હમણાં સાતમી એપ્રિલે રાજ્યપાલ ઓમ પ્રકાશ કોહલીએ જે છ બિલ પર હોદ્દાની રૂએ મંજૂરીની મહોર મારી એમાં સદ્ભાગ્યે હાયર એજ્યુકેશન કાઉન્સિલની રચના અંગેના બિલનો સમાવેશ થતો નથી. જો કે સદ્ભાગ્યનું રહસ્ય, આ અગ્રનોંધ લખાઈ રહી છે ત્યાં સુધી તો માત્ર એટલું અને એટલું જ છે કે વિધાનસભાના છેલ્લા દિવસે (એકત્રીસમી માર્ચે) ઘડિયાં લગનની પેઠે જે બધું ઉકેલી કઢાયું – વિપક્ષની સુવાંગ ગેરહાજરીમાં અને મુક્ત ચર્ચા નહીં પણ ચર્ચામુક્ત માહોલમાં – તે પૈકી એક એવું ઉક્ત બિલ હજુ સ્પીકરની કચેરીથી રાજભવનના કાર્યાલય સુધીનું અંતર કાપી શક્યું નથી. ગમે તે ક્ષણે તે આ અંતર કાપી શકે છે અને સહીબદ્ધ પણ થઈ શકે છે … તે સહીબદ્ધ, અને આપણું ઉચ્ચ શિક્ષણ કુલપતિઓને કલાર્ક જેવા બનાવીને વિધિવત સરકારગ્રસ્ત!
રાજ્યની કૉલેજો અને યુનિવર્સિટીઓને આવરી લેતા આ બિલને અન્વયે રાજ્યમાં ઉચ્ચ શિક્ષણ પરિષદ ગઠિત અને કાર્યરત થશે. સૂચિત પરિષદ કાર્યઆયોજન, નિગરાણી, મૂલ્યાંકન વગેરે ઉપરાંત, ખાસ તો, દેખરેખ અને નિયંત્રણની જવાબદારી અદા કરશે. દેશનાં અન્ય રાજ્યોમાં ક્યાં ય નહીં તેમ ઉક્ત પરિષદના વડા મુખ્યમંત્રી પોતે રહેશે. કદાચ, દેખરેખ અને નિયંત્રણની આ સોઈ (બલકે, સોટી) ઓરવેલની એ ૧૯૮૪ – ખ્યાત પરંપરામાં છે જેમાં ‘બિગ બ્રધર’ બધો વખત બધું જ જોતા હોય છે.
ના, ધાજો રે ધાજો વાઘ આવ્યો…ની ક્લાસિક બાળવારતા શૈલીની પેઠે અકારણ ફાળ ને ફિકર તે ‘નિરીક્ષક’ તંત્રીની તાસીર નથી. હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટી અને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના ઘટનાક્રમના સાતત્ય ને સંધાન રૂપ આ સત્તાપેરવી હોવાની એને બૂ આવે છે. એનાં ચાર રોકડાં કારણ છે :
• રાજ્ય સરકાર પોતાને યોગ્ય લાગે તેવા આદેશો પરિષદને આપી શકશે અને પરિષદે એ આદેશોનું તત્કાળ પાલન કરવું રહેશે.
• પરિષદે કરેલા કે કરવા ધારેલા કોઈ પણ કાર્ય પરત્વે પરિષદ સામે, પરિષદના કોઈ સભ્ય સામે અથવા કર્મચારી સામે દાવો, ફોજદારી અગર અન્ય કાનૂની કારવાઈ થઈ શકશે નહીં.
• પરિષદની ભલામણથી કે સ્વમેળે રાજ્ય સરકાર કોઈ પણ યુનિવર્સિટીને જે તે સુધાર સબબ આદેશ આપી શકશે.
• પ્રવર્તમાન કાયદાથી નિરપેક્ષપણે, સરકારના આદેશને આધીન રહી યુનિવર્સિટી અમલ કરવા બંધાયેલ છે.
માનો કે રાજ્યપાલ સહી નથી કરતા અને બિલ પાછું મોકલે છે તો પણ વિધાનસભા (વહેવારમાં સત્તાપક્ષ) તે જેમનું તેમ ફરી પાછું મોકલી શકે છે. એમ કરતાં ગુજસીટોક જેવો ખેલ પડે તો પડે.
સવાલ, એકંદર માનસિકતાનો છે. હીમાવન સંકુલ જેવી જાહેર જનોપયોગી સંસ્થા રાજભવન હસ્તકના ટ્રસ્ટને અન્વયે તમને રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની ટીકા નહીં કરવાની શરતે જ હૉલ આપી શકે એ રવૈયો હાલના સત્તાપક્ષને અભિમત લોકશાહીનો દ્યોતક છે. ગમે તેમ પણ, જેણે સ્વાયત્ત અકાદમીને સરકાદમી કરી જાણી તે સરકાર હાલ જેવી છે તેવી સ્વાયત્ત યુનિવર્સિટીઓને પણ પાંગળી ને કહ્યાગરી તો બનાવી જ શકે છે.
આ અગ્રનોંધ લખાઈ રહી છે ત્યારે જ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના અભિવ્યક્તિની આઝાદીના લડવૈયાઓએ મળવા આવેલા આદિત્ય મિશ્રાના એ ધ્યાનાર્હ ઉદ્ગારો સામે આવે છે કે લૉર્ડ કર્ઝનના ૧૯૦૩ના યુનિવર્સિટીઝ બિલનું માળખું હાલ ખપમાં લેવાઈ રહ્યું છે. સરકાર માત્રને, કેમ કે તે સરકાર મુઈ છે, આવું શૂર ને પઈણ ચડ્યાં કરતું હોય છે. ૨૦૧૩માં દેશભરની યુનિવર્સિટીઓ સારુ કૉમન ઍક્ટની યુપીએ કોશિશ આ જ દિશાની હતી. એ તો માનો કે પ્રતિરોધથી ખાળી શકાઈ. દિલ્હી ગાંધીનગરના હાલના હાકેમો એવા અનુરોધવશ હોઈ શકે છે કે કેમ અલબત્ત જોવું રહે છે.
જોગાનુજોગ, હમણાં જેમની જિકર કરી તે આદિત્ય મિશ્રા દિલ્હી યુનિવર્સિટી અધ્યાપક સંઘના પૂર્વ પ્રમુખ છે, જેમ ક્યારેક ઓમ પ્રકાશ કોહલી પણ હતા – અને એ નાતે ૨૦૧૩માં કૉમન યુનિવર્સિટી ઍક્ટને ‘રુક જાઓ’ કહેવામાં પણ સામેલ હશે. શિક્ષક મુખ્યમંત્રી અને અધ્યાપક રાજ્યપાલ, આપ જો ઉચ્ચ શિક્ષણ પરિષદ વાટે બધું જ સરકારગ્રસ્ત કરવાને લાલાયિત હો તો ગુજરાતનું તરતમાં બેસતું સત્તાવનમું વરસ કેવું હશે વારુ? હશે, જેવું પણ હશે, હશે તો સ્વર્ણિમોત્તર જ ને.
(એપ્રિલ ૧૧, ૨૦૧૬)
સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૅપ્રિલ 2016; પૃ. 01-02