
રવીન્દ્ર પારેખ
મુખ્ય મંત્રીથી માંડીને વડા પ્રધાન સુધીનાં પદો ચૂંટણીથી નક્કી થતાં હોય ને અકાદમીના અધ્યક્ષ ઉપરથી ગોઠવી દેવામાં આવે એ લોકશાહી પ્રક્રિયાની વિરુદ્ધ છે. સરકાર પોતે ચૂંટણીથી અસ્તિત્વમાં આવતી હોય તો સરકારની અકાદમીના અધ્યક્ષ નિયુક્તિથી આવે તે બરાબર નથી. 1905માં, ગુલામી કાળમાં સ્થપાયેલી ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’નું માળખું લોકશાહી ઢબનું હોય ને 1981માં બનેલી ‘ગુજરાત સાહિત્ય અકાદમી’નું માળખું સ્વાયત્ત ન હોય એનો સરકારને રંજ હોવો જોઈએ, તે પણ એક કાળે અકાદમી સ્વાયત્ત રહી ચૂકી હોય ને તે પછી સ્વાયત્તતાનો ઉલાળિયો થઈ ગયો હોય ત્યારે તો ખાસ ! ખરેખર તો રાજ્યની તમામ સાહિત્યિક, કલાકીય સંસ્થાઓએ આનો જાહેર વિરોધ કરવો જોઈએ, પણ કમભાગ્યે એનો વિરોધ એકલી ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ જ કરે છે. અકાદમી સ્વાયત્ત હતી ત્યારે ને તે પછી પણ પરિષદ અને અકાદમી વચ્ચે મેળ હતો, તે એ રીતે પણ કે ‘દર્શક’ અને ભોળાભાઈ પટેલ અકાદમીના અધ્યક્ષ રહી ચૂક્યા હતા, એટલું જ નહીં, એ બંને પરિષદના પ્રમુખ પણ રહી ચૂક્યા હતા. અકાદમી સ્વાયત્ત હતી ને તેનાં બંધારણ મુજબ સામાન્ય સભાના 41 સભ્યોની મતદાન પ્રક્રિયા દ્વારા અધ્યક્ષ ચૂંટી શકાતા હતા, પણ 2003થી 2015 સુધી એવું રહ્યું કે સરકાર દ્વારા થવી જોઈતી ચૂંટણી પ્રક્રિયા થઈ જ નહીં. છે ને કમાલ, બાર વર્ષ સુધી સાહિત્ય અકાદમી અધ્યક્ષ વગર જ ચાલી.
એ દરમિયાન પરિષદ પોતાની રીતે સક્રિય રહી. એમાં પણ અકાદમીની સ્વાયત્તતાનો મુદ્દો ક્યારેક આવનારા પ્રમુખો પર પણ નિર્ભર રહ્યો. કેટલાક પ્રમુખોએ અકાદમીની સ્વાયત્તતાનો મુદ્દો કેન્દ્રમાં રાખીને પરિષદની નીતિરીતિ નક્કી કરી, પણ 2015માં સરકારે સીધી જ નિવૃત્ત સનદી અધિકારીને પ્રમુખ તરીકે નિયુક્ત આપી. આ ઠીક ન થયું. ખાનગી સંસ્થાઓમાં પણ પ્રમુખ, મંત્રી ચૂંટાઈને આવતા હોય તો સરકાર અકાદમીના અધ્યક્ષને ઠઠાડી દે એ તો કેમ ચાલે? ન ચાલે, પણ દસેક વર્ષથી ચાલે છે. દેખીતું છે કે પરિષદને આ ન રુચે.
2007ની આસપાસ પરિષદ પ્રમુખ નારાયણ દેસાઇએ 2003થી અકાદમી અધ્યક્ષ વગર જ ચાલે છે એ બાબતે જાહેરમાં સૌનું ધ્યાન ગાંધીનગરમાં જ દોર્યું હતું. એ પછી પરિષદ પ્રમુખ ભગવતીકુમાર શર્માની રાહબરી હેઠળ રઘુવીર ચૌધરી, વિનોદ ભટ્ટ, રવીન્દ્ર પારેખ, જનક નાયક તે વખતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીને તેમના નિવાસ સ્થાને અકાદમીની સ્વાયત્તતા સંદર્ભે રૂબરૂ મળ્યા. તેમણે આશ્વસ્ત તો કર્યા, પણ પરિણામ ન આવ્યું. તે પછી પણ અકાદમીની સ્વાયત્તતા માટે ધીરુ પરીખ, ચંદ્રકાંત ટોપીવાળા, નિરંજન ભગત, સિતાંશુ મહેતા, પ્રકાશ ન. શાહ, હર્ષદ ત્રિવેદી સુધીના પ્રમુખોએ સતત પ્રયત્નો કર્યા, પણ પરિણામ ન મળ્યું. ધીરુ પરીખ અને અન્ય લેખકોએ હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી પણ કરેલી, પણ સરકારનું રૂવાડું આજ સુધી ફરક્યું નથી તે હકીકત છે. આટલા પ્રયત્નો પછી અકાદમીને તો બહુ અસર નથી થઈ, પણ પરિષદને ઘણી અસર થયેલી દેખાય છે.
પરિષદે અકાદમીનો વિરોધ કરવા જે રીતો અપનાવી તેનાથી અકાદમીની તો કાંકરી ય નથી ખરી, પણ પરિષદની શાંતિ ને સ્થિરતા જરૂર દાવ પર લાગી છે. અકાદમી સાથેના અસહકારમાં અકાદમીના કાર્યક્રમોનો બહિષ્કાર, તેનાં મુખપત્રનો નકાર, પારિતોષિકોનો અસ્વીકાર જેવા ઘણા પ્રયત્નો પરિષદે કર્યા, પણ એથી અકાદમી નિયંત્રિત થવાને બદલે, પરિષદ વધુ ને વધુ સંકીર્ણ થતી ગઈ, તે ત્યાં સુધી કે ગૂજરાત વિદ્યાપીઠે યોજેલી ચિનુ મોદીની શોકસભામાં પરિષદે એટલે બહિષ્કાર કરેલો કે એમાં અન્ય સંસ્થાઓની સાથે અકાદમી પણ સામેલ હતી. આ અભિગમ માનવીય ન હતો.
પરિષદના કેટલાક હોદ્દેદારોએ કે સભ્યોએ અકાદમીના કાર્યક્રમોમાં હાજરી આપવાનું પણ બન્યું ને એનું પરિણામ એ આવ્યું કે નક્કી થયેલી નીતિ મુજબ એવા સભ્યોએ પરિષદ છોડવી પડી, તો કેટલાકને પરિષદ છોડાવવી પડી. આવી નીતિને કારણે કેટલાક અન્ય રીતે સક્ષમ લેખકો, કવિઓ, વિવેચકો ગુમાવવાનું બન્યું. એક વસ્તુ સ્પષ્ટ છે કે પરિષદમાં આવતા હોદ્દેદારો કે મધ્યસ્થ સમિતિના સભ્યો લોકશાહી ઢબે ચૂંટણી જીતીને આવે છે, તેમને આવા અવ્યવહારુ નિયમોને કારણે પરિષદ છોડવાનું કહેવું લોકશાહીની વિરૂદ્ધ છે. અકાદમીના કાર્યક્રમોમાં જવું એ બિનસાહિત્યિક પ્રવૃત્તિ નથી કે સભ્યોને ચૂંટણી જીતવા છતાં, પરિષદ છોડવાની ફરજ પડે. અકાદમીના પુરસ્કારો સંદર્ભે પણ પરિષદની નીતિ સ્પષ્ટ નથી રહી. કેટલાક સર્જકોને અકાદમીના પારિતોષિકો કે માન-સન્માન પરત કરવાની ફરજ પડી, તો કેટલાકે ગજવે પણ ઘાલ્યાં ને તેમનો વિરોધ ન થયો.
અકાદમીમાં જવું જો પરિષદ માન્ય પ્રવૃત્તિ ન હોય તો અકાદમીમાં પ્રમુખ રહી ચૂકેલા કે અકાદમીમાં મહામાત્ર રહી ચૂકેલા મહાનુભાવો પરિષદમાં પ્રમુખ કે સંપાદક હોય તે પણ નભવું ન જોઈએ. તાજો જ દાખલો હર્ષદ ત્રિવેદી અને કિરીટ દૂધાતનો લઈએ. અકાદમીમાં સફળતાપૂર્વક મહામાત્રની ભૂમિકા બંને મિત્રોએ બજાવી છે. હર્ષદ ત્રિવેદીએ તો ‘શબ્દસૃષ્ટિ’ના અનેક સ્વરૂપોમાં યાદગાર વિશેષાંકો આપ્યા છે ને બંને અત્યારે પરિષદમાં પણ સફળતાપૂર્વક અનુક્રમે પરિષદ પ્રમુખની ને ‘પરબ’ના સંપાદકની ભૂમિકા ભજવી રહ્યા છે, તો તેઓ અગાઉ અકાદમીમાં હતા એટલે જ તેમની અવગણના કરીશું? એ યોગ્ય ખરું? પરિષદના પૂર્વ પ્રમુખ, જ્ઞાનપીઠ પુરસ્કારથી વિભૂષિત ગુજરાતીના સર્જક, પદ્મશ્રી રઘુવીર ચૌધરી પરિષદના એક ટ્રસ્ટી પણ છે. તેઓ અકાદમીનાં નિમંત્રણથી સાહિત્યિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહે તેટલા માત્રથી તેમનો વાંધો ઉઠાવવાનું યોગ્ય ગણાય કે પરિષદના હોદ્દેદાર તરીકે અકાદમીમાં ઉપસ્થિત રહીને પરિષદનું માન વધારે તે યોગ્ય ગણાય તે વિચારાવું જોઈએ.
પરિષદે એ પણ જોવાનું રહે કે પરિષદના હોદ્દેદારો ને સભ્યો પરિષદના પગારદાર નોકરો નથી. ઘણા સભ્યો પરિષદ ઉપરાંત સાહિત્યિક કે શૈક્ષણિક સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા છે. એ સંસ્થાઓ અકાદમીની સહાયથી સાહિત્યિક પ્રવૃત્તિઓ કરતી હોય ને એ સંસ્થાના સભ્યો પરિષદ સાથે પણ સંકળાયા હોય ને પરિષદે અકાદમીના બહિષ્કારનો કાર્યક્રમ આપ્યો હોય તો તે કયા જોર પર અકાદમીનો બહિષ્કાર કરશે, જ્યાં તેની સંસ્થા અકાદમીની સહાય મેળવવા વિવશ હોય? પરિષદે પોતે અકાદમીની ઘણી મદદ સ્વીકારી હોય તો તે બીજી સંસ્થાને બહિષ્કારને નામે અકાદમીની સહાય ન સ્વીકારવાનું કહી શકશે?
કોણ જાણે કેમ પણ પરિષદનો સ્વાયત્તતા સંદર્ભે અકાદમીનો વિરોધ ઘણું ખરું તો પરિષદ પૂરતો ને પરિષદમાં જ રહ્યો છે. આ સ્થિતિ જાહેર વિરોધમાં પરિણમવી જોઈએ ને વિરોધ સરકાર સુધી પહોંચવો જોઈએ, પણ તેવું ઓછું જ થયું છે. પરિષદે સમય માંગીને સરકાર સાથે મીટિંગ કરીને સ્વાયત્તતાનું કોકડું ઉકેલવું જોઈએ. આ લખનારે પરિષદ ઉપપ્રમુખ તરીકે અન્ય ઉપપ્રમુખ રાજેન્દ્ર પટેલ સાથે તે વખતના મંત્રી નાનુ વાનાણીને મુખ્ય મંત્રી સાથે મુલાકાત ગોઠવવા સંમત કર્યા, તો તે વખતના પરિષદ પ્રમુખે રાજેન્દ્ર પટેલને મંત્રીને મળવાની જરૂર ન હતી, એમ કહીને મુખ્ય મંત્રીની સંભવિત મુલાકાત પર પડદો પાડી દીધો. એ પછી સરકારને મળવાનો પ્રયત્ન પરિષદે કર્યો હોય તેવો ખ્યાલ નથી. પરિષદના પ્રયત્નો ટાંચા પડતા હોય એવું ખરું કે કેમ? એનો અર્થ જરા ય એવો નથી કે આ લખનારને અકાદમીની સ્વાયત્તતા ખપતી નથી, પણ પરિષદ ઘર બાળીને તીરથ ન કરે એટલી અપેક્ષા તો રહે જ છે.
અકાદમીની સ્વાયત્તતા માટે સરકાર ઉત્સુક નથી એ દુ:ખદ છે. આમ તો કેન્દ્રીય સાહિત્ય અકાદમી સરકારની ગ્રાન્ટ લે છે, તે સિવાય તેનું માળખું સ્વાયત્ત છે, એ સાથે જ રાજ્યોની અકાદમીઓ સ્વાયત્ત નથી, એ પણ ખરું. મહારાષ્ટ્ર, બંગાળ, કન્નડ … સાહિત્ય અકાદમીઓને સ્વાયત્ત કરવા જે તે રાજ્યના સર્જકો પ્રયત્ન કરે છે કે આ વિરોધ ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ પૂરતો જ છે, તેની તપાસ થવી ઘટે. એનો અર્થ એવો નથી કે પરિષદે અકાદમીની સ્વાયત્તતા માટે પ્રયત્ન ન કરવો. કરવો, પણ અન્ય રાજ્યોના સર્જકોને અકાદમીની સ્વાયત્તતા વગર કેમ કોઈ ફરક નથી પડતો કે તેમની પાસે અન્ય વિકલ્પો છે, તેની તપાસ થવી ઘટે. એ રીતે તો ગુજરાતની સાહિત્ય અકાદમી પ્રકાશન, પુરસ્કાર અને પારિતોષિકની પ્રવૃત્તિ કરી રહી છે તે આશ્વસ્ત કરનારી ઘટના છે.
અકાદમીની સ્વાયત્તતા તો આવતાં આવશે, પણ પરિષદની સ્વાયત્તતા દાવ પર ન લાગે એટલે પણ પરિષદનાં ધારાધોરણો વધુ માનવીય અને વ્યવહારુ બને એ અપેક્ષિત છે. કમ સે કમ અકાદમીના બહિષ્કાર કે અસ્વીકારની બાબતે પરિષદ પુનર્વિચાર કરી, પ્રચંડ વિરોધ સરકાર સુધી કઈ રીતે પહોંચે એ અંગે ગંભીરતાથી વિચાર કરી શકે. પરિષદનો વિરોધ કુલડીમાં ગોળ ભાંગવા જેવો ન હોવો જોઈએ. અકાદમીની સ્વાયત્તતા પરિષદને ખાલી કરાવનારી પ્રવૃત્તિ બનતી હોય તો નક્કી ધારાધોરણો સંદર્ભે ફેર વિચારણા કરવાની રહે. અકાદમી અને પરિષદ ગુજરાતની સાહિત્યિક સંસ્થાઓ છે. બંને વચ્ચે અંટસ હોય એમાં હાનિ સાહિત્યની છે ને એ ન થાય એટલું બંને સંસ્થાઓએ જોવાનું રહે છે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 14 માર્ચ 2025