Opinion Magazine
Number of visits: 9446563
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અનાથનું એનિમેશન

સુરેશ જાની|Opinion - Opinion|8 August 2023

પરેશ! તને તો ક્યાંથી યાદ હોય કે, તું અધૂરા માસે જન્મ્યો હતો? – સાવ સુકલકડી – મરવાના બદલે જીવી ગયેલો. અને જન્મ સાથે જ તારી સગી માતાએ તને રસ્તા પર છોડી દીધેલો. કેવો હશે તે બિચારીનો માનસિક પરિતાપ? સાત મહિના પેટમાં તને ઉછેરેલો હશે; ત્યારે એના મનના વિચાર કેવા હશે? ધિક્કાર છે; એ સમાજને જે, એક તરફ માતૃત્વનાં ગૌરવનાં ગીતો ગાય છે અને બીજી તરફ કુંવારી માતાને પથ્થર મારતો રહે છે.

ખેર, એ તો વર્ષો પહેલાંની ભુલાઈ ગયેલી ઘટના હતી. પણ વિધાતાએ તારા લેખ કાંક અવનવા જ લખ્યા હતા. અનાથાશ્રમના બારણેથી વહેલી સવારે તારી સવારી એ આશ્રમની અંદર પહોંચી ગઈ; અને તારા જીવન આશ્રમની શરૂઆત થઈ ગઈ. તને જીવતો રાખવા એ ભલા માણસોએ તને તરત હોસ્પિટલ ભેગો કરી દીધો હતો. સમયસર મળેલા એ કૃત્રિમ શ્વાસોચ્વાસે તારા હૃદયને ધબકતું રાખ્યું હતું.

માંડ ત્રણ જ મહિના વીત્યા, ન વીત્યા… અને એક ખાનદાન, નિઃસંતાન દંપતીએ તને દત્તક લઈ લીધો. તારાં પુનિત પગલાંથી અને તારા આક્રંદ અને કિલકારીઓથી એમનું ઘર ભર્યું ભર્યું થઈ ગયું. તારા પાલક માતા પિતાના બધા કુટુમ્બીઓએ પણ તેમના સમાજમાં બાળક દત્તક લેવાના આ પહેલા જ અવસરને ઉમંગભેર વધાવી લીધો. તારા એ નવા ઘરમાં એ સૌએ આપેલી ભેટોથી એ ઘર ચમકી ઊઠ્યું.

સમયને જતાં કાંઈ વાર લાગે છે? ક્યાં છ વર્ષ પસાર થયાં તેની ખબર જ ના પડી. તને નિશાળમાં દાખલ કરવામાં આવ્યો; અને હવે તારા જીવનનાં આકરાં ચઢાણોની બીજી સફર શરૂ થઈ ગઈ.

પૂરા સમય કરતાં વહેલાં થયેલા જન્મ અને જન્મ સમય પહેલાંની ગર્ભ પાડી નાંખવાની કોશિશોને કારણે તારા શરીર અને મગજ પર વિપરિત અસર પડી હતી. શરીરનો નબળો બાંધો; અને જીવનના નવા નવા પાઠો શીખવામાં તને પડતી મુશ્કેલીઓ હવે તને નિશાળમાં નડવા લાગી. માંડ માંડ ઉપર ચઢાવવાના પ્રતાપે, ચાર ધોરણ સુધી તો તું પહોંચી જ ગયો; પણ માધ્યમિક શિક્ષણની કોઈ જાણીતી શાળા તને દાખલ કરવા તૈયાર ન હતી. હવે તને પોતાને પણ તારી નબળાઈઓ સમજાવા લાગી જ હતી ને? તું એ માનસિક તાણનો છુટકારો ઘરની દિવાલો પર આડા અવળા લીટા પાડીને મેળવતો હતો. માબાપ વઢે; તો ચોરી છુપીથી ખૂણે ખાંચરે તારી કલા પર તું ગર્વ લેતો થઈ ગયો.

આગળ અભ્યાસ માટે મ્યુનિસિપલ શાળા સિવાય તારે માટે કોઈ બીજો વિકલ્પ ન હતો. ત્યાંના શિક્ષકોની બેદરકારી અને શિક્ષણનાં નીચાં ધોરણો તારી નબળાઈઓને વકરાવતા જ રહ્યા. અને એનો પડઘો તારાં ચિત્રોમાં પડતો રહ્યો. તને હમ્મેશ ઘેરા, શોગિયા રંગો જ ગમતા. અને ચિત્રોના વિષયોમાં પણ કોઈ ફૂલ કે ઝાડ નહીં. રાતના ડિબાંગ અંધારાથી ભરેલા આસમાનમાં ચમકતા તારા – એ તારા ચિત્રોનો સૌથી વધારે ગમતીલો વિષય રહેતો.

એટલે જ તો પાંચમા ધોરણમાંથી માંડ માંડ ઉપર ચઢાવતી વખતે વર્ગ શિક્ષકે રિપોર્ટમાં લખ્યું ન હતું,  “ભણવામાં કાચો છે; પણ ચિત્રો સારાં દોરે છે.”

તારાં પાલક માબાપ પણ ક્યાં આર્થિક રીતે બહુ સદ્ધર હતાં? છતાં પેટે પાટા બાંધીને તેમણે છઠ્ઠા ધોરણથી જ તારા માટે ટ્યુશનની વ્યવસ્થા કરી દીધી. આમ ને આમ શામળશાહના વિવાહ વખતના ગાડાની જેમ તારું રગશિયું ગાડું, મેટ્રિકના દરવાજા લગણ તો પહોંચી ગયું.

અને જ્યારે દસમા ધોરણનું પરિણામ બહાર પડ્યું; ત્યારે તું ચાર વિષયમાં નાપાસ થયો હતો; અને એમાંનો એક તો ગુજરાતી ભાષાનો! છ છ માસે લેવાતી બીજી બે પરીક્ષાઓના અંતે અભિમન્યુનો એ કોઠો તેં પાર તો કર્યો; પણ કુલ માર્ક માંડ ૪૫ ટકા આવ્યા હતા!

અને એક સોનેરી સવારે સુબોધભાઈ નામના તારા પિતાના એક સંબંધી તમારે ઘેર મળવા આવ્યા. સ્વાભાવિક રીતે તેમણે તારા પિતા અને તેમના મશિયાઈ ભાઈને પૂછ્યું,” કેમ, અવિનાશ! પરેશનું દસમાનું શું પરિણામ આવ્યું ?”

“શું કહું? માંડ માંડ ધક્કા મારીને પાસ તો થયો છે; પણ શહેરની કોઈ કોલેજમાં એને એડમીશન મળવાનું નથી. આર્ટ્સની કોલેજ માટે પણ બાજુના નાના શહેરમાં એને ભરતી કરાવવો પડશે.”

ઘરના દિવાન ખંડની દિવાલ પર બે ચિત્રો લટકતા હતા. સુબોધે એ ચિત્રો જોઈ પૂછ્યું, “આ ચિત્રો કોણે દોર્યા છે?”

“આ કાળમુખાએ જ તો. એ સિવાય એને બીજું ક્યાં કશું ય આવડે છે? નાનો હતો ત્યારની ભીંતો બગાડવાની એની કુટેવ હજી ગઈ નથી.”

“અવિનાશ! એમ ન કહે. આટલાં સરસ ચિત્રોને તું લીંટા કહે છે? કોઈ પ્રદર્શનમાં મૂકે તો ઈનામ લઈ આવે.”

“ધૂળ અને ઢેફાં! એમ ચિતરામણ ચીતરે કાંઈ પેટ ભરાવાનું છે? આજકાલ મોંઘવારી પણ કેટલી બધી વધી ગઈ છે? મારી નોકરી બંધ થાય પછી, મારી બચતમાંથી જ ઘર ચલાવવું પડશે. એ અક્કરમી થોડો જ કમાઈ લાવવાનો?”

“અવિનાશ! તને ખબર નથી. હવે તો કલાકારોની નવી ટેક્નોલોજીમાં બહુ જરૂર હોય છે. મારે ઘેર એને લઈને આવજે. હું તમને કોમ્યુટર પર ચિત્ર કરવાના સોફ્ટવેર બતાવીશ.”

અને અઠવાડિયા પછી, તમે પપ્પા મમ્મીના હાઉસન જાઉસન સાથે સુબોધભાઈના ઘેર પહોંચી ગયાં. સુબોધે તમને કોમ્પ્યુટર પર ચિત્ર શી રીત બનાવવું એનો સહેજ ખ્યાલ આપ્યો; અને પછી બન્ને મશિયાઈ ભાઈઓ, મમ્મી અને કાકી દિવાન ખંડમાં વાતે વળગ્યા.

થોડી વારે તમે દિવાન ખંડમાં ગયા અને પૂછ્યું,” કાકા, બીજું ચિત્ર દોરવું હોય તો શું કરવાનું?” તારું ચિત્ર જોઈને સુબોધ ભાઈ બોલી ઊઠ્યા, “અલ્યા અવિનાશ! આ જો તારા રાજકુમારની કોમ્પ્યુટર પર પહેલી જ કરામત. હું તને હાથ જોડીને કહું છું કે, પરેશને આર્ટ્સનો ડિપ્લોમા કરાવ અને સાથે સાંજના વખતે કોમ્પ્યુટરના કોર્સમાં દાખલ કરાવી દે.”

આ સાંભળી પરેશ! તમારી આંખો ચમકી ઊઠી ન હતી?

એક અઠવાડિયા પછી, તમારા પપ્પાએ સુબોધભાઈને ફોન કર્યો, “સુબોધ! મેં તપાસ કરી. પરેશને એ ડિપ્લોમા કોર્સમાં એડમીશન તો મળી જાય એમ છે. પણ એના ભવિષ્યનું શું? કોણ આ ચિતારાને નોકરી રાખશે? આપણા બધા સંબંધીઓ પણ આ પ્લાનનો સજ્જડ વિરોધ કરી રહ્યા છે; અને મને કહે છે,’ દીકરાને ખાડામાં નાંખવો છે?’

સુબોધે શું કહ્યું, એ તો તમે સાંભળી ન શક્યા; પણ કપાળ કૂટીને તમારા પપ્પાએ તમને કહ્યું, “લે! આ તારો કાકો તને ચૂલામાં નાંખવાનું કહે છે – તો તું જાણે અને એ. કાલે મારી નોકરી નહીં હોય; ત્યારે ભીખ માંગવાની તાલીમ લેવા પણ એની પાસે જજે.”

અઠવાડિયામાં તો શહેરથી ચાળીસ માઈલ દૂર આવેલી ચિત્રકામની તાલીમ આપતી સંસ્થાના બારણે તમારા પપ્પા તમને મૂકી ગયા.

પરેશ! તમારાં સીધાં અને ઝડપી ચઢાણ હવે શરૂ થયાં. સવારના ચાર વાગે ઊઠવાનું. બપોરના લન્ચના ટિફિન સાથે પપ્પા તમને એસ.ટી. સ્ટેન્ડ પર મૂકી જાય અને તમે બસમાં સવાર થઈ, નવી નિશાળે હાજર. સાંજે આવો જ વળતો ક્રમ. આઠ વાગે નિત્યક્રમ પરવારી ત્રણ કલાક તમારું લેસન ચાલે, છેક બાર વાગે તમે નિંદર ભેળા થાઓ.

પણ હવે તમારી સુકલકડી કાયામાં નવો પ્રાણ ફુંકાવા લાગ્યો હતો. તમારી આંખો કોઈક અજાણી ખુમારીથી ચમકવા લાગી હતી. પદ્ધતિસરની તાલીમથી તમારાં ચિત્રોમાં નવો જ નિખાર આવવા લાગ્યો હતો. ઘેરા, શોગિયલ રંગોનું સ્થાન આશાની ઉષાની સુરખી લેવા લાગી હતી. એમાં તમારો થનગનતો આત્મા અભિવ્યક્ત થઈ રહ્યો હતો.

અને….એક વર્ષ પછી તમે ઘેર આવીને એક કાગળ તમારા પપ્પાના હાથમાં પકડાવી દીધો હતો. ત્રીસ જણના વર્ગમાં તમારો બીજો ક્રમ આવ્યો હતો; અને વર્ષાન્તે યોજાયેલી ચિત્રકામની હરીફાઈમાં તમારા ચિત્રને પહેલું ઈનામ મળ્યાંનું સર્ટિફિકેટ પણ સાથે સામેલ હતું.

પરેશ! યાદ કરો; પપ્પાએ વહાલથી જીવનમાં પહેલી વાર તમારો ખભો થાબડ્યો; એ તમારે માટે સૌથી મોટું ઈનામ ન હતું?

ચાર વરસની એ આકરી તપસ્યા પછી; તમે ડિપ્લોમા સર્ટિફિકેટ લઈને ઘેર આવ્યા ત્યારે તમારો જૂનો મિત્ર ત્રીજા વર્ગમાં બી.એ. પાસ થયો હતો; અને બી.કોમ.ના ક્લાસ ભરવા કે એલ.એલ.બી. એની મૂંઝવણમાં હતો. કોઈ નોકરી મળવાની તો કોઈ જ આશા ન હતી.

તમે છાપામાં આવેલી એક જાહેર ખબર પર અવિનાશનું ધ્યાન દોર્યું. શહેરની એક જાણીતી સંસ્થાના, મહિના પછી ભરાનાર પ્રદર્શનમાં સુશોભન કામ માટે ચિતારાઓની જરૂર હતી; અને તમારા જેવા ડિપ્લોમા ધરાવનાર ઉમેદવારોની અરજીઓ મંગાવી હતી. અવિનાશે કમને રજા આપી; જાણે અંદરથી એ વિચારી રહ્યા હતા, “છટ્ટ, ચિતારો!”

જ્યારે એ પ્રદર્શન ખુલ્લું મુકાયું ત્યારે એના પ્રવેશદ્વાર પર અને અંદરની મોખરાની જગ્યાએ, મનોહર રંગોથી દીપી રહેલાં તમારાં દોરેલાં ચિત્રો અને સજાવટ સૌનું ધ્યાન ખેંચી રહ્યા હતા. પરેશ! તમારી વર્ષો જૂની હૈયાની આકાંક્ષાઓ તે દિવસે વિજયનાદના ઢોલ પીટી પીટીને તમારા ઉત્સાહને પ્રજ્વલિત કરી રહી હતી.

પણ આમ છૂટક કામ હમ્મેશ થોડું જ મળે? ફરી પાછા સુબોધભાઈ તમારા ઘેર આવી પહોંચ્યા. એમના હાથમાં ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’માં આવેલી, બેન્ગલોરમાં ‘કોમ્પ્યુટર એનિમેશન’નું કામ કરતી એક સંસ્થાની જાહેરખબર હતી. એ લોકો વર્ષે ૫૦,૦૦૦ રૂપિયા લઈ, તાલીમ આપવાના હતા; અને એમાં સફળ થાય તો કાયમી નોકરીએ રાખવાની આશા આપતા હતા.

અવિનાશ તો કેમ કરીને આવું સાહસ કરવા તૈયાર થાય? પેટે પાટા બાંધીન ઉછેરેલ આ રતન જેવા દીકરાને આટલે દૂર મોકલવાનો? અને એ પણ આટલી મોટી રકમ ખર્ચીને?

સુબોધભાઈ બોલ્યા, “લે! અડધી રકમ હું આપીશ. અને ત્યાં ગયા પછી, પરેશને પાર્ટ ટાઈમ નોકરી પણ કદાચ મળી જાય.”

પરેશ! તમારું હૃદય પણ જોર જોરથી ધડકવા લાગ્યું ન હતું? ‘શહેરથી ચાલીસ માઈલ દૂર જવું એક વાત હતી; અને આ? છેક બેન્ગલોર જવાનું? અને એકલા રહેવાનું? મમ્મી, પપ્પાને પણ ન મળી શકાય.’

તમે જાતે જ નન્નો ભરી દીધો. પણ સુબોધભાઈ? બાબરા ભૂતની પ્રતિકૃતિ જેવા એ કાકા તો થેલીમાંથી બીજી જાહેર ખબરો કાઢીને બતાવવા લાગ્યા. આવી તાલીમ લીધી હોય, તેવા લોકોને નોકરી માટેની એ જાહેર ખબરો હતી. એકેયમાં મહિનાના ૪૦,૦૦૦ રૂપિયાથી ઓછી રકમની ઓફર ન હતી.

અને છેવટે તમારા પપ્પા પીગળ્યા; અને તમે ડરતા દિલ સાથે બેન્ગલોરના સ્ટેશન પર પગ મૂક્યો. અને કેવી હરકતોથી ભરપૂર એ જિંદગી? કમ્પનીની ઓફિસ તો શહેરના મુખ્ય વિસ્તારમાં હતી. એનાથી ઘણે દૂર, એક નાના ફ્લેટમાં સાવ અજાણ્યા પ્રદેશના ચાર સાથીઓ સાથે રહેવાનું. કલાક જતી વખતે અને કલાક પાછા વળતી વખતે બસની ધક્કામુક્કીમાં સફર. ઘેર જઈને મિત્રોની સાથે બનાવેલું, સાવ બેસ્વાદ ભોજન લસલસ કેમે કરી ગળેથી નીચે ઉતારવાનું. એમાંથી જ બચેલી સામગ્રીમાંથી સવારનો નાસ્તો અને બીજા દિવસ માટેનું ઓફિસમાં ખાવાનું લન્ચ. અને રાતે મોડા સુધી હોમવર્ક તો પતાવવાનું જ ને? ક્યાં મમ્મીના હાથની ગરમાગરમ અને વ્હાલથી ભરેલી ગુજરાતી રસોઈ અને ક્યાં આ ચવ્વડ, જાડા રોટલા?

ખેર, ઉજળા ભવિષ્યની એક માત્ર આશા જ થાકથી ઉભરાતી તમારી સુકલકડી કાયાનો એક માત્ર આધાર ન હતી?

એક વર્ષ પછી.

પરેશ! તમે ઉત્સાહથી ઓફિસની બાજુમાં આવેલ એસ.ટી.ડી. કોલ સેન્ટર પરથી પપ્પાને ફોન જોડ્યો, “પપ્પા! મને આજે કમ્પનીએ નોકરીની ઓફર આપી છે. મહિનાના ૫૦,૦૦૦ રૂપિયા પગાર. બધા ટ્રેઈનીઓમાં મારો બીજો નમ્બર આવ્યો. પગાર ઉપરાંત મને બે બેડરૂમના ફ્લેટમાં રહેવાનું ભાડું પણ આપશે. ઘેર કામ કરી શકું એ માટે કમ્પની જ મને લેપટોપ આપવાની છે; અને સેલફોન પણ. તમે અને મમ્મી અહીં મારી સાથે રહેવા ક્યારે આવશો??

પરેશ! એ શુકનિયાળ દિવસના એક મહિના પછી તમે હૈદ્રાબાદના સ્ટેશન પર પપ્પા/મમ્મીના આવવાની રાહ જોઈ રહ્યા છો. કમ્પનીએ આપેલા બે બેડરૂમના ફ્લેટમાં તમે તેમને માટે એક બેડ રૂમ કેવો સજાવી રાખ્યો છે? અને… ‘દિવાલો પર તમે બનાવેલા કોમ્પ્યુટર ગ્રાફિક્સના લેમિનેટેડ પ્રિન્ટ આઉટ જોઈ, મમ્મી ભીંતો પર તમે કરેલા લીટા યાદ કરતી, કેવી મલકાશે?’- એની કલ્પના કરીને તમારા ચહેરા પણ આછી આછી મુસ્કાન રમત રોળિયાં નથી કરી રહી?

ત્યાં જ તમારો સેલફોન રણકી ઊઠે છે. એની ઉપર તમે જ બનાવેલું રંગબેરંગી એનિમેશન કૂદકા અને ભુસકા મારતું તમારા મિત્રના ટેક્સ્ટ સંદેશાની જાણ કરે છે,”પરેશ! તારાં પપ્પા મમ્મી આવી ગયાં?”

e.mail : surpad2017@gmail.com

Loading

8 August 2023 Vipool Kalyani
← ચાલો, હરારી પાસે – 12 
મહેકભીના માણસ : ગુલાબભાઈ જાની →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved