Opinion Magazine
Number of visits: 9488096
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અમે ભક્તોના રખવાલા કીધા હુતા

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|3 January 2019

હૈયાને દરબાર

ભક્તોના રખવાલા કીધા હુતા …
પલ્લાદના પપ્પાએ પલ્લાદને પર્વત પરથી ફેંક્યો હુતો
અમે જલ્દી જઈને એવનના કેચ દરાની માફક કીધા હુતા
મીરાના હસબન્ડે મીરાને ઝેરનો પ્યાલો મોકલ્યો ઉતો
અમે ટ્રીક કરીને ઝેરના અમૃત કીધા હતા
નરસીહ મેતાને છોકરીના લગનમાં ફાયનાન્સનો પ્રોબલેમ નડ્યો હુતો
અમે જલદી જઈને એવનના ચેક ચૂકવ્યા હુતા
ભરી સભામાં દુશાસને દ્રોપદીનાં ચીર ખેંચ્યા હુતા
અમે જલ્દી જઈને ટાટાના ટાકા સપ્લાય કીધાં હુતા
અમે ભક્તોના રખવાલા કીધા હુતા …!

——————————

અંગ્રેજી ધૂન ધરાવતાં પારસી ગુજરાતી ગીતો ક્રિસમસ દરમ્યાન સાંભળ્યા કે નહીં? હજુયે મોડું નથી થયું. મૌકા ભી હૈ, દસ્તુર ભી હૈ! ગતાંકમાં આપણે જૂની પારસી રંગભૂમિનાં ગીતોની રમૂજી વાતો જાણી હતી એ હવે આગળ વધારીએ. પારસીઓનું સંગીત અને નાટક ક્ષેત્રે પ્રદાન નોંધનીય છે. એમનાં હજુ કેટલાંક હાસ્ય સ્વરૂપ ગીતો વિશે જાણીને આવતા અંકે નવા ગીતની કથા માંડીશું.

ગુજરાતીના આદ્ય એકાંકીકાર કૈખુશરુ કાબરા દેશી સંગીતના પિતામહ કહેવાયા છે. નાટકમાં આજે જે સંગીત જોવા મળે છે એનો શોખ ઉત્પન્ન કરવાનું અને તેનો પ્રચાર કરવાનું માન કૈખુશરુ કાબરાજીને જાય છે. કાબરાજીએ પોતાની ‘ગાયન ઉત્તેજક મંડળી’ના સભ્યોને હિંમત આપીને જાહેરમાં ગાવા તૈયાર કર્યા હતા. કાબરાજી પૂર્વેના એટલે ૧૮૭૦ પહેલાંનાં નાટકોમાં સંગીતનું પ્રાધાન્ય નહોતું. કાબરાજીનું સંગીત જ્ઞાન, નાટકમાં ગવાતાં ગીતોનું આયોજન, ગાયક, સંગીત અને નાટકમાં તેના સ્થાન વિશેની તેમની સભાનતા પાછળથી સ્થપાયેલી નાટક મંડળીઓને ખૂબ ઉપકારક નીવડી હતી. એ વખતે સંગીતને અલગ પ્રયોગ તરીકે નાટકની વચ્ચે અથવા છેલ્લે રજૂ કરવામાં આવતું હતું. પાંચ-છ અદાકારો સીધી હરોળમાં ખુરશી પર બેસી પાંચ-છ ગીતો એકસાથે ગાઈ જતા. ડૉ. રતન માર્શલે એ વખતના નાટકો વિશે લખ્યું છે એ મુજબ તેમાં વાસ્તવિકતાઓ ઓછી પણ અનેક દૃશ્યો, ધડાકા-ભડાકા અને લાંબાંલચક ગીતો નાટકમાં ભરી દેવાતાં અને જાણે મરતાં મરતાં ગાતો હોય એમ અદાકાર લાંબું ગીત લલકારે અને પાછું એ વન્સ મોર પણ થાય! સ્ટેજની બરાબર વચ્ચે હાર્મોનિયમ, તબલાં અને સારંગીવાળા પ્રેક્ષકો તરફ પીઠ કરીને બેઠા હોય. નાટક શરૂ થતાં પહેલાં મોટો ધડાકો થાય ને પહેલો પડદો ઊંચકાય ત્યારે કૃત્રિમ રંગરોગાન કરેલી બાળાઓના વેશમાં બાળકો તખ્તા ઉપર આવે ને ગાયન શરૂ થાય.

પારસી નાટકોનાં ગીતોમાં સમાજજીવન, ચિંતન, ધાર્મિક અંધશ્રદ્ધા, કન્યાવિક્રય, રૂઢિચુસ્તતા તેમ જ સુધારાવાદી સ્ત્રીઓમાં પ્રચલિત ફેશન, એ વખતનું પારસીઓનું ક્લબ જીવન, લગ્ન અને છૂટાછેડા જેવી સમસ્યાઓ પણ આવરી લેવાતી હતી. ‘વિક્ટોરિયા નાટક કંપની’ના ‘ગોપીચંદ’ નાટકનું ગીત દુનિયા સારી સમજો જૂઠી … કદાચ સૌથી પહેલું નાટ્ય ગીત હોવાની સંભાવના છે કારણ કે, લગભગ એ વખતે જ નાટકમાં ગીતોની શરૂઆત થઇ હતી. ભાષાની દૃષ્ટિએ એમાં પારસી ઉચ્ચારો અને પારસી લઢણ જોવા મળે છે.

૧૯૧૧ની સાલમાં ફેશનેબલ અને સમાજમાં આગળ પડતી નારીઓને સંબોધીને ‘કાંટાનું કટેસર’ નાટક માટે એક ગીત લખાયું હતું. સો વર્ષ પહેલાં લખાયેલું ગીત આજે ય પ્રસ્તુત લાગે છે :

ફેશનનો આજે જમાનો છે યાર
નાર સૌ વાતેે મરદોની સરદાર
મેમબર સૌ નાર થઈ, કરશે કાઉનસીલનો કારભાર
બચ્ચાં રમાડવા, નવાડવા, જમાડવા
મરદોને સોંપ્યું એ કામ
હમે તો પહેડીએ ઓઢીયે ફરીએ
લટકાંથી દરયા કીનાર …!

કોઈ ગીતમાં કવિ પ્રિયતમાના દિલને પથ્થર કરતાં કઠોર કહે છે તો કોઈ ચાતક પ્રીતની પ્યાસીની ઉપમાથી નવાજે છે. એક કવિ ઈશ્કને આતશ કહે છે તો બીજો ચાંદની કહે છે. એક કલેજામાં લાગેલું કારમું તીર કહે છે તો બીજા કવિ એને અમીરસ કહે છે. એક કવિ જાણે રે …ને કાફિયા બનાવી લખે છે :

મુફલેશની મુફલેશી તવંગર શું જાણે રે
લયલાની કીસની મજાહ મજનુ જ જાણે રે
તેમ ઘોટાલો આ દોલીનો સોલી શું જાણે રે …

ઘણા પારસીઓ કુંવારા રહેવાનું પસંદ કરે છે આ સ્થિતિ ઉલ્લેખ કરતું એક ગીત જુઓ :

કુંવારી જિંદગીમાં તો ખરી મજા છે યાર
ફરશો પોતે ખુશાલ નચિંતે સાંજ ને સવાર
કુંવારા ને મજા ઘણી, પોતાની મરજીનાં ધણી
મેરીડ લાઈફ છે કંગાળ, ચ્યાઉમ્યાઉની જંજાળ …!

તો કોઈ કવિ વળી એમ પણ કહે છે :

બઈરાં વગર દુનિયામા કંઈ મજજાહ નથી
લાગે છે હયા બધું ફીકું ફચ્ચ
બૈરાંઓ આવશે તેને વેલકમ કરશું
બેધરક સાથે ફરશું ને નઈ કોઈથી ડરશું

મજાની વાત એ છે કે આ ગીતોમાં માઝા, તુલા, ચાંગલા, કસાકાય જેવા મરાઠી શબ્દો પણ વપરાયા છે તો પારસીઓમાં અંગ્રેજી શિક્ષણના પ્રભાવને કારણે કોર્ટશિપ, વેલકમ, લેડીઝ, બ્રાઈડ ગ્રૂમ તથા બૂત, ગોયા અને લબ્ઝ જેવા ઉર્દૂ શબ્દો પણ જોવા મળે છે.

રીતરિવાજો સંબંધી દહેજનું એક કટાક્ષમય ગીત આવું છે :

જમાનો આયો જમાઈ સસરાને માઠે પરશે
કમાઈ ત્રીસની, રીત પાંચ હજારની કરશે
હોય પોતે કાલો વાંદર, કાણો ને ખોડે બુઢ્ઢો
ગોરી પરણી ને ફાંકડી છોકરીની માંગણી કરશે …!

જૂની પારસી રંગભૂમિનાં ગીતો ભલે જોડકણાં જેવાં હોય પરંતુ નાટક અને નાટ્ય સંગીત, શાસ્ત્રીય અને સુગમ સંગીત ક્ષેત્રે પારસીઓનું પ્રદાન નોંધનીય છે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ઝુબિન મહેતા ઉપરાંત શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર પારસીઓમાં જેમનો સમાવેશ કરી શકાય એવાં સ્વ. ઝરીન દારૂવાલા વિખ્યાત સરોદવાદક હતાં, પં. કેકી જીજીના જાણીતા સિતારવાદક તો આબાન મિસ્ત્રી સૌપ્રથમ મહિલા તબલાંવાદિકા તરીકે સુવિખ્યાત હતાં. પં. ફિરોઝ દસ્તુર શાસ્ત્રીય કંઠ્ય સંગીતના કલાકાર હતા. ઉપશાસ્ત્રીય તથા ગઝલ, વાદ્ય સંગીત ક્ષેત્રે પ્રસિદ્ધ છે એ નામોમાં પીનાઝ મસાણી, કેરસી મિસ્ત્રી, કેરસી લોર્ડ, ફ્રેની દલાલ, સોલી કાપડિયા મુખ્ય છે.

સમગ્ર વિશ્વમાં યઝદી કરંજિયા ગ્રુપે પારસી રંગભૂમિને જીવતી રાખી છે, ટકાવી રાખી છે. એની ખ્યાતિ ગુજરાત કે ભારત પૂરતી સીમિત નથી પણ સમગ્ર વિશ્વમાં એમનાં નાટકો અને કલાકારો જાણીતા છે એ તથા મણિ મુલ્લા સાથેની રસપ્રદ વાતો પણ આપણે અગાઉ જાણી. પારસી રંગભૂમિ બાદ ગુજરાતી રંગભૂમિનો વિકાસ અને વિસ્તાર થયો.

વર્ષ ૧૯૨૦ પછીના સમયમાં નાટ્યગૃહો તહેવારોના દિવસોનો એક અભિન્ન ભાગ બની ગયા હતાં. વિશાળ રંગમંચ અને વેશભૂષા તે સમયનાં ઉચ્ચ બિંદુ બન્યાં હતાં અને તે યુગના મહત્ત્વપૂર્ણ અભિનેતાઓ બાપુલાલ નાયક અને જયશંકર ભોજક ‘સુંદરી’ (૧૮૮૯-૧૯૭૫), જે બંન્ને કલાકારોએ જૂની શૈલી તેમ જ ઊભરતાં પ્રયોગાત્મક કલાકારો તરીકે નાટ્યગૃહો માટે કામ કર્યું અને મરાઠી રંગભૂમિના બાલ ગાંધર્વની માફક એક દંતકથા બની ગયા હતા. વર્ષ ૧૯૩૭માં અમદાવાદ ખાતે રંગભૂમિ પરિષદની રચના કરવામાં આવી હતી, જેના દ્વારા તે સમયગાળાના મુખ્ય નાટ્યોને સામાન્ય પ્લેટફોર્મ પર લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

બાળક જયશંકરનો નાટક પ્રત્યેનો અત્યંત પ્રેમ જોઈને એક પારસી નાટક કંપનીના દાદાભાઈ ઠુઠ્ઠી નામના શેઠે જયશંકરના માતા-પિતા સામે પ્રસ્તાવ મૂક્યો કે તમારો છોકરો મને સોંપી દ્યો. તેનામાં રહેલ હીર હું પારખી ગયો છું અને તેને હું કલાકાર બનાવીશ. ઊંચી રકમની ઓફર જોઈને આખરે માતાપિતા માની ગયા અને જયશંકર કલકત્તા માટે રવાના થયા. જયશંકરજીએ આગળ વધીને ‘સુંદરી’ નામે ગુજરાતી રંગભૂમિ ઉપર સ્ત્રી પાત્રો ભજવીને ગરવી ગુજરાતણને રંગભૂમિ ઉપર એટલી સુંદર રીતે સજીવ કરી કે તેમનાં સ્ત્રી પાત્ર પાછળ પ્રેક્ષકો પાગલ થઇ જતા હતાં. ગુજરાતી રંગભૂમિનાં પણ કેટલાં ય સદાબહાર ગીતો છે એની વાત ફરી ક્યારેક. પારસી રમૂજી ગીતોની વાત અહીં પૂરી થાય છે. એક પારસી મિત્રે મજેનું ગીત સંભળાવ્યું હતું એ અહીં મૂક્યું છે. ભરપૂર આનંદ માણજો. જો કે એના કવિ કોણ છે એ ખ્યાલ નથી. કોઈ વાચકમિત્રને ખબર હોય તો લખીને જણાવજો.

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 03 જાન્યુઆરી 2019

——————————————

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=456543   

Loading

3 January 2019 admin
← આલૂપૂરી અને બીજાં ચટાકેદાર કાવ્યો
નારીની આત્મકથાના અંશો →

Search by

Opinion

  • દીપોત્સવ તારા અજવાળે જ છે …
  • કોમનવેલ્થ ગેઇમ્સ માટે અમદાવાદ યજમાનઃ ખેલ વિશ્વ એટલે વૈશ્વિક રાજકારણમાં સોફ્ટ પાવર અને કૂટનીતિ
  • તાલિબાની સરકારના વિદેશ પ્રધાન ભારતની મુલાકાત લે એમાં આશ્ચર્ય ન થવું જોઈએ
  • ચલ મન મુંબઈ નગરી—311
  • વિજયી ભવઃ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને

Poetry

  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા
  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved