
હેમન્તકુમાર શાહ
GSTમાં ઘટાડો કરવામાં આવ્યો એટલે દેશભરમાંથી નરેન્દ્ર મોદી પર અભિનંદનની વર્ષા થઈ છે. પંજાબમાં આવેલા પૂર કરતાં પણ વધારે વર્ષા! એને માટે લાખો કે કરોડો રૂપિયા ખર્ચીને છાપાંમાં જાહેરખબરો આપવામાં આવી રહી છે. આવું દુનિયાના કોઈ લોકશાહી દેશમાં થતું હશે કે કેમ એને વિશે શંકા છે.
નરેન્દ્ર મોદીએ એને “તોહફા” એટલે કે ભેટ કહી છે. શું નરેન્દ્ર મોદીએ એમને વડા પ્રધાન તરીકે જે પગાર મળે છે એમાંથી GSTમાં રાહત આપી છે? ના. તો કરવેરા નાખવા, કાઢી નાખવા કે ઓછા કરવા એને માટે બંધારણમાં જોગવાઈ થઈ છે એ મુજબ આ થઈ રહ્યું છે. એમાં વળી મોદીનો આભાર શાનો? અને વળી એ ભેટ શાની?
CII નામનું ઉદ્યોગપતિઓનું એટલે કે મોટી કંપનીઓનું એક સંગઠન છે. એણે જાહેરખબર આપી. એને તો એ પોસાય પણ ખરું. માલેતુજાર કંપનીઓ માટે તો આવી જાહેરખબર કાનખજૂરાનો એક પગ પણ ન કહેવાય.
હેતસન એગ્રો પ્રોડક્ટ લિમિટેડ જેવી કંપનીઓ પણ આવી જાહેરખબર આપે. કારણ કે એ બધી ધંધો કરે છે. અને ધંધાનો ઉદ્દેશ નફાનો છે, કોઈની સેવાનો નહીં.
અત્યારે રાહતો GSTમાં આપવામાં આવી તો જાહેરખબરો આપવામાં આવી, તો શું જ્યારે GSTનો દર ખૂબ ઊંચો રાખવામાં આવ્યો ત્યારે મોદીની નીતિનો વિરોધ કરતી જાહેરખબરો આપી હતી? ના. શું એનો અર્થ એવો કરવો કે તેઓ નરેન્દ્ર મોદીથી ગભરાતા હતા અને અત્યારે મોદીને ખુશ કરવા જાહેરખબરો આપે છે?
મૂળ વાંધો તો એ છે કે ‘અમૂલ’ મોદીનો આભાર માનતી જાહેરખબરો આપે છે. ‘અમૂલ’ ધંધો કરે છે, નફો પણ કરે છે પણ તેનો ઉદ્દેશ માત્ર નફો કરવાનો નથી. તેનો હેતુ તો એકેએક પશુપાલકનું આર્થિક હિત સાધવાનો છે, તેની આર્થિક સ્થિતિ સુધારવાનો છે.
‘અમૂલ’ કરોડો રૂપિયાની જાહેરખબરો પાછળ ખર્ચ કરે તો ગુજરાતના ૩૬ લાખ પશુપાલકો માટે એ જ ખર્ચ કરી શકાય કે નહીં? એમને એટલા રૂપિયા વધારે આપી શકાય કે નહીં? ‘અમૂલ’ના કર્તાહર્તાઓ આજે ભા.જ.પ.ના હોય એટલે ‘અમૂલ’ દ્વારા મોદીની આવી ભાટાઈ થાય એ શું જરૂરી છે?
આ જાહેરખબરોથી ‘અમૂલ’ના ગ્રાહકોને શો ફાયદો થાય? આવો ખર્ચ એ ન કરે અને એનો લાભ ગ્રાહકોને અને પશુપાલકોને આપી શકાય?
‘અમૂલ’ દ્વારા આવી જાહેરખબરો અગાઉ પણ આપવામાં આવી હતી. એમ લાગે છે કે ગુજરાતની ૧૬,૦૦૦ અને ભારતની ૨.૦૨ લાખ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓએ આનો લેખિત વિરોધ કરવો જોઈએ અને આવી જાહેરખબરો આપનારા ‘અમૂલ’ના મેનેજમેન્ટને ઘેર બેસાડી દેવું જોઈએ.
તા.૦૬-૦૯-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર