અફઘાનિસ્તાન જેવા દેશમાં પુરુષના આધાર વિના કંઈ જ થાય નહીં. હું મારા શિક્ષણનું શ્રેય મારા પિતાને આપું છું જેઓ તાલિબાનોના ડર અને દબાણની વચ્ચે પણ મને ભણાવવા કટિબદ્ધ હતા. કહેતા, ‘દુનિયાની તમામ ચીજો નાશ પામે છે કે પછી લૂંટાઈ જઈ શકે, પણ બુદ્ધિ અને શિક્ષણ એવી ચીજો છે જેનો નાશ નથી થતો, જેને લૂંટી શકાતી નથી. અમારું લોહી વેંચીને પણ અમે તને ભણાવીશું.’ એમના સાહસ અને ત્યાગની કિંમત હવે મને સમજાય છે.
— શબાના બાસિજ-રાસિખ
(સહસ્થાપક અને પ્રમુખ, સ્કૂલ ઑફ લીડરશીપ ઈન અફઘાનિસ્તાન ફોર ગર્લ્સ)
બે મહિના પહેલા આર્કાન્સાસની કૉલેજમાં ભણતી નાહીદ ઇસ્સર, ડોક્ટરેટની તૈયારીમાં વ્યસ્ત હતી. અમેરિકાના સૈન્યની વાપસી અને તાલિબાનોની આગેકૂચના સમાચારો તેના શ્વાસને અદ્ધર કરતા હતા કારણ કે તેનું કુટુંબ અફઘાનિસ્તાનમાં હતું. પછી તો તાલિબાને આફઘાનિસ્તાન કબજે કર્યું ને તેની ઊંઘ વેરણ થઈ ગઈ. મોડી રાત્રે કે વહેલી સવારે ઘેરથી ફોન આવતા ત્યારે એક જ ચિંતા તેને ખાઈ જતી, બધા સલામત તો હશે ને? કોણ જીવતું હશે? કોણ ક્યાં ગુમ થઈ ગયું હશે? તેઓ એકબીજાને સધિયારો આપવાની કોશિશ કરતા. વીસ વર્ષ સુધી અફઘાન મહિલાઓ શાળામાં જતી. પુરુષોની જેમ ભણતી. કારકીર્દી બનાવતી. કલાકાર, કર્મશીલ કે અભિનેત્રી બની શકતી. હવે, નાહીદ અને તેના જેવી લાખો યુવતીઓનું ભવિષ્ય અંધકારમય બન્યું છે. તેઓ દેશ છોડવા કે પછી છુપાઈને અનિશ્ચિત ભવિષ્યની રાહ જોવા મજબૂર બની છે.
2003માં અફઘાનિસ્તાનમાં એક ફિલ્મ બની હતી, ‘ઓસામા’. એમાં બારતેર વર્ષની એક છોકરીની વાત હતી. એ છોકરીના પિતા રશિયા સામેની લડાઈમાં માર્યા ગયા હતા. તાલિબાનો આવ્યા અને બુરખા વિના, પુરુષ વિના બહાર નીકળવાની બંધી થઈ. મા જ્યાં નર્સ હતી એ હૉસ્પિટલ પર તાલિબાનોએ તાળાં માર્યાં. હવે ઘરમાં કોઈ કમાનાર રહ્યું નહીં. દાદી અને માએ છોકરીને સમજાવી અને તેના વાળ કાપી, છોકરાનાં કપડાં પહેરાવી એક ઓળખીતા દૂધના વેપારીને ત્યાં ‘ઓસામા’ નામથી કામે રાખી (ઓસામા એટલે સિંહ જેવો બહાદુર). થોડા દિવસમાં તાલિબાનો એ વિસ્તારના છોકરાઓને ધર્મ અને યુદ્ધની ‘ટ્રેનિંગ’ માટે ઉઠાવી ગયા. ઓસામાને પણ. મૌલવી પાસે તાલીમ લેતાં આખરે એક દિવસ પકડાયું કે ઓસામા છોકરો નહીં, પણ છોકરી છે. સજા રૂપે એને એ જ વૃદ્ધ મૌલવીને પરણવું પડ્યું. ફિલ્મના અંતે ભેદી કિલ્લા જેવા ઘરમાં આ નવી દુલ્હનને આવકારતા મૌલવી કહે છે, ‘જો, મારી દરમિયાનગીરીથી તું મરતી બચી. હવે હું તને આ તાળાં બતાવું છું. તું પસંદ કરીશ એ તાળું તારા કમરા પર મરાશે. આવી સ્વતંત્રતા મેં મારી કોઈ બીબીને નથી આપી!’ સ્વતંત્રતા શબ્દનો આવો અર્થ આપણને સ્તબ્ધ જ કરી મૂકે!
આ ભલે ફિલ્મની વાર્તા છે, પણ વાર્તાઓ અને ફિલ્મો જિંદગીમાંથી જ તો જન્મે છે. શબાના બાસિજ-રાસિખ નામની એક અફઘાન યુવતીને આપણામાંના અમુક જાણતા હશે. તેનો જન્મ અફઘાનિસ્તાનના કાબુલમાં થયો. અમેરિકાનું લશ્કર અફઘાનિસ્તાનમાં પહોંચ્યું તે પહેલાની વાત. તાલિબાનોનું જોર વધ્યું અને છોકરીઓનાં શિક્ષણ પર, પુરુષ વિના ને બુરખા વિના સ્ત્રીના બહાર નીકળવા પર પ્રતિબંધ મુકાયો ત્યારે શબાના છ વર્ષની હતી.
સંજોગો મુશ્કેલ હતા, પણ તેના પિતાએ પછીનાં છ વર્ષ સુધી તાલિબાનોની ખફગીની પરવા કર્યા વિના શબાના અને એની બહેનોને છોકરાનાં કપડાં પહેરાવી શાળામાં મોકલવાનું ચાલુ રાખ્યું. તેના જેવી બીજી છોકરીઓ પણ હતી. છોકરાનાં કપડાં પહેરી એ બધી એક ગુપ્ત શાળામાં ભણવા જતી. વહેમાયેલા તાલિબાનો ધમકીઓ આપતા, હુમલા કરતા. છોકરીઓ ગભરાઈને કહેતી, ‘અમારે નથી ભણવું.’ પણ માતાપિતા ભણાવતાં. એક વાર તો શબાના અને તેના પિતાને બૉમ્બ-બ્લાસ્ટથી જરાક માટે બચી ગયા.
સદ્દભાગ્યે ‘યસ’ એક્સચેન્જ પ્રોગ્રામમાં શબાનાને અમેરિકા જઈ ભણવા મળ્યું અને તે વર્મોન્ટની મિડલબરી કૉલેજથી ગ્રેજ્યુએટ થઈ. કોલેજકાળ દરમિયાન તેણે ‘હેલા’ નામની, શિક્ષણ દ્વારા અફઘાન સ્ત્રીઓના સશક્તીકરણ માટે કામ કરતી એન.જી.ઓ. શરૂ કરી.
‘મારી મા નાની હતી ત્યારે સમય સારો હતો. મારા નાના તેને ભણાવી શક્યા. મા ભણેલી હતી એટલે એ અમને ભણાવી શકતી.’ શબાના કહે છે, ‘પણ અફઘાનિસ્તાન જેવા દેશમાં પુરુષના આધાર વિના કંઈ જ થાય નહીં. હું મારા શિક્ષણનું શ્રેય મારા પિતાને આપું છું જેઓ તાલિબાનોના ડર અને દબાણની વચ્ચે પણ મને ભણાવવા કટિબદ્ધ હતા. કહેતા, દુનિયાની તમામ ચીજો નાશ પામે છે કે પછી લૂંટાઈ જઈ શકે છે. બુદ્ધિ અને શિક્ષણ એવી ચીજો છે જેનો નાશ નથી થતો, જેને લૂંટી શકાતી નથી. અમારું લોહી વેંચીને પણ, અમે તમને ભણાવીશું. મારા માતાપિતાના સાહસ અને ત્યાગની કિંમત હવે મને સમજાય છે.’
અમેરિકા જઈને એણે જે દુનિયા જોઈ તેનાથી તે સ્તબ્ધ બની ગઈ. અફઘાન છોકરીઓને પણ આવી તક મળવી જોઈએ – તેના મનમાં એક બીજ વવાયું અને અંકુરિત થતું ગયું. ગ્રેજ્યુએટ થઈને તે અફઘાનિસ્તાનમાં પાછી ફરી. સોલા – ‘સ્કૂલ ઑફ લીડરશીપ ઈન અફઘાનિસ્તાન’ નામની છોકરીઓ માટેની પ્રાઈવેટ બૉર્ડિંગ સ્કૂલની તે સહસ્થાપક અને પ્રમુખ છે. 10થી 18 વર્ષની ઉંમર સુધીની અફઘાન છોકરીઓ અહીં રહેતી અને ભણતી.
સોલાની સ્થાપના 2008માં થઈ. તે વખતે તે હજી અમેરિકામાં ભણતી હતી. ત્યાં એણે યુ.એન.ના એક અહેવાલમાં, અફઘાનિસ્તાનમાં હાઈસ્કૂલ સુધી પહોંચતી સ્ત્રીઓ માત્ર છ ટકા છે એવું વાંચ્યું ત્યારે તેને આ અભાગી સ્ત્રીઓની પ્રતિનિધિ તરીકેની પોતાની જવાબદારીનો અહેસાસ થયો.
2008થી 2016 સુધીમાં અનેક અફ્ઘાન છોકરીઓ સ્કૉલરશીપ મેળવીને અમેરિકા આવીને ભણી. સોલાનું મિશન, અફઘાનિસ્તાનની ઉછરતી પેઢીને ‘ફ્યુચર ચેન્જ મેકર્સ’ તરીકે તૈયાર કરવાનું છે. સમસ્યાઓથી દૂર ભાગવાનું કે ડરવાનું છોડી સમસ્યાઓનો સામનો કરતાં શીખવવાનું છે.
શબાનાએ પોતાની કારકિર્દી અફઘાનિસ્તાનના પડકારો સામે લડવા માટે સમર્પિત કરી છે. તેના કામથી આખી દુનિયાનું ધ્યાન તેના પ્રત્યે ખેંચાયું. 2018માં તેને મલાલાઈ મેડલ મળ્યું. આ મેડલ અફઘાનિસ્તાનનું સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન ગણાય છે. તે કહે છે કે છોકરીઓને શિક્ષણ આપવાથી દુનિયા ઘણાખરા પડકારો સામે લડવા સજ્જ થઈ જશે. આરોગ્યથી માંડી પર્યાવરણ અને ગરીબી જેવી સમસ્યાનો ઉકેલ છોકરીઓને ભણતી કરવામાં છે. ‘સમસ્યા એ નથી કે 130 મિલિયન છોકરીઓ જે અત્યારે શાળામાં નથી જતી, સમસ્યા એ છે કે આપણે તેમને આપણા પડકારોના ઉકેલની શક્યતાઓ તરીકે જોઈ નથી શકતા.’
‘મારામાં બહાદુરીનો વારસો છે. એક અફઘાન મહિલાએ મને એના ઘરમાં રહી ભણવાની સગવડ આપી હતી, એ વખતે, જ્યારે એ અપરાધ ગણાતો હતો, તેણે એવી હિંમત કરી કેમે કે તે જાણતી હતી કે છોકરીઓ ભણશે તો જ અફઘાનિસ્તાનની પ્રગતિ થશે. હું અમેરિકા આવી ત્યારે 15 વર્ષની હતી. મુક્તપણે ભણી શકવું એટલે શું તેની ખબર અમેરિકન છોકરીઓને નહોતી, મને હતી. બે વર્ષ પછી હું કૉલેજમાં દાખલ થઈ ત્યાં સુધીમાં મારામાં જબરદસ્ત ફેરફાર થઈ ગયો હતો. જ્યારે મેં અફઘાનિસ્તાનમાં ભણતી છોકરીઓની ટકાવારી વિશે જાણ્યું ત્યારે મેં નક્કી કર્યું કે હવે કંઈક કરવું જ પડશે. અને અમે સોલા શરૂ કરી. અહીંથી ભણીને છોકરીઓ પોતપોતાના ગામમાં જાય છે ત્યારે પોતાના શિક્ષણ અને કૌશલ્યોને લઈને જાય છે.’
પણ અત્યારે શબાના રવાન્ડામાં છે. ત્યાં કેમ? ‘અમેરિકાએ પોતાનાં દળો પાછાં ખેંચ્યા એ અમારા માટે ખતરાની ઘંટી હતી. પછી ઝડપથી જે બનતું ગયું તે ભયાનક દુ:સ્વપ્નથી કમ ન હતું. અમે છોકરીઓને તેમને ઘેર મોકલી ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખ્યું. તેમણે વિદ્યુત સપ્લાય બંધ કર્યો. મોબાઈલ અને લૅપટોપ ચાર્જ કેવી રીતે કરવા? અમે પરસ્પર સંપર્ક ગુમાવી બેઠા. હવે સ્ટડી એબ્રોડનો વિકલ્પ જ બચ્યો હતો. અમારા બધા દસ્તાવેજો બાળી નાખી મેં દેશ છોડ્યો. અહીં સોલા ચાલુ કર્યું છે, ત્રણસો જેટલી એડમિશન એપ્લીકેશન પણ આવી છે, પણ હું આઘાતમાંથી બહાર આવી નથી. દસ્તાવેજોને ચાંપેલી આગે મારા શરીરનું અણુએ અણુ બદલી નાખ્યું છે. અફઘાનિસ્તાન મૂળ કબીલાઓનો દેશ છે. એકતા અમે કદી જોઈ નથી. પણ મારી નજર યુવાન અફઘાનીઓ પર છે. આજે દેશના 70 ટકા લોકો 25 વર્ષના કે એનાથી નાના યુવાનો છે. એ લોકો અફઘાન પ્રજાના ભલા માટે જે લડત ઉપાડશે એમાં ઇંધણ થઈ હોમાવા મારા જેવા અનેક તૈયાર બેઠા છે. વધુ શું કહું?’
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 03 ઑક્ટોબર 2021