ગુજરાતી સાહિત્ય પરિષદ સાથેનું મારું ભાવાત્મક સંધાન સંભારું છું ત્યારે માનસપટ પર ઊભરતી પહેલી છબી ૧૯૫૫માં ગોવર્ધનરામના શતાબ્દીવર્ષે નડિયાદમાં મળેલી પરિષદના અહેવાલોએ ઝિલાયેલી છે. કાલિદાસની સર્ગશક્તિ હોય મારી કને તો સિંહના દાંત ગણવા કરતા શિશુ ભરત શું નાટ્યચિત્ર આલેખું, પણ હમણાં તો એટલું જ કહું કે કનૈયાલાલ મુનશીની એકચક્રી પકડ સામે સંસ્થામાં લોકશાહી ખુલ્લાશ વાસ્તે પડકાર – મુદ્રામાં ઉમાશંકર જાણે કે અવિધિસરના મેન ઑફ ધ મૅચ રૂપે સૌ સમક્ષ આવ્યા હતા.
અલબત્ત, પરિષદ સાથેનું પહેલું પ્રત્યક્ષ સંધાન તો તે પછી નવા બંધારણને ધોરણે અમદાવાદમાં કાકા કાલેલકરની અધ્યક્ષતામાં મળેલા યશસ્વી અધિવેશન વેળાનું. તે પછી નાનાવિધ સત્ર ને સભામાં સામેલ થવાનું કદાપિ છૂટ્યું નથી – ને છેલ્લા ત્રણ દાયકાથી તો મધ્યસ્થ સમિતિ, કારોબારી, પ્રકાશનમંત્રી, મહામંત્રી (વહીવટી મંત્રી), ઉપપ્રમુખ સહિતને હોદ્દે જવાબદારી સંભાળવાનું બન્યું છે, તો વિભાગીય અધ્યક્ષ તરીકે નિર્વહણ કરવાનું પણ બન્યું છે. ઉશનસ્, જયન્ત પાઠક, રઘુવીર ચૌધરી, બકુલ ત્રિપાઠી, નિરંજન ભગત, ધીરુબહેન પટેલ, ધીરુ પરીખ, ચંદ્રકાન્ત ટોપીવાળા, સિતાંશુ યશશ્ચંદ્ર આદિ પ્રમુખોના કાળમાં યથાસંભવ સહભાગી થવાનું સહજ ક્રમે થતું રહ્યું છે. આમાં જે સીમાચિહ્નો બની આવ્યાં તેમાં જો હું યશભાગી હોઉં તો સહિયારી જવાબદારીને ધોરણે મારે હિસ્સે મર્યાદાઓ પણ બેલાશક હોય જ. છેલ્લાં દસપંદર વરસમાંથી નમૂના દાખલ બે ઉલ્લેખો કરું તો નારાયણ દેસાઈના પરિષદપ્રવેશમાં અને સ્વાયત્તતાને મુદ્દે સ્ટૅન્ડ બાબતે મેં કંઈક ઠીક ભૂમિકા ભજવી છે.
રણજિતરામનું અસ્મિતાસ્વપ્ન, નટરાજની પેઠે અંગાંગ ઉત્સ્ફૂર્ત ચૈતન્યે પલટાતા સમયમાં ઉત્તરોત્તર શોધનવર્ધનપૂર્વક ચરિતાર્થ થતું રહે એ માટે કોઈ પણ સહૃદય અક્ષરકર્મીને સહજ એમ મારી રીતેભાતે મથતો રહ્યો છું. આજની તારીખે ગુજરાતના અક્ષરજીવન અને જાહેરજીવનના સાર્થક પારસ્પર્યની સંગમભૂમિએ ઊભી જે સમજવાનું છે તે એ કે સાહિત્ય પરિષદ કોઈ હી ઑલ્સો રેન જેવી ઇત્યાદિ પ્રકારની સંસ્થા નથી, પણ નીરક્ષરવિવેકપૂર્વક નરવાનક્કુર અવાજ અને નીરમ ને નેજાશી એની કાર્યભૂમિકા છે.
પરિષદનું આ પ્રજાસૂય, રિપીટ, પ્રજાસૂય દાયિત્વ, આંતરબાહ્ય સ્વાયત્તતા અને શુચિતાની આ જે જદ્દોજહદ, એમાં કંઈક અગ્રભાગી-કંઈક સહભાગી થવાની આ દાયકાઓમાં મારી કોશિશ રહી છે અને એના અનુસંધાનમાં મારી ઉમેદવારી છે, એમ હું સમજું છું.
૧૯૬૮-૬૯માં ‘વિશ્વમાનવ’ની સંપાદકીય જવાબદારી સ્વીકારી, ૧૯૭૧માં ‘જ્ઞાનગંગોત્રી ગ્રંથશ્રેણી’ સાથે સંકળાયો તે પછી વિધિવત્ અધ્યાપન સહજ ક્રમે છૂટતું ગયું અને જાહેરજીવનલક્ષી લોકશિક્ષણને અગ્રતા મળતી ગઈ. કટોકટીના કારાવાસ પછી બહાર આવી સહજક્રમે એના જ અગ્રસંધાન રૂપે ‘જનસત્તા-લોકસત્તા’ અખબારોમાં વરિષ્ઠ તંત્રી તરેહની ભૂમિકા સંભાળવાનું બન્યું, તો ‘દિવ્ય ભાસ્કર’ના આરંભકાળે સંપાદકીય સલાહકાર પણ રહ્યો. ‘અખંડ આનંદ’ના દ્વિજ અવતારમાં નિમિત્ત બન્યો તો એપ્રિલ ૧૯૯૨થી ‘નિરીક્ષક’નું દાયિત્વ પણ (હવે તો રજતવર્ષો વટીને) સંભાળું છું.
સંપાદકીય કામગીરી દરમિયાન લખવાનું અને ગ્રંથસ્થ કરવાનું પરસ્પર વ્યસ્ત સંબંધમાં રહ્યું છે. પાંત્રીસેક વરસ પર દિલીપ ચંદુલાલ, ડંકેશ ઓઝા અને ચંદુ મહેરિયાએ ત્યાં સુધી લખાયેલા લેખોમાંથી સ્થાયી મૂલ્યવત્તા ધરાવતા ‘વ્યક્તિ અને વિચાર’ તરીકેના ત્રણેક ગ્રંથોની સામગ્રી તારવી આપી હતી. હમણાં પાંચ-સાત વરસ પર ઉર્વીર્શી કોઠારી ને ચંદુ મહેરિયાએ તે પછીના વિપુલ લેખરાશિમાં સહેજે ત્રણ ગ્રંથો જેટલી પસંદગીલાયક સામગ્રી જોઈ હતી. દસ વરસમાં જે કેટલીક વ્યાખ્યાનમાળાઓ થઈ, જેમ કે ‘ટૉલ્સ્ટોયથી ગાંધી’, ‘સ્વતંત્ર પ્રકૃતિ તમામ-એક માનવી જ કાં ગુલામ’, ‘ત્યાં દૂરથી મંગલ શબ્દ આવતો’, ‘સ્વર્ગમાં બાકી કશી યારો જો નવજવાં’, ‘ભારતવર્ષની સ્વરાજસાધના’, એ પ્રત્યેક સ્વતંત્ર પુસ્તક પેઠે સામગ્રીસમ્પન્ન છે. આ એક નાનીશી તપસીલ.
તેમ છતાં, આજની તારીખે મારું કથયિત્વ બલકે પ્રતિપાદન એ છે કે પ્રજાકીય સંસ્થારૂપે પરિષદની એક ચોક્કસ કાર્યભૂમિકા છે અને એને અંગે ન તો મેદાન છોડી શકાય, ન તો હાથ ઊંચા કરી દઈ શકાય. અને વાતનો બંધ વાળું તે પૂર્વે રવીન્દ્રનાથના ‘પ્રાંતિક’ના વાર્તિક રૂપે ઉમાશંકરનું એ ટિપ્પણ સંભારું કે શ્વાસ છે ત્યાં સુધી હિસાબ આપવો રહે છે … ગોવર્ધનરામના સાક્ષરજીવનની નવ્ય આવૃત્તિ જાણે !
સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2020; પૃ. 09