Opinion Magazine
Number of visits: 9448777
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અમેરિકાસ્થિત નટવર ગાંધી લિખિત ‘એક અજાણ્યા ગાંધીની આત્મકથા’ના કેટલાક અંશો :

ઉત્તમ ગજ્જર|Diaspora - Literature|19 August 2017

1.

2007ના નવેમ્બર મહિનાની સાતમી તારીખને હું જિન્દગીમાં ક્યારે ય ભૂલવાનો નથી. મારા જીવનમાં, મારી કારકિર્દીમાં, એ દિવસે મોટો ધરતીકંપ થયેલો! હું ત્યારે અમેરિકાની રાજધાની વોશિન્ગ્ટનનો સી.એફ.ઓ. એટલે કે ચીફ ફાઈનાન્સિયલ ઑફિસર હતો. એ દિવસે યુ.એસ.એટર્નીની ઑફિસમાં પ્રેસ કોન્ફરન્સ હતી. વોશિન્ગ્ટનના મેયર, એફ.બી.આઈ.ના અને શહેરના ઉચ્ચ અધિકારીઓ હાજર હતા. વોશિન્ગ્ટન પોસ્ટના અને બીજાં છાપાંઓ તેમ જ ટીવીના ભરાડી રિપોર્ટરોથી ખીચોખીચ આખો હોલ ભરાઈ ગયો હતો. એ બધા અમારા આવવાની રાહ જોતા ‘માણસ ગંધાય, માણસ ખાઉં’ એમ કરતા અધીરા થઈને બેઠા હતા.

મારા હાથ નીચે જે ટેક્સ ઑફિસ ચાલતી હતી એમાં પચાસ મીલિયન ડોલરનું કૌભાંડ થયું હતું. સી.એફ.ઓ. થયો એ પહેલાં ત્રણ વરસ હું વોશિન્ગ્ટનનો ટેક્સ કમિશ્નર હતો. જો કે આ કૌભાંડ લગભગ વીસેક વરસથી ચાલતું હતું. પણ મુદ્દાની વાત એ હતી કે જ્યારે ચોરી પકડાઈ ત્યારે હું સી.એફ.ઓ. હતો, અને એ ચોરી કરનારા ટેક્સ ઑફિસરો મારા હાથ નીચે કામ કરતા હતા. એમના ગેરવર્તનની જવાબદારી મારી.

2.

આ પ્રેસ કોન્ફરન્સમાં વોશિન્ગ્ટનના રિપોર્ટરો મેયરને એક પછી એક, એમ આકરા પ્રશ્નોથી પજવવા લાગ્યા. કહેતા હતા કે : ‘જુઓ તમારા હાથ નીચે કેવું મોટું કૌભાંડ થયું!’  એ વખતે હું મેયરની બાજુમાં જ; પણ પાછળ ઊભો હતો. ત્યાંથી તરત આગળ આવીને મેં કહ્યું કે : ‘આ બાબતમાં બધી જ જવાબદારી મારી છે. એમાં જે બદનામી થવી જોઈએ, તે મારી થવી જોઈએ; મેયરની નહીં. જે કંઈ સવાલ પૂછવા હોય એ મને પૂછો.’ પછી તો એ પ્રેસ કૉન્ફરન્સનું ટારગેટ હું બની ગયો. બધા મારી ઉપર તૂટી પડ્યા. હવે ટીવી કેમેરાઓએ મારી પર મીટ માંડી. આંખને આંજી દેતી કેમેરાની એ લાઈટ્સ, હાથમાં રેકોર્ડિંગ મશીન લઈને ધક્કામુક્કી કરતા અનેક રિપોર્ટરો, ટોકિંગ પોઈન્ટ્સ અને નોટ્સ લઈને તમને તૈયાર કરતો સ્ટાફ – ક્લાસિક વોશિન્ગ્ટન પ્રેસ કૉન્ફરન્સમાં જે બધું હોય તે અહીં હતું. 

3.

બીજે દિવસે અને પછી મહિનાઓ સુધી, વોશિન્ગ્ટન પોસ્ટ અને બીજાં છાપાંઓમાં મારા ફોટા સાથે એ કૌભાંડના સમાચારો પહેલે પાને પ્રગટ થયા. કહેવામાં આવ્યું કે વોશિન્ગ્ટનના ઇતિહાસમાં ક્યારે ય પણ આવું મોટું કૌભાંડ થયું નથી. ત્યાર પછી તો મહિનાઓ સુધી મારી ઉપર કંઈક માછલાં ધોવાયાં. અમેરિકામાં છાપાંવાળા જ્યારે કોઈની પણ પાછળ પડે ત્યારે એનાં છોતરાં જડમૂળથી કાઢી નાખે. ભલભલાને જોત જોતામાં ભોંય ભેગા કરી દે! 

4.

આજે હું નિવૃત્ત થઈને બેઠો છું ત્યારે વિચાર આવે છે કે આ જિન્દગીમાં હું ક્યાંથી નીકળ્યો અને ક્યાં પહોંચ્યો!  મારી ગતિ અને પ્રગતિ એવી અને એટલી તો અણધારી નીવડી છે કે મારા જન્મ સમયે કુંડળીમાં જે કાંઈ લખાયું હશે અથવા જોષીએ જે કાંઈ ભવિષ્ય ભાખ્યું હશે, તેમાંથી ભાગ્યે જ કંઈ સાચું પડ્યું હશે. ક્યાં અમારું ધૂળિયું ગામ, જેમાં મારા જન્મ વખતે હજી ઈલેક્ટ્રીસિટી પણ આવી નહોતી અને જ્યાં પીવાનું અને નાવાધોવાનું પાણી નદીએથી લાવવું પડતું, અને ક્યાં વિશ્વની મહાન સત્તા અમેરિકાની રાજધાની વોશિન્ગ્ટન? ક્યાં મુંબઈની મૂળજી જેઠા મારકેટમાં કરેલી અદના ગુમાસ્તાની નોકરી અને ક્યાં વોશિન્ગ્ટનના પાવરફુલ ચીફ ફાઈનાન્સિયલ ઑફિસરની પોઝિશન? ક્યાં મુંબઈમાં એક ઘોલકી શોધવા માટે અસહ્ય મુશ્કેલીઓ વચ્ચે કરેલો આંધળો રઝળપાટ અને ક્યાં અદ્યતન સુવિધાઓથી સજ્જ અમારું વિશાળ ઘર અને એનું એકાદ એકરનું હરિયાળું બેક યાર્ડ? ક્યાં મારી મુંબઈની ગુલામગીરી અને ક્યાં અહીં ‘વોશિન્ગ્ટનોઅન ઑફ ધી ઈયર’ કે ‘મોસ્ટ પાવરફુલ વોશિન્ગ્ટનોઅન્સ’માં મારી ગણતરી? ક્યાં નાતની વીશીઓમાં જેમતેમ લુસલુસ ઊભડક ખાવાનું અને ક્યાં વ્હાઈટ હાઉસનું સ્ટેટ ડીનર? આવી એક્સ્ટ્રીમ પરિસ્થિતિઓ વચ્ચે થયેલી મારી અણધારી જીવનયાત્રાનું મને જ મોટું આશ્ચર્ય છે. 

5.

અને આ બધાં ઓછાં હોય તેમ મારા જીવનમાં કોઈ એક વ્યક્તિને આદર્શ તરીકે ઠેઠ કિશોરવયથી મેં માની હોય તો એ છે : ‘ગાંધીજી’. હાઈ સ્કૂલમાં ગુજરાતી ગદ્યપદ્યના પાઠ્યપુસ્તકમાં ગાંધીજીની આત્મકથાના થોડાંક પ્રકરણ હું ભણ્યો હતો. એ મારો ગાંધીજીનો પહેલો પરિચય. એ પ્રકરણોમાં તેમના શરૂઆતના આફ્રિકાના દિવસોની, ખાસ કરીને ટ્રેનમાંથી તેમને ધક્કો મારી કાઢી મુકાયેલા અને સિગરામમાં એમની પર પડેલો સખત માર, ત્યાં તેમનો જે હુરિયો બોલાયેલો તે બધી વાતો હતી. નિરાડંબર અને સરળ ગુજરાતીમાં લખાયેલી આ વાતો મને એટલી તો ગમી કે દોડીને લાયબ્રેરીમાં જઈ એમની આત્મકથા લઈ આવ્યો.

બસ, ત્યારથી મને ગાંધીજીનું ઘેલું લાગ્યું. એમણે જે પ્રામાણિકતાથી પોતાને વિષે લખ્યું હતું – એમના બાળલગ્ન, યૌવનસહજ જાતીય ઉત્સુકતા, ભીરુતા, લંડનમાં એમના ખાવાપહેરવાના હાસ્યાસ્પદ પ્રયોગો, મુંબઈમાં એમના વકીલ થવાના નિષ્ફળ પ્રયત્નો, દક્ષિણ આફ્રિકામાં પડેલી અસહ્ય હાડમારીઓ – આ બધી વાતો આત્મકથાને અત્યંત રસપ્રદ બનાવે છે; પરંતુ સાથે સાથે એ એમના ચારિત્ર્ય અને એમના નિત્ય પરિવર્તનશીલ જીવનની પણ ઝાંખી કરાવે છે. સરળ, નિખાલસ અને નિરાડંબર શૈલીમાં લખાયેલી આ આત્મકથા માત્ર ગુજરાતી સાહિત્ય જ નહીં; પણ વિશ્વસાહિત્યનું એક ઉત્તમ આત્મનિવેદન છે.

6.

સાડા સાત દાયકાની આ જિન્દગીની સફર પછી મારી સફળતા અને નિષ્ફળતાની વ્યાખ્યા પણ ધૂંધળી બની ગઈ છે. હવે મને ખબર નથી પડતી કે કોને મહાન કહેવા અને કોને પામર? હવે કોઈને એવાં લેબલ લગાડવાં એ પણ મને યોગ્ય નથી લાગતું. એક વસ્તુની સ્પષ્ટતા જરુર થઈ છે. જે લોકો એમ કહે છે કે એમની અસાધારણ સિદ્ધિઓ અને સફળતાઓ આપકમાઈની છે; તો એ વાતમાં હું માત્ર એમની બડાશનાં બણગાં જોઉં છું. ઊલટાનું આવા સફળ માણસની પાછળ હું એના જન્મ, કુટુમ્બ, સમાજ, ઉછેર, ભણતર, મિત્રો, જીવનસાથી, નસીબ, વગેરે વસ્તુઓ જોઉં છું. એનો અર્થ એ નથી કે વ્યક્તિગત બુદ્ધિ, પ્રયત્ન, ધગશ, પરિશ્રમ વગેરે જરૂરી નથી. કહેવાનું માત્ર એટલું જ કે, જેને ઇંગ્લિશમાં આપણે ‘self-made man' કહીએ છીએ તે વાત કપોળકલ્પિત છે! 

7.

છતાં આ લખું છું, તે કદાચ કોઈને ઉપયોગી નીવડી શકે, એવો છૂપો આશય પણ છે.

ગઈ સદીના વચલા દાયકાઓમાં દેશનાં નાનાં ગામોમાં તેમ મુંબઈ જેવા શહેરમાં, સામાન્ય લોકો હાડમારીભર્યું જીવન કેમ જીવતા એનું અહીં વર્ણન કરવા પ્રયત્ન છે. સાસરે ગયેલી વહુ, પિયરની વાત કરતા જેમ લાગણીશીલ કે રોમેન્ટિક બને છે; તેમ દેશ છોડીને વર્ષોથી પરદેશમાં વસતા લોકો વતનની વાતો કરતા આવી લાગણીઓ પ્રદર્શિત કરે છે. હું એવી લાગણીઓથી બચ્યો છું કે નહીં એ તો વાચકે જ નક્કી કરવાનું છે. 

અહીં જે ઘટનાઓ રજૂ થઈ છે તેને થયે તો ભવ વીતી ગયો છે. મારા વતનમાં જ્યાં મારો જન્મ અને ઉછેર થયો, મુંબઈમાં જ્યાં જ્યાં મેં નોકરીઓ કરી, અને અમેરિકામાં મેં જ્યાં જ્યાં શરૂઆતમાં વસવાટ કર્યો – એ વિશેની વાતો પચાસ–સાંઠ વરસ જૂની છે. એ બધી હકીકતો પર, એ અનુભવો પર સ્મૃિત-વિસ્મૃિતના કંઈક થરો લદાયેલા છે. અહીં એ ઘટનાઓ, એ અનુભવોની વાત જરૂર છે; પણ એ બધું જેમ અને જેવી રીતે યાદ રહ્યું છે તે પ્રમાણે લખાયું છે. ક્યારેક સ્મૃિત દગો દે છે, તો ક્યારેક એવું પણ બને છે કે, જેમ કોઈ જૂના તામ્રપત્ર પર જે લખાયેલું હોય તે ભુંસાઈ જાય છે; છતાં ઇિતહાસકાર એ કાળનો ઇિતહાસ તો લખે જ છે. એ ઇતિહાસમાં કેટલું સાચું માનવું એ પ્રશ્ન પણ ઊભો રહે છે. કોઈ પણ આત્મકથનાત્મક લેખનમાં આવી મર્યાદા પણ રહે છે. માનસશાસ્ત્રીઓ આ પ્રકારના લેખનને palimpsest કહે છે. એવું લખાણ પણ અહીં હશે જ એમ હું માનું છું. અને છતાં વિખ્યાત મનોવિજ્ઞાની ઓલિવર સેક્સ કહે છે તેમ મોટે ભાગે આપણી સ્મૃિતઓ ભાગ્યે જ ખોટી પડતી હોય છે. હા, એ બધી સ્મૃિતઓ આપણા આત્મરંગે જરૂર રંગાયેલી હોય છે. અને જેમ જેમ પરિસ્થિિત બદલાતી રહે છે તેમ તેમ એ રંગ બદલાતો રહે છે. છતાં આ સ્મૃિતઓ બનેલી ઘટનાઓને વફાદાર રહેતી હોય છે. આ આત્મકથનમાં કેટલીક જીવન્ત વ્યક્તિઓનાં નામ લખ્યાં નથી અથવા તો ફેરવ્યાં છે. છતાં હકીકતો અને બનેલા બનાવો વિષે સચ્ચાઈ અને પ્રામાણિકતા જાળવીને જ લખ્યું છે.

આ પ્રાસ્તાવિક નિવેદન પછી પણ જો વાચકમિત્રો ચેત્યા ન હોય અને આગળ વધવું જ હોય તો જરૂર આગળ વધે ! પોતાના હિસાબે અને જોખમે !

સર્જક સમ્પર્ક: 4301 Military Road NW, Suite 510, Washington, DC 20015

વહાલા વાચકો,

વાંચી ગયાને ઉપરના બધા અંશો ? તમને થશે : ‘આ તો જબરો ગાંધી છે ને! કામે ય જબરાં કર્યાં છે!’

પણ ભાઈ, હું તમને છેતરું નહીં. આ આત્મકથાના અંશો છે જ નહીં! આ તો છે 344 પાનાંની આત્મકથાના આ ગ્રંથની શરૂઆતમાં, લેખકે જાતે લખેલી પૂ…રાં બાવીસ પાનાંની ‘પ્રસ્તાવના’ના કેટલાક અંશો .. આમાં આત્મકથાનો એકે અક્ષર નથી. આત્મકથા વાંચવા તો તમારે તે પુસ્તક પાસે જ જવું પડે .. લો, તેની વિગત નીચે આપું :

‘એક અજાણ્યા ગાંધીની આત્મકથા’ : નટવર ગાંધી : ઈ.મેલ : natgandhi@yahoo.com

પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન પ્રા. લિમિટેડ, ગોપાલ ભુવન, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુમ્બઈ-400 002

ફોન : +91 22 2200 2691; 2200 13588

1-2, અપર લેવલ, સેંચુરી બજાર, આંબાવાડી સર્કલ, આંબાવાડી, અમદાવાદ-380 006

ફોન : +91 79 2656 0504; 2644 2836 ઈ.મેલ : imageabad1@gmail.com

પ્રથમ આવૃત્તિ : મૂલ્ય : 400 રૂપિયા; એરમેલ સાથે વિદેશમાં : 15 ડૉલર; પાન સંખ્યા : 344

હવે આ પુસ્તકની ઈ.બુક નીચેની લીંક પર ઉપલબ્ધ છે :

e-Shabda link :

http://www.e-shabda.com/Ek-Ajaanya-Gandhini-Atmakathaa-Natwar-Gandhi-Politics-Autobiography-Gujarati-1803196725079

સૌજન્ય : ’સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષઃ તેરમું – અંકઃ 381 –August 20, 2017

Loading

19 August 2017 admin
← આઝાદીના સિત્તેરમા વર્ષની આખરે – મોત, શહીદી, હત્યા, વિસ્થાપન, છેડતી, પ્રતિબંધો, વહેમ, અંધશ્રદ્ધા
વ્યાપક પ્રજાકીય હિત માટે રસ્તા પર ઉતરનારા અને સંઘર્ષ કરનારા નાગરિક-હસ્તક્ષેપની પરંપરા જો વિકસાવી હોત તો દેશનો ઇતિહાસ જુદો હોત →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved