
પ્રકાશ ન. શાહ
પંચોતેરમી સંવિધાન ગાંઠની વળતી સવાર સારુ લખી રહ્યો છું ત્યારે 1949ના નવેમ્બરની 26મીએ બંધારણ સભામાં સંવિધાન પસાર થયું એને આગલે દહાડે, 25મી નવેમ્બરે, આંબેડકરે કહેલી કેટલીક બુનિયાદી વાતોનું સ્મરણ કરવું લાજિમ લાગે છે – અને તે માત્ર રસમી તોર પર મુદ્દલ નહીં; પણ સાભિપ્રાય ને સહેતુક એટલું જ સટીક પણ.
એક આબાદ, બિલકુલ ભરીબંદૂક વાત તો એ કહી હતી આંબેડકરે કે ગમે તેટલું સારું સંવિધાન કેમ ન હોય, જો સુયાણીમાં વેતા ન હોય તો વેતર વંઠે તે વંઠે. ઠેકાણાસરના માણસો મોખા પર ન હોય તો સારામાં સારું સંવિધાન ટાંયે ટાંયે ફીસ પુરવાર થાય એ નક્કી જાણજો. વળી એ પણ ટાંપ કરી હતી એમણે કે સંવિધાનમાં માનો કે મર્યાદાઓ હોય તો પણ રાજ ચલાવનારા જો સરખા હીંડે તો નબળું તોયે તે ઠીક કામ આપી શકે છે.
બીજી સોજ્જુ વાત એ કીધી’તી આંબેડકરે કે દેશને લાંબો સમય સમર્પિતપણે સેવા આપનારાઓ પ્રત્યે આપણો ઋણભાવ હોય એ ઈષ્ટ છે. પણ આ કૃતજ્ઞતાના ખયાલને પણ ચોક્કસ મર્યાદાઓ ખચીત છે. આપણો ઋણભાવ આંધળી ભક્તિમાં ગંઠાઈ જવાનો હોય તો એ લોકતંત્ર સારુ લગારે પથ્ય નથી.
ત્રીજી, પણ તેથી પહેલીબીજી કરતાં સહેજે ઓછા મહત્ત્વની નહીં એવી વાત એમણે જે કહી હતી તે એ કે સામાજિક લોકશાહી વિના રાજકીય લોકશાહી મૂળિયાં નાખી શકતી નથી. સામાજિક લોકશાહીને સારુ જરૂરી ત્રણ વાનાં તે સ્વાધીનતા, સમાનતા ને બંધુતા. જો સમાનતા ન હોય તો સ્વાધીનતાને નામે થોડાક લોકો ધરાર ચઢી વાગે. જો બંધુતા ન હોય તો પણ સ્વાધીનતાને નામે થોડાકનો રુક્કો ચાલે. વળી એ પણ સમજાવું જોઈએ કે જો બંધુતા ન હોય તો સ્વાધીનતા ને સમાનતા સહજપણે શક્ય નહીં બને – અને આ સંજોગોમાં જે ગોંધળ સરજાય તેમાં પોલીસપ્રવેશથી માંડી રાજની જુલમજોહાકી સહિતની સંભાવનાઓ સાફ છે.

બંધારણ સભાના અધ્યક્ષ રાજેન્દ્ર પ્રસાદને બંધારણનો મુસદ્દો સુપરત કરતા બંધારણ સમતિના વડ ભીમરાવ આંબેડકર
આ જે ચેતવણીઓ, એમાંથી ખાસ કરીને ત્રીજી ચેતવણી (બંધુતા-સમાનતા-સ્વાધીનતાનાં સહીપણાંની જરૂરત) લક્ષમાં લઈએ તો આંબેડકરના 25મી નવેમ્બર, 1949ના એ ઉદ્દગારો પણ સમજાઈ રહેશે કે આપણે આપોઆપ એક રાષ્ટ્ર થઈ ગયા છીએ કે થઈ જવાના છે એમ કૃપા કરીને માનશો મા. શતસહસ્ર નાતજાતમાં વહેંચાયેલા આપણે એક રાષ્ટ્ર ક્યાંથી હોઈ શકીએ? હા, એમણે કહ્યું હતું, સંવિધાનનું જે દર્શન છે એમાંથી. ભારતનો જે ખયાલ ફોરે છે એ સેવીએ, એનું સંગોપન-સંમાર્જન કરીએ તો વાત બને.
આ બધું આંબેડકરે નવેમ્બર 1949માં કહ્યું હતું. એ મુજબનું બંધારણ બે મહિના પછી 26 જાન્યુઆરી, 1950થી અમલમાં આવ્યું. સ્વરાજની લડતમાં, જવાહરલાલની અધ્યક્ષતામાં જે મુકમ્મલ આઝાદી (પૂર્ણ સ્વરાજ) દિવસ 1930ની 26મી જાન્યુઆરીથી ઊજવાતો થયો એને લક્ષમાં રાખી, 1950ની 26મી જાન્યુઆરીને આપણે પ્રજાસત્તાક દિવસ કહીએ છીએ.
એક રીતે લગરીક ટેક્સ્ટબુકી લાગે એવો આ પૂર્વાર્ધ કોઈ માસ્તરી ધક્કાથી નહીં પણ સંવિધાન દિવસ મનાવતી વેળાએ આપણને જે ઓસાણ રહેવા જોઈએ તેમ જ ક્યાં છીએ અને ક્યાં જવાનું છે એવી થોડીક સૂધબૂધ રહે તે વાસ્તે અહીં આલેખ્યો છે.
આમ તો આ 75મી સંવિધાન ગાંઠ છે (વરસફેરે 74મી પણ કહી શકો); પણ એની વિશેષ ઉજવણી ‘મોસમ હૈ ઈવેન્ટાના’ મિજાજમાં માહેર ભા.જ.પ. નેતૃત્વે લગીર કચકચાવીને 2015થી શરૂ કરી છે. કચકચાવવાનું કંઈક ઓછું લાગ્યું તે કિન્નો ઉમેરીને હવે, 2024થી, હર 25મી જૂને સંવિધાન હત્યા દિવસનું રાજપત્રિત ઉર્ફે ગેઝેટેડ એલાન આપણી સમક્ષ આવ્યું છે.
2024ની લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધીએ આગળ કરેલો મુદ્દો સંવિધાનનો હતો અને દસ વરસના સુવાંગ શાસને ઊભા કરેલા સવાલો સામેના વૈકલ્પિક કથાનકની ઠીક સામગ્રી એમાં પડેલી હતી તે એક અંતરાલ પછી મતદાતાઓએ વિધિવત્ વિપક્ષ નેતાનું સ્થાન અંકિત કરી આપ્યું એ પરથી સમજાઈ રહે છે.
કાઁગ્રેસને અને સંવિધાનને શું એવો સવાલ જૂન 1975-માર્ચ 1977ના ઇંદિરાઈ તબક્કાને સહારે સહેજ પણ અપ્રસ્તુત અલબત્ત નથી, પણ ભલે અંજીરપાંદ પણ, કાઁગ્રેસ પક્ષે એક બચાવ હોઈ શકે તેમ ત્યારના એક જેલવાસી છતાં કહેવું જોઈએ- અને તે એ કે આ સત્તાલક્ષી તોડમરોડ ચોક્કસ બંધારણીય જોગવાઈના હવાલાસરની હતી. ગમે તેટલું સારું બંધારણ હોય પણ રાજકારભારું કૂટનાર ધોરણ બહાર જાય ત્યારે તેનો મતલબ રહેતો નથી, એ આંબેડકરની ચેતવણી આ સંદર્ભમાં સમજાઈ રહે છે. માર્ચ 1977-1979ના જનતા પર્વમાં બંધારણીય સુધારાથી દોષદુરસ્તી જરૂર કરાઈ. પણ થોડાં વરસ પર લાલકૃષ્ણ અડવાણીએ આબાદ કહ્યું હતું તેમ છતે સુધારે તોડમરોડ નહીં જ થાય એમ માની શકાતું નથી. જનતા સરકાર પડી તે પછીના રાજીવ શાસનમાં, વાજપેયી ને મનમોહન શાસનમાં અને હવે સવિશેષ મોદી ભા.જ.પ. દશકમાં અઘોષિત કટોકટીના મુદ્દા આપણી સામે આવતા રહ્યા છે.
25મી જૂનનો સંવિધાન હત્યા દિવસ, અઘોષિત કટોકટી મુદ્દાઓની પ્રજાસૂય તપસીલનો કેમ ન બની શકે? જનતા રાજ્યારોહણ પછી, છતાં અને સાથે, જયપ્રકાશે લોક સમિતિ અને છાત્ર યુવાન સંઘર્ષ વાહિની જેવા બિનપક્ષીય જનઓજાર પર ભાર મૂક્યો હતો તે અહીં સાંભરે છે. તે સાથે એ પણ યાદ આવે છે કે છાત્ર યુવા વાહિનીએ કટોકટી મુદ્દે 25 જૂનની ઉજવણીનો વિચાર આગળ કર્યો ત્યારે જયપ્રકાશે સૂચવેલું આયોજન ‘લોકચેતના દિવસ’નું હતું.
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 27 નવેમ્બર 2024