વિશ્વભરમાં ગન વાયલન્સને કારણે રોજના ૫૦૦ લોકો મોતને ભેટે છે અને આવા અંધાધૂંધ ગોળીબારમાં રોજેરોજ ઇજા પામનારાઓનો આંકડો ૨૦૦૦ છે
બે અઠવાડિયા પહેલાં અમેરિકાના કોલંબસ સિટીમાં મૂળ નડિયાદના એક ગુજરાતી યુવકની હત્યા થઇ. બૅંકમાં પૈસા જમા કરાવવા ગયેલા યુવકની લૂંટ ઇરાદે હત્યા થઇ હોવાનું પ્રાથમિક તારણ પણ બહાર આવ્યું. આ ખબરને ભારતના, ખાસ કરીને ગુજરાતી મીડિયા દ્વારા ‘ગુજરાતી યુવકની USAમાં હત્યા’ પ્રકારના હેડિંગ સાથે પ્રકાશિત કરાઇ. ઘણા રિપોર્ટમાં એમ પણ લખાયું કે આ રીતે ગુજરાતીઓની હત્યા ત્યાં – U.S.A.માં અવારનવાર થતી રહે છે. વાત એ જ મુદ્દાની કરવી પડે એમ છે કે શું ખરેખર ગુજરાતીઓને ટાર્ગેટ કરવામાં આવે છે? અમેરિકામાં થતા લૂંટના પ્રયાસ કે ગન ક્રાઇમની વાત આવે ત્યારે ગુજરાતીઓને નિશાને રાખીને આ બધું કરવામાં આવે છે; એ વાતમાં કેટલો દમ છે?
જરા હળવાશથી વાત કરીએ તો મૂળ અમેરિકનો સ્વકેન્દ્રી પ્રજા છે, તેમને પોતાના દેશની બહારની દુનિયાની કોઇ પરવા નથી. આમ કહીએ તો એમને ઘણીવાર એ ખ્યાલ પણ નથી હોતો કે અમેરિકા સિવાય પણ એક બહુ મોટી દુનિયા છે. આ અતિશયોક્તિ લાગી શકે છે પણ છે નહીં, સાવ સાચું છે. હવે સોશ્યલ મીડિયાના વિસ્તારને કારણે આ હકીકતમાં થોડો ફેર પડ્યો છે પણ છતાં ય અમેરિકન્સને કંઇ ફેર પડતો નથી. આ એક વાસ્તવિકતા છે. બીજા વાસ્તવિકતા એ છે કે ગુજરાતીઓને શોધી શોધીને ઉડાડી દેવાની જહેમત અમેરિકન્સ શું કામ કરે? માત્ર ગુજરાતીઓ જ અમેરિકામાં લૂંટ અને હત્યાનો ભોગ બને છે એ વાતમાં કોઇ દમ નથી. ગુજરાતીઓના સ્ટોર્સ કે મોટેલ્સ લૂંટાય છે, એવી વાત જો તમારે માનવી હોય તો એ પણ સમજો કે ગુજરાતી ડાયસ્પોરા આકરી મહેનત કરીને કમાય છે, પૈસા એકઠા કરે છે અને વિદેશના અર્થતંત્રમાં તેમનું યોગદાન હોય છે – એ ત્યાંનું નાગરિકત્વ સ્વીકારે પછી તો ચોક્કસ. એ યોગદાન હજારો લાખો કરોડોમાં નહીં હોય પણ વિચારો કે કેટલા ગુજરાતીઓની મોટેલ્સ હશે, કેટલા ગુજરાતીઓ સ્ટોર ચલાવતા હશે અને તે બધું રોજિંદી જિંદગીનો ભાગ હશે ઘણાયને માટે. ગુજરાતીઓ NRI થાય અને ત્યાં જઇને તનતોડ મહેનત કરે જેથી પૈસા કમાઇને બચાવી શકે, આગલી પેઢીની જિંદગી બહેતર કરી શકે. ટૂંકમાં, ત્યાં ગુજરાતીઓ પૈસે ટકે સ્થિર હોય કારણ કે એ જ તેમનું ફોકસ હોય. હવે કોઇ પણ લૂંટફાટ કરનારાની દૃષ્ટિએ જુઓ તો તમે એને જ લૂંટો જેની પાસે પૈસા હોય. સ્ટોર ચલાવનારાના ગલ્લામાં પૈસા હોય તે સ્વભાવિક છે, બૅંકમાંથી આવ જા કરનારા પાસે રોકડ રકમ હોય તે પણ સ્વાભાવિક છે. તો લૂંટ કરનારા આવા જ લોકોને લૂંટવાનો પ્લાન કરે. લૂંટવા માટે માણસ ગુજરાતી છે કે નહીં એ જોવા કોઇ નથી બેસતું, આને માટે જ એવું માનવું કે એમ વાત ચલાવવી કે ગુજરાતીઓને USAમાં ટાર્ગેટ કરાય છે એ તદ્દન પાયા વગરની વાત છે.
હવે જરા વધારે બહોળા દૃષ્ટિકોણથી વાત કરીએ તો USAમાં ગન કલ્ચર – ગન ક્રાઇમ અને રંગભેદ નવા પ્રશ્નો નથી. ત્યાં ગન કલ્ચરને મામલે વોટ બૅંક્સનું રાજકારણ ખેલાય છે. વિશ્વભરમાં ગન વાયલન્સને કારણે રોજના ૫૦૦ લોકો મોતને ભેટે છે અને આવા અંધાધૂંધ ગોળીબારમાં રોજેરોજ ઇજા પામનારાઓનો આંકડો ૨૦૦૦ છે. USAની વાત કરીએ તો ૨૦૧૭માં એક જ વર્ષમાં ફાયરઆર્મથી જેને શૂટ કરી દેવાયા હોય કે પછી આ કારણે ઇજા થઇ હોય તેવા લોકોની સંખ્યા ૧ લાખ ૩૪ હજાર હતી. ગન ક્રાઇમ્સમાં થતી હિંસા પાછળ સામાજિક અને આર્થિક પરિબળો બહુ મોટો ભાગ ભજવે છે. અમેરિકા જેવા દેશોમાં આસાનીથી વેચાતાં હથિયારો માનવ અધિકાર પર બહુ મોટું જોખમ છે. અમેરિકામાં હાઇ સ્કૂલ શૂટિંગના કેસિઝ પણ ઓછા નથી. આખી દુનિયામાં સૌથી વધુ ગન ક્રાઇમ્સ યુ.એસ.એ.માં જ થાય છે. આ પાછળ મોટે ભાગે લૂંટનો ઇરાદો હોય છે, તો બીજું સૌથી મોટું કારણ છે રંગભેદ.
છેલ્લા ૧૨ વર્ષમાં અમેરિકામાં હેટ ક્રાઇમ્સની સંખ્યા વધી છે અને તેની પાછળનું કારણ છે અશ્વેત અને એશિયન અમેરિકન્સ સાથે આચરાતો ભેદભાવ. હેટ ક્રાઇમ્સ એટલે હંમેશાં ગન ક્રાઇમ્સ નહીં. દાખલા તરીકે ગયા વર્ષે જ્યોર્જ ફ્લોઇડ નામના અશ્વેત માણસની ધરપકડ કરવા ગયેલા અમેરિકન અધિકારીએ તેને ગળે સાથળનું દબાણ એ હદે આપ્યું કે તેનો જીવ નીકળી ગયો. આ હેટ ક્રાઇમ છે પણ અહીં ગન ક્રાઇમ નથી. હેટ ક્રાઇમની વાત કરીએ તો એક ડેટા અનુસાર ૨૦૨૦માં એશિયન્સ સામેના હેટ ક્રાઇમમાં ૭૦ ટકા વધારો થયો તો અશ્વેતોના વિરોધમાં થતા હેટ ક્રાઇમનો આંકડો ૪૦ ટકા જેટલો વધ્યો છે. મુસલમાન અને યહૂદીઓના વિરોધમાં થતા હેટ ક્રાઇમ્સ પણ વધ્યા છે. ‘વોશિંગટન પોસ્ટ’ના એક તાજા અહેવાલ અનુસાર ભારતીય મૂળના અમેરિકન્સને હિંસા અને રંગભેદનો સામનો કરવો પડે છે. વળી ભારતીય જો મહિલા હોય, તેમાં વળી મુસ્લિમ હોય તો વધુ ભેદભાવ અને પૂર્વગ્રહો તેમને વેઠવા પડે છે. ત્વચાના રંગને કારણે ભારતીય અમેરિકનોએ સૌથી વધુ ભેદભાવ વેઠવા પડે છે. જે ભારતીયો ડેમોક્રેટિક પાર્ટીને ટેકો આપતા હોય તેમને પણ આ ભેદભાવનો સામનો કરવો પડે છે. ભારતીય અમેરિકન્સ રિપબ્લિકન પાર્ટીની લઘુમતિ પ્રત્યેની અસહિષ્ણુતાને કારણ કે ડેમોક્રેટિક પાર્ટી પ્રત્યે વધુ ઝુકાવ ધરાવે છે
બાય ધી વેઃ
ગન ક્રાઇમનો ભોગ અમુક જ લોકો બને છે એમ નથી. ગન ક્રાઇમની પાછળનાં કારણો સામાજિક-આર્થિક છે અને તેમાં પાછો રંગભેદની માનસિકતાનો અમેરિકન પૂર્વગ્રહ. હથિયારો બનાવનારાઓની લૉબીનો પ્રભાવ અમેરિકન અર્થતંત્ર પર બહુ મોટો છે અને એટલે જે તેમની સામે આકરાં પગલાં લેવા કે કોઇ આકરો પ્રતિબંધ જાહેર કરવો પણ આસાન નથી. વાત ત્યાં આવીને જ અટકે છે કે વ્હાઇટ હાઉસમાં બેઠેલાઓ કઇ રીતે ગન કલ્ચર પર કાબૂ લાવી શકે છે. ગન કલ્ચરને લગતા કાયદા બદલાય તો બેફામ હથિયારો ખરીદનારાં ઘટે અને ગન ક્રાઇમમાં ઘટાડો થાય. આપણે ગુજરાતી અને ભારતીય તરીકે એ વાત માનવી અને ફેલાવવી અટકાવવી જોઇએ કે ગુજરાતીઓ પર વધારે હુમલા થાય છે કારણ કે આપણા કોઇ જ્યોર્જ ફ્લોઇડને ગળું રૂંધીને મારી નથી નખાયો, આપણે કલ્પના કરીએ તેના કરતાં કંઇક ગણી વરવી પરિસ્થિતિ છે. બાય ધી વે, આપણે ત્યાં જય શ્રીરામ ન બોલનારાને રહેંસી નખાયા હોય કે દલિતોએ આત્મહત્યા કરવી પડી હોય કે તેમને મારી નાખી ઝાડે લટકાવી દેવાયા હોય, ઢોર માર મારાયા હોવાના કિસ્સા પણ છે. આપણે એક સુસંસ્કૃત રાષ્ટ્ર તરીકે આ બધું યાદ કરી લઇને નજર શરમથી ઢાળવી તો પડે જ, હં.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 19 ડિસેમ્બર 2021