ, ‘પ્રજાનીતિ’ અને પછી ‘આસપાસ’ બંધ થયું ત્યારે અનુપમને આ મુશ્કેલ ભૂમિકામાંથી મુક્તિ મળી.

‘જનસત્તા’ નીકળ્યું ત્યારે રામનાથજી(ગોયન્કા)ને બહુ જ ઇચ્છા હતી કે અનુપમ તેમાં જોડાય. મેં પણ તેમને સમજાવવા-પટાવવા કોશિશ કરી, પરંતુ અનુપમ બંદા ફરી પત્રકાર ન થયા. પ્રોફેશનલ પત્રકાર બની શકવાની ફિતરત અનુપમ મિશ્રની નથી. શા માટે નથી, એ આગળ સમજાશે. ઇમરજન્સીમાં એક્સપ્રેસ કરતાં પણ ખરાબ હાલત ‘ગાંધી શાંતિ પ્રતિષ્ઠાન’ની હતી. બાબુલાલ શર્માની સેવાઓ ત્યાં ચાલતી જ હતી, તેઓ ત્યાં ગોઠવાઈ ગયા. હું પણ કોઈ રીતે ત્યાં પાછો ફર્યો. પરંતુ અનુપમ મિશ્ર ફ્રીલાન્સર બની ગયા. તમે તો અનેક ફ્રીલાન્સર જોયા હશે, અનુપમ એમાંની કોઈ છબિમાં ફિટ બેસી શકે એમ નહોતા. જો કે, ઇમરજન્સીના એ દિવસોમાં જે પણ કરવા મળી જાય, એ સારું અને પૂરતું હતું. અનુપમ અને ઉદયન શર્મા જ્યાં ત્યાં લખીને થોડું ઘણું કમાઈ લેતા હતા. અનુપમ ફોટોગ્રાફી પણ કરી શકે છે. જો કે, ફોટો-પત્રકારત્વથી કોઈ આવક મેળવી શકાતી નથી.

ઇમરજન્સી ઊઠી અને ચૂંટણીમાં જનતા પાર્ટીનો પવન ફુંકાવા માંડ્યો ત્યારે કેટલાક લોકોને લાગ્યું કે અમારા સારા દિવસો આવી જશે. કોઈને તો એમ પણ લાગતું હતું કે પ્રભાષ જોષી તો ચૂંટણી લડીને લોકસભા પહોંચી જશે. જેપી સાથેની નિકટતાનો લાભ કોણ ન ખાટે. પરંતુ હું તો એક્સપ્રેસમાં ચૂંટણી સેલ સંભાળવામાં મચી પડ્યો અને અનુપમ ત્યાં પણ મદદ કરવા લાગ્યો.

જનતા પાર્ટી જીતી ત્યારે ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનમાંથી સરકારી દમનનો ઓછાયો હટ્યો. અનુપમ આખરે પ્રતિષ્ઠાનમાં કામ કરવા લાગ્યો. મારો તો એક પગ એક્સપ્રેસમાં અને બીજો શાંતિ પ્રતિષ્ઠાનમાં હતો. એ જ દિવસોમાં નૈરોબીથી સંયુક્ત રાષ્ટ્રના પર્યાવરણ કાર્યક્રમનો પત્ર મળ્યો કે  ગાંધી શાંતિ પ્રતિષ્ઠાન ભારતની સ્વંસેવી સંસ્થાઓનો એક સર્વે કરી આપી શકે? અમે સર્વે માટે આટલા ડૉલર આપી શકીશું. એ સંસ્થાઓ પર્યાવરણનું કામ કરવામાં રસ ધરાવે છે કે નહીં, એની પણ નોંધ રાખશો. રાધાકૃષ્ણજી અને મને લાગ્યું કે આ સર્વે તો અનુપમ જ સૌથી સારી રીતે કરી શકે છે. તેને એ કામ સોંપાયું અને નિશ્ચિત સમયમાં તેણે માત્ર પૂરું જ ન કર્યું, ખર્ચ માટે જેટલી રકમ મળી હતી તેના ત્રીજા ભાગમાં જ કરી આપ્યું. એ સર્વેથી દેશની સ્વયંસેવી સંસ્થાઓ અને પર્યાવરણ ક્ષેત્રે કાર્યરત વિદેશી સંસ્થાઓ વચ્ચે જે સંપર્ક થયો તે આજે માત્ર ટકી જ નથી રહ્યો, જીવંતપણે ચાલી રહ્યો છે.

પરંતુ એક વખત રાધાકૃષ્ણજીએ અનુપમને કહ્યું કે ફલાણી વિદેશી સંસ્થાથી આટલા રૂપિયાનો એક પ્રોજેક્ટ મળ્યો છે અને અમારી ઇચ્છા છે કે આમાં તું મહિને પાંચ-છ હજાર રૂપિયા પગાર લઈ લે. ત્યારે અનુપમના મિત્રો સ્વાભાવિક રીતે જ આના કરતાં વધારે વેતન મેળવતા હતા અને પ્રોજેક્ટમાં કામ કરનારને તો એ રૂપિયા મળવાના જ હતા. પરંતુ અનુપમ ગભરાયેલા ચહેરે મારી પાસે આવ્યો. તે પ્રતિષ્ઠાનની સાત સો રૂપૈડી ઉપરાંત ક્યાંયથી કશું લેવા તૈયાર નહોતો. વિદેશી નાણાં છે. હું જાણું છું સહજપણે મળે છે. આવાં નાણાં લેનારાઓનું પતન પણ મેં જોયું છે. આપણા દેશનું કામ આપણે બીજાના રૂપિયામાંથી શા માટે કરીએ? તમે અનુપમને જાણતા હો તો તેનો સંકોચ તમને તરત જ સમજાઈ જાય. બાકી તો તેના મોં પર વાહવાહી અને પીઠ પાછળ બુદ્ધુ કહેનારાઓમાં તમે પણ સામેલ થઈ શકો છો.

છેલ્લાં ત્રણ વર્ષથી હોશંગાબાદમાં નર્મદા કાંઠે તેના માટે પર્યાવરણની કોઈ સંસ્થા ઊભી કરવાના પ્રયાસો કરું છું. દેશના પર્યાવરણ માટે નર્મદા યોજના આરપારની લડાઈ સાબિત થઈ શકે છે, એટલે પણ મથું છું. પરંતુ અનુપમને સરકારી જમીન અને નાણાં જોઈતાં નથી. વિદેશી પૈસાને તો તે હાથ પણ નહીં લગાડે. બીજા તો ઠીક, ગાંધી શાંતિ પ્રતિષ્ઠાન છોડીને પોતાનું અલગ ગાંધી શાંતિ કેન્દ્ર ચલાવતા રાધાકૃષ્ણજી પાસેથી પણ સંસ્થા ઊભી કરવા માટે તે મોટી રકમ નહીં લે. અમુક ઉદ્યોગપતિ પાસેથી હું નાણાં લાવી શકું છું, પરંતુ મને ખબર છે કે તેઓ પૈસા શા માટે અને કઈ રીતે આપે છે. અને એ લાવવા તે અનુપમ સાથે છળ કરવા જેવું થશે.

પર્યાવરણનું કામ આજકાલ વિદેશ પ્રવાસનો સૌથી સુલભ માર્ગ છે. અનુપમ એકાદ વાર તો નૈરોબી ગયો, કારણ કે ત્યાં પર્યાવરણ સંપર્ક કેન્દ્રના બૉર્ડમાં નિર્દેશક બનાવી દેવાયો હતો. બીજા કેટલાક વિદેશ પ્રવાસો એવી જ રીતે જે રીતે કર્યા આપણે મેરઠ કે અલવર કે ચંદીગઢ જઈ આવીએ છીએ. થેલો ટાંગ્યો અને જઈ આવ્યા. મને નથી ખબર કે બહાર (વિદેશોમાં) મીટિંગોમાં તે અંગ્રેજી કઈ રીતે બોલતો હશે? તેને તો બોલવાનું જ ગમતું નથી. મોં વાંકું કરીને અમેરિકી લહેકામાં અંગ્રેજી બોલવું તો અનુપમ માટે પાપકર્મ હશે. ધીમે ધીમે તેણે બહુ જ જરૂરી વિદેશપ્રવાસો પણ બંધ કર્યા.

આ વર્ષે (૧૯૯૩) રિયોમાં એક વિશ્વ સંમેલનનો કાર્યક્રમ નક્કી કરવા માટે ગયા વર્ષે ફ્રાંસ સરકારની મદદથી પર્યાવરણ સંપર્ક કેન્દ્રે પૅરિસમાં સંમેલન કર્યું હતું. અનુપમે જ લોકોને મોકલવાના હતા. તેણે માણસો મોકલ્યા, પણ છેલ્લી ઘડીએ પોતે જવાનું ટાળ્યું. રિયો સંમેલનમાં પણ ન ગયો. ભારત સરકાર કે રાજ્ય સરકારોને તે પર્યાવરણ પર સલાહ નથી આપતો. સમિતિઓ અને પ્રતિનિધિમંડળોમાં સામેલ નથી થતો. ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનમાં ચુપચાપ માથું નીચું રાખીને મનોયોગથી કામ કરતો રહે છે. તેની જૂની ખુરસી નીચે એક સ્ટિકર ચોંટાડેલું છે – પાવર વિધાઉટ પરપઝ – કોઈ હેતુ વિનાની સત્તા. અનુપમ પાસે હેતુ જ છે, સત્તાનો તો સ્પર્શ પણ નથી. અત્યારે પણ એ જ કરકસરથી પ્રવાસ કરે છે – જેમ અમે જેપી આંદોલન સમયે થેલો લટકાવીને કર્યા કરતા હતા. મોટા ભાગના પ્રવાસો વેરાન, સુમસામ કે રણપ્રદેશ કે જંગલોમાં.

અનુપમને બાળપણમાં ટીબી થયો હતો. હવે ફરી કોઈ ટીબી લાગુ પડ્યો છે. આ દરમિયાન તેના હૃદયે ભવાનીબાબુવાળો માર્ગ પકડી લીધો હતો. નાડી ક્યારેક પચાસ થઈ જતી, અને ક્યારેક એક સો પચાસ. હૃદયનું ચાલવું એટલું અનિયમિત થઈ ગયું કે બધા મુંઝાયા કે કોણ જાણે ક્યારે શું થઈ જશે. લડી-ઝઘડીને ડૉક્ટર ખલીલુલ્લાને બતાવ્યું. તેમણે ગોળી આપી અને કહ્યું કે પેસમેકર મુકાવી દો. મન્ના એટલે કે ભવાનીબાબુએ મુકાવ્યું જ હતું. પરંતુ અનુપમે ન ગોળી લીધી, ન પેસમેકર લગાવવાનું માન્ય રાખ્યું. ન્યૂમોનિયા તો ગમે ત્યારે તેને થઈ જતો. મને અને બનવારીને (જે અનુપમનો કૉલેજનો દોસ્ત છે,) લાગ્યું કે અનુપમને શહીદ થવાની ઇચ્છા છે. પરંતુ અનુપમ પોતાની બીમારીઓ સામે પર્યાવરણનું કામ કરતાં કરતાં અને પુસ્તકો પ્રકાશિત કરતાં કરતાં લડી રહ્યો છે.

‘દેશકા પર્યાવરણ’ પુસ્તકનું તેણે આશરે નવ વર્ષ પહેલાં પ્રકાશન કર્યું. સંપાદિત કરેલું છે, પરંતુ શું માહિતી, શું ભાષા, કેવી સજાવટ અને કેવી ચોખ્ખાઈ. જે દિલીપ ચિંચાલકરે ‘જનસત્તા’નું માસ્ટહેડ બનાવેલું, અખબાર ડિઝાઇન કરેલું એ જ દિલીપે આ પુસ્તકનું લેઆઉટ, સ્કેિચંગ અને પૃષ્ઠસજ્જા કરી છે. હિંદીમાં જ નહીં, આ દેશમાં અંગ્રેજીમાં પણ આવું કોઈ પુસ્તક નીકળ્યું હોય તો જણાવજો. પરંતુ અનુપમે પુસ્તક પ્રકાશિત કરવામાં પણ શાંતિ પ્રતિષ્ઠાનનાં નાણાં ન લગાવ્યાં. ફોલ્ડર છપાવ્યાં. સંસ્થાઓ અને પર્યાવરણમાં રસ ધરાવનારા લોકો પાસેથી આગોતરી કિંમત મગાવી. તેમાંથી જ કાગળ ખરીદ્યો, પ્રિન્ટિંગ કરાવ્યું, પછી પોતે જ પત્રો લખી લખીને પુસ્તક વેચ્યું. પહેલાં તો બે હજાર કૉપી છપાવડાવી હતી. સાઇઠ હજારનો ખર્ચ થયો. બે લાખ કમાઈને અનુપમે પ્રતિષ્ઠાનને જમા કરાવી દીધા. ચાર વર્ષ પછી ‘હમારા પર્યાવરણ’ પ્રકાશિત કર્યું, દેશના પર્યાવરણ કરતાં પણ વધુ સારું. તેના પણ ફોલ્ડર છપાવડાવ્યાં, આગોતરા ગ્રાહકો બનાવી નાણાં મેળવ્યાં. આ વખતે આશરે દોઢેક લાખ મળ્યા. છ હજાર કૉપી છપાવડાવી. કોઈની મદદ વિના પોતે જ પત્રો લખી લખીને વેચ્યું. શાંતિ પ્રતિષ્ઠાનને કમાણીના નવ લાખ રૂપિયા આપી દીધા.

આજે એ બન્ને પુસ્તકો દુર્લભ છે. પર્યાવરણ મંત્રી કમલનાથને કોઈને ભેટ આપવા માટે એ પુસ્તક જોઈતાં હતાં. તેમની ઑફિસે બહુ ફોન કર્યા, માંડ માંડ બે નકલો મળી શકી અને મજાની વાત એ છે કે આ પુસ્તકો પર્યાવરણ મંત્રાલયે ખરીદ્યાં નહોતાં. હિંદીના કોઈ પણ રાજ્યે પુસ્તકોની સરકારી ખરીદીમાં આને લીધાં નહોતાં. કોઈ પ્રકાશને વિતરણ અને વેચાણમાં કોઈ મદદ નહોતી કરી. છેલ્લાં દસ વર્ષમાં દેશના પર્યાવરણ પર હિંદીમાં આવું પુસ્તક પ્રકાશિત થયું નથી. અનુપમે આ પુસ્તકો ન માત્ર લખ્યાં અને છાપ્યાં, પરંતુ વેચ્યાં પણ ખરા અને આશરે દસ લાખ રૂપિયા કમાઈને સંસ્થાને આપી દીધા. હિંદીના કોઈ પ્રકાશકને ઢાંકણીમાં પાણી જોઈતું હોય તો પર્યાવરણના આ બે પુસ્તકો આપી શકે છે.

અને હવે અનુપમ મિશ્રએ ‘આજ ભી ખરે હૈ – તાલાબ’ પુસ્તક પ્રકાશિત કર્યું છે. આ પુસ્તક સંપાદિત નથી. સીધું અનુપમે લખ્યું છે – નામ ક્યાંક અંદર નાનકડું છે. પરંતુ હિંદીના ટોચના વિદ્વાન આવી સીધી, સરળ, આત્મીય અને દરેક વાક્યમાં એક વાત કહેતી હિંદી જરાક લખી તો બતાવે. માહિતીની તો વાત જ નથી કરતો. અનુપમે તળાવને ભારતીય સમાજમાં રાખીને જોયું છે. તળાવને સહસન્માન સમજ્યું છે. અદભુત માહિતી એકઠી કરી છે અને તેને મોતીઓની જેમ પરોવી છે. કોઈ ભારતીય જ તળાવ વિશે આવું પુસ્તક લખી શકે એમ હતો. અલબત્ત, ભારતીય ઍન્જિનિયર નહીં, પર્યાવરણવિદ્‌ નહીં, સંશોધક વિદ્વાન નહીં – ભારતના સમાજ અને તળાવ સાથેના તેના સંબંધને સન્માનપૂર્વક સમજનાર વિનમ્ર ભારતીય.

તળાવ પર આવી માહિતી તમને હિંદીમાં જ નહીં, અંગ્રેજી અને કોઈ પણ ભારતીય ભાષામાં પણ નહીં મળે. તળાવ એ પાણીની વ્યવસ્થા કરવાનું પુણ્યકાર્ય છે. આ દેશના તમામ લોકોએ તે કર્યું છે. તેમને, તેમના જ્ઞાનને અને તેમના સમર્પણને કહી શકનારું આ એક જ પુસ્તક છે. તમે ઇચ્છો તો કોલકાતાનું રાષ્ટ્રીય પુસ્તકાલય ફેંદી વળજો. આ પુસ્તક પણ એવી જ રીતે પ્રકાશિત કર્યું છે. ત્રણ હજાર કૉપી છપાવી હતી. ત્રણ મહિનામાં બે હજાર એક સો વેચી દીધી છે. આશરે દોઢ લાખ કમાઈને જમા કરાવી દીધા છે’. વૃક્ષ મિત્ર પુરસ્કાર જે વર્ષે શરૂ થયો ત્યારે અનુપમને આપવામાં આવ્યો. પર્યાવરણનો અનુપમ, અનુપમ મિશ્ર છે. તેના જેવી વ્યક્તિનાં પુણ્યો પર આપણા જેવા લોકો જીવી રહ્યા છે. આ તેનું અને આપણું, બન્નેનું સદ્‌ભાગ્ય છે.                             

અનુવાદ : દિવ્યેશ વ્યાસ

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2017; પૃ. 03-05

Loading

3 January 2017 admin
← આ પ્રવાસનું ફર્સ્ટ હેન્ડ વર્ણન
કેશલેસ : પૈસા જ્યારે પૈસા નહીં, પ્રાઇવસીનો અધિકાર સ્ટેમ્પ હોય →

Search by

Opinion

  • સોક્રેટિસ ઉવાચ – ૧૧
  • પન્ના કી તમન્ના હૈ કી હીરા મુજે મિલ જાયે …  અપની જગહ સે કૈસે પરબત હિલ જાયે?
  • મસાણ અને મોક્ષની મોકાણમાં જીવતા વારાણસીના દલિત ડોમ
  • એકલતાની કમાણી
  • સમાજવાદની 90 વર્ષની સફર: વર્ગથી વર્ણ સુધી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved