Opinion Magazine
Number of visits: 9686606
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એન્ટિ – રોમિયો સ્કવૉડ અને સ્ત્રી સુરક્ષા

નેહા શાહ|Opinion - Opinion|28 April 2017

મોટા ભાગના નૈતિકતાના રખેવાળોના મતે સ્ત્રીઓને સલામત રાખવી એટલે તેમને નિયંત્રણમાં રાખવી

સ્ત્રીઓની સુરક્ષાના ઓઠા હેઠળ પ્રેમ અને હિંસા વચ્ચેનો જમીન-આસમાનનો તફાવત કોઈને ન દેખાય તો શું કહેવું? છેલ્લાં થોડા સમયથી ચારેકોર પવન એવો ફૂંકાયો છે કે પ્રેમ અને હિંસા વચ્ચેનો ફરક પારખવાનું ચૂકાઈ રહ્યું છે અને હિંસાને રોકવાના નામે પ્રેમ ઉપર આક્રમણ થઈ રહ્યું છે. રસ્તે થતી સ્ત્રીની કનડગત ચોક્કસપણે રોકાવી જોઈએ, જેથી સ્ત્રીઓ પણ મુક્તપણે હરીફરી શકે. પણ, સ્ત્રીની સુરક્ષાના બહાના હેઠળ જાહેરમાં મળતાં દરેક પ્રેમી યુગલને અટકાવવા પાછળનો તર્ક નથી સમજાતો. આ ભયમુક્ત નહિ પણ ભયભીત વાતાવરણની નિશાની છે. છોકારા અને છોકરીને પરસ્પર વાત કરવી હોય તો ભય, ભેગાં બહાર જવામાં ભય, પ્રેમ કરવામાં ભય અને પોતાની મરજીથી લગ્ન કરવામાં ભય. શું આ તંદુરસ્ત સમાજની નિશાની છે?

ચર્ચાના એરણે છે ‘એન્ટિ-રોમિયો સ્કવૉડ’. ભાજપે ઉત્તર પ્રદેશના ચૂંટણીઢંઢેરામાં સ્ત્રીઓની સુરક્ષા માટે એન્ટિ-સોમિયો સ્કવૉડની રચના વચન આપ્યું હતું. એમાં કહેવાતી લવજેહાદથી સુરક્ષાનો સૂર વર્તાતો હતો. સત્તા સાંભળતાં જ સૌથી પહેલા લેવાયેલાં પગલાંમાં એન્ટિ-રોમિયો સ્કવૉડને પ્રાધાન્ય મળ્યું. ઉત્તર પ્રદેશની પાછળ મધ્ય પ્રદેશ, ગુજરાતના અમદાવાદ સહિત થોડાં શહેરોમાં અને અન્ય જગ્યાએ અલગ અલગ નામે આ પ્રકારની સ્કવૉડ રચાવાની જાહેરાત થઈ છે. થોડાં વર્ષ પહેલાં પણ દિલ્હી, મેરઠ, જયપુર અને મુંબઈ જેવાં શહેરોમાં ‘ઓપરેશન મજનુ’ ચાલ્યું હતું. જો કે, આવા કોઈ નામ વગર પણ દરેક મોટા શહેરની પોલીસ વત્તાઓછાં અંશે આ ભૂમિકા ભજવી જ લેતી હોય છે – એકાંતમાં બેઠેલાં પ્રેમીયુગલોને ભગાડીને, કે પછી પૈસા પડાવીને! એમના નિશાન પર જાતીય સતામણી કરતાં તત્ત્વો ઓછાં અને જાહેર સ્થળ પર મળતાં પ્રેમીયુગલો વધારે હોય છે.

રોમિયો અને રોડસાઇડ રોમિયોમાં બહુ મોટો ફર્ક છે. રોડસાઇડ રોમિયોની લંપટવૃત્તિની સામે ચોક્કસ જ કડક પગલાં લેવાવાં જોઈએ. કારણ કે તેમની હરકતો સ્ત્રીઓ માટે ખૂબ જ અપમાનકારક અને આત્મવિશ્વાસના ભુક્કા બોલાવનારી હોય છે. તેમના કારણે સ્ત્રીઓની સલામતી જોખમાય છે. એ ચોક્કસ રસ્તે બેસીને આવતી-જતી છોકરીઓને હેરાન કરનારા ‘રોડસાઇડ રોમિયો’ને ગીતો ગાવાં, ટિપ્પણી કરવા કે અન્ય અણછાજતી હરકત કરવા કોઈ પણ છોકરી ચાલે. ‘રોમેન્ટિક’ હરકતો કરવા માટે દિલનું ધડકવું જરૂરી નથી. છોકરી સુંદર હોય અને પોતાના સૌંદર્ય વિશે સભાન હોય તો બહાનું મળે. પરધર્મી હોય કે અન્ય કોમની હોય, ખાસ કરીને સામાજિક દૃષ્ટિએ પછાત વર્ણની હોય તો તો બહાનું શોધવાની પણ જરૂર નથી. એ તો એમને મન ચીજવસ્તુ સમાન જ છે. એટલે એમની છેડતીમાં પુરુષ અહંની સાથે સાથે જ્ઞાતિ, વર્ણ અને ધર્મનો અહં પણ સંતોષી લે છે. અહીં પ્રેમને દૂર દૂર સુધી સ્થાન નથી. લાગણીની ભીનાશ અને નજાકતનો સદંતર અભાવ છે. અહીં માત્ર અને માત્ર પુરુષાતનનો અહંકાર પોષવાવાળો બરછટ ભાવ જ છે.

આ અહંકારનાં બીજ બાળપણથી જ રોપાઈ જાય છે. બાળક એવું જ જોતાં મોટું થાય છે કે ઘરની સ્ત્રીઓને સાચવવાની અને મર્યાદામાં રાખવાની. આ કામ કુટુંબના પુરુષો કરે, કારણ કે અન્ય કોઈ પુરુષ એને હેરાન કરે તો? એને કોઈની સાથે પ્રેમ થઈ જાય તો? ઘરની આબરૂનું શું? શક્ય છે કે એવા જ કોઈ મુદ્દે ઘરમાં બબાલ થઈ હોય. સાથે, ઘરની સ્ત્રીઓના રક્ષક બનતાં આજ પુરુષોને અન્ય સ્ત્રીની છેડતી કરતાં કે એના વિશે ગમે તેમ બોલતાં સાંભળ્યા હોય, આ વર્તનફેરથી નાની છોકરી સમજી જાય છે કે બચી-બચીને ચાલો અને નાનો છોકરો સમજવા લાગે છે કે કુટુંબની સ્ત્રી પોતાની ખાનગી સંપત્તિ અને અન્ય સ્ત્રી જાહેર સંપત્તિ! મોટા થઈને રસ્તે આવતી-જતી સ્ત્રીને સીટી મારવામાં એમને અજુગતું નહિ લાગે. આમ જ તો ઊભા થાય છે ‘રોડ સાઇડ રોમિયો.’

ભાંજગડ ત્યાં થાય છે કે જેમણે રોમિયોગીરીને રોકવાનું કામ કરવાનું છે તેઓ પણ સમાજનાં આ જ નૈતિક મૂલ્યોમાં માનનારા છે. મોટાભાગના નૈતિકતાના રખવાળોના મતે સ્ત્રીઓને સલામત રાખવી એટલે તેમને નિયંત્રણમાં રાખવી. તેમને મન લગ્ન પહેલાં પ્રેમ કરવો એ જઘન્ય નૈતિક અપરાધ છે, ખાસ કરીને સ્ત્રી માટે. હવે, આ જ વર્ગ પાસે સ્ત્રીઓની છેડતી કરનારને રોકવાની જવાબદારી આવી પડી છે, જેમને માટે રોમિયો અને રોડસાઇડ રોમિયો વચ્ચે કોઈ ભેદ જ નથી.

અહીં ગર્ભિત મુદ્દો એ છે કે પોતાના સાથીદાર અંગે સ્ત્રીનો અભિપ્રાય તો કોઈ પૂછતું જ નથી. સ્ત્રી પોતાની મરજીથી, સંપૂર્ણપણે હોશમાં અને સંપૂર્ણ જવાબદારી સાથે પોતાના પુરુષમિત્રને મળતી હોય, તો પણ એની સાથે જાહેરમાં ફરતો દેખાય એ પુરુષ ‘રોમિયો’ જ ગણાય. એમ માનીને ક્યાંક એનું મુંડન કરાયું, ક્યાંક મોઢા પર મેશ લગાવવામાં આવી, તો ક્યાંક જાહેરમાં ઉઠક-બેઠક કરાવવામાં આવી. દેખીતી રીતે લાગે કે શારીરિક સજા પુરુષને થઈ, પણ કાપ સ્ત્રીની સ્વતંત્રતા પર વધુ આવવાનો.

નૈતિકતા એટલે શું એ સ્પષ્ટતા થવી જરૂરી છે. કારણ કે એની કોઈ સ્પષ્ટ ગાઇડલાઇન્સ ન હોવાના કારણે દરેક અમલદાર પોતાની સમજણ પ્રમાણે કામ કરી રહ્યા છે. વળી, નૈતિકતાના કેટલાક સ્વઘોષિત ઠેકેદારો પણ પ્રવૃત્ત થઈ જવાના એ જુદું. તેઓ એવું જ માને છે કે સમાજમાં ધાક બેસાડી સમાજસેવા કરી રહ્યા છે, પણ હકીકતમાં તેઓ દાદાગીરી કરી ભયનું વાતાવરણ ઊભું કરી રહ્યા છે. બંધારણે આપેલા મુક્ત રીતે ફરવાના મૂળભૂત અધિકાર પર પોતાની સમજણ પ્રમાણે તરાપ મારી રહ્યા છે. સરવાળે રોડસાઇડ રોમિયો કરતાં સ્વસ્થતાપૂર્વક હળતાંમળતાં સ્ત્રી-પુરુષોમાં ભય વધુ ફેલાવાનો.

પ્રેમ એ સ્વાભાવિક કુદરતી ભાવ છે. પોતાનો સાથી શોધવાનો, એની સાથે હરવા-ફરવાનો, એનો પરિચય કેળવવાનો અને પ્રેમ કરવાનો અધિકાર દરેક વ્યક્તિને હોવો જ જોઈએ. લગ્નના બંધન વગર સ્ત્રી-પુરુષ એકબીજાં સાથે હળીમળી ન શકે એવો સમાજ કોઈ પણ દૃષ્ટિએ સ્વસ્થ ન જ ગણાય. પ્રેમના આવેગને જબરદસ્તી રોકવાથી ધિક્કાર અને હિંસા જ વધવાના.

અલ્હાબાદ હાઇકોર્ટ એક અરજીની સુનાવણીમાં સ્ત્રીઓની સલામતીના પ્રશ્ને એન્ટિ-રોમિયો સ્કવૉડને વાજબી ઠેરવી છે. સાથોસાથ સ્કવૉડની કામગીરી માટે નિયમો બનાવવા માટે તાકીદ પણ કરી છે. બીજી તરફ, ઉત્તર પ્રદેશ સરકારે સ્ત્રીની મંજૂરી હોય તેવા યુગલોને લક્ષ્ય ન બનાવવાની સૂચના આપી છે. પણ, જ્યારે બહોળો વર્ગ પરંપરા જાળવવાના નામે નૈતિકતાનો ઠેકેદાર બની બેઠો છે, ત્યારે આવી કોઈ પણ સ્કવૉડ ટૂંકાગાળામાં સ્ત્રીની રક્ષા કરવા જતાં લાંબાગાળે એની પર વધુ પાબંદી લાદશે, એવી ચિંતા થવી સ્વાભાવિક છે.

e.mail : nehakabir@gmail.com

સૌજન્ય : ‘બચાવને બહાને’, “દિવ્ય ભાસ્કર”, 21 અૅપ્રિલ 2017 

Loading

28 April 2017 admin
← રંગભેદ પર યુરોપ-અમેરિકાનો ઇજારો નથી
વિચારધારાકીય આદર્શવાદની ક્ષ-તપાસ →

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved