એક તરફ ચૂંટણીપંચ લોકોને ગેરમાર્ગે દોરી રહ્યું છે. બીજી તરફ ગોદી મીડિયા ‘સ્પોન્સર્ડ ગોકીરો’ કર્યા કરે છે કે ‘રાહુલ ગાંધી સાચા હોય તો ચૂંટણી પંચને હલફનામા – સોગંદનામું – એફિડેવિટ કેમ આપતા નથી?’
ઘરમાં ચોરી થાય અને ઘર-માલિક પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા જાય અને પોલીસ ચોરી થઈ છે એવું માને જ નહીં અને ફરિયાદીને શંકાની નજરે જુએ તેવી આ વાત છે. પોલીસ ફરિયાદીને એફિડેવિટ કરીને આપવાનું કહે તો તે વિચિત્ર કહેવાય કે નહીં? રાહુલ ગાંધીએ ચૂંટણી પંચના જ દસ્તાવેજોનો ઉપયોગ કરી મતચોરી સાબિત કરી છે, તો સોગંદનામાની જરૂર શા માટે? ચૂંટણી પંચ પોતાની ભૂલ / ગરબડ માટે વિપક્ષના નેતા પાસે સોગંદનામું શા માટે માંગે છે?ઊલટા ચોર કોટવાલ કો ડાંટે?
વળી રાહુલ ગાંધી; નાના રૂમમાં 80 લોકો રહે છે તેના નામ મતદાર યાદીમાંથી દૂર કરાવી શકે? અરે પોતાના નામ સિવાય, બીજા કોઈનું નામ મતદાર યાદીમાંથી દૂર કરાવી શકે? શું રાહુલ ગાંધી કે બીજા કોઈ પાસે આવી સત્તા છે? બિલકુલ નહીં. આ કામ ચૂંટણીપંચે જાતે કરવાનું છે. રાહુલ ગાંધીએ મતદાર યાદીની ક્ષતિઓ દર્શાવી છે, તે દૂર કરવાની સત્તા રાહુલ ગાંધી પાસે નથી, આ સત્તા માત્ર ચૂંટણી પંચ પાસે જ છે.
જે સત્તા ચૂંટણી પંચ પાસે છે તેનો ઉપયોગ કરવાને બદલે ચૂંટણી પંચ રાહુલ ગાંધી પાસે એફિડેવિટ માંગીને લોકોની આંખોમાં ધૂળ નાખી રહ્યું છે. ચૂંટણી પંચ જે નિયમો ટાંકે છે તે સંદર્ભહીન છે. શપથ / સોગંદનામા જેવી ઔપચારિકતાઓનો આગ્રહ શા માટે? રાહુલ ગાંધીએ જે ડેટાનો ઉપયોગ કરેલ છે તે ડેટા ચૂંટણી પંચે જ આપેલો છે. રાહુલ ગાંધીએ તેમાં કોઈ સુધારા વધારા કર્યા નથી. ચૂંટણી પ્રક્રિયાની પ્રામાણિકતા અને વિશ્વસનીયતા અંગે મતદારોના મનમાં ઉદ્દભવતી શંકાઓને દૂર કરવી તે લોકશાહીના હિતમાં છે. આ કામ માટે જ ચૂંટણી પંચ છે. રાહુલ ગાંધીએ દર્શાવેલ ખામીઓને સરળતાથી દૂર કરી શકાય તેવી છે. રાષ્ટ્ર ખરેખર ચૂંટણી પંચ પાસેથી પ્રતિભાવ / સ્પષ્ટતા / શુદ્ધિકરણ ઇચ્છે છે.
મોદીજી ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે 2002માં તેમણે મુખ્ય ચૂંટણી કમિશનર લિંગડોહ સામે ઝેરીલી ઝૂંબેશ ચલાવી હતી. રમખાણોને કારણે જબરદસ્ત ધ્રુવીકરણ થયું હતું. મતોનો પાક લણવા મોદીજીએ તાત્કાલિક વિધાનસભા ભંગ કરી દીધી, જેથી ચૂંટણીઓ યોજાઈ શકે. અને બહુમતી સાથે સરકાર રચી શકે. પરંતુ લિંગડોહે ચૂંટણીની જાહેરાત કરી નહીં. તેમનો મત હતો કે સાંપ્રદાયિક તણાવ છે. ચૂંટણીઓ હિંસક બની શકે છે. 20 ઓગસ્ટ 2002ના રોજ, વડોદરા નજીક બોડેલીમાં એક જાહેર સભામાં, મોદીજીએ કહ્યું કે “ચૂંટણી પંચ બરાબર કામ કરી રહ્યું નથી કારણ કે જેમ્સ માઈકલ લિંગદોહ એક ખ્રિસ્તી છે, અને ઇટાલિયન ખ્રિસ્તી સોનિયા એન્ટોનિયો મૈનોના કહેવા પર કામ કરે છે !” તે વખતે મોદીજીએ કોઈ સોગંદનામું-એફિડેવિટ કરેલ નહીં. રાહુલ ગાંધીએ, મોદીજીની માફક, ચૂંટણી કમિશનર માટે હલકી વાત કરી નથી.
રાહુલ ગાંધી ચૂંટણી પંચને સવાલ કરે છે અને ભા.જ.પ. નેતાઓ તથા ગોદી મીડિયા રાહુલ ગાંધીને જૂઠા ઠરાવે છે; તેથી શંકા જાય છે કે ચૂંટણી પંચ ભા.જ.પ.નું કાર્યાલય તો નથીને?
માની લઈએ કે રાહુલ ગાંધી જૂઠા છે, ચૂંટણીપંચ દેવદૂત છે. તો ચૂંટણીપંચે રાહુલ ગાંધી સામે FIR નોંધાવવી જોઈએ કે રાહુલ ગાંધી ચૂંટણી પંચની માનહાનિ કરે છે, લોકોને ગેરમાર્ગે દોરે છે ! તેમને જેલમાં પૂરો ! ચૂંટણી પંચ રાહુલ ગાંધી સામે શા માટે FIR નોંધાવતું નથી?
[કાર્ટૂન સૌજન્ય : સતીષ આચાર્ય]
11 ઑગસ્ટ 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર