અંજલિ :
લાભશંકર ઠાકરનું એક સંભારણું. ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ અખબારમાં પહેલી જુલાઈ, ૧૯૯૪ના રોજ આ લખનારે લા.ઠા.ની લીધેલી મુલાકાત છપાઈ હતી, તેમાં તેમણે આ મતલબનું કહ્યું હતું, ‘મારા મિત્ર સુભાષ શાહે એક દિવસ મારી સામે સેમ્યુએલ બૅકેટના ‘વેઇટિંગ ફોર ગોદો’ નાટકના અંશો વાંચ્યા. મેં કહ્યું કે આવું તો આપણે ય લખી શકીએ, ને એક નાટક લખી નાખ્યું. નામ પણ અમસ્તું સૂઝ્યું તે જ આપ્યું. એ બન્યું ગુજરાતી ભાષાનું પહેલું ઍબ્સર્ડ નાટક – ‘એક ઉંદર ને જદુનાથ’ !’
માતબર મરાઠી દૈનિકો ‘લોકસત્તા’ના સંપાદક, ‘મહારાષ્ટ્ર ટાઈમ્સ’ના સહસંપાદક અને સંદર્ભ સહાયક, સમકાલીન અને ઓગણીસમી સદીના ઇતિહાસના આલેખનકાર, ગ્રંથજ્ઞ, ગ્રંથસંગ્રાહક અરુણ ટિકેકરનું ૧૯ જાન્યુઆરીએ અવસાન થયું. મુંબઈ યુનિવર્સિટી, પૂના-મુંબઈના ભૂતકાળ, મહારાષ્ટ્રની જીવનશૈલી, જેવા અનેક વિષયો પર તેમણે ઐતિહાસિક અભિગમથી પુસ્તકો અને લેખો લખ્યાં છે. મુંબઈ યુનિવર્સિટી તેમ જ એશિયાટિક સોસાયટીના ગ્રંથાલયો અને ટિકેકરના સખ્યથી ઉભયપક્ષે સમૃદ્ધિ આવી હતી. ટિકેકરને અનેક પુસ્તકભંડારો તેમ જ ફૂટપાથ પરના પુસ્તકવિક્રેતાઓ સાથે ઘરોબો હતો. અમદાવાદના એક જમાનાના જાણીતા પુસ્તકવિક્રેતા વિશે એ લખે છે :
એક વાર કાર્યાલયીન કામે અમદાવાદ ગયો હતો, ત્યારે એલિસબ્રિજના છેડે આવેલ ‘ન્યુ ઑર્ડર બુક કંપની’ નામની દુર્લભ પુસ્તકોની દુકાનમાં ગયો. એના માલિક દિનકરભાઈ ત્રિવેદી બહુ મીઠી વાણીના, પણ પાકા વ્યવહારુ. દુર્લભ ગ્રંથોના વેચાણમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર. એમને ત્યાંના ગ્રંથો ઉત્તમ સ્થિતિમાં હોય અને ભાવ પણ એટલા જ ઉત્તમ. અમેરિકનોને પણ એ ભાવ વધારે લાગતા. પણ દિનકરભાઈ ક્યારે ય ગાંઠે નહીં. એમનો સ્નેહ મેળવતાં કેટલાંક વર્ષો થયાં. હું એક વાર અમદાવાદ પહોંચ્યો, ત્યારે શહેરમાં કરફ્યુ લાગેલો હતો. મેં દિનકરભાઈને ફોન કર્યો અને તેમણે રિક્ષા મોકલીને મને તેડાવ્યો. એમના મહેમાન તરીકે હું કેટલાક દિવસ એમને ત્યાં રહ્યો. એ વખતે મને ખ્યાલ આવ્યો કે આંતરરાષ્ટ્રીય બૌદ્ધિક દુનિયામાં દિનકરભાઈ સર્વપરિચિત હતા … દિનકરભાઈ ત્રિવેદી ગયા. ‘ન્યુ ઑર્ડર બુક કંપની’ ચાલુ છે કે બંધ એ પણ મને ખબર નથી. પણ મને એમની પાસેથી એવા ગ્રંથો જોવા, વસાવવા મળ્યા છે કે જેમના હોવાની ય મને ખબર ન હતી. દાખલા તરીકે અ.કા. પ્રિયોળકર જેવાને પણ હાથ ન લાગેલો ‘ધ લિટરરિ રિમેઇન્સ ઑફ ભાઉ દાજી’ નામનો ગ્રંથ મને દિનકરભાઈએ આપ્યો.
દિનકરભાઈ વિશે મરાઠી-ગુજરાતી-અંગ્રેજીમાં મારા જોવામાં આવેલું આ એકમાત્ર લખાણ છે (વધુ મેળવવાની ઉત્સુકતા તો છે જ). ‘અક્ષરનિષ્ઠાંચી માંદિયાળી : ગ્રંથ-શોધ આણિ વાચન-બોધ’ (૨૦૦૫) નામના ખૂબ વાચનીય પુસ્તકમાં દિનકરભાઈના સ્મરણ ઉપરાંત કરસનદાસ મૂળજીના એક ગ્રંથ વિશે પણ વાંચવા મળે છે. એનું નામ છે ‘ધ સેક્ટ ઑફ મહારાજાઝ’. કરસનદાસે તેમના ગ્રંથની મહાપુરુષ દાદાભાઈ નવરોજીને પોતાની સહી સાથે અર્પણ કરેલી નકલ ટિકેકર પાસે છે. એ લખે છે : ‘જ્યારે-જ્યારે આ પ્રત હાથમાં લઉં છું, ત્યારે ત્યારે મારાં રૂંવાં ઊભાં થઈ જાય છે. બે મહાપુરુષોનો હસ્તસ્પર્શ પામેલી આ પ્રત છે…!’ આ સૂઝવાળા સંપાદક, મહાદેવ ગોવિંદ રાનડેની લિબરલ હ્યુમૅનિસ્ટ પરંપરા અને ગોપાળ ગણેશ આગરકરકરની સુધારાવાદી પરંપરાના વારસદાર હતા. મુંબઈમાં વસતા આપણા વરિષ્ઠ બુકમન અને સુધારાની સદીના જાણતલ દીપક મહેતા સાથે ટિકેકરને ચાળીસેક વર્ષથી મૈત્રી હતી. ઍલેક્ઝાન્ડર કિન્લૉક ફાર્બસ વિશે દીપકભાઈએ એક બહુ જ મહત્ત્વનો મૉનોગ્રાફ લખ્યો છે. ‘ફાઉન્ડર્સ ઍન્ડ ગાર્ડિયન્સ ઑફ એશિયાટિક સોસાયટી ઑફ મુંબઈ’ એવી પુસ્તકશ્રેણી હેઠળ બહાર પડેલા આ મૉનોગ્રાફનું પ્રકાશકીય ટિકેકરે લખેલું છે.
સ્વાતંત્ર્યોત્તર ભારતના પ્રકાંડ અભ્યાસી અને પ્રેમાળ અમેરિકન અધ્યાપક સુઝાન રુડૉલ્ફનું ૨૩ ડિસેમ્બરે કૅલિફોર્નિયામાં પંચ્યાસી વર્ષની વયે અવસાન થયું. પોતાની રીતે અને તેમના પતિ લૉઇડ સાથે સુઝાને પુસ્તકો, લેખો અને સંપાદનો થકી ભારતના રાજકીય અર્થશાસ્ત્ર, વર્ણવ્યવસ્થા, ગાંધીવિચાર, સાંસ્કૃિતક રાજકારણ, શિક્ષણકારણ, વિદેશનીતિ, લોકશાહી રાજસ્થાની સંસ્કૃિત જેવાં અનેક પાસાં પર કામ કર્યું છે. રુડૉલ્ફ દંપતી ૧૯૫૨માં લૅન્ડ રોવર મોટર હંકારીને લંડનથી ભારત આવ્યું અને પછી દર ત્રણ-ચાર વર્ષે આવતું જ રહ્યું. મોટે ભાગે જયપુરમાં વસનાર અને બાળકોને સરસ હિન્દી બોલતા શીખવનાર આ યુગલને ૨૦૧૪માં પદ્મભૂષણ સન્માન આપવામાં આવ્યું હતું. સુઝાન પાછલા દિવસોમાં આમ આદમી પાર્ટીની દિલ્હીની સફળતા અંગે વિચારણા કરતાં હતાં. જીવનરસ અને સંશોધનથી ભરપૂર જીવનાર રુડૉલ્ફ દંપતી વિશે વાંચતાં વિલ અને એરિયેલ ડ્યુરાં સહજ યાદ આવે. અગિયાર ખંડોમાં ‘સ્ટોરી ઑફ સિવિલાઇઝેશન’ ઉપરાંત અનેક ગ્રંથો થકી અક્ષરવિશ્વને જ્ઞાનપ્રકાશથી ઉજાળનારાં ડ્યુરાં દંપતીની આત્મકથાનું નામ છે ‘ડ્યુઅલ ઑટોબાયોગ્રાફી’ (૧૯૭૭). એરિયેલના અવસાન પછી તેર જ દિવસે ૭ નવેમ્બર, ૧૯૮૧ના રોજ વિલ ગુજરી ગયા. સુઝાનના અવસાન પછી ત્રેવીસ દિવસે હમણાં ૧૬ જાન્યુઆરીએ લૉઇડ ગુજરી ગયા. તાદાત્મ્ય, અદ્વૈત ને એવા શબ્દો વાપર્યા વિના ચૌદમી ફેબ્રુઆરીએ વૅલેન્ટાઇન ડે પર યાદ કરીએ ડ્યુરાં અને રુડૉલ્ફ દંપતીઓને.
આવકાર :
ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસના અધ્યાપક અને ખંતીલા સંશોધક અરુણ વાઘેલા પાસેથી મળેલાં બે પુસ્તકોના વિષય તેનાં નામ અને પેટાશીર્ષકોથી સ્પષ્ટ થાય છે : ‘આઝાદીના જંગનો આદિવાસી રંગ : ૧૭ નવેમ્બર, ૧૯૧૩ માનગઢ હત્યાકાંડ’ અને ‘વિસરાયેલા શહીદો : પંચમહાલના નાયક આદિવાસીઓનો જંગ (૧૮૩૮-૧૮૬૮)’. પુસ્તકોનાં પરિશિષ્ટો નોંધપાત્ર જ છે. તેમની સાથે ક્ષેત્રકાર્યના અછડતા ઉલ્લેખો તરફ ખસૂસ ધ્યાન આપવામાં આવે, તો લેખકની મહેનતનો અંદાજ મળે છે. બે આવૃત્તિ પામનાર આ પુસ્તકો લેખકે જાતે જ પ્રકાશિત કર્યાં છે, તે હકીકત કુતૂહલ જન્માવે છે.
ડિવાઈન પ્રકાશન પાસેથી ‘રૂપ એક, રંગ અનેક : મુસલ્સલ ગઝલનું પ્રથમ સંપાદન’ નામનો સંચય મળે છે. એસ.એસ. રાહીએ સંપાદિત કરેલા આ સંગ્રહમાં ગયાં સોએક વર્ષ દરમિયાન થઈ ગયેલા ૧૪૬ ગઝલકારોમાંથી દરેકની એક રચના વાંચવા મળે છે. સંપાદકનો દીર્ઘલેખ તેમનો અભ્યાસ અને ગઝલકારોનો મિતાક્ષરી પરિચય તેમની ચીવટ બતાવે છે. ભપકા વિનાનું આકર્ષક નિર્માણ ધરાવતા આ સંગ્રહમાં અત્યારની પેઢીના ત્રણ-ચાર જાણીતા યુવા સર્જકોની રચનાઓ જોવા ન મળે એ ટીકા નહીં તો ય જિજ્ઞાસા તો જગવે છે.
પીઢ નાટ્યવિદ હસમુખ બારાડી પાસેથી મળેલા ‘ગાંધારી અને સો કુંડો’ પુસ્તકમાં ત્રણ દૃશ્યોનું બહુપાત્રી નાટક ‘ગાંધારી’ અને એકપાત્રી પ્રલંબ નાટક ‘સો કુંડો વચ્ચે ગાંધારી’ મૂકવામાં આવ્યાં છે. ‘ગાંધારી’ ને વિનોદ અધ્વર્યુએ ‘વિલક્ષણ અને સંતર્પક પદ્યરચના’ ગણાવીને તેનું રસદર્શન કરાવ્યું છે. બીજા નાટક વિશે અધ્વર્યુ લખે છે કે તેમાં લેખકે ‘વનવેલીને ય વાળ્યો મઠાર્યો છે, મુક્ત રીતે પ્રયોજ્યો છે.’ રાજકોટના રૉયલ પ્રકાશને બહાર પાડેલા પુસ્તકમાં લેખકની લઘુનવલ ‘ગાંધારી’ વિશેના સમીક્ષાલેખો અને નાટકની ભજવણીની છબીઓ છે. હસમુખભાઈનાં પુસ્તકોની છ પાનાંની યાદી તેમના બહોળા રંગકર્મ તરફ આંગળી ચીંધે છે.
પૂણેના પ્રતિષ્ઠિત રાજહંસ પ્રકાશને ‘આ વિશ્વનું પ્રાંગણ : એક સ્થપતિની કથા’ નામનું ગુજરાતી પુસ્તક બહાર પાડ્યું છે. મૂળ અમદાવાદના ભદ્ર વિસ્તારના અને અત્યારે અનિવાસી ભારતીય એવા સુધીર જાંભેકરની ‘હે વિશ્વાચે આંગણ’ આત્મકથાનો કિશોર ગૌડે કરેલો અનુવાદ છે. તેની અંદરની તસવીરો અને એકંદર નિર્માણ આકર્ષક અને વ્યવસાયકુશળતાપૂર્ણ છે. મરાઠી પુસ્તક વાંચ્યું છે, હવે ‘મરાઠી માણસનું આ પ્રાંજળ આત્મકથન’, ‘એક લહેરી સ્થપતિની અપૂર્વ કથા’ આવી છે – બંને દક્ષા-રાજેન્દ્ર પટેલ પાસેથી ભેટ તરીકે.
અંગૂલિનિર્દેશ :
પ્રહરી અંગ્રેજી પત્રકાર પ્રફુલ બિડવાઈ આઠ મહિના પહેલાં અચાનક અવસાન પામ્યા એ વખતે ભારતીય સામ્યવાદી પક્ષ પર સંશોધન કરી રહ્યા હતા. એ વિષય પરનું તેમનું પુસ્તક ‘ધ ફિનિક્સ મૉમેન્ટ : ચૅલેન્જેસ કન્ફ્રન્ટિન્ગ ધ ઇન્ડિયન લેફ્ટ’ તાજેતરમાં હાર્પર કૉલિન્સે બહાર પાડ્યું છે.
ગોવામાં ખાણો, ઉદ્યોગો અને હિણા ઉપભોગવાદે વેરેલા વિનાશ પર પત્રકાર હાર્ટમન ડિસોઝાએ લખેલું પુસ્તક ‘ઇટ ડસ્ટ : માઇનિન્ગ ઍન્ડ ગ્રીડ ઇન ગોવા’ હમણાં પ્રસિદ્ધ થયું છે. જાણે તેને પૂરક હોય તેવા સમાચાર (‘ટાઇમ્સ’,૧૯/૧૨) એ છે કે ગોવાની અમાનુષ સરકારે ત્યાંના લોકોના વહાલા એવા નાળિયેરીના ઝાડને વૃક્ષોની યાદીમાંથી પડતું મૂકવાનો નિર્ણય લીધો છે. એને કારણે આ કલ્પવૃક્ષને કાપવા માટે હવે મંજૂરી લેવાની જરૂર રહેતી નથી. નાળિયેરીનું ઝાડ પડે, તો બહુ જોખમકારક બને એટલા માટે તેને ગમે ત્યારે કાપવાની અનુકૂળતા રહે એવું એક ઉપરછલ્લું કારણ આપવામાં આવ્યું છે.’ પણ ખરેખર તો અભદ્ર સરકાર અને તેના બાબુઓ, જમીન માફિયાઓ અને લોભી ઉદ્યોગપતિઓની યુતિને લૂંટ કરવા દઈને તેમાંથી હિસ્સો લેવા ઇચ્છે છે. સાડા ચૌદ લાખની લોકસંખ્યા ધરાવતાં ગોવામાં નાળિયેરી સહિત પામ કુળનાં ચાળીસ લાખ ઝાડ છે. ‘ઇન્ડિયન એક્સપ્રેસ’(૨૧/૧)માં ગોવાના કર્મશીલ પર્યાવરણવિદ ક્લૉડ આલ્વરેઝના લેખનું મથાળું છે ‘ઇટ ઇઝ લાઇક કિલિંગ અ ચાઇલ્ડ’. યોગાનુયોગે ૧૬ ડિસેમ્બરના ‘ભૂમિપુત્ર’માં છેલ્લા પાને કોંકણી લેખક દામોદર માવજોની, આશા વીરેન્દ્રએ રજૂ કરેલી કરુણ વાર્તા ‘વહાલાં બાલુડાં’ એ સંતાનો સમાં નાળિયેરીનાં ઝાડ કાપવા વિશે છે.
અનિરુદ્ધ દત્તા નામના પુરુષ લેખક પાસેથી ‘હાફ અ બિલિયન રાઇઝિંગ : ધ ઇમર્જન્સ ઑફ ધ ઇન્ડિયન વુમન’ નામનું પુસ્તક મળે છે. પચીસ વર્ષથી ઓછી ઉંમરની યુવતીઓ હિમ્મતથી પુરુષપ્રધાન સમાજનો સામનો કરીને જિંદગી કેવી રીતે બનાવી રહી છે તેને લગતાં મુલાકાત આધારિત લખાણો અહીં છે. તેના માટે લેખક ભારતમાં ભાવનગર અને ભાગલપુર જેવાં નગરો, કોલકાતા અને મુંબઈ જેવાં શહેરો તેમ જ અનેક દૂરનાં ગામડાંમાં ફર્યા છે.
ઇન્ડિયન ઍક્સપ્રેસે નવા વર્ષના પહેલા અઠવાડિયામાં તંત્રીલેખના સામેના પાને ‘અ ન્યુ યર પોસ્ટકાર્ડ’ નામે એક શ્રેણી કરી હતી. તેમાં જુદાં-જુદાં વ્યવસાયો/ક્ષેત્રોનાં આમંત્રિત મહિલા તેમ જ પુરુષ લેખકોએ ‘ડિયર પ્રાઇમ મિનિસ્ટર’ ને સંબોધીને, પ્રથમ વ્યક્તિ એકવચનમાં લેખો લખ્યા છે. તેના વિષયો આ મુજબ છે : દાદરી પંથકમાં ભયના ઓળા નીચે ચાલતી નિશાળો, બિહારમાં મહિલાઓને નોકરી, મરાઠાવાડામાં પાણીની ભીષણ અછત, ધંધાવ્યવસાયના ક્ષેત્રે ૨૦૧૫ના ચેઇન્જ પછી હવે ગ્રોથની અપેક્ષા, કલાકારોનું અભિવ્યક્તિસ્વાતંત્ર્ય, ઍવૉર્ડવાપસી તરફ શાસકોની જડતા, એલજીબીટીક્યુને ગુનાઇત ગણવાની સમસ્યાની સંસદ દ્વારા અવહેલના.
અને આ પણ … :
ભારતના બૌદ્ધિક જીવનના એક મહત્ત્વના ઘટક સમા સામયિક ‘ઇકૉનોમિક ઍન્ડ પોલિટિકલ વિકલી’(ઇપિડબ્લ્યુ)ના સંપાદક સી. રામમનોહર રેડ્ડીએ રાજીનામું આપ્યું છે. મોટા ગજાના સંપાદક કૃષ્ણ રાજ પછી ગયાં દસેક વર્ષથી રેડ્ડી ઇ.પિ.ડબ્લ્યુ. બહુ સારી રીતે સંભાળી રહ્યા હતા. એક મંતવ્ય મુજબ સામયિક ચલાવનાર ‘સમીક્ષા ટ્રસ્ટ’ની કેટલીક બાબતોને લઈને અત્યારના સંપાદકને સ્વાયત્તતા જોખમમાં મુકાઈ હોવાનું લાગી રહ્યું છે. ટ્રસ્ટીઓમાં ઇતિહાસકાર રોમિલા થાપર, અર્થશાસ્ત્રીઓ જ્યૉં ડ્રેઝ અને દીપક નૈયર તેમ જ અન્યોનો સમાવેશ થાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના સનદી બાબુઓને નવા વર્ષના હોમવર્ક તરીકે ત્રણ પુસ્તકો વાંચવા આપ્યાં છે. તેમાં એક નીતિઆયોગના સભ્ય બિબેક ડેબ્રૉયનું છે – ‘ડ્રમબીટ્સ્ ટુ રિન્ગટોન્સ : ગુજરાત્સ સ્ટ્રેટેજી ફૉર એમ્પાવરિન્ગ ટ્રાઇબલ્સ’. બીજાં બે પુસ્તકો નરેન્દ્રભાઈના પોતાનાં છે – ‘કન્વિનિયન્ટ ઍક્શન : કન્ટિન્યુઇટી ફોર ચેઇન્જ, ‘કન્વિનિયન્ટ ઍક્શન : ગુજરાત્સ રિસ્પૉન્સ ટુ ક્લાઇમેટ ચેઇન્જ’.
નરેન્દ્ર મોદીના સંદર્ભ સાથેના બે નવા શબ્દો વાંચવા મળ્યા. નવાઝ શરીફ સાથેની તેમની દોસ્તી વિશેના લેખમાં શોભા ડે ‘બ્રોમાન્સ’(બ્રધર+રોમાન્સ) શબ્દ વાપરે છે. વડાપ્રધાન અને દિલ્હીના મુખ્યમંત્રીની સરખામણી કરતા લેખના મથાળામાં સાગરિકા ઘોષ ‘મોદ્રિવાલ’ એવું કર્ણકટુ શબ્દસંયોજન કરે છે.
૨૨ જાન્યુઆરી, ૨૦૧૬
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2016; પૃ. 14-15