ગૂજરાત વિદ્યાપીઠની શતાબ્દી પછીની ટૂંકે, તાજેતરે, મહાત્મા ગાંધીના એક પૌત્ર, ગોપાળકૃષ્ણ ગાંધીએ, અતિથિ વિશેષ તરીકે, ‘સ્થાપનાદિવસ વ્યાખ્યાન’ આપ્યું. એમણે ગામડાં ભાંગ્યાં અને શહેરો વધ્યાંની વિપરીત પરિસ્થિતિને સાંપ્રત જીવનની સૌથી મોટી સમસ્યા ગણાવી હતી. વિષદ ચર્ચા માંડતા ચોમેર હરણફાળે વધી રહેલાં શહેરીકરણની ઊંડી આલોચના ગોપાળભાઈએ કરી હતી.
ગોપાળભાઈના એક પિત્રાઈ, પ્રભુદાસ છગનલાલ ગાંધીએ, આશરે 1922 ચોપાસ આ લખાણ ‘મધુકર રાજા’ તરીકે "મધપૂડો" માટે કરેલું. એવી જ વાત, એવો જ ઈશારો. હવે તે લખાણ ‘જીવનનું પરોઢ’ નામે આપણા એક શિષ્ટ ગ્રંથમાં આમેજ છે. તે અહીં સૌજન્યભેર સાદર કરીએ. − વિ.ક.
•••••
… … બહાર ઊભા ઊભા પેલા કૂબામાં મેં નજર ફેંકી એ અશિષ્ટતા પણ મને ખૂંચી અને એ ઝૂંપડામાં જે મળે એની સાથે દોસ્તી કરવાનું મને મન થયું. અને એક ખૂણામાં સાવ નાની છાપરી નીચે મારાથી જરાક મોટી ઉંમરની છોકરીને મેં જોઈ. હું એની પાસે જઈ ઊભો રહ્યો. એ મોટી છીપરડી ઉપર મકાઈની ઢગલી મૂકીને એક ભારે વાટણિયા વડે મકાઈના દાણા વાટી રહી હતી. મકાઈ વટાતી જોઈને મને નવાઈ લાગી. છીપરડીની બાજુમાં મકાઈનો મોટો બધો ઢગલો પડ્યો હતો અને મકાઈને વાટીને ઝીણી ચટણી જેવી એ બનાવી દેતી હતી. હતી તો એ છોકરી જ, ને દેખાવે પણ મારા જેવડી નાની અને પાતળી, પણ એનું જોર જોઈને હું ચકિત થઈ ગયો. મને તો એ વાટણિયો ફેરવવો પણ અઘરો પડે એટલો ભારે એ હતો પણ એ હબસી છોકરી રમકડાની જેમ એને નચવી રહી હતી અને ઝપાટાબંધ મકાઈ વાટી રહી હતી. હું પાસે જઈને ઊભો રહ્યો તોયે એને ઊંચું જોવાની ફુરસદ ન હતી. મેં સવાલો પૂછ્યા એના જવાબ પણ એણે પોતાનું કામ જરાયે અટકાવ્યા વિના આપ્યા.
અમારા સવાલજવાબનો સાર આ હતો :
‘આ મકાઈ શા માટે પીસો છો?’
‘પુપ્પૂ બનાવવા.’
‘તે તમે ચક્કીમાં મકાઈ ન દળાવો?’
‘અહીં ચક્કી ક્યાં છે? અમે તો આમ જ કરીએ.’
‘આમાં વખત કેટલો બધો લાગે !’
‘વખત શાનો વળી ! આ વટાઈ ગઈ, જો. રોજ તાજી વાટીને કરીએ એટલે પુપ્પૂ બહુ સરસ થાય.’
એ છોકરીને મેં આમ બેચાર સવાલ પૂછ્યા એટલી વારમાં મારો બીજો સાથી પણ ત્યાં જ આવી પહોંચ્યો. એનું ધ્યાન પહેલાં અમે માથેથી ઉતારેલું પતરું થાંભલા પર સરખું ગોઠવવામાં હતું. એણે આવીને મને વધુ સમજાવ્યું કે આ લોકોને ઘંટી બંટી બનાવતાં આવડે જ નહીં. બિચારાં રોટલાયે કરી જાણે નહીં. બસ આ વાટેલી મકાઈનું પુપ્પૂ, કોળાનું બાફેલું શાક અને જ્યારે વધુ ઇચ્છા થાય ત્યારે શિકાર કરી આણેલા જાનવરનું માંસ એટલો એમનો ખોરાક. મરીમસાલા પણ આ લોકો ખાઈ ન જાણે. એટલે જ તો આપણા કરતાં વધારે જંગલી ગણાય છે ! મારો સાથી મારા કરતાં મોટો હતો અને હબસી બોલી પણ ઠીક ઠીક જાણતો હતો. એણેયે થોડીક વાતો પેલી છોકરી સાથે કરી અને ઝૂંપડું કેવડું, તમે કેટલાં વગેરે કંઈક પૂછ્યું. એ બધા સવાલજવાબ મને યાદ નથી પણ એટલું યાદ છે કે એ ઝૂંપડીએ વિસામો ખાઈને પછી આગળ વધ્યા પણ મારા નાનકડા મગજમાં એ જાતના જીવન વિશે વિચારો આવ્યા જ કર્યા.
કેટલો સાદો ખોરાક અને કેવું સરસ શરીર! આપણે ખાવાના નિયમો પાળીએ, અસ્વાદવ્રત સેવીએ અને ઘણું કરીએ છતાં આપણી રસોઈમાં કેટલી બધી પંચાત પડે! આડણી વેલણ, લોઢી, સાણસી, એમ કેટલાંયે વાનાં જોઈએ. આમને બે પથરામાં આખું રસોડું સમાઈ જાય. આપણો જીવ દાળ, શાક, કઢી ને એવી બીજી મઘમઘતી ચીજો પાછળ ભમ્યા કરે; આ લોકોને એની કશી પરવા જ નહીં.
હજુ પણ એ ઝૂલુ બાળાના સરળ જીવનની યાદ આવે છે ત્યારે મને થાય છે કે એ લોકોનું એ વન્ય જીવન ખરેખર અમોલું છે. તેઓ પશુઓનો શિકાર કરીને ખાય તથા વાંચી-લખી ન જાણે કે ધર્મની વાતો ન કરી શકે એ દૃષ્ટિએ ભલે વગર સુધરેલા ગણાય, પણ આનંદ, સંતોષ તથા પહેલું સુખ ને જાતે નર્યાની દૃષ્ટિએ તેઓ આપણા કરતાં ચડિયાતા જ લેખાય.
[‘જીવનનું પરોઢ’, આવૃત્તિ : માર્ચ 2009; પૃ. 529-531]