આજની વાડીલાલ સારાભાઈ હોસ્પિટલથી છેક કોચરબ લગી પથરાયેલ એ અધિવેશનનું આખું આયોજન વલ્લભભાઈના અધ્યક્ષ પદે રચાયેલ સ્વાગત સમિતિએ સાત્યું હતું

Rare photo of Ahmedabad Congress 1921
બસ, હવે થોડા દિવસ અને અમદાવાદ કૉંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનનું યજમાન બનશે. અમદાવાદમાં અધિવેશનનું મળવું 1921 પછી પહેલી વારનું એટલે કે પૂરાં એકસો ચાર વરસે હશે. આજની વાડીલાલ સારાભાઈ હોસ્પિટલથી છેક કોચરબ લગી પથરાયેલ આ અધિવેશનનું આખું આયોજન વલ્લભભાઈના અધ્યક્ષ પદે રચાયેલ સ્વાગત સમિતિએ સાત્યું હતું : સ્વતંત્ર ભારતની લોકસભાના પ્રથમ અધ્યક્ષ ગણેશ વાસુદેવ માવળંકર અને સ્વાતંત્ર્યોત્તર ગુજરાતમાં ઉભરેલા એકના એક આંદોલન પુરુષ ઇન્દુલાલ યાજ્ઞિક સ્વાગત મંત્રીઓ હતા.

પ્રકાશ ન. શાહ
કાઁગ્રેસનાં આ બધાં વરસો નકરા રાજકીય પક્ષમાંથી ઊગીને એમાં જ આથમતાં નહોતા. એ એક નેશનલ પ્લેટફોર્મ શું વ્યાપક સામાજિક-સાંસ્કૃતિક આંદોલન હતું. એ જે મિજાજ, એ જે માહોલ એની સુરેખ છબી એ પ્રસંગે યોજાયેલ પ્રદર્શનમાં સ્વાગતવચનો ઉચ્ચારતા વલ્લભભાઈના ઉદ્દગારોમાંથી ઊપસી રહે છે : ‘ભર્તૃહરિએ કહ્યું છે કે સાહિત્ય, સંગીત અને કળા એ મનુષ્યનું લક્ષણ છે. એ ત્રણેયનો યોગ મહાસભા (કાઁગ્રેસ) સાથે કરીને આપણે આપણું મનુષ્યત્વ સિદ્ધ કરી રહ્યા છીએ.’
સ્વરાજ લડતની રીતે આ કાઁગ્રેસનું અદકેરું મહત્ત્વ હતું. અસહકાર આંદોલનની અસાધારણ સફળતાપૂર્વક એ મળી રહી હતી અને 1920માં તિલકની અર્થીને ખભો આપવા સાથે ગાંધીજી સમતા-સ્વતંત્રતાને સાંકળતા અભિગમપૂર્વક જે રીતે કેન્દ્રવર્તી ભૂમિકામાં ઉભર્યા હતા એનીયે તે સાહેદી હતી. વરાયેલા પ્રમુખ ચિત્તરંજન દાસ અટકાયતમાં લેવાતા પહોંચી શક્યા નહોતા અને હકીમ અજમલખાને અધ્યક્ષતા કરી હતી. પૂર્ણ સ્વરાજનો મુદ્દો ઉઠાવનારામાં મૌલાના હસરત મોહાની મુખ્ય હતા તો રશિયાબેઠે ઉદ્દામ દૃષ્ટિબિંદુપૂર્વક વૈકલ્પિક વિચારસામગ્રી વહેંચવા થકી ક્રાંતિકાર માનવેન્દ્ર નાથ રાય(એમ.એન. રોય)ની નીચે પરોક્ષ હાજરી હતી.
આ તો 1921ની એક આછીપાતળી ઝાંખી છે, પણ એનાયે ઓગણીસ વરસ પૂર્વે 1902માં અમદાવાદે કાઁગ્રેસ અધિવેશનની યજમાની સાહી હતી. અધ્યક્ષતા સુરેન્દ્રનાથ બેનરજીએ સંભાળી હતી. એમની ગર્જનઘેરી વક્તૃતા, અંગ્રેજ જીભે ઉચ્ચાર મુશ્કેલીવશ, સુરેન્દ્રનાથને ‘સરેન્ડર નૉટ’ તરીકે ઓળખાવતી. સ્વાગત પ્રમુખ ત્યારે અંબાલાલ સાકરલાલ દેસાઈ હતા, જેમની શાંતિદાસના જોડાની વારતા પલટાતી અર્થવ્યવસ્થા વચ્ચે ભાંગતાં ગામડાની દિલસોજ દાસ્તાં છે. એ ગયા ત્યારે રામાનંદ બાબુના ‘મોડર્ન રિવ્યૂ’માં અંજલિ રૂપ એવી એક ટિપ્પણી લખાવાની હતી કે કેટલીક બાબતોમાં એ ગાંધીપૂર્વ હતા.
હમણાં જ કહ્યું ને સ્વાતંત્ર્ય ચળવળના વડા કરણ રૂપ કાઁગ્રેસ ત્યારે એક સામાજિક-સાંસ્કૃતિક ચળવળ શી હતી. 1902ના અધિવેશનમાં ગુજરાતના જિલ્લે જિલ્લેથી લોક સામેલ થાય એની ઝુંબેશમાં જોડાયેલાઓમાં ગોવર્ધનરામ ને મણિલાલ નભુભાઈ જેવા સાક્ષરો પણ હતા. ત્યારે માંડ દસેકના ઇન્દુલાલને આત્મકથામાં સંભાર્યું છે કે ગોવર્ધનરામે એક નાનકડી સભામાં પાકી ચરોતરિયા બોલીમાં કાઁગ્રેસનું કાર્ય સમજાવેલું અને એક એક રૂપિયાની ફી ભરી એ બેઠકમાં જવા એલાન કરેલું.
1920ની આ કાઁગ્રેસ સાથે યોજાયેલ ઉદ્યોગ પ્રદર્શનનું ઉદ્દઘાટન સયાજીરાવ ગાયકવાડે કર્યું હતું તે આ લખતાં સાંભરે છે. વડોદરાની ગાયકવાડ રાજવટે 1857થી કિનારો કર્યો હતો, પણ એ જ રાજવટ કાઁગ્રેસના ઉગમ સાથે પરોક્ષ પણ સંકળાઈ શકતી હતી. મુદ્દે, સત્તાવનનો સ્વાભાવિક મહિમા છતાં એનું સ્વરૂપ સર્વજનસમાવેશી ને અખિલ હિંદ નહોતું – અથવા મુકાબલે ઓછું, ખાસું ઓછું હતું. પૂર્વે અંગ્રેજ રાજવટ જામતી ગઈ તેમાં વેપારી વર્ગની ખાસી સામેલગીરી ને કંઈક મેળાપીપણું પણ ભાગ ભજવી ગયું હશે. દિલ્હી સલ્તનતથી ઉફરાટે હિંદવી સ્વરાજનો નેજો શિવાજીએ સોજ્જો લહેરાવ્યો હશે, પણ પેશવાઈ આવતે અટકથી કટકનો કબજો છતાં એમાં એ સમાવેશી અભિગમ રહ્યો ન હતો જે ક્યારેક શિવ છત્રપતિમાં હોઈ શકતો હતો.
અંગ્રેજી રાજને સાંસ્થાનિક હકૂમત માત્ર લેખ ખતવી દેવું ખોટું અલબત્ત નથી, પણ અધૂરું અલબત્ત છે, કેમ કે એની રાજવટ કંઈક વ્યવસ્થા બાંધી આપનારી હતી. વેપારી વર્ગને, વ્યવસ્થા સ્થપાય તો, પલટાતી રાજવટનો કદાચ એવો ને એટલો વાંધો પણ નહોતો.
1857 જેમ સંગ્રામનું તેમ યુનિવર્સિટી-સ્થાપનનુંયે વર્ષ છે. જે નવશિક્ષિત વર્ગ આવ્યો એને ભણતરમાં આ રાજ થકી સુવાણનો અનુભવ થયો ને નવી દુનિયાનો પરિચય પણ. ફાર્બસનિમંત્ર્યા દલપતરામ વઢવાણથી પગે ચાલતા અમદાવાદ પહોંચ્યા, ચાંદા-સૂરજના મહેલમાં – આજના ખાનપુરના હોલી ડે ઈન વિસ્તારમાં – ત્યારે ઇતિહાસવસ્તુ તરીકે એમણે કાપેલું અંતર ગાઉમાં નહીં એટલું સૈકાઓમાં હતું – અને એ ઘટના સત્તાવન પૂર્વે બની હતી. દુર્ગારામ મહેતાજી માનવ ધર્મ સભા લઈને આવ્યા એ પણ સત્તાવન પૂર્વ સીમાઘટના હતી. અતિશયોક્તિ વગર, એવો ને એટલો વ્યાપ હો કે ન હો, રેનેસાંના નકશા પર કોલકાતા પછી કોઈ શહેર આવ્યું હોય તો તે સુરત હતું – અને મુંબઈ પણ તે પછી, જરી મોડેથી.
હવે આ જે નવો જમાનો બેસતો આવતો હતો એનું અચ્છું ચિત્ર મંડળી મળવા ને સભા રૂપે મળવા વિશે તરુણ નર્મદના નિબંધમાંથી મળી રહે છે – એ નિબંધ પણ સત્તાવનનાં ત્રણ-ચાર વરસ પર વંચાયેલો છે. ‘ડાંડિયો’ કાઢવાનાં એના પ્રાસ્તાવિક વચનોમાંયે ‘ટેબલ ટાંક’નું મહિમામંડન તમને જોવા મળશે.
એક રીતે જોતાં, કાઁગ્રસની 1885ની શરૂઆત આજના હિસાબે મોળી લાગે, પણ નવયુગના પદચાપ તરીકે તે ન તો મોળી હતી – ન તો મોડી પણ હતી.
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 26 માર્ચ 2025