Opinion Magazine
Number of visits: 9752951
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અમેરિકામાં ટોચની આઇ.ટી. કંપની ‘સિસ્કો’ સામે જ્ઞાતિઆધારિત ભેદભાવનો કેસ

સુજાત|Opinion - Opinion|29 July 2020

અમેરિકામાં રંગભેદના વિરોધમાં બ્લેક લાઇવ્સ મેટર / Black Lives Matterના દેખાવો ચાલતા હતા, ત્યારે તેમાં આફ્રિકનો ઉપરાંત ભારતીયો સહિતના વિવિધ સમુદાયોએ ઉત્સાહથી ભાગ લીધો અને ચળવળને સમર્થન જાહેર કર્યું. તેની સમાંતરે બલકે તેની પશ્ચાદભૂમાં એક વિલક્ષણ કિસ્સો સમાચારમાં આવ્યો, જેણે ભેદભાવના રંગભેદ જેવા કે તેનાથી પણ વરવા પાસાને ઉજાગર કર્યું. કિસ્સો અમેરિકાનો, પણ ભેદભાવ એકદમ ‘સ્વદેશી’ હતો.

વાતની શરૂઆત વીસેક વર્ષ પહેલાં થઈ. ત્યારે આઇ.આઇ.ટી., બૉમ્બેમાં ભણતા સુંદર ઐયરને તેમના એક સહાધ્યાયીની જ્ઞાતિ વિશે ખબર પડી. મૅરિટ લિસ્ટમાં તેમનું નામ ન જોવા મળતાં, તેમને જાણ થઈ કે એ ભાઈ દલિત છે અને અનામત બેઠક પર તેમણે આઇ.આઇ.ટી.માં પ્રવેશ મેળવ્યો છે. ત્યાંથી ભણી લીધાનાં વર્ષો પછી, અમેરિકાની વિખ્યાત આઇ.ટી. કંપની ‘સિસ્કો’/CISCOમાં વળી પાછું તે બંનેને સાથે કામ કરવાનું થયું. ત્યારે સુંદર ઐયરે બીજા ભારતીય સાથી કર્મચારીઓ સમક્ષ પોતાના જૂના સહાધ્યાયી-હાલના સહકર્મીની જ્ઞાતિ જણાવવાનું શરૂ કર્યું. ભારતીય ગમે ત્યાં હોય, પણ મોટે ભાગે તો તે જ્ઞાતિવાદનાં પોટલાં સાથે ઊંચકીને જ ગયા હોય. આઇ.આઇ.ટી.માં ભણ્યા પછી ને  ‘સિસ્કો’ જેવી કંપનીમાં જોડાયા પછી પણ એ લક્ષણ જાય? સુંદર ઐયરના આવા જ્ઞાતિવાદી પ્રચારને કારણે તેમના દલિત સહકર્મી સાથે કંપનીમાં ભેદભાવભર્યું વર્તન થવા લાગ્યું.

દલિત કર્મચારીએ સુંદર ઐયર વિરુદ્ધ આંતરિક ફરિયાદ કરી. તે તપાસમાં જાતિના આધારે થતા ભેદભાવ સામે તો આવ્યા, પણ ‘અમેરિકામાં જ્ઞાતિઆધારિત ભેદભાવો (વ્યાખ્યાયિત નહીં હોવાને કારણે) ગેરકાનૂની નથી’ તેમ કહીને તપાસ બંધ કરી દેવાઈ. સુંદર ઐયર કંપનીમાં મેનેજરના પદે હતા, જ્યારે દલિત કર્મચારી મુખ્ય એન્જિનિયર. સુંદર ઐયરે હોદ્દાનો ગેરલાભ ઉઠાવીને દલિત એન્જિનિયરને ટીમમાંથી કાઢી મૂક્યા અને તેમની બઢતી અટકાવી દીધી. ભેદભાવનો ભોગ બનેલા દલિત કર્મચારીએ કંપનીના માનવ સંસાધન વિભાગમાં લેખિત ફરિયાદ કરી. ફરી તપાસ થઈ ત્યારે કેટલાંક સહકર્મચારીઓ તરફથી જુબાની પણ મળી કે સુંદર ઐયર દલિત કર્મચારી સાથે ભેદભાવ આચરતા હતા, અને કામ માટે લાયક હોવા છતાં તેમને કંપનીમાંથી હાંકી કાઢવાની ફિરાકમાં હતા. તેમ છતાં ‘જાતિના આધારે ભેદભાવના કોઇ પુરાવા મળતા નથી’ તેમ કહીને તપાસ બંધ કરી દેવાઈ. ખરેખર તો ભેદભાવો પહેલી વારની તપાસમાં જ સામે આવી ચૂક્યા હતા.

થોડા વખત પછી સુંદરના સ્થાને નવા મેનેજર તરીકે રમણ કમ્પેલા / Ramana Kompella મેનેજર બન્યા ત્યારે પણ ભેદભાવો ચાલુ રહ્યા. હવે આ મામલે કૅલિફોર્નિયા રાજ્યની સરકારે સુંદર ઐયર, રમણ કમ્પેલા અને ‘સિસ્કો’ સામે કેસ કર્યો છે. અમેરિકામાં ‘બ્લેક લાઇવ્ઝ મૅટર’ની ચળવળ ચાલી રહી હોય, ત્યારે ‘સિસ્કો’ જેવી કંપની સામે જ્ઞાતિવાદ આધારિત ભેદભાવનો કેસ રાજ્ય સરકારે દાખલ કરવો પડે તે એક વિલક્ષણ હકીકત છે. વિરોધાભાસ એ વાતનો પણ ખરો કે જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા ઘણા ભારતીયો વંશવાદનો વિરોધ કરતી ‘બ્લેક લાઇવ્ઝ મેટર’ ચળવળના ટેકેદાર છે. બીજો વિરોધાભાસ એ છે કે ‘સિસ્કો’ હોય કે અમેરિકામાં ચાલતી ભારતીય આઇ.ટી. કંપનીઓ, તેના કરારપત્રમાં ધર્મ કે વંશ(રેસ)ના આધારે કોઈ ભેદભાવ નહીં રાખવામાં આવે, એવી બાંહેધરી હોય છે, પણ તેમાં જ્ઞાતિનો સમાવેશ થતો નથી.

દલિત કર્મચારીએ આ બાબતે ‘સિસ્કો’ના માનવ સંસાધન વિભાગનું ધ્યાન દોર્યું ત્યારે તેમને કહેવામાં આવ્યું કે વંશવાદ વિશ્વવ્યાપી છે, જ્યારે જ્ઞાતિવાદ વિશ્વવ્યાપી નથી. માટે, બહુરાષ્ટ્રીય કંપનીઓના સર્વસામાન્ય કરારમાં જ્ઞાતિનો સમાવેશ કરી શકાય નહીં. ત્રીજો વિરોધાભાસઃ ‘ફોર્ચ્યુન’ના વર્ષ 2019ના સર્વેક્ષણમાં આદર્શ કાર્યસ્થળ ધરાવતી સો કંપનીઓની યાદીમાં ‘સિસ્કો’નો નંબર બીજો હતો અને ત્યાં આવી પરિસ્થિતિ છે.

અમેરિકામાં કાર્યરત અનેક દલિત સંગઠનોએ ‘સિસ્કો’ના દલિત કર્મચારીને ટેકો જાહેર કર્યો છે. જો કે ઘણા મૂળ ભારતના અને અમેરિકામાં કામ કરતા દલિતોને લાગે છે કે ‘સિસ્કો’ના કેસથી અમેરિકામાં જ્ઞાતિઆધારિત ભેદભાવનો સત્તાવાર સ્વીકાર થશે એટલું જ. બાકી, અમેરિકામાં પણ જ્ઞાતિવાદનાં મૂળિયાં ઘણાં ઊંડાં છે.

વર્ષ 1965માં ‘ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ’ હેઠળ દરેક વંશ અને વર્ણના લોકો માટે અમેરિકન નાગરિકતા ખુલ્લી મુકાઇ. ત્યાર પહેલાં માત્ર ગોરા લોકો અમેરિકાના નાગરિક થઈ શકતા હતા. જો કે તે અગાઉ એક વિશિષ્ટ કિસ્સો વર્ષ 1913માં બન્યો હતો. મૂળ બંગાળના, પણ વૉશિંગ્ટનમાં સ્થાયી થયેલા એ.કે. મઝુમદારે અમેરિકાની નાગરિકતા માટે કરેલી અરજીમાં જણાવ્યું હતું કે તે ઊંચી જાતના આર્ય હોવાને કારણે વંશની રીતે ગોરાઓને સમકક્ષ અને અમેરિકાની નાગરિકતા માટે લાયક ગણાય. અમેરિકાની અદાલતે તેમની આવી રજૂઆત માન્ય રાખી અને તેમને નાગરિકતા મળી પણ ખરી. તેનાં દસ વરસ પછી એક શીખ ભગતસિંહ થિંડેએ પોતાની ઊંચી જાતના ધોરણે નાગરિકતા માટે અરજી કરી ત્યારે અદાલતે ઠરાવ્યું કે ફક્ત સમકક્ષતા નાગરિકતા માટેની લાયકાત નથી અને અરજદારે ગોરા હોવું જરૂરી છે. અદાલતે ભગતસિંહની નાગરિકતાની રજૂઆત ફગાવી દીધી. એટલું જ નહીં, દસ વર્ષ પહેલાં મઝુમદારને અપાયેલી નાગરિકતા પણ રદ કરવામાં આવી.

ત્યાર પછી તો કાળા લોકોએ ઉપાડેલી નાગરિક અધિકારની-સિવિલ રાઇટ્સની ચળવળને કારણે અમેરિકામાં સ્થિતિ બદલાઈ અને દાયકાઓ પછી એક કાળો માણસ વ્હાઇટ હાઉસમાં બબ્બે મુદત સુધી બિરાજમાન હોય એવું શક્ય બન્યું. ‘સિસ્કો’ સામેના કેસમાં પણ કેલિફોર્નિયાની સરકારે સિવિલ રાઇટ્સ એક્ટનો જ આશરો લીધો છે. કેમ કે, અમેરિકામાં જ્ઞાતિ આધારિત ભેદભાવો વિરુદ્ધ કોઈ કાયદો નથી. અલબત્ત, સિવિલ રાઇટ્સ એક્ટના ટાઇટલ ૭ અંતર્ગત કોઈ પણ વ્યક્તિ સાથે ધર્મ, વારસાઈ, રાષ્ટ્રીયતા/સાંસ્કૃતિકતા અને વંશ કે વર્ણના આધારે ભેદભાવ રાખવો ગેરકાનૂની છે. ઉપરાંત, ‘સિસ્કો’ સામેના કેસમાં ફેર એમ્પ્લૉયમૅન્ટ એન્ડ હાઉસિંગ એક્ટ પણ લગાડવામાં આવ્યો છે.

કેલિફોર્નિયા સરકારે ‘સિસ્કો’ સામે દાખલ કરેલા કેસમાં જણાવાયું છે કે ભારતથી અમેરિકા આવતા આશરે ૯૦ ટકા લોકો ઉપલી જ્ઞાતિના હોય છે અને ‘સિસ્કો’માં ફરિયાદી એકમાત્ર દલિત કર્મચારી હતા. (અમેરિકામાં કોર્ટ કેસમાં પુરુષ ફરિયાદીનું નામ જાહેર કરવાનું ન હોય ત્યારે તે ‘જોન ડો’ એવા સામાન્ય નામથી ઓળખાય છે) ઘણાં બિનનિવાસી ભારતીય દલિતોએ પોતાની સાથે વિદેશોમાં થતા ભેદભાવોની વાત કરી છે. તેમની રજૂઆતો મુજબ, કહેવાતી ઊંચી જાતના લોકો પોતે ‘શુદ્ધ’ શાકાહારી હોવાના મિથ્યાભિમાનમાં માંસાહાર કરતા દલિતોને હડધૂત કરે છે. ત્યાં મિત્રો વચ્ચે થતી ચર્ચાઓમાં આજે પણ મોટી સંખ્યામાં જ્ઞાતિવાદનો બચાવ કરનારા છે. એક મહિલાએ જણાવ્યું કે પોતે વાલ્મીકિ સમાજમાંથી આવતાં હોવાનું જાહેર થઈ જતાં સહકર્મચારી ભારતીયો ‘સફાઇ કર્મચારી’ તરીકે તેમની હાંસી ઉડાવતા અને ટીમની મિટિંગ પછી તેમને સફાઈકામ સોંપતા.

અનેક દલિતોએ જણાવ્યું છે કે જ્ઞાતિએ અમેરિકામાં પણ તેમનો પીછો નથી છોડ્યો. ભારતમાં થાય છે એવી જ રીતે અમેરિકામાં તેમને સામાજિક અને ધાર્મિક પ્રસંગોમાંથી બાકાત રાખવામાં આવે છે. અમેરિકામાં માનસિક ટેકારૂપ પરિવાર કે સમાજના અભાવે દલિતો વધારે મુંઝવણ અનુભવે છે. તે ત્યાં કોઈ પણ ભોગે પોતાની જાતિ છૂપાવવા મજબૂર છે. ‘ઇક્વાલિટી લેબ્સ’ના સર્વેક્ષણ મુજબ, સિલિકોન વૅલીમાં કાર્યરત 66% દલિતો કામના સ્થળે ભેદભાવોથી પીડિત છે. તેમાંથી બૌદ્ધ કે અન્ય ધર્મી ભારતીયો પણ બાકાત નથી રહી શકતા. તેમની સાથે પણ ‘ધર્મપરિવર્તન પહેલાંના દલિતો’ તરીકેનું જ વર્તન કરવામાં આવે છે. જાતિગત ભેદભાવો એટલા ક્રૂર હોય છે કે દલિતો ‘પોતાના’ ભારતીયો કરતાં સ્થાનિક સહકર્મચારી સાથે કામ કરવું વધુ પસંદ કરે છે.

સિલિકોન વૅલીમાં નોકરીની ઘણીખરી જગ્યાઓ ભલામણને આધારે ભરાતી હોય છે. દલિતો તેમાં પણ ભેદભાવનો ભોગ બને છે. કારણ કે ત્યાં કાર્યરત ઉપલી જ્ઞાતિના લોકો પોતાની જ્ઞાતિના અન્ય ઉમેદવારોની જ ભલામણ કરે છે. ‘ધ અધર વન પર્સન્ટ: ઇન્ડિયન્સ ઇન અમેરિકા’ એ સર્વેક્ષણાંમાં પુરવાર થયું છે તેમ સિલિકોન વૅલીમાં કામ કરતા 90 ટકા ભારતીયો ઉપલી જાતિના છે. અમેરિકન મતદારોમાં ઉપલી જ્ઞાતિના હિન્દુઓ નોંધપાત્ર સંખ્યામાં છે. આથી તેમનું રાજકીય કદ પણ ઉત્તરોત્તર વધતું રહ્યું છે અને જરૂર પડ્યે સરકાર પર દબાણ લાવવા પણ તે સક્ષમ થયા છે. થોડા વરસ પહેલાં કેલિફોર્નિયાની શાળાઓના અભ્યાસક્રમમાં ભારતમાં દલિતો વિરુદ્ધ થતા ભેદભાવોનો અછડતો ઉલ્લેખ આવ્યો હતો. ત્યારે રૂઢિચુસ્ત હિન્દુઓએ વાંધો ઉઠાવીને તે વાક્ય પણ પુસ્તકોમાંથી કાઢી નખાવ્યું હતું.

જ્ઞાતિગત ભેદભાવો સ્વાભાવિક રીતે અમેરિકા પૂરતા સીમિત નથી. ભારતીયો જ્યાં જઈને વસ્યા છે ત્યાં બધે જ તે ફેલાયા છે. બ્રિટનમાં સરકારે આવા ભેદભાવો વિરુદ્ધ કાયદો ઘડવાનો વાયદો કર્યો હતો, પણ જમણેરી હિન્દુઓએ પોતાના પ્રભાવનો ઉપયોગ કરીને સરકારને પીછેહઠ કરવા ફરજ પાડી હતી. તત્કાલીન વડાપ્રધાન થેરેસા મેએ બચાવમાં કહ્યું હતું કે બ્રિટનમાં જાતિના આધારે ભેદભાવ ખૂબ ઓછા છે. જો કે 2010માં સરકારે પોતે નીમેલા કમિશને મોટા પ્રમાણમાં જ્ઞાતિ આધારિત ભેદભાવો ચલણમાં હોવાની વાત સ્વીકારી હતી. કમિશનનું સૂચન હતું કે કાયદો ઘડવામાં આવે તો મજબૂરીના માર્યા પણ ભેદભાવો ઓછા થશે.

‘સિસ્કો’ કેસમાં શું થાય છે તેના પર ‘સિસ્કો’ ઉપરાંત અનેક કંપનીઓની નજર રહેશે, કારણ કે જો આરોપ સાબિત થશે તો તેની અસર અમેરિકાની અને ત્યાં કાર્યરત-ભારતીય કર્મચારીઓ ધરાવતી તમામ બહુરાષ્ટ્રીય કંપનીઓ પર પડશે.

‘ધ વાયર’ના મુખ્ય અહેવાલ અને ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના લેખ પરથી સંકલનઃ સુજાત

સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 27 જુલાઈ 2020; પૃ. 09-11

 

Loading

29 July 2020 admin
← કવિની ‘શોક’સભા
વૈશ્વિક મહામારીના સમયમાં શિક્ષણ : ડિગ્રી મહત્ત્વની કે જીવન? →

Search by

Opinion

  • સરકાર કહે છે કે ભાવ વધવા દીધા નથી ને ભાવ તો વધે જ છે …
  • સંસદ અને ધારાગૃહોમાં સરકારોની કસોટી કરતો પ્રશ્નકાળ
  • ચૂંટણીમાં ઘુસપેઠિયાનો મુદ્દો માપ બહાર ઉછાળાય છે
  • ગઝલ
  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved