ઓનલાઈન ટોક્સિક …
જ્યારે મેં પહેલીવાર સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું ત્યારે હું 11 વર્ષની હતી. મારું પહેલું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ હતું, જ્યાં મને મોટા ભાગના નકારાત્મક ઓનલાઇન અનુભવો થયા હતા.
શરૂઆતમાં તો ઠીક જ ચાલતું હતું. મને ફોલોઅર્સ મળવાના શરૂ થયા હતા, મુખ્યત્વે શાળામાંથી મિત્રો બન્યા હતા. મને ત્યારે તેનાં જોખમોનો અંદાજ નહોતો.
હું 8 વર્ષની હતી ત્યારે તેની શરૂઆત થઈ હતી. શાળાના કેટલાક મિત્રો સાથે મતભેદ હતો, જેના કારણે અમે થોડા મહિનાઓ સુધી અબોલા હતા. તે વ્યક્તિગત રીતે શરૂ થયું અને પછી ધીમે ધીમે ઓનલાઇન દલીલમાં પરિણમ્યું.
મારા પર બહુ ગંદી કોમેન્ટ્સ કરવામાં આવી, મારા દેખાવ વિશે ખરાબ બોલવામાં આવ્યું, મને મરી જવાનું કહેવામાં આવ્યું.
મેં આ વિશે ક્યારે ય કોઈને કહ્યું નહોતું કારણ કે મને સાચે જ લાગતું હતું કે મારામાં ખામી છે અને મારી સાથે આવું જ થવું જોઈએ.
હું મારા વિશે કહેવામાં આવતી દરેક નાનામાં નાની વાત પર વિશ્વાસ કરવા લાગી હતી. તેનાથી મારા આત્મવિશ્વાસ પર ઘણી અસર થઈ.
હું જેને મારા ‘ફ્રેન્ડઝ’ માનતી હતી એ લોકો મારી વિરુદ્ધ થઇ ગયા હતા એટલું જ નહીં, તેમણે મને પણ મારી વિરુદ્ધ કરી દીધી હતી. મને મારા પ્રત્યે નફરત થઇ હતી અને મને એવું લાગવા માંડ્યું હતું કે દુનિયા મારા વગર બહેતર જગ્યા હશે.
— 15 વર્ષની એક છોકરીની કેફિયત
—————————–

રાજ ગોસ્વામી
નેટફ્લિક્સ પર આજકાલ ‘એડોલસન્સ’ નામની બ્રિટિશ ક્રાઇમ ડ્રામા સિરીઝ ખૂબ ચર્ચામાં છે. તેમાં એક એવા કિશોરની વાર્તા છે જે ઓનલાઈનની દુનિયામાંથી સ્ત્રી-વિરોધી માનસિકતાનો શિકાર બન્યો છે અને તેની સહપાઠી કિશોરીની હત્યાનો અપરાધી બની જાય છે. સિરીઝની કથાવસ્તુ હત્યા છે, પરંતુ તેનો અસલી મકસદ કિશોર યુવાનની માનસિકતા અને તેના પરના પ્રભાવોને ઉજાગર કરવાનો છે.
એટલા માટે આ સિરીઝ ‘હર ઘર કી કહાની’ બનીને આખી દુનિયાના લોકોએ સ્પર્શી ગઈ છે. બ્રિટિશ વડા પ્રધાન કિયર સ્ટાર્મરે પણ ચાર હપ્તાની આ વેબ સિરીઝની પ્રશંસા કરી છે. તેમણે એમ પણ કહ્યું કે આ મુદ્દાને ગંભીરતાથી લેવો જોઈએ. દરેક બાળકને શાળામાં પણ આ સિરીઝ બતાવવી જોઈએ.
એડોલસન્સ એટલે કિશોરાવસ્થા. સામાન્ય રીતે 12થી 17 વર્ષની વય વચ્ચેનો એ એવો સમયગાળો છે જેમાં બાળકો સાચું-ખોટું, સારું-ખરાબ શીખી લેતાં હોય છે. વિજ્ઞાન પણ માને છે કે વ્યક્તિનાં જીવનનો આ તબક્કો ખૂબ જ નાજુક હોય છે. સોશિયલ મીડિયાના યુગમાં, આ માત્ર નાજુક જ નહીં, ખૂબ મુશ્કેલ પણ છે.
વાર્તા ઇંગ્લેન્ડના એક નાનકડા અને શાંત નગરમાં આકાર લે છે. 13 વર્ષના એક છોકરા જેમી મિલરની તેના ઘરમાંથી ધરપકડ કરવામાં આવે છે. તેના પર તેની સહપાઠી કેટીની હત્યાનો આરોપ છે. તે સાથે જ બાળક અને તેના પરિવારની જિંદગી કાયમ માટે બદલાઈ જવાની શરૂઆત થાય છે.
તેના પિતાને ખાતરી છે કે પુત્ર નિર્દોષ છે. જેમી પણ પિતાને સતત એવું કહેતો રહે છે કે ‘મેં કશું ખોટું નથી કર્યું.’ આ બયાન માત્ર ખુદને બચાવવા માટેનું જૂઠ નથી, જેમી ઓનલાઈનની દુનિયામાં જે રીતે સેક્સ અને હિંસા જોઇને મોટો થયો છે તે જોતાં તેને એ હકીકતનો અહેસાસ જ નથી કે તેણે કશું ખોટું કર્યું છે!
એટલા માટે તો પોલીસ વિભાગની એક મનોશાસ્ત્રી મહિલા તેને ધારદાર રીતે પૂછે છે પણ ખરી કે મરી જવું કોને કહેવાય તે તને ખબર છે ખરી. જેમીને એવું વારંવાર યાદ પણ કરાવું પડે છે કે કેટી મરી ગઈ છે. જેમીને ખ્યાલ જ નથી કે કોઈનું મરી જવું એટલે શું. ઓનલાઈનની દુનિયામાં હિંસા કેટલી નોર્મલ થઇ છે કે કિશોરો તેમની સંવેદના પણ ગુમાવી દે છે.
આખી સિરીઝ વાતચીતના ફોર્મેટમાં છે. તેની પોલીસ તપાસ શરૂ થાય છે. છોકરો સગીર હોવાથી, તેની પૂછપરછ દરમિયાન પિતાને તેની સાથે રહેવાની મંજૂરી મળે છે. ટેબલની એક બાજુ બે તપાસકર્તાઓ બેઠા હોય છે. બીજી તરફ, આરોપી બાળક અને તેના પિતા. પોલીસ એક પછી એક આરોપ લગાવે છે, બાળક ના પાડે છે.
પરંતુ છેલ્લે તેને સી.સી.ટી.વી. ફૂટેજ બતાવવામાં આવે છે. એમાં સ્પષ્ટ દેખાય છે કે કેટીનું જે સમયે મોત થયું હતું ત્યારે જેમીએ તેનો પીછો કર્યો હતો, અને અગાઉ કેટીએ તેને ધક્કો પણ માર્યો હતો.
જે ચીજો વયસ્ક લોકો માટે સામાન્ય હોઈ શકે છે તે એક કિશોરના સમગ્ર જીવનને કેવી રીતે આકાર આપી શકે તે આ સિરીઝનો મુખ્ય વિષય છે. જેમ જેમ વાર્તા આગળ વધે છે તેમ તેમ તે સોશિયલ મીડિયાના અંધકારને ઉજાગર કરે છે. તે કિશોરોમાં થતા માનસિક વિકાસ અને વર્તણૂકના ફેરફારો પણ દર્શાવે છે.
તેમાં બહાર આવે છે કે જેમી સોશિયલ મીડિયા પર ઇન્સેલ સંસ્કૃતિ સાથે સંબંધિત સાયબર બુલિંગનો ભોગ બન્યો છે. ઇન્સેલ શબ્દ નવી પેઢીનો શબ્દ છે (સિરીઝમાં એવા ઘણા શબ્દોની ચર્ચા છે જે વયસ્ક લોકોને આવડતા પણ નથી). તે ઇનવોલંટરી સેલિબસી(અનૈચ્છિક બ્રહ્મચર્ય)નું ટૂંકું નામ છે, જે ઓનલાઇન સંસ્કૃતિ સાથે સંકળાયેલું છે. તે એવા લોકોના સમૂહનો ઉલ્લેખ કરે છે જેઓ પોતાને રોમેન્ટિક અથવા જાતીય સાથીદાર મેળવવામાં અસમર્થ માને છે.
ઇન્સેલ સમુદાયના સભ્યો વખતોવખત સ્ત્રીઓ અને છોકરીઓને દોષ આપે છે, તેમને વસ્તુઓ તરીકે જુએ છે અને તેમનું અપમાન કરે છે. કેટીએ ઇન્સ્ટાગ્રામ પર જેમીને ઇન્સેલ કહીને તેની મજાક ઉડાવી હતી, જેનાથી જેમી ગુસ્સા અને નફરતથી ભરાઈ ગયો હતો. આ સિરીઝ જેમીની પરેશાન માનસિકતા, તેના તૂટેલા પરિવાર અને સામાજિક દબાણને દર્શાવે છે જે આખરે તેને ટ્રેજેડી તરફ દોરી જાય છે.
આ સિરીઝ ખાલી ક્રાઈમ ડ્રામા નથી; તે આધુનિક સમયમાં પેરન્ટીંગ સામે આવતા પડકારોનો અરીસો છે. આ શો માતા-પિતાને યાદ અપાવે છે કે આજના ડિજિટલ યુગમાં બાળકોની ઓનલાઇન પ્રવૃત્તિઓ પર નજર રાખવી કેટલી મહત્ત્વપૂર્ણ છે.
સિરીઝમાં અંતે પિતા જેમીને યાદ કરીને તેની પત્ની પાસે દુઃખદ એકરાર કરે છે કે તે દીકરાને બચાવી ન શક્યો. એ માત્ર સજાથી બચાવાની વાત નથી. ઓનલાઈન સંસ્કૃતિથી બચાવાની વાત પણ છે. ઘણી વખત, એવું થઇ જતું હોય છે જે કોઈના હાથમાં નથી હોતું. આપણે ઘણીવાર કોઈને અજાણતાં એટલું દુઃખ પહોંચાડીએ છીએ કે જ્યારે તે વ્યક્તિ કોઈ મોટું પગલું ભરે છે ત્યારે આપણને તે દુઃખની ખબર પડે છે.
ઘણી વખત કોઈ વ્યક્તિના ગયા પછી એવું ભાન થાય છે કે આપણું પગલું તેનો જીવ બચાવી શક્યું હોત અથવા કોઈ અનિચ્છનીય ઘટનાને અટકાવી શક્યું હોત. પિતા જેમીના રૂમમાં તેની વસ્તુઓને આલિંગનમાં ભરીને રડે છે, તેની આંખો ફૂલી જાય છે અને પછી એક ઊંડા શ્વાસ સાથે તેને ખ્યાલ આવે છે કે કદાચ નહીં … હું કંઈ પણ બદલી શક્યો ન હોત. પિતાની આ બેબસી આ સિરીઝનો સૌથી હ્રદયદ્રાવક હિસ્સો છે, જે દર્શકોને અંદર સુધી તોડી નાખે છે.
આ સિરીઝ શિક્ષણ અને સમાજ વચ્ચે કેટલી ઊંડી ખાઈ છે તે સમજવાની પણ તક આપે છે. સિરીઝ માત્ર બાળકોનાં માનસિક સ્વાસ્થ્ય પર જ પ્રકાશ પાડતી નથી, પરંતુ તે પણ દર્શાવે છે કે કેવી રીતે આજની સ્કૂલો અને શિક્ષણ વ્યવસ્થા ઘણીવાર આવા મુદ્દાઓનો સામનો કરવામાં નિષ્ફળ જાય છે. જેમી અને કેટીની વાર્તા આપણને આપણી શિક્ષણ વ્યવસ્થામાં શું અભાવ છે અને તેને કેવી રીતે સુધારી શકાય તે વિશે વિચારવા માટે પ્રેરિત કરે છે.
સિરીઝમાં માત્ર હત્યાની જ ઘટના છે, બળાત્કાર નથી, પરંતુ દરેક એપિસોડ કિશોરવયના છોકરાઓની જાતીય માનસિકતાથી ઉભરાય છે. આ વાર્તા ટોક્સિક મેસ્ક્યુલિનિટી (હિંસક મર્દાનગી) તરફ નિર્દેશ કરે છે. ટોક્સિક મેસ્ક્યુલિનિટી એક એવી બાબત છે જેમાં લોકો મહિલાઓ અથવા છોકરીઓ માટે તેમના મનમાં ઝેર પેદા કરી લે છે અને તેમના જીવનમાં આવતી દરેક સમસ્યા માટે તેમને જવાબદાર ઠેરવે છે.
હું અહીં પાંચ એવી બાબતો લખું છું, જે આ સિરીઝમાંથી સમજવા જેવી છે :
૧. કિશોરોમાં બહુ ઝડપથી પુરુષ થઈ જવાની તાલાવેલી હોય છે તે વર્તમાન સમયની કડવી સચ્ચાઈ છે. અને વયસ્કોની મુશ્કેલી એ છે કે પૌરુષત્વ કોને કહેવાય તે સમજાવતાં આવડતું નથી.
૨. ડિજિટલ દુનિયામાં સ્ત્રીઓને વસ્તુ તરીકે પ્રસ્તુત કરવાનું ચલણ એટલું વધી ગયું છે કે કિશોરો તેને જ હકીકત માનીને મોટાં થાય છે.
૩. કિશોરી(અને કિશોરીઓ)ની સેક્સની સમજ પોર્નોગ્રાફીમાંથી આવે છે (અને તે પોર્નોગ્રાફી હિંસક અને સ્ત્રી વિરોધી હોય છે).
૪. આજના કિશોરોનું આત્મ સન્માન (બદ્દનસીબે) કેટલી કિસ કરી, કેટલો સેક્સ કર્યો, કેટલી છોકરીઓને ફેરવી તેની સાથે જોડાઈ ગયું છે (વયસ્ક પુરુષો પણ આ જ વર્ગમાં આવે છે). પ્રેમ શું કહેવાય, દરકાર શું કહેવાય, આદર શું કહેવાય, સ્ત્રી સમાનતા શું કહેવાય તે સમાજમાં કોઈ શીખવાડતું નથી.
૫. કિશોરોને છોકરીઓની જેમ દુઃખી થવા કે રડવા દેવાતા નથી. “છોકરી જેવું ના કર” એ તેનું પહેલું સ્ત્રી વિરોધી “શિક્ષણ” હોય છે. પરિણામે તેઓ સંવેદના અને લાગણીઓના અભાવમાં મોટા થાય છે. બળાત્કારનું અને સ્ત્રી વિરોધી હિંસાનું મોટું કારણ આ પણ છે.
પ્રગટ : ‘સુખોપનિષદ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ચિત્રલેખા”; 21 ઍપ્રિલ 2025
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર