અહીં કહેવામાં આવ્યું છે કે ૧૮૫૭ના વિદ્રોહમાં મુસલમાનોનો સહભાગ તેની વસ્તીના પ્રમાણમાં વધુ હતો. આનું કારણ એ હતું કે તેઓ હિંદુઓની તુલનામાં અંગ્રેજી રાજને વધારે તીવ્રતાથી નકારતા હતા. એ નકારનું કારણ મુખ્યત્વે ધાર્મિક હતું. સ્વાભાવિકપણે અંગ્રેજો પણ મુસલમાન ઉપર વધારે નજર રાખતા હતા. આ બાજુ અંગ્રેજોએ અંગ્રેજી માધ્યમમાં પાશ્ચાત્ય શિક્ષણ આપવાનું શરૂ કર્યું હતું જેનો લાભ દેખીતી રીતે હિંદુઓ લેતા હતા. આધુનિક શિક્ષણ પામેલી હિંદુઓની એક પેઢી અસ્તિત્વમાં આવી ગઈ હતી અને તેણે અંગ્રેજીશાસન પાસેથી મળતા લાભ લવાનું શરૂ કરી દીધું હતું.
યોગાનુયોગ એવો છે કે જે વરસમાં ભારતમાં વિદ્રોહ થયો હતો એ જ વરસમાં, એટલે કે ૧૮૫૭માં અંગ્રેજોએ મુંબઈ, કલકત્તા અને મદ્રાસ એમ એક સાથે ત્રણ વિશ્વવિદ્યાલયોની સ્થાપના કરી હતી. એનાં ચાર વરસ પહેલાં ૧૮૫૩માં ભારતમાં રેલવે શરૂ થઈ હતી. આમ ભારતમાં પાશ્ચાત્ય ઢાંચામાં વિકાસની યાત્રા શરૂ થઈ ગઈ હતી જેના લાભાર્થીઓ મુખ્યત્વે હિંદુઓ હતા અને થોડા શીખો, પારસીઓ અને એંગ્લો ઇન્ડિયનો હતા. મુસલમાનો લગભગ નહોતા.
૧૮૫૭ના વિદ્રોહે અને વિદ્રોહની નિષ્ફળતાએ એક નવી વાસ્તવિકતા હિંદુઓ અને મુસલમાનો સામે લાવીને મૂકી દીધી. માત્ર હિંદુઓ અને મુસલમાનો જ શા માટે, અંગ્રેજો સામે પણ લાવી મૂકી. ૧૮૫૭ની ઘટનાએ હિંદુઓ અને મુસલમાનોને એક પદાર્થપાઠ ભણાવી દીધો કે અંગ્રેજોની સંખ્યા ભલે નાની હોય, પણ તેમની લશ્કરી શક્તિ ભારતીયો કરતાં અનેકગણી વધારે છે. તેમની પાસે વહીવટી માળખું છે અને વહીવટી યંત્રણા તેમ જ શિસ્ત છે. આને કારણે હિંદુઓએ અને મુસલમાનોએ મળીને વિદ્રોહ કર્યો હોવા છતાં તેઓ અંગ્રેજોને પરાજીત કરી શક્યા નથી. તો આનો અર્થ એ થયો કે ભારતમાં અંગ્રેજી શાસન એક વાસ્તવિકતા છે.
વાસ્તવિકતા તો છે, પણ કેટલા સમય માટેની વાસ્તવિકતા? હિંદુઓ અને મુસલમાનોના એ સમયના નેતાઓનો સર્વસાધારણ મત એવો હતો કે ઓછામાં ઓછાં સો વરસ અને કદાચ બસો પણ ખરાં! ભારતની પ્રજા નિસ્તેજ છે અને રાજવીઓ પાસેથી લશ્કર આંચકી લઈને તેમની ખસી કરી નાખવામાં આવી છે. અને જો અંગ્રેજ શાસન લાંબા સમય માટેની મિટાવી ન શકાય એવી એક વાસ્તવિકતા હોય તો તેને નકારવાનો કોઈ અર્થ નથી. આગળ કહ્યું છે એમ અંગ્રેજીરાજને નકારવાની તીવ્રતા હિંદુઓ કરતાં મુસલમાનોમાં વધુ હતી. કેટલાક મુસલમાનોએ હિંદુસ્તાનને દારુલ હર્બ જાહેર કર્યું હતું અને એ રીતે વર્તતા હતા તો બીજી બાજુએ ભદ્ર વર્ગના હિંદુઓ આધુનિક શિક્ષણ મેળવતા થઈને અંગ્રજ શાસનનો લાભ લેતા થઈ ગયા હતા.
અહીં સર સૈયદ અહમદ ખાનનો પ્રવેશ થાય છે જેમને મુસલમાનોના રાજા રામ મોહન રોય તરીકે ઓળખાવવામાં આવે છે. આ તુલના મર્યાદિત અર્થમાં સાચી છે, સંપૂર્ણપણે નહીં. સર સૈયદ સુધારક કરતાં વ્યવહારવાદી વધુ હતા, જ્યારે રાજા રામ મોહન રોય સાર્વગ્રાહી સુધારક હતા.
સર સૈયદ અહમદ ખાન વિદેશી કુળના ખાનદાની મુસ્લિમ હતા અને તેમના પરદાદાઓ મુઘલોની ચાકરી કરતા હતા. સર સૈયદનો જન્મ ૧૮૧૭માં દિલ્હીમાં થયો હતો અને તેઓ ગણ્યાગાંઠ્યા મુસલમાનોમાંના એક હતા જેમણે ઇસ્ટ ઇન્ડિયા કંપનીની નોકરી સ્વીકારી હતી. ૧૮૫૭ના વિદ્રોહ વખતે તેમણે કેટલાક અંગ્રેજોની જિંદગી બચાવી હતી. તેમની વફાદારીના શિરપાવરૂપે તેમને ૧૮૬૭માં સ્મોલ કૉઝ કોર્ટમાં જજ બનાવવામાં આવ્યા હતા અને સરનો ઈલ્કાબ આપવામાં આવ્યો હતો. સર સૈયદ અહમદ ખાને ૧૮૫૭ના વિદ્રોહનાં કારણોનું વિવેચન કર્યું હતું અને એમાં તેમણે કંપની સરકારની નીતિઓની ટીકા કરી હતી. હવે ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું રાજ રહ્યું નહોતું એટલે ટીકા કરવામાં કોઈ જોખમ નહોતું અને ભારત સીધું અંગ્રેજ સરકારનું સંસ્થાન (ક્રાઉન કોલોની) બન્યું હોવાને કારણે તેઓ નવા શાસકોની ભારત પરત્વેની, ખરું પૂછો તો મુસલમાન પરત્વેની નીતિને પ્રભાવિત કરવા માગતા હતા.
એક વાત તેમણે એ કહી હતી કે અંગ્રેજોએ મુસલમાન પર શંકા કરવા માટે કોઈ કારણ નથી. એ માટે મુસલમાનોમાં જોવા મળતા જન્મજાત વફાદારીના ગુણ બતાવતા પ્રસંગો તેમણે બતાવ્યા હતા અને કુરાન અને હદીસમાંથી એને લગતાં પ્રમાણો ટાંક્યાં હતાં. બીજું તેમણે એમ સમજાવવાની કોશિશ કરી હતી કે ઇસ્લામ અને ઈસાઈ ધર્મ બંને પોતપોતાના પેગંબર દ્વારા સ્થાપિત કિતાબી ધર્મ છે. એક જ ભૂમિમાં બંનેનો પ્રાદુર્ભાવ થયો છે એટલે ભૂમિ-સહોદર તો છે જ પણ ઠીકઠીક પ્રમાણમાં તત્ત્વ-સહોદર પણ છે. આમ ખ્રિસ્તીઓ અને મુસલમાનો વચ્ચે શંકાતીત સંબંધ હોવા માટે સ્વાભાવિક કારણ છે. આ દલીલ તેમણે મુસલમાનો સમક્ષ પણ કરી હતી અને તેમને પણ એમ સમજાવવાની કોશિશ કરી હતી કે અંગ્રેજો આપણાં નજીકનાં સગાં છે, માટે દારૂબ હર્બની કાથાકૂટમાં પડવાની જરૂર નથી.
આ વ્યવહારિક ભૂમિકા હતી. જો સૈદ્ધાંતિક ભૂમિકા હોત તો તેમણે વહાબીઓના અને શાહ વલીઉલ્લાહના અનુયાયીઓની ભૂમિકા સામે પ્રતિવાદ પ્રતિવાદ કર્યો હોત. ભારતમાં બે છેડાનો વિમર્શ શરૂ થયો હોત જેની જરૂર હતી. ભારતીય મુસલમાનોને જો અંગ્રેજી શાસનને અનુકૂળ બનાવવા હોય અને તેને અપનાવતા કરવા હોય તો વહાબીઓના મૂળભૂતવાદ અને તેમાંથી જન્મેલા દારુલ હર્બ, હિજરત અને જેહાદ જેવા તેમાં અવરોધ પેદા કરનારાં તત્ત્વોથી ભારતીય મુસલમાનોને મુક્ત કરવા જોઈએ. બીજી બાજુ ભારતીય ઇસ્લામની એક વિશિષ્ટ ઓળખ છોડીને તેની જગ્યાએ સાઉદી ચહેરો કંડારવા સામે તેમને વાંધો નહોતો. ભારતીય મુસલમાન પાકો મુસલમાન બને, હિંદુ રીતિરિવાજથી મુક્ત થાય, ચાદર-કવ્વાલી જેવા જીયારતી લક્ષણોથી મુક્ત થાય તેની સામે તેમને વાંધો નહોતો.
ટૂંકમાં હિંદુથી દેખીતી રીતે અને સંપૂર્ણપણે અલગ દેખાતો વહાબીઓનો ભારતીય મુસલમાન તેમને જોઈતો હતો, પરંતુ મૂળભૂતવાદને પરિણામે અંગ્રેજોને દુશ્મન સમજનારો વહાબીઓનો મૂળભૂતવાદી ભારતીય મુસલમાન તેમને સ્વીકાર્ય નહોતો. બીજા શબ્દોમાં કહીએ તો સર સૈયદને એવો ભારતીય મુસલમાન જોઈતો હતો જે હિંદુથી દૂર જઈ શકે એવાં ઇસ્લામિક લક્ષણો ધરાવતો હોય પણ અંગ્રેજોથી દૂર જાય એવાં લક્ષણો ન ધરાવતો હોય. આમ વહાબીઓનો શુદ્ધિકરણનો એક પક્ષ તેમને માફક આવતો હતો, પણ મૂળભૂતવાદનો બીજો પક્ષ તેમને માફક નહોતો આવતો. આનો અર્થ એ થયો કે તેઓ ભારતીય મુસલમાનને હિંદુઓથી દૂર લઈ જવા માગતા હતા અને અંગ્રેજોથી નજીક લઈ જવા માગતા હતા. આ અર્થમાં તેઓ વ્યવહારવાદી હતા, રાજા રામ મોહન રોય જેવા સર્વાંગીણ સુધારાવાદી નહોતા. તેમનું આંદોલન એંગ્લો-મોહમેડન તરીકે ઓળખાતું હતું. ભૌતિક લાભ માટે એંગ્લો અને અલગ રહીને ભાગ માગવા માટે મોહમેડન. આ જોકે લઘુમતી કોમની જરૂરિયાત પણ હતી. જો રાજા રામ મોહન રોય મુસલમાન હોત તો તેમણે પણ કદાચ આ જ માર્ગ અપનાવ્યો હોત.
આવું વલણ તેમણે શા માટે અપનાવ્યું હતું અને આવી શીખ તેમણે મુસલમાનોને શા માટે આપી હતી? વ્યવહાર. તેમની વ્યવહાર બુદ્ધિ તેમને એમ કહેતી હતી કે અંગ્રેજી શાસન સદી-બે સદીની વાસ્તવિકતા છે એ જોતાં ભારતીય મુસલમાનોનું હિત અંગ્રેજોનો વિશ્વાસ સંપાદિત કરવામાં છે. હવે જ્યારે અંગ્રેજો મુસલમાનોને શંકાની નજરથી જોઈ રહ્યા છે ત્યારે જો અંગ્રેજોનો વિશ્વાસ સંપાદિત કરવો હોય તો મુસલમાનોએ હજુ વધુ જહેમત ઉઠાવવી જોઈએ અને એ હિંદુ માટે પરહેજ વિકસાવવાથી જ થઈ શકે. બને એટલા હિંદુઓથી દૂર રહો અને એ દ્વારા અંગ્રેજોની નજીક જાવ.
સુજ્ઞ વાચકને સમજાઈ ગયું હશે કે પાકિસ્તાનનાં બીજ સર સૈયદના આવા વિરોધાભાસી વલણ દ્વારા ૧૯મી સદીમાં રોપાઈ ગયાં હતાં. ૧૮૮૫માં કૉન્ગ્રેસની સ્થાપના થઈ એ પછી સર સૈયદે મુસલમાનોને કૉન્ગ્રેસથી દૂર રહેવાની સલાહ આપી હતી. તેમનું ૧૮૮૭નું લખનૌનું ભાષણ આ બાબતે જાણીતું છે. મારું એવું માનવું છે કે વહાબીઓના વલણના સગવડ મુજબના ઉપયોગે અવિભાજિત ભારતીય મુસલમાનોને ફાયદા કરતાં નુકસાન વધારે પહોંચાડ્યું છે. તાત્કાલિક ફાયદો થયો છે, લાંબાગાળે નુકસાન થયું છે. સર સૈયદે મુસલમાનોને સમજાવ્યું હતું કે દારુલ હર્બની કાથાકૂટ કરતા રહેશો અને પાશ્ચાત્ય શિક્ષણને નકારતા રહેશો તો હિંદુઓ આગળ નીકળી જશે. તેમણે પાશ્ચાત્ય શિક્ષણ અપનાવી લીધું છે અને સરકારી લાભ લેવા માંડ્યા છે. સર સૈયદ આખી જિંદગી પાશ્ચાત્ય શિક્ષણનો પ્રચાર-પ્રસાર કરતા રહ્યા હતા અને એ માટે સંસ્થાઓ સ્થાપી હતી. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની તેમનું સૌથી મોટું યોગદાન હતું, જેણે આધુનિક ભારતીય મુસલમાન પણ પેદા કર્યો છે અને ભારતીયતાને નકારનારો મુસલમાન પણ પેદા કર્યો છે. ૨૦મી સદીમાં પાકિસ્તાન આંદોલનના જે નેતાઓ અને પ્રવક્તાઓ હતા તેમાંના ૯૦ ટકા નેતાઓ અને પ્રવક્તાઓ અલીગઢના ફરજંદ હતા.
અહીં ન્યાય ખાતર જણાવવું જોઈએ કે આવું વલણ એકલા સર સૈયદે જ નહોતું અપનાવ્યું. ૧૮૫૭ના વિદ્રોહની નિષ્ફળતા પછી હિંદુઓ પણ આવું જ માનતા થયા હતા. અંગ્રેજોનું શાસન સદી-બે સદીની વાસ્તવિકતા છે માટે અંગ્રેજનિષ્ઠ હિંદુ પેદા કરો. અંગ્રેજોની કૃપાદૃષ્ટિ મેળવો અને એ સારુ મુસલમાનથી દૂર રહો. અંગ્રેજો પાસેથી જે લાભ મળે છે અને આગળ મળવાના છે એ હિંદુઓનાં ત્રાજવામાં પડવા જોઈએ, ભારતીયના નહીં. જો ભારતીય કહો તો એમાં મુસલમાન પણ આવી જાય. આમ ભારતીય નામના શખસને તો હિંદુ અને મુસ્લિમ બંને નકારતા હતા. બંકિમચંદ્ર ચેટરજી હિંદુઓને આવી શીખ આપનારાઓમાં અગ્રેસર હતા જેઓ હિંદુ રાષ્ટ્રવાદના અધ્વર્યુ તરીકે ઓળખાય છે. આમ ભારતનાં વિભાજનનાં બીજ હિંદુઓએ પણ વાવ્યાં હતાં. ૧૮૫૭થી ૧૯૧૫ સુધી વિભાજનના વૃક્ષને બંને પક્ષે ખાતર-પાણી આપીને ઉજેર્યું હતું.
૧૮૫૭ના વિદ્રોહની નિષ્ફળતા પછી હિંદુઓ અને મુસલમાનોના બદલાયેલા વલણને બીજા બે પક્ષકારો બારીક નજરે જોઈ રહ્યા હતા. એક હતા અંગ્રેજ અને બીજા હતા હિંદુઓમાં દલિતો અને બહુજન સમાજ.
e.mail : ozaramesh@gmail.com
પ્રગટ : ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 17 મે 2020