
રવીન્દ્ર પારેખ
એ ખરું કે સલાહ લેવાનું ભાગ્યે જ કોઈને ગમતું હોય છે, પણ સલાહ આપવાનું તો ભાગ્યે જ કોઈ ચૂકે છે. જરૂરી નથી કે સલાહકાર, જાણકાર હોય. જો કે, જાણકારો પણ આંગળી ચીંધ્યાનું પુણ્ય કમાઈ લેવા, સમૂહ માધ્યમોમાં સલાહ આપતા જ રહે છે. સલાહ આપનારનો હેતુ મદદ કરવાનો જ હોય છે, પણ એ કોઈ જોતું નથી કે સલાહ લેવા કોઈ ઈચ્છે છે કે કેમ? આ કહેવાતી સલાહમાં પણ હોય છે તો હુકમો જ ! આ કરો, આ ન કરો, આ જાણો, આ ન જાણો. આમ તો સલાહનો ટોન જ ફરજ પાડવાનો છે. આવી સલાહ હવે છાપાં પણ આપે છે. એક દિવસ દૂધ પીવાના ફાયદા બતાવાય છે, તો બીજે દિવસે દૂધ હાનિ કરે છે એવું પણ એ જ કોલમિસ્ટ કહે છે. એક દિવસ માંડ દૂધ ચાલુ કર્યું હોય તે બીજી દિવસે હાનિની વાત છપાતાં દૂધ છોડી પણ દે છે. એક જગ્યાએ હતું – કબજિયાત છે? તો હિંગ, અજમા ને તજનું સેવન કરો. આ તો સાચી સલાહ હતી, પણ કેટલાક લેભાગુઓ એવી સલાહ આપે છે કે એ મુજબ સેવન કરવા જતાં હેવન સુધી ઊભા જ નથી રહેતા.
એક દિવસ એક ખેડૂતે બીજા ખેડૂતને પૂછ્યું, ‘કાલે તારા બળદને તેં શું પાયું હતું.?’ પેલાએ કહ્યું, ‘એરંડિયું.’ બીજે દિવસે ખેડૂતે બીજાને કહ્યું, ‘કાલે મારા બળદને એરંડિયું પાયું તો એ તો મરી ગયો.’ પેલાએ કહ્યું, ‘મરી તો મારો પણ ગયો હતો.’
સલાહ લેવા જતાં આવું પણ થાય છે.
એ વાત છાપે ચડી છે કે નર્મદ યુનિવર્સિટીને સરકારી ગ્રાન્ટ ઓછી પડી, તો તેણે વિધિવત કાર્યવાહી કરીને જમીન ભાડે આપવાનું ઠરાવ્યું. એનો વિરોધ થયો તો ભાડે આપવાનો નિર્ણય રદ્દ કરી દેવાયો. નિર્ણય બરાબર જ હતો ને એવું યુનિવર્સિટી જાહેર કરી ચૂકી હતી, તો તે બદલવાનો અર્થ તો એવો થાય કે અગાઉ લેવાયેલો નિર્ણય ખોટો હતો. કોઈ પણ નિર્ણય એકલદોકલ લેવાતો નથી. તે કાઉન્સિલની ભલામણથી બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા મંજૂર થયો હોય છે ને એ જ નિર્ણય બીજે દિવસે ઉલટાવી દેવામાં આવે તો તે કાઉન્સિલ અને બોર્ડની માનસિકતા અંગે સવાલો ઊભા કરે એમ બને. નિર્ણયમાં બાંધછોડ સારી વાત છે, પણ નિર્ણયની મક્કમતા પણ વિશ્વસનીયતા ઊભી કરે છે એ વાત નજરઅંદાજ ન થવી જોઈએ.
મંગળવારે એક સમાચાર લગભગ બધાં જ છાપાંમાં આવ્યા, તે એ કે હવેથી સમોસા, જલેબી, પિત્ઝા, લાડુ જેવી ફાસ્ટ ફૂડ આઈટેમ્સ પર તેમાં કેટલી ખાંડ કે કેટલું તેલ છે તેની ચેતવણી આપતું સ્ટિકર લગાડવાનું રહેશે. આ ફરમાન આરોગ્ય મંત્રાલયે બહાર પાડીને બધી કેન્દ્રીય સંસ્થાઓને આદેશ આપ્યો કે ફાસ્ટ ફૂડમાં કેટલાં ખાંડ કે તેલ છે તેનાં બોર્ડ લગાવે. ટૂંકમાં, ચા-બિસ્કિટથી લઈને બધાં જંક ફૂડને તમાકુ આઇટેમ જેવી કેટેગરીમાં મૂકવાની વાત છે. ભવિષ્યમાં જમવાનું લેબલિંગ પણ સિગારેટના પેકેટ પર લાગેલી ચેતવણી જેટલું જોખમી થાય તો નવાઈ નહીં ! આવી ચેતવણીઓ પાછળનો હેતુ લોકોને એ જાણકારી આપવાનો છે કે તેઓ જે ખાઈ રહ્યા છે તે જાણી સમજીને ખાઈ રહ્યા છે. એક સમય એવો પણ હતો કે વડીલો, બાળકોને જાડાપાડા થવાનો આશીર્વાદ આપતાં, પણ હવે સ્થૂળતા શરીરને અનેક રોગોનું ઘર બનાવે છે. દર પાંચ વ્યક્તિએ એક વ્યક્તિ સ્થૂળતાનો શિકાર છે. એક એવો અહેવાલ આવ્યો છે કે 2021માં 18 કરોડ લોકો સ્થૂળતાથી પીડિત હતા, તે 2050 સુધીમાં 44.9 કરોડ લોકો સ્થૂળતાથી પીડાતા હશે ને એને લીધે ડાયાબિટીસ, હૃદય રોગ, હાઈ બ્લડપ્રેશર જેવી બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે ને વધશે. એ સંદર્ભે આરોગ્ય મંત્રાલયે ચેતવણીનાં પગલાં લેવા માંડ્યાં છે. એમ પણ કહેવાય છે કે આ ચેતવણીને પ્રતિબંધ તરીકે ન જોવી. કહેવાનું એટલું જ છે કે લોકો ગુલાબજાંબુમાં 5 ચમચી ખાંડ છે એ જાણીને ખાય. એમ પણ કહેવાય છે કે આ નિયમો કેન્દ્રીય સંસ્થાનો, જેમ કે એઇમ્સ, આઇ.આઇ.ટી. ને અન્ય સંસ્થાનોની કેન્ટીનો પર લાગુ થશે. જો કે, એઈમ્સ, નાગપુરે તો બોર્ડ લગાવવાનું શરૂ પણ કરી દીધું છે.
આ ફરમાન આરોગ્ય મંત્રાલયે મંગળવાર, 15 જુલાઈ, 2025ને રોજ આપ્યું ને એ જ આરોગ્ય મંત્રાલયે એ જ મંગળવારે બીજો ફતવો બહાર પાડીને એ સ્પષ્ટતા કરી કે સમોસા, જલેબી, લાડુ જેવા નાસ્તા માટે કોઈ ચેતવણી લેબલ જારી કરવામાં આવ્યાં નથી. હેલ્થ મિનિસ્ટ્રીએ એમ પણ કહ્યું કે ખાદ્ય સામગ્રી વેચતા શેરી વિક્રેતાઓને લક્ષ્ય કરવા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આરોગ્ય મંત્રાલયનો હેતુ કેન્દ્ર સરકારના તમામ વિભાગો માટે કાર્યસ્થળ પર સ્વસ્થ ખોરાકની પસંદગીઓને પ્રોત્સાહન આપવાનો છે. જે રિપોર્ટ એક દિવસ પહેલાં સમોસા, જલેબી માટે જાહેર કરવામાં આવ્યો તે ખોટો અને પાયાવિહોણો છે. એડવાઇઝરી જાહેર કરવામાં આવી તે કોઈ ચોક્કસ ખાદ્ય પદાર્થને ટાર્ગેટ કરવા નહીં, પણ સ્વસ્થ ખાદ્ય સામગ્રીને પ્રોત્સાહિત કરવા માટે ! મંત્રાલયનું એવું માનવું છે કે કેન્ટીન, કાફેટેરિયા, બોર્ડ રૂમ જેવી જગ્યાએ તેલ, ખાંડના લેબલ લાગશે તો જોખમી અસરો વિશેની જાગૃતિ આવશે. ટૂંકમાં, મંત્રાલયનો ઉદ્દેશ ફળો, શાકભાજી, ઓછી ચરબીવાળા ખોરાકને પ્રોત્સાહન આપવાનો છે.
એટલું સારું છે કે સ્થૂળતાને રોકવા આરોગ્ય મંત્રાલય સભાન થયું છે. હાલમાં પાર્લામેન્ટ સબઓર્ડિનેટ લેજિસ્લેશન કમિટી આ મુદ્દે ગંભીર છે, પણ તેની ચિંતા પિત્ઝા, સમોસા, જલેબી જેવી વસ્તુઓમાં રહેલી ખાંડ, તેલની જાણકારી આપવાથી આગળ જતી નથી. બજારમાંથી કોઈ પિતા બાળક માટે પેકેજ્ડ ફ્રૂટ જ્યૂસ ખરીદે તો તેને અંદરની સામગ્રીની વિગતો મળવી જોઈએ એ ખરું, પણ એટલું પૂરતું નથી. રોગની જાણકારી હોય તે સારી વાત છે, પણ તે ઈલાજ નથી. વળી પેકેટ પર વિગતો એટલી ઝીણી હોય છે કે આંખના ઈલાજની નવી જાણકારી મેળવવી પડે.
15 જુલાઈના બંને ફતવા ગેરસમજ વધારનારા છે. પહેલામાં એવી સ્પષ્ટતા નથી કે એ ફતવો સ્ટ્રીટ ફૂડ માટે નથી, એટલે બીજો ફતવો બહાર પાડીને એ સ્પષ્ટતા કરવામાં આવી કે શેરી વિક્રેતાઓને લક્ષ્ય કરવા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. એનો અર્થ એવો થાય કે સ્ટ્રીટ ફૂડ તો હેલ્ધી જ છે ને પ્રોબ્લેમ સરકારી સંસ્થાનોમાં ચાલતાં કાફેટેરિયા, કેન્ટીન વગેરેને જ છે. એવું ખરેખર હોય તો ગંધાતું અનાજ, નકલી દૂધ, સડેલાં શાકભાજી, નકલી ઘી-તેલ, અશુદ્ધ મસાલા આ બધું દુકાનોમાંથી મળતું નથી ને એ પ્રોબ્લેમ સરકારી કેન્ટીન, કાફેટેરિયા વગેરેનો જ છે, એમ માનવું પડે.
ધારો કે લેબલ લાગે છે ને સરકારી કેન્ટીન વગેરેમાં લાગે છે, તો એમાં આવનારા લેબલ વગર જાણી જ ન શકે એટલા અભણ છે? એ બધાં ખાસા શિક્ષિતો છે. તેઓ એ બરાબર જાણે છે કે તેઓ શું ખાઈ રહ્યા છે? લેબલથી બહુ ફેર નહીં પડે. સિગારેટના પેકેટ પર ચેતવણી હોવા છતાં પીનારા પીએ જ છે. દારૂ પીનારા લેબલથી ભાગ્યે જ દારૂ છોડે એમ બને. એ તો ઠીક, ડ્રગ્સથી સ્કૂલના છોકરા શિકાર થઇ રહ્યાં છે, એને ચેતવણી આપવાથી તેઓ અટકી જશે? ખરેખર તો કરોડો કરોડોનું ડ્રગ્સ શહેરોને ખૂણે ખૂણે પહોંચતું રોકવાનું હોય. રોગનાં મૂળ સુધી પહોંચવાને બદલે ચેતવણીઓ આપવાથી દા’ડો વળવાનો નથી. આરોગ્ય મંત્રાલય સ્વસ્થ ફૂડની હિમાયત કરે છે તે સારી વાત છે, પણ જે અનાજ પાકે છે, તેનાં પર રસાયણો છાંટીને તેને હાનિકારક કોણ બનાવે છે? ફળો પકવવા કાર્બાઈડ ને ઇન્જેકશન્સ ખોસવામાં આવે છે તે અટકી શકે એમ છે? દરેક વાતમાં સરકારની ચામડી પણ શું કામ છોલવી જોઈએ? ખાદ્ય સામગ્રીઓને ઝેરી, પ્રદૂષિત, ભેળસેળ યુક્ત સરકાર કરે છે? એ પાપ કરનારા આસપાસના જ માણસો છે ને ! વધુ પકવવા, વધુ કમાવા એવું કયું પાપ છે જે લોકો કરતા નથી? દૂર ઊભેલું મોત આપણે જ વેચાતું લાવીએ છીએ ને તે વેચનાર આપણામાંનો જ કોઈક છે. એ જાત લેબલથી સુધરે, ચેતવણીથી ચેતે એટલી ભોળી નથી. એ ખરું કે શૂળીનું વિઘ્ન કાંટે જાય તો સારું જ છે, પણ દરેક વખતે તલવારની જરૂર હોય ત્યાં ટાંકણીથી કામ ન કઢાય, તે ખરું કે કેમ?
000
કાર્ટૂન સૌજન્ય : સતીષ આચાર્ય
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 18 જુલાઈ 2025