Opinion Magazine
Number of visits: 9484309
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અમદાવાદના એકમાત્ર સામ્યવાદી મેયર કેવા હતા ?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|3 January 2024

દિનકરભાઈ મહેતા

આશરે સાડા ત્રણ દાયકા પૂર્વેનો ૩૦મી ઓગસ્ટ ૧૯૮૯નો દિવસ. એ દિવસે રાત્રિના નવેકના સુમારે અમદાવાદના રાયખડ વિસ્તારના ગોરજીના બંગલાની નાનકડી ખોલીમાં સાદગી વચ્ચે જીવતા દિનકર મહેતાએ અંતિમ શ્વાસ લીધા હતા. દિનકરભાઈની એક જાડી ઓળખ તો અમદાવાદના પૂર્વ મેયરની છે. તે અમદાવાદના પહેલા અને આજ સુધીના એકમાત્ર સામ્યવાદી મેયર છે. પણ એ ઓળખ સાચી હોવા છતાં પૂર્ણ નથી. દિનકર મહેતા એટલે સ્વાતંત્ર્ય સેનાની, મહા ગુજરાત આંદોલનના અગ્રણી નેતા, ગુજરાતમાં માર્ક્સવાદી સામ્યવાદી પક્ષનો પાયો નાંખનાર પૈકીના પણ એ હતા. બ્યાંસી વરસની જિંદગીમાં છ દાયકા કરતાં વધુનું તેમનું જાહેરજીવન હતું. આ સઘળાં વરસોમાં તે સતત ગરીબ-શ્રમિક જનતાના શોષણ વિરુદ્ધના લોકસંઘર્ષોમાં મોખરે રહેતા હતા. ખરેખર તો એ ગરીબોના ઉત્થાન અર્થે મથતા ક્રાંતિવીર હતા.

હાલના વલસાડ જિલ્લાના ચીખલી ગામે ૧૭મી ઓકટોબર ૧૯૦૭ના રોજ જન્મેલા દિનકર મહેતાના પિતા સુરતની મિલમાં કારકૂન હતા. સુરત અને મુંબઈમાં એ ભણ્યા. સંસ્કૃતના તે સ્કોલર હતા. પણ ૧૯૨૬માં કોલેજ શિક્ષણ છોડી તે ગાંધીજી સ્થાપિત  ગુજરાત વિધ્યાપીઠ, અમદાવાદમાં જોડાયા. કાકાસાહેબ કાલેલકરના આ વિદ્યાર્થી ૧૯૨૯માં ગાંધીની વિદ્યાપીઠના સ્નાતક બન્યા અને અધ્યાપક પણ. બારડોલી કિસાન સત્યાગ્રહ અને ધરાસણાના મીઠાના સત્યાગ્રહમાં ભાગ લઈને એમણે જેલવાસ વેઠ્યો હતો.

૧૯૩૨માં એમને ટી.બી. થયો હતો. તેની સારવાર દરમિયાન કાર્લ માર્ક્સનું ‘દાસકેપિટલ’ અને માર્ક્સ – એન્ગલ્સનું ‘સામ્યવાદી જાહેરનામું’ વાંચ્યું. આ બંને પુસ્તકોનું વાચન તેમના જીવનનો ટર્નિંગ પોઈન્ટ બની રહ્યું. તેમના વિચારોમાં ગજબનું પરિવર્તન આવ્યું. તેઓ ગાંધીવાદીમાંથી સામ્યવાદી બની ગયા. આ વૈચારિક પરિવર્તનને દિનકરભાઈ તેમની આત્મકથાના પ્રથમ ખંડ ‘પરિવર્તન’માં એક સરસ દાખલા દ્વારા સમજાવતા લખે છે : માણસના વિચાર તેના હિત પ્રમાણે બદલાય છે. તેનો એક દાખલો મને સૂઝ્યો અને મેં તે રજૂ કર્યો. રેલવે સ્ટેશન પર જ્યારે ટ્રેનની રાહ જોઈને લોકો ઊભા હોય છે ત્યારે તેમના મનમાં એક જ તાલાવેલી હોય છે. ટ્રેનમાં એકદમ ચઢી જઈ, જગ્યા લઈ લેવાની. પણ એ જ માણસો ટ્રેનમાં જગ્યા મળી જતાં પછીના સ્ટેશને બીજા પેસેન્જરોને જગ્યા નથી કહી અંદર આવતા રોકે છે ! આ સાંભળી કાકાસાહેબ બોલી ઊઠ્યા, ‘દિનકરરાય, હવે તમે પાક્ક્કા સામ્યવાદી બની ગયા છો.’ ઉમાશંકર જોશી આ સાંભળી હસી પડ્યા. મારે માટે તો આ નવા પ્રસ્થાનની શરૂઆત જ હતી ….

સરદાર પટેલ રાષ્ટ્રીય સ્તરે સક્રિય થતા, ગુજરાત કાઁગ્રેસની જવાબદારી દિનકર મહેતાના શિરે આવવાની હતી. ત્યારે જ વિચારભેદને કારણે તેમણે નોખો માર્ગ અપનાવ્યો હતો. ૧૯૩૪માં અન્ય સાથીઓ સાથે મળીને તેમણે ગુજરાતમાં કાઁગ્રેસ સમાજવાદી પક્ષની સ્થાપના કરી. જયપ્રકાશ નારાયણની જોડાજોડ તેઓ તે પક્ષના રાષ્ટ્રીય મંત્રી બન્યા. ૧૯૩૬માં તેઓ માર્કસવાદી સામ્યવાદી પક્ષના રાજ્ય મંત્રી બન્યા હતા. છેક આઝાદી આવી ત્યાં સુધી તેઓ કામદાર, કિસાન, વિદ્યાર્થી ચળવળને દોરતા રહ્યા. આઝાદીના આંદોલનમાં દિનકરભાઈએ સાત વખત કારાવાસ અને ભૂગર્ભવાસ ભોગવ્યો હતો. ઇન્દુલાલ યાજ્ઞિક સાથે તેમણે ગુજરાતના અલગ રાજ્ય માટેના મહા ગુજરાત આંદોલનમાં સક્રિય નેતૃત્વ કર્યું હતુ. સંગ્રામ સમિતિ અને જનતા પરિષદ દ્વારા અનેક આંદોલનાત્મક કાર્યક્રમોમાં તેઓ સક્રિય હતા.

નલિનીબહેન અને દિનકરભાઈ મહેતા

અમદાવાદ મહાનગરપાલિકાની ૧૯૬૫ની ચૂંટણીમાં જનતા પરિષદના ૪૮ ઉમેદવારો વિજ્યી બન્યા હતા. દિનકરભાઈ અને તેમનાં પત્ની નલિનીબહેન જેલમાં રહ્યે રહ્યે જંગી બહુમતીથી ચૂંટાયાં. ચોથી મે ૧૯૬૬ના રોજ દિનકર મહેતા અમદાવાદના મેયર બન્યા. દેશના દ્વિતીય અને અમદાવાદના એ પ્રથમ સામ્યવાદી મેયર હતા. પૂર્વેના કાઁગ્રેસી અને ગાંધીવાદી  મેયરોએ ન કર્યા હોય તેવાં અનેક કામો તેમણે કર્યાં. મેયરની ઓફિસમાં તેમણે ગાંધીજી અને રવીન્દ્રનાથ ટાગોરની તસ્વીરો મૂકાવી. ઓફિસમાંથી એરકન્ડિશનર કઢાવી નાંખ્યું. મેયર માટેની લાખ રૂપિયાની મોંઘી ઈમ્પાલા કારને બદલે વીસ હજારની એમ્બેસેડર દાખલ કરી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે સો ટકા મોંઘવારી ભથ્થું આપ્યું હતું. વસ્તુના વજનને બદલે કિંમત પર ઓકટ્રોય લેવાનું નક્કી કર્યું. શહેરના ઉપેક્ષિત એવા પૂર્વ અમદાવાદના કામદાર વિસ્તારોને પાયાની સગવડો પૂરી પાડવામાં પ્રાધાન્ય આપ્યું હતું. શ્રમિક વિસ્તારોને વીજળી, પાણી અને ગટરની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડી હતી.

દિનકર મહેતાની મેયરની મુદ્દત પૂરી થવામાં હતી એ ગાળામાં ગુજરાતના તત્કાલીન રાજ્યપાલ કાનૂનગોને એક જાહેર કાર્યક્રમમાં દિનકરભાઈને મળવાનું થયું હતું. રાજ્યપાલે તેમને કહેલું કે તેઓ મેયર તરીકે ચાલુ રહે તેમ ઘણાં ઈચ્છે છે. આવું કોણ ઈચ્છે છે ?-ની પૃચ્છાનો જવાબ જ્યારે અમદાવાદના મિલમાલિકો એવો મળ્યો તો દિનકરભાઈને એટલે નવાઈ લાગી કે તેમણે તો મિલમાલિકો પર ભારે કરવેરા નાંખ્યા છે તો તેઓ શા માટે આવું ઈચ્છે ? ગવર્નરે તેનો પણ જવાબ આપતા કહેલું કે ભલે વેરા વધાર્યા પણ વહીવટ સુધર્યો છે અને લાંચ રૂશવત આપવી પડતી  નથી. એટલે મિલમાલિકો તમે મેયર તરીકે ચાલુ રહો તેવું ઈચ્છે છે. તો આવો હતો અમદાવાદના એકમાત્ર સામ્યવાદી મેયરનો શહેરનો વહીવટ.

શોષિત જનતાની અનેક પ્રજાકીય ચળવળોમાં દિનકર મહેતા કાયમ મોખરે રહેતા હતા. આઝાદી પહેલા અને પછીના લોકઆંદોલનોમાં અગ્રેસર રહેતા આ સંઘર્ષશીલ વ્યક્તિએ કુલ બાવીસ જેલવાસમાંથી પંદર તો આઝાદી પછી વેઠ્યા છે ! મેયરકાળમાં પણ આંદોલનકારી તરીકે તે એક મહિનો જેલમાં હતા ! ઇન્દિરા ગાંધીએ લાદેલી આંતરિક કટોકટીના તેઓ વિરોધી હતા પણ સરકારે તેમને જેલમાં નાંખ્યા નહોતા. એટલે ૧૯૭૬માં એ ગુજરાતના સો જેટલા ગામો ખૂંદી વળ્યા અને પલટાતા ગામડાં પુસ્તક લખ્યું હતું. દિનકરભાઈ રાજકારણી નહીં પણ સંઘર્ષશીલ રાજનેતા, લેખક અને વિચારક હતા. પરિવર્તન અને ક્રાંતિની ખોજમાં તે બે ભાગમાં આત્મકથા, પ્રવાસ કથા પલટાતા ગામડાં ઉપરાંત તેમણે કાર્લ માર્ક્સનું જીવનચરિત્ર અને સામ્યવાદનાં મૂળ તત્ત્વો  જેવાં  પુસ્તકો લખ્યાં છે.

સમાજના  છેવાડાના માણસોનું શોષણ અટકે અને તેઓ બરાબરીનું જીવન જીવે તે દિનકરભાઈનું કાયમનું સપનું હતું. ‘જે સિસ્ટમ પોતાના ગુલામોને પણ ના ખવડાવી શકતી હોય એ લાંબો સમય ટકી ન શકે.’ તેમ માનતા દિનકરભાઈની આત્મકથાનો બીજો ખંડ “ક્રાંતિ આવી રહી છે..”ના આશાવાદી સૂર સાથે પૂરો થાય છે. વર્ણ અને વર્ગમાં આડા અને ઊભા વહેરાયેલા-વહેંચાયેલા ભારતીય સમાજમાં બીજા પણ ભાતભાતના ભેદ છે. બંધારણ નિર્માતાઓ તમામ પ્રકારની સમાનતા માટે વચનબધ્ધ હતા. છતાં જાણે કે તે જોજનો દૂર છે.  જ્યારે પણ દેશમાં ખરા અર્થમાં સમાનતા સ્થપાશે અને શોષણવિહીન સમાજ બનશે ત્યારે તેના પાયાના પથ્થર તરીકે ડાબેરી વિચારધારાને સમર્પિત ક્રાંતિવીર દિનકર મહેતા યાદ આવશે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

3 January 2024 Vipool Kalyani
← ચૂંટણી વરસે એક પ્રગટ મંથન : ધર્મ વિ. રિલિજિયન
હાજી મહંમદ અલારખા શિવજી →

Search by

Opinion

  • સત્તાનું કોકટેલ : સમાજ પર કોણ અડ્ડો જમાવીને બેઠું છે? 
  • ખાદ્ય પદાર્થોની તપાસમાં તંત્રો નપાસ?
  • શબ્દો થકી
  • દર્શક ને ઉમાશંકર જેવા કેમ વારે વારે સાંભરે છે
  • જૂનું ઘર 

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved