મૂંગા મૂંગા નથી તમે
અમે છીએ તમારો અવાજ
થાકથી ચૂર છે તમારાં બદન
બોજ ભરેલાં અમારાં મન
તમે દોડો તો અમે મૂકીએ દોટ
નથી તમે પણ સાવ જ ભોટ
અભણ તમે પણ અમે ભણેલાં
અમે છીએ.
ભક્તિથી ના થ્યું ભલું કોઈનું
તમારું પણ ના થાશે
જંજીરોની જકડન જૂની
જુગજુગની ના જાશે
છોડો ઝાંઝ અને પખવાજ
અમે છીએ
અમે દલાલો થઈને
શેઠિયા સંગ ન બેસી જાશું
હશું ત્યાં લગ અમે તમારાં
ઉન્નત ગીતડાં ગાશું
ભલે ને કેદ કરે સરકાર
અમે છીએ
તમે મજૂરી કરો બદનથી, અમે બુદ્ધિથી જીવીએ
ભલે મહેલમાં રહીએ કિન્તુ
ઝૂંપડીથી પ્રીત કરીએ
નથી કોઈની સાડા બાર
અમે છીએ
તમને રાખે ગામના છેડે એમ જ હુંયે દૂર
પરિષદો ને અકાદમીઓ
મદમાતી ચકચૂર
કાલ ઊગશે નવલ સવાર
અમે છીએ તમારો અવાજ
અર્પણ : આદરણીય ગિરીશ પટેલ જેવા કર્મશીલો + કવિઓને
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 08 મે 2020