Opinion Magazine
Number of visits: 9757480
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|5 April 2026

મૂળે તો અમેરિકાનો હેતુ બીજા દેશોનું નાક દબાવી કામ કઢાવવાનો કે ડર પેસાડવાનો હતો પણ આ તો બધું બુમરેંગની જેમ પાછું તેને જ લમણે ભટકાયું છે.

ચિરંતના ભટ્ટ

અમુક નિષ્ફળતાઓ ખાસ પ્રકારની હોય છે, તે એવા લોકો માટે અનામત રખાઈ હોય છે જે પોતાની આપસપાસ રચાયેલા લેજન્ડ્ઝ, દંતકથાઓ, જેના આધારે તેની છબી ખડી હોય તેવી બાબતોને વ્યૂહરચના સમજી બેસે છે. આખી દુનિયાને પોતે ચલાવે છેનાં ફાંકામાં રાચનારા યુ.એસ.એ.ની મહાસત્તાનાં સામ્રાજ્યના કાંગરા બહારથી ખરી પડ્યા છે. વૉશિંગ્ટનમાં જે વેરવિખેર થઈ રહ્યું છે તે ચિંતાજનક છે. અમેરિકા પોતાના આત્મવિશ્વાસના ભાર નીચે રૂંધાઈ રહ્યું છે. ટેરિફ્સને હથિયાર તરીકે વાપરવા, યુદ્ધને સોદા સમજવા અને આર્થિક દેવાની ચિંતા આવતીકાલ પર નાખી દેવાની માનસિકતા આર્થિક મહત્ત્વાકાંક્ષા અને ભૌગોલિક રાજકીય સંતુલન અંગ-કસરતના ખેલ વચ્ચે ઝૂલાવનારી સાબિત થઈ રહી છે. સર્કસમાં ઉપર લટકીને એક્રોબેટિક્સ કરનારાઓને આત્મવિશ્વાસ ભલે હોય પણ તેમને ય ક્યારેક તો ચક્કર આવી જ જાય, વળી અહીં તો અર્થતંત્રની વાત થઈ રહી છે, તે પણ અમેરિકાના!

સૌથી પહેલાં તો ફુગાવાની  એટલે કે મોંઘવારીની વાત કરીએ, અમેરિકા તો એમ માનીને બેઠું હતું કે પોતે ફુગાવાને હરાવી દીધો છે. ફેડરલ રિઝર્વે લગભગ બે વર્ષ બજારોને, કદાચ જાતને પણ, એમ ખાતરી આપી કે આ માત્ર એક તબક્કો છે, ખરાબ સમય છે જે પસાર થઈ જશે. ફુગાવો હવે તેના લક્ષ્યાંક તરફ જઈ રહ્યો હતો, તેનું ‘સોફ્ટ લેન્ડિંગ’ સફળતાથી પાર પડ્યું હતું. ત્યારબાદ ટ્રમ્પનું બીજું વહીવટી તંત્ર આત્મવિશ્વાસ પર બનેલી બ્લુપ્રિન્ટ સાથે આવ્યું. તેમાં દાવા હતા કે ટેરિફને કારણે દેશમાં મેન્યુફેક્ટરિંગ પાછું આવશે, ટેક્સમાં ઘટાડો વિકાસને વેગ આપશે અને આક્રમક વિદેશ નીતિ આગલી ન્યૂઝ સાયકલ પહેલાં વિરોધીઓને ઘુટણીયે લાવશે. હવે આત્મવિશ્વાસથી બનેલી બ્લુપ્રિન્ટની એક મોટી તકલીફ એ છે કે વાસ્તવિક દુનિયાને માટે એ વાંચવું ફરજિયાત નથી હોતું.

ટેરિફથી જે નુકસાનની વકરી હતી તે મોડું થયું પણ આજે તે ડાઇનિંગ ટેબલ્સ સુધી પહોંચ્યું છે. આજે અમેરિકન પરિવારો કૉફી, કપડાં, માંસ અને મધ્યમ વર્ગની સામાન્ય જરૂરિયાતો પર વાર્ષિક અંદાજે $600 થી $1,000નો વધારાનો ખર્ચ ભોગવી રહ્યા છે. ફેડને આ ખર્ચ 2%એ લાવવો હતો, એ ઇચ્છા પૂરી જ નથી અને અત્યારે તે લગભગ ભુલાઈ ગયેલી જૂની વાત જેવું લાગે છે. સ્ટ્રેટ ઑફ હોર્મુઝના ભંગાણથી ક્રૂડ ઓઈલનો ભાવ $150–$200/ બેરલ પહોંચ્યો અને ફુગાવો 4 ટકા સુધી પહોંચી રહ્યો છે. ગયા આખા વર્ષમાં વહીવટી તંત્રએ સતત એમ ગાણું ગાયું કે ટેરિફની અસરો ઓછામાં ઓછી હશે પણ 2026માં જે બિલ આવ્યું એ ઓછામાં ઓછું નથી. 

વ્યૂહરચનાને બદલે જોણું ખડું થઈ જાય ત્યારે આ જ કિંમત ચૂકવવાની આવે.

ભૌગોલિક રાજકીય નાટક પણ મોઘું જ પડ્યું છે. ઈરાને હોર્મુઝમાં અવરોધ નાખ્યા અને સાથે યુ.એસ.-ઈઝરાયલ હુમલાઓ વચ્ચે અત્યારે મધ્ય પૂર્વમાં અમેરિકન સૈન્યની હાજરી હવે 2003ના ઇરાક યુદ્ધ પછીની સૌથી મોટી છે. પૈસા, સૈન્ય અને આત્મવિશ્વાસ બધું અહીં દાવ પર લાગ્યું છે. હોર્મુઝ સામુદ્રધુની જાણે ઘોષણાઓ કરવાનો મંચ બની ગઈ છે. ઘોષણાઓ થતી રહી પણ સ્ટ્રેટ ઑફ હોર્મુઝનો માર્ગ ન ખૂલ્યો. જીતની જાહેરતો થઈ, બણગાં ફૂંકાયા પણ માર્કેટ્સને એ બધા ઘોંઘાટ ગણકારવા જેવા ન લાગ્યા, કોઈએ એ બધા દાવાઓ પર વિશ્વાસ ન કર્યો. 

આ તરફ યુક્રેનમાં ધીરજ ખૂટી ગઈ, મદદમાં કાપ મૂક્યો, યુરોપને અલ્ટિમેટમ આપ્યું જેને લીધે NATOના સહિયારા સિદ્ધાંત પર દબાણ આવ્યું. જે યુદ્ધ ટ્રમ્પ બંધ કરાવવાના હતા એ તો અટક્યું નહીં અને NATO જેમાં સહિયારાપણાની વાત હંમેશાં કેન્દ્રમાં રહેતી ત્યાં લેવડ-દેવડની ભાષા શરૂ થઈ ગઈ.

અમેરિકાએ જે કર્યું એ કંઈ આંધળુકિયાં નહોતા પણ જાણીજોઈને ભરપૂર આત્મવિશ્વાસ સાથે લેવાયેલા નિર્ણયો હતા જેમાંથી બીજા દેશોનું નાક દબાવવાનો કે ડર પેસાડવાનો હેતુ હતો પણ આ તો બધું બુમરેંગની જેમ અમેરિકાને લમણે જ ભટકાયું છે.

સૌથી પહેલાં તો ટેરિફ ઝીંકવાનો ટાઈમિંગ. ટ્રમ્પના તંત્રને સારી પેઠે ખબર હતી કે ટેરિફનો ખરો પ્રભાવ તો વર્ષ-દોઢ વર્ષ પછી જ ખબર પડે. 2025માં ટેરિફ ઝીંકીને મોંઘવારી કાબૂમાં હોવાની જાહેરાત કરી, વાહવાહી મેળવી લીધી અને જ્યારે 2026માં બિલ આવ્યું. ખર્ચાની અસર દેખાય એ પહેલાં ટ્રમ્પે જશ ખાટી લીધો, જે એક રાજકીય પસંદગી હતી અને હવે મધ્ય સત્રની ચૂંટણીના વર્ષે આ ચાળાંની કિંમત ચૂકવવાનું આવ્યું છે.

બીજો મુદ્દો છે કે એક તરફ અમેરિકાને જોઈએ છે કે પોતાના ગ્રાહકોને ઈંધણ સસ્તું મળે, પણ એવી ઇચ્છા રાખીને તે દુનિયાના સૌથી અગત્યનાં તેલના સ્રોત પર, માર્ગ પર ચડાઈ કરી બેઠો. હું ચાવું પણ અને છીંક પણ ખાઉં અને ખાવાનું બહાર પણ ન પડે, એવી ઇચ્છા રાખવી જરા વધારે પડતી નથી? સ્ટ્રેટ ઑફ હોર્મુઝ બંધ થાય તો 150 ડોલરનું ક્રૂડ અમેરિકન ગ્રાહકના ખિસ્સા પર જ બોજ બને વ્હાઈટ હાઉસ પર નહીં. લાગે છે કે વૉશિંગ્ટન આ ગણતરી કરવાનું ભૂલી ગયું અને જો કોઈને ખબર પડી હોય તો કોઈએ ટ્રમ્પને આ વાત કહેવાની તસ્દી ન લીધી.

અમેરિકાની ત્રીજી ભૂલ એટલે ગઠબંધનના અર્થશાસ્ત્રમાં ચેડાં. NATOનો પાયો જ એ હતો કે સામૂહિક સુરક્ષા એકલપંડી લડાઈ કરતાં સસ્તી પડે, સિત્તેર વર્ષ આ સિદ્ધાંત ચાલ્યો અને અમેરિકાએ આડોડાઈ કરીને આ સિદ્ધાંતને લેવડ-દેવડના સોદામાં ફેરવી દીધો. અમેરિકા બોલે તો બીજા દેશો કેમ ચૂપ રહે? બધાએ હિસાબ માંડ્યો અને યુરોપે NATOનો વિકલ્પ વિચારવાનું શરૂ કરી દીધું. NATOના ગઠબંધનનું ધોવાણ બંદૂકથી નહીં શબ્દોથી થયું એમ કહેવામા જરા ય અતિશયોક્તિ નથી.

આ બધું ચાલતું હતું ત્યારે ચીને મૂંગે મોંઢે બધું જોયા કર્યું, ધીરજ રાખી. પણ આ ધીરજ મૂંગી નહોતી. વોશિંગ્ટન ટેરિફ ઝીંકી રહ્યું હતું ત્યારે બેઈજિંગે આ છ ગણા ટેરિફની વચ્ચે વિયેતનામ અને ભારત દ્વારા સપ્લાય ચેનની ડાયવર્ટ કરી નાખી. વોશિંગ્ટનને લાગે છે કે આ તેમની જીત છે અને બેઈજિંગનો અભિગમ એવો છે કે તેમને માટે આ વૈશ્વિક વ્યાપારની ભૂગોળ બદલી નાખવી રોજનો ધંધો છે અને તે શાંતિથી પોતાનું ગાડું સરળતાથી ગબડાવે રાખે છે.

આ બધા ખેલ નીચેની વાસ્તવિક્તા માળખાગત છે. અમેરિકાનું દેવું $36–38 ટ્રિલિયન સુધી પહોંચી ગયું છે. વ્યાજની ચુકવણી હવે સંરક્ષણ ખર્ચ સાથે સીધી હરીફાઈમાં છે, અને ખાધ યથાવત્ છે. 2008 પછી કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ એટલે કે ગ્રાહકોનો વિશ્વાસ સાવ તળિયે બેઠો છે. જી.ડી.પી. વૃદ્ધિ 2.1–2.5 ટકા સુધી ધીમી પડી છે અને મંદીનું જોખમ 20 ટકા સુધી માનવામાં આવે છે. ખોરાક સહિતના ભાવ (3.1 ટકા) વધતા જાય છે એમાં મધ્યસત્ર ચૂંટણીઓ નજીક આવી રહી છે.

ભારતનો 1.8% ફુગાવો અને સુધારા તેનાથી વિપરીત છે: આપણી ‘આત્મનિર્ભરતા’ યુ.એસ.ના ઘર્ષણથી દૂર રહી વિવિધતા લાવવાના નિર્ણયને યોગ્ય માને છે. અમેરિકા હવે પોતાની અસ્થિરતાની નિકાસ કરવા બેઠો છે. 

મૂળ પ્રશ્ન તાકાતનો, શક્તિનો છે. બીજા વિશ્વ યુદ્ધ પછી અમેરિકાની આગેવાની માત્ર શક્તિ પર આધારિત નહોતી, તે વિશ્વસનીયતા અને સ્થિરતા પર ટકેલી હતી. જ્યારે ગઠબંધનોને સોદા તરીકે જોવાય, અર્થતંત્રને પ્રદર્શન તરીકે અને વિરોધીઓને દર્શક તરીકે જોવામાં આવે ત્યારે આ વિશ્વસનીયતા પાંખી થતી જાય છે. વૈશ્વિક રાજકારણમાં અન્ય રાષ્ટ્રોના વિશ્વાસ વગરનો તેમના તરફથી મળતો આત્મવિશ્વાસ એક ઋણ છે અને તેની એક મર્યાદા હોય છે. અમેરિકાનું પતન થઈ રહ્યું છે તેમ નથી પણ અત્યારે તેનો હિસાબ થઈ રહ્યો છે. અમેરિકાને જે હથિયાર વાગ્યું છે તે તેણે પોતે જ ખડું કરેલું છે તે ચોક્કસ. 

બાય ધી વેઃ 

ટ્રમ્પે 2025માં કહ્યે રાખ્યું કે ટેરિફની અસર મિનિમલ રહેશે પણ એવું તો કંઈ થયું નહીં અને ટ્રમ્પે હવે ‘ક્વિક વિક્ટરી’નું ગાણું ગાયું. ચીનને આર્થિક યુદ્ધોમાં રસ નથી તે સપ્લાય ચેન બદલી નાખે છે. આને ચીનની ધીરજ કહેવી કે ચોકસાઈ? આપણે એક તરફ અમેરિકાને પણ જોઈએ છીએ, ચીન જ કરે છે એ પણ જોઈએ છીએ. અમેરિકા પાસે લશ્કર, નાણું અને ટેક્નોલૉજી બધું હોવા છતાં આજે મુશ્કેલીમાં છે કારણ કે તેને આત્મવિશ્વાસ નડી ગયો. આપણને પણ ‘વિકાસ’ કરવો છે પણ આત્મવિશ્વાસને ‘આત્મઘાતક ભ્રમ’માં ન ફેરવી નાખીએ તેની તકેદારી રાખવી જરૂરી છે. આપણે અમેરિકાની ભૂલો જોઈ મનોમન ખુશ થતા હોઈશું, પણ ખુશ થવામાં અને બોધ લેવામાં ફેર છે. અમેરિકા જ્યાં પહોંચ્યો છે ત્યાં પહોંચવાનો રસ્તો ટૂંકો છે અને અજાણ્યો પણ નથી એ યાદ રાખીને આપણે વિકાસ અને પ્રગતિની આંગળી પકડી ધીરજથી મક્કમ પગલાં ભરીશું તો ફાયદામાં રહીશું. 

 પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 05 ઍપ્રિલ 2026

Loading

5 April 2026 Vipool Kalyani
← ચલ મન મુંબઈ નગરી—335

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—335
  • પ્રચંડ ધડાકો અને ઉલ્કાપાત
  • સરકાર કહે છે કે ભાવ વધવા દીધા નથી ને ભાવ તો વધે જ છે …
  • સંસદ અને ધારાગૃહોમાં સરકારોની કસોટી કરતો પ્રશ્નકાળ
  • ચૂંટણીમાં ઘુસપેઠિયાનો મુદ્દો માપ બહાર ઉછાળાય છે

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved