
હેમન્તકુમાર શાહ
મુંબઈના બોરીવલી ઇસ્ટમાં આવેલા એક ભવ્ય સ્કાય સિટી મોલમાંના આઇનોક્સ થિયેટરમાં આશરે ૭૦ જેટલા ઉચ્ચ વર્ગીય દર્શકોની હાજરી સાથે આજે સવારે ૧૦.૪૫ના શોમાં એક મૂવી જોયું : ‘જોલી એલએલ.બી. ૩’.
એમાં છેલ્લે અર્શાદ વરસી અદાલતમાં જજને પૂછે છે કે દિલ્હીમાં વિકાસના એક પ્રોજેક્ટ માટે તેમનું એક ઘર સરકારને આપી દેવાનું તેઓ પસંદ કરશે?
“ના.”
“કેમ?”
જજ કહે છે : “મારી મરજી.”
આવા જ સવાલો અર્શાદ વરસી અગાઉ ‘બિકાનેર ટુ બોસ્ટન’ પ્રોજેક્ટ હેઠળ રાજસ્થાનના એક ગામની જમીન હડપ કરવા માગતા ઉદ્યોગપતિને પૂછે છે. તેઓ કશું બોલતા નથી પણ તેમના જે ભવ્ય બંગલાનો ફોટો અર્શાદ વરસી તેમને બતાવે છે તે ફાડીને ફેંકી દે છે. ઉદ્યોગપતિના વકીલને પણ તેમના વિશાળ ઘરનો ફોટો બતાવીને અર્શાદ વરસી એ જ સવાલ પૂછે છે અને કોઈ જવાબ તેઓ આપતા નથી.
જજને પછી સીધો સવાલ : “તો પછી ગામલોકોની મરજીનું કોઈ મૂલ્ય કેમ નહીં?” અને જજ ગામના કિસાનોને તેમની જમીન પાછી આપવાનો ચુકાદો આપે છે!
નોંધપાત્ર બાબત એ છે કે, “આપ આમ કાટ કે ખાતે હો કિ ચૂસ કે?” જેવો વાહિયાત સવાલ નરેન્દ્ર મોદીને ફેક પત્રકાર તરીકે પૂછનાર અક્ષયકુમાર આ મૂવીમાં કિસાનોની જમીન માટે લડાઈ લડે છે અને નરેન્દ્ર મોદી અને ઉદ્યોગપતિઓ ભેગા મળીને આ દેશના જે વિકાસની દુહાઈ દીધા કરે છે તેનાં છોતરાં ફાડી નાખે છે ભરી અદાલતમાં.
આશ્ચર્ય થાય કે મૂવીમાં જે અક્ષયકુમાર પહેલાં ઉદ્યોગપતિનો વકીલ બને છે તેનું હૃદયપરિવર્તન થાય છે અને તે પછી કિસાનોનો વકીલ બની જાય છે! અક્ષયકુમાર ગામમાં પોલિસ આવીને જબરજસ્તી કરવાની છે, ઘરો પર બુલડોઝર ચાલવાનાં છે ત્યારે કિસાનોને અહિંસાના પાઠ શીખવે છે! બુલેટ ટ્રેન જેવા વિકાસની તો અક્ષયકુમાર હાંસી ઉડાવે છે. જિલ્લા મેજિસ્ટ્રેટ એટલે કે કલેક્ટર તરીકેની ભૂમિકા ભજવનાર સ્ટ્રેચર પર અદાલતમાં આવીને સત્ય બોલે છે કે તેણે જમીન સંપાદન કાયદાનો દુરુપયોગ કરીને ઉદ્યોગપતિને કિસાનોની જમીન આપી દેવામાં ભ્રષ્ટાચાર કર્યો છે. આમ, એનું પણ હૃદયપરિવર્તન!

પોતાની જમીન જતી રહી એના આઘાતમાં એક કિસાન આત્મહત્યા કરે છે. એનું નામ છે રાજારામ અને એની વિધવા પત્નીનું નામ છે જાનકી. બંનેનાં નામ પણ સૂચક છે અત્યારના ‘જય શ્રી રામ’ના હિંસક અને ડરામણા બની ગયેલા નારાના આજના માહોલમાં.
ઉદ્યોગપતિ, કલેક્ટર, વકીલ, રાજકીય નેતા એવા સરપંચ અને હિંસક બળ તરીકે પોલિસ કેવી રીતે આ વિનાશક વિકાસના ભાગીદાર લાભાર્થીઓ છે અને મિલીભગતથી કામ કરે છે એ બખૂબીથી આ મૂવીમાં દર્શાવ્યું છે. કાશીને ક્યોટો અને દેશનાં અન્ય શહેરોને વિદેશી શહેરો જેવાં બનાવવામાં આવશે એવાં મોદીનાં વચનો કેટલાં ખોખલાં છે તે પ્રતીક તરીકે “બિકાનેર ટુ બોસ્ટન” એમ ત્રણ શબ્દોથી વ્યક્ત થયું છે.
એક વાર “દેશભક્ત” શબ્દ પણ આ મૂવીમાં ઉચ્ચારાય છે ત્યારે એમ લાગે છે કે ભારતમાં આજે જે છદ્મવેશી દેશભક્તિનો આફરો ચડેલો છે તે ભોંયભેગો કરી નંખાયો!
ફેંકાફેંકી કરનારા નરેન્દ્ર મોદી માટે ફેક પત્રકાર બનેલા અક્ષયકુમારે ખરેખર મોદીના ‘સબકા સાથ, સબકા વિકાસ’માં કોનો સાથ છે, કોનો વિકાસ છે અને કોનો વિનાશ છે તે પોતાના સંવાદો દ્વારા અહીં છતું કરી દીધું! આશ્ચર્ય! નરેન્દ્ર મોદીની વિકાસની કેરી અક્ષયકુમારે ગોટલાછોતરાં સાથે, કાપ્યાચૂસ્યા વિના આખેઆખી મોદીના મોં પર છૂટ્ટી મારી.
નાનામોટા હાસ્યના પ્રસંગો સાથે કહેવાતા વિકાસની જે ગંભીર ક્ષતિઓ છતી થઈ છે આ મૂવીમાં તે કાબિલેદાદ છે. આ મૂવી મનોરંજન નથી પણ વિકાસના અતિરંજન સામેનો અવાજ છે. ફેક પત્રકાર બનેલ અક્ષયકુમાર આવા મૂવીમાં ભૂમિકા ભજવે એ જ ઘણું કહેવાય! વિકાસ માટે કેટલાક લોકોએ બલિદાન તો આપવું પડે ને. પણ કોણે આપવાનું એ બલિદાન, એવો સવાલ સોંસરો ઊતાર્યો છે આ મૂવીમાં.
એમ લાગે છે કે આવાં મૂવી બનાવવાની હિંમત હશે અને તે લોકોને જોવા મળે એટલી અભિવ્યક્તિની આઝાદી બાકી બચી હશે તો, આ મૂવીમાં દસ કિસાનોના જાનનું બલિદાન લેવાય છે તેમ, અનેક લોકોનાં બલિદાનો પછી પણ દેશમાં લોકશાહી ટકી રહેવાની સંભાવના રહેશે.
તા.૨૯-૧૦-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()

