ત્રીસેક વર્ષ પહેલાં એક શિક્ષક ગેરહાજર હતા, એટલે એમના પીરિયડમાં શાળાની લાઇબ્રેરીમાં બેઠાં બેઠાં છાપાં – મેગેઝીન જોતી વખતે પ્રથમવાર ‘સફારી’ જોયું હતું. તેના મુખપૃષ્ઠ પર નજર પડતાં જ તેની ટેગલાઇન ‘બુદ્ધિશાળી બાળકોનું મેગેઝીન’ કંઇક અલગ જ લાગેલી. મેગેઝીન હાથમાં લઇ એમાંથી એક પીરિયડ દરમિયાન વાંચી શકાય એટલું વાંચેલું અને ખબર નહીં ત્યારે શું વિચાર્યું હશે પણ મેગેઝીનનું લવાજમ અને એ અંગેની વિગતો નોંધી લીધી હતી. શાળા છૂટ્યા પછી આ મેગેઝીન મનમાં અને એના લવાજમની વિગતો નોટબૂકમાં જ રહી ગયેલી. આ ઘટનાના ખાસા સમય પછી એકવાર પસ્તી લેનાર ભાઇ અમે રહેતા હતા એ સોસાયટીમાં આવ્યા, ત્યારે છાપાંની પસ્તી આપતી વખતે પપ્પા સાથે હું પણ ઊભેલો. ત્યારે પસ્તી ભરેલી લારીમાં ‘સફારી’ના થોડાક અંકો પણ હતા. મેં એ અંકો લેવાનું કહ્યું અને પપ્પાએ અંકો અપાવ્યા. ‘સફારી’ની આ (મારી ગણાય તો?!) પહેલી ખરીદી !
હાઇસ્કૂલના શિક્ષણ પછી કૉલેજનો અભ્યાસ વતન વડનગર પાસેના વીસનગર ખાતે કરવાનો થયો. વળી, વડનગરમાં પ્રમાણમાં સારી – સમૃદ્ધ ગણાય એવી લાઇબ્રેરી અને એના વિશાળ વાંચનાલયમાં છાપાં – મેગેઝીન વાંચવા માટે નિયમિત જવાનું થાય, એટલે ત્યાં અભિયાન, ચિત્રલેખા, નવનીત સમર્પણ, અખંડ આનંદ જેવાં મેગેઝીન સાથે સફારી વાંચવાનું નિયમિતપણે ચાલુ થયું. નવા નવા કૉલેજમાં આવેલા અને અભ્યાસક્રમ સિવાયનું (જ) વાંચવાનું ગમે એટલે ચંદ્રકાન્ત બક્ષી, ગુણવંત શાહની જે તીવ્ર અસર હતી એવી અને એટલી તીવ્ર અસર ‘સફારી’ની થઇ અને ‘સફારી’નો ડાયહાર્ડ ફેન બન્યો. પછી તો અપડાઉન કરતી વખતે દર મહિને બસસ્ટેશન પરના બૂકસ્ટૉલ પરથી સફારી ખરીદવાનું ચાલુ થયું. સફારી આવે પછી બે-ત્રણ દિવસમાં જ આખું વાંચી નાખું. કેટલાક લેખ બે વાર પણ વંચાય તેમ છતાં નવો અંક આવે નહીં ત્યાં સુધીના દિવસો રાહ જોવામાં જતા. આ સાથે સફારી દ્વારા બહાર પડતાં ‘વીસમી સદીની યાદગાર ઘટનાઓ’, ‘યુદ્ધ -71’, ‘જિંદગી જિંદગી’, ‘દુનિયાનાં પ્રાણી પંખીઓની દુનિયા’, ‘મોસાદનાં જાસૂસી મિશનો’, ‘કૉસ્મોસ’ વગેરે ખરીદીને વાંચવાનું બન્યું. સફારીનો જાદુ એવો હતો કે કૉલેજની પરીક્ષાના આગળના દિવસે પણ એના લેખો વાંચવાનું ટાળી શકાયું નથી. સફારી અને અન્ય વાચનમાં એટલો ગળાડૂબ કે કૉલેજની પરીક્ષામાં આવેલા નબળા પરિણામનું ઠીકરું ઘરના સભ્યોએ મારી સાથે સફારી પર પણ ફોડેલું. સાથે સાથે કલેક્શનમાં ન હોય એવા સફારીના જૂના અંકો ખરીદવાનું ચાલુ થયું. સફારીના જૂના અંકો અપ્રાપ્ય હોય એવું બનવું સામાન્ય છે. એટલે જ્યાંથી મળે ત્યાંથી અંકો ભેગા કર્યા છે, એ એટલે સુધી કે નોકરી અર્થે નાના ગામડામાં રહેવાનું બન્યું કે જ્યાંથી તાલુકા મથક 45 કિલોમીટર દૂર હોય ત્યારે પણ યાદ રાખીને ‘સફારી’ મેળવ્યું છે. અને આજે પણ સંગ્રહમાં અપ્રાપ્ય એવા વીસેક અંકો સિવાય તમામ અંકો અને એનાં વિવિધ પ્રકાશનો છે.
આ બધી વિગતો મારો ‘હું’ બતાવવા કરતાં ‘સફારી’ કેટલું પ્રિય હતું તે દર્શાવવા લખી છે.
સફારીએ વર્ષો સુધી જ્ઞાન વિજ્ઞાનની રોમાંચક સફર કરાવી છે. (અ) મારી વાંચન રુચિ ઘડવામાં એનો ઘણો મોટો ફાળો છે. જીવવિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે સફારીમાં આવતી કેટલીયે વિગતોએ મદદ કરી છે તો શિક્ષક તરીકેની તાલીમ દરમિયાન અને શરૂઆતમાં શિક્ષક તરીકેની નોકરી દરમિયાન એનો વિદ્યાર્થીઓ માટે ઉપયોગ કર્યો છે.
સમય જતાં વાંચનની ક્ષિતિજો વિસ્તરતાં જેમ એક સમયના પ્રિય લેખકોના લેખન વિશે પ્રશ્નો થવા લાગ્યા અને એમની ભૂરકી દૂર થઇ એ જ બાબતો ‘સફારી’ સાથે પણ બની. સફારીની ટેગલાઇન પણ હવે ‘બુદ્ધિશાળી વાચકો માટેનું મેગેઝીન’ થઇ હતી. હવે મુગ્ધ વાંચનની સાથે સાથે મનમાં પ્રશ્નો પણ ઉદ્ભવવા લાગ્યા હતા. ખાસ તો (બીજા ઘણા મિત્રો એ લખ્યું છે તેમ) ગાંધી- નહેરુ વિશે એક જ બાજુ દર્શાવતાં, તેમની લીટી નાની કરતાં, એમના પ્રત્યે ઘૃણા, અભાવ જન્માવે તેવાં લખાણો. ગોડસે વિશે લખતી વખતે જણાઇ આવતો સૉફ્ટ કૉર્નર, અને હીટલર તો જાણે ‘હીરો.’ કશ્મીર કે ઇઝરાયેલ જેવા ‘કૉમ્લેક્ષ’ પ્રશ્નો પરત્વે પણ એકદમ સામાન્યીકરણ કરીને થતું ચિત્રણ.આ વલણ સફારીમાં છપાયેલા કેટલાક લેખોનાં શીર્ષક પરથી પણ જાણી શકાય છે. દાત., ‘ભગતસિંહને બચાવવામાં ગાંધીજી મોડા પડ્યા કે મોળા પડ્યા.’, ‘પાકિસ્તાનને આપવાના પંચાવન કરોડનો પ્રશ્ન ગાંધીજી માટે પ્રાણઘાતક નીવડ્યો.’ કે આઝાદી અપાવવામાં ‘મુંબઇના નૌસેના બળવા’નો લેખ. આ સિવાય પણ ઘણાં ઉદાહરણ આપી શકાય એમ છે. પરંતુ, હકીકત જોઇએ તો ગાંધીજીની હત્યા માટે પાકિસ્તાનને આપવાના પંચાવન કરોડ તો ક્યાં ય ચિત્રમાં જ નહોતા. ગાંધીજીને મારવા માટે 1934થી સતત પ્રયત્નો ચાલતા હતા. કટ્ટરવાદી વિચારધારા ધરાવતાં જૂથ એ માટે જવાબદાર હતાં. પણ સફારી આ બધું ગપચાવીને ‘સિલેક્ટેડ વિગતો’ એવા પેકેજમાં રજૂ કરતું કે નવો વાંચનાર કે એક જ વાચન સ્રોતનો ઉપયોગ કરનાર વ્યક્તિ આવી ખોટી માહિતીને સાચી માની લે. ગુજરાતી વાચકોમાં ગાંધી-નહેરુ પ્રત્યે ઘૃણા અને હિટલર – ગોડસે પ્રત્યે સહાનુભૂતિ કે કેટલેક અંશે પ્રેમ જન્માવવવામાં સફારીનો ‘ફાળો’ નાનોસૂનો નથી. આ હકીકતો સફારીના યોગદાનને ઝાંખપ લગાવે છે. આ સિવાય તંત્રીલેખથી લઇને અંદર છપાતા લેખોમાં પણ પક્ષપાતભર્યું વલણ જોઇ શકાતું હતું.
છેલ્લાં ઘણાં વર્ષોથી સફારી તેની તાજગી ગુમાવી ચૂક્યું હતું. ‘ઑલ્ડ વાઇન ઇન ન્યુ બૉટલ’ની જેમ જૂના લેખો સામાન્ય ફેરફાર કરીને છાપવામાં આવતા હતા. એકવાર એક જૂનો લેખ તો નવા અંકમાં બેઠો છાપી મારવામાં આવ્યો ત્યારે એક જાગૃત વાચકે બંને લેખ મૂકીને ધ્યાન દોર્યું છતાં સ્વીકારભાવની જગ્યાએ બોદી દલીલો …. આવી ઘટનાઓના લીધે સફારીના ઘણા અંકોના છેલ્લા પેજ પર રેતીમાં મોં નાખીને ઊભેલા શાહમૃગવાળું ચિત્ર યાદ આવતું હતું. પહેલા – બીજા વિશ્વયુદ્ધના લેખો, મોસાદનાં પરાક્રમો, શસ્ત્રો વિશેની માહિતીની આસપાસ સફારી બંધાઇ ગયેલું લાગતું હતું.
છેલ્લા લગભગ પાંચેક વર્ષથી નગેન્દ્ર વિજય એકલા હાથે જ સફારી કાઢતા હતા. હર્ષલભાઇનું સફારીમાંથી છૂટા થવું એ સફારી માટે કારમો આઘાત હતો. વળી, મોબાઇલ – ઇન્ટરનેટના પ્રતાપે લોકોને એમાં પણ નવીપેઢીનો વાંચનમાં ઘટતો રસ, સર્ક્યુલેસનમાં થતો ઘટાડો, છાપકામની વધતી જતી કિંમતો એની સાથેના ખર્ચા એમ ઘણાંબધાં કારણો સફારીની સફરના અંત માટે જવાબદાર છે. છેલ્લાં સાત- આઠ વર્ષથી જે બૂકસ્ટૉલમાંથી સફારી ખરીદું છું ત્યાં સફારી લેવા જાઉં ત્યારે વિક્રેતા ઘણીવાર સફારી પ્રકાશિત થવાની અનિયમિતતા વિષે વાત કરતા ત્યારે એમને કહેતો કે હવે સફારી લાંબુ નહીં ખેંચે … અને અંતે એ જ બન્યું. આ વખતે પ્રકાશિત અંક નં.- 369 સફારીની સફરનો અંતિમ માઇલસ્ટોન છે. ઘણામિત્રોએ ‘સફારી’ના યોગદાન વિશે લખ્યું છે. ઘણામિત્રોએ તો ફંડીગ / લવાજમ દ્વારા સફારીને પુન:ચાલુ કરવાની વાત પણ મૂકી છે.
વર્ષો સુધી ‘સંસ્કૃતિ’ ચલાવ્યા પછી ઉમાશંકર જોશીએ જાતે જ એ બંધ કરેલું. એ સિવાય ‘નયામાર્ગ’, ‘નિરીક્ષક’ જેવાં વિચારપત્રો પણ એમના તંત્રી – સંપાદકોએ બંધ કર્યાં છે. સફારી પણ નગેન્દ્ર વિજયે જાતે જ બંધ કર્યું છે, હા, એના પાછળનું કારણ વાચકોની નિરસતા જણાવ્યું છે એ સૌએ વિચારવા જેવું છે. સફારી માટે નહીં પણ ઘટતા વાચનથી થતી અસરો માટે.
સફારીએ વર્ષો સુધી મનોરંજન સાથે જ્ઞાન – માહિતી પીરસ્યાં છે. ઉપર લખ્યું છે એમ મુગ્ધવાચન અવસ્થા પસાર કરી દીધા બાદ વૈચારિક રીતે એનાથી બહુ દૂરી કેળવી લીધી હતી. માહિતીવાન નાગરિક કરતાં અનબાયસ્ડ નાગરિક હોવું વધુ મહત્ત્વપૂર્ણ છે.
સફારીનો છેલ્લો અંક ‘Captains and kings of my generation departs’ની થોડી ફીલ કરાવે છે. સફારી બંધ થવાના સમાચાર સાંભળીને લાગણીઓના ઊભરા સમાઇ જાય એટલે, લગીર અટકીને થોડા દિવસ પછી આટલું લખ્યું.
અલવિદા ‘સફારી’.
e.mail : viragsutariya@gmail.com