
રાજ ગોસ્વામી
મમતા બેનર્જીની તૃણમૂલ કાઁગ્રેસ પાર્ટીની 50 વર્ષીય તેજતર્રાર નેતા મહુઆ મોઇત્રાએ, 65 વર્ષના નામી વકીલ અને ઓડિસાની પાર્ટી બીજૂ જનતા દળના નેતા પિનાકી મિશ્રા સાથે લગ્ન રચાવ્યાં છે. 5મી જૂને મહુઆએ જ તેની સોશિયલ મીડિયા પોસ્ટ મારફતે આ જાહેરાત કરી હતી. બંને જર્મનીમાં હતાં અને ત્યાં 30મી મેના રોજ એક ખાનગી વિધિ સાથે તેમણે જીવન-મરણના કોલ લીધા હતા.
બંનેનાં આ બીજાં લગ્ન છે. મહુઆનાં પહેલાં લગ્ન મૂળ ડેન્માર્કના એક ફાયનાન્સર લાર્સ બ્રોર્સન સાથે થયાં હતાં. તેની સાથે તલાક પછી મહુઆના બીજા બે સંબંધો રહ્યા હતા. હવે તેમણે પિનાકી મિશ્રાને જીવનસાથી તરીકે પસંદ કર્યા છે.
ચાર વખત સાંસદ રહી ચુકેલા મિશ્રાનાં લગ્ન સંગીતા મિશ્રી સાથે થયાં હતાં, જેમાં તેમને એક દીકરો અને દીકરી છે. મિશ્રા રાજનીતિમાં અને સુપ્રીમ કોર્ટમાં એક વજનદાર નામ છે. તેઓ અમુક સરકારી સમિતિઓમાં પણ રહી ચુક્યા છે.
ભારતીય સમાજમાં મોટી ઉંમરે લગ્ન વર્જિત ગણાય છે, સિવાય કોઈ મજબૂરી કે સંકટ હોય. એમાં ય જો પ્રેમ લગ્ન હોય તો, સમાજ તેને પાપથી ઓછું ગણતો નથી. ભારતમાં લગ્નને યુવાન ઉંમર સાથે જોડવામાં આવે છે કારણ કે તે પ્રજોત્પતિની ‘આદર્શ’ ઉંમર છે. લગ્નને આપણે સાહચર્ય અને સૌહાર્દના માધ્યમ તરીકે જોતા નથી, એટલે, મોટી ઉંમરે કોઈ લગ્ન કરે તો આપણી પહેલી પ્રતિક્રિયા એવી હોય છે કે, ‘આમને આ ઉંમરે શું અભરખા રહ્યા હશે?’ તેમાં એક પ્રકારનો ઉપહાસ હોય છે.
એટલા માટે રાજકારણીઓનાં આવાં લગ્નોને સમાજ સ્વીકારતો નથી. ઇન ફેક્ટ, રાજકારણીઓ લગ્ન જ ન કરે તેને સમાજ વધુ માનથી જુવે છે. ટૂંકમાં, જે લગ્ન કરે છે તે સ્વાર્થી છે અને જે ન કરે તે સેવાભાવી છે એવો ભાવ લોકોના મનમાં હોય છે. રાજકારણમાં લગ્ન ન કરવાં એ એક પ્રકારનું બલિદાન છે.
જો કે, મોટી ઉંમરે લગ્ન કરનારા રાજકારણીઓની આપણે ત્યાં નવાઈ પણ નથી. અને તેમણે લગ્ન ‘અભરખા’ માટે નહીં, પરંતુ માનવીય સંબંધોની હૂંફ માટે કર્યાં હતાં. જેમ કે, બંધારણના ઘડવૈયા ડૉ. બી.આર. આંબેડકરે 57 વર્ષની ઉંમરે 39 વર્ષનાં ડૉ. શારદા કબીર સાથે લગ્ન કર્યાં હતાં. બાબાસાહેબનું સ્વાસ્થ્ય ત્યારે નાદુરસ્ત રહેતું હતું અને તેમને સાર-સંભાળની બહુ જરૂર હતી. ડૉ. શારદા તેમના માટે વરદાન બનીને તેમના જીવનમાં આવ્યાં હતાં.
દક્ષિણ ભારતમાં સામાજિક સમાનતાની ચળવળ ઊભી કરનાર પેરિયાર ઈ.વી. રામાસ્વામીએ 70 વર્ષની ઉંમરે 32 વર્ષની કાર્યકર મનીમ્માઈ સાથે લગ્ન કર્યાં હતાં. આ લગ્નને તમિલ સમાજમાં ‘કૌભાંડ’ ગણવામાં આવ્યું હતું અને તેમના સંગઠનમાં ઊભી તિરાડ પડી હતી જેમાંથી અન્નાદુરાઈ અને કરુણાનિધિએ અલગ પાર્ટી સ્થાપી હતી.
દ્રવિડ મુનેત્ર કડગમ પાર્ટીંના રચિયતા કરુણાનિધિએ પણ તેમનાથી 42 વર્ષ નાની રાજથિયા અમ્મલ સાથે જીવન શરૂ કર્યું હતું. તેમણે આ લગ્નની આત્મસન્માનનું લગ્ન નામ આપ્યું હતું. તે ન તો કોર્ટ મેરેજ હતું કે ન તો પંડિતે ફેરા લેવડાવ્યા હતા. પાર્ટીના બુઝુર્ગોના આશિર્વાદ લઈને લગ્ન સંપન્ન કરવામાં આવ્યું હતું. તે કરુણાનિધિનાં આ ત્રીજાં લગ્ન હતાં. તે અમ્મલને પત્ની નહીં, ‘સાથી’ ગણાવતા હતા. ડી.એમ.કે.ની સાંસદ કનીમોઝી અમ્મલની દીકરી છે.
1944માં, કરુણાનિધિની ઉંમર 20 વર્ષની હતી અને તેઓ તેમના પહેલા લગ્ન પ્રસંગમાં પત્નીની રાહ જોઇને બેઠા હતા, ત્યારે ત્યાંથી હિન્દી ભાષા થોપવા સામે એક રેલી નીકળી હતી. તેમના પર તેની એટલી અસર થઇ હતી કે તેઓ ‘તમિલ ઝિંદાબાદ, હિન્દી મુર્દાબાદ’ના નારા લગાવતા જાન છોડીને રેલીમાં સામેલ થઇ ગયા હતા. જાનૈયા એક કલાક પછી તેમને પકડીને પાછા લાવ્યા હતા.
દક્ષિણના જ બીજા એક રાજ્ય આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ફિલ્મસ્ટાર એન.ટી. રામારાવે 73 વર્ષની ઉંમરે લક્ષ્મી પાર્વતી સાથે લગ્ન કર્યાં હતાં. લક્ષ્મી કોલેજમાં લેકચરર હતી અને પતિથી અલગ થયેલી હતી. તે રામારાવના જીવનમાં તે સમયે આવી હતી, જ્યારે પત્નીના કેન્સરમાં અવસાન પછી સાત દીકરાઓ અને ચાર દીકરીઓએ રામારાવને ત્યજી દીધા હતા. રાજનીતિમાં વ્યસ્ત રામારાવ નોકરોની સંભાળમાં જીવતા હતા. લક્ષ્મી તેમનું જીવનચરિત્ર્ય લખવા માટે તેમને નિયમિત મળતી હતી, જેમાંથી તેમને એકબીજાનો સંગાથ પસંદ આવ્યો હતો.
એન.ટી.આર.ના જમાઈ અને તે વખતે રાજ્યના નાણાં મંત્રી એન. ચંદ્રાબાબુ લક્ષ્મીના વિરોધી હતા અને લક્ષ્મી તેલુગુ દેસમ પાર્ટીમાં દખલઅંદાજી કરે છે તેવા આરોપ સાથે તેમણે બળવો પોકાર્યો હતો અને સસરાને ઉથલાવીને મુખ્ય મંત્રી બની ગયા હતા.
વરિષ્ઠ કાઁગ્રેસ નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન નારાયણ તિવારીએ 88 વર્ષની ઉંમરે ઉજ્વલા શર્મા નામની તેમની લાંબા સમયની પ્રેમિકા સાથે 2014માં ફેરા લીધા હતા. આ લગ્ન જો કે અસલી અર્થમાં ‘કૌભાંડ’ હતું. વગર લગ્નએ વર્ષો પહેલાં ઉજ્વલાથી થયેલા પુત્ર રોહિત શેખરે 32 વર્ષની ઉંમરે તિવારી સામે કોર્ટ કેસ કરીને તેમને પોતાના પિતા સાબિત કર્યા હતા અને તેની મજબૂરીમાં તિવારીજી લગ્ન કરવાં પડ્યાં હતાં. તિવારી વર્ષોથી આ સંબંધને માનવાનો ઇનકાર કરી રહ્યા હતા.
પાંચ દાયકાઓ સુધી શ્રીમતી ઇન્દિરા ગાંધીના અંગત સચિવ તરીકે કામ કરનારા આર.કે. ધવન માટે કહેવાતું હતું કે તેમણે 1963 પછી એક પણ દિવસ માટે રજા લીધી નહોતી. તે અતિશય કામ કરતા હતા અને શ્રીમતી ગાંધીનો પડછાયો બનીને રહેતા હતા. વરિષ્ઠ અંગ્રેજી પત્રકાર જનાર્દન ઠાકુરને ધવને એકવાર કહ્યું હતું, ‘હું દરરોજ, ત્રણસોને પાંસઠ દિવસ, સવારથી રાત સુધી વડા પ્રધાન સાથે હોઉં છું. કોઈ રજા નહીં.’
કદાચ એટલા માટે જ 2011માં 74 વર્ષના ધવન તેમની લાંબા સમયની પ્રેમિકા અચલા મોહન સાથે લગ્નની ગાંઠે બંધાઈ ગયા હતા. અચલાના છૂટાછેડા થયેલા હતા અને 1990માં તે અને ધવન સાથે હતાં. લગ્ન કેમ? એક પત્રકારે પૂછ્યું હતું. ધવને કહ્યું હતું, ‘હું તેને ખુશ જોવા માંગતો હતો. તે દરેક પ્રસંગે મારી સાથે આવતી હતી અને હું તેને ‘મિત્ર’ તરીકે પરિચય આપીને થાકી ગયો હતો.’
કાઁગ્રેસના વરિષ્ઠ નેતા મુકુલ વાસનિકે 60 વર્ષની ઉંમરે, તેમની મિત્ર અને વાઈસ એડમિરલ (રિટાયર્ડ) ઇન્દ્રજીત ખુરાનાની દીકરી રવીના ખુરાના સાથે 2020માં લગ્ન કર્યાં હતાં. ભા.જ.પ.ના બંગાળ પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષે પણ 60 વર્ષની ઉંમરે પાર્ટીની જ એક કાર્યકર્તા રિન્કુ મજમુદાર સાથે લગ્ન કર્યાં હતાં.
મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અને કાઁગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજયસિંઘે 67 વર્ષની ઉંમરે 40 વર્ષીય ટેલિવિઝન પત્રકાર અમૃતા રાય સાથેના રોમેન્ટિક પ્રેમનો એકરાર કર્યો હતો અને પછી બંનેએ લગ્ન રચાવી લીધાં હતાં.
જાણીતા ઇતિહાસકાર રામચંદ્ર ગુહા કહે છે કે નેતાઓના નિજી સંબંધો પ્રત્યે સમાજ ઉદાસીન હોય છે. તેનું કારણ આપણી પૌરાણિક માનસિકતા છે. તેઓ કહે છે, ‘નેતાઓના નિજી જીવનની અસર એમના સાર્વજનિક જીવન પર ન પડતી હોય ત્યાં સુધી આપણને એની સાથે કોઇ લેવા-દેવા ન હોય તે સમજદારીભર્યો અભિગમ છે. ભારતીય જનમાનસમાં આવી સમજદારી વિકસવાનું કારણ કદાચ મહાભારત-રામાયણ જેવા ગ્રંથો છે, જેનાં પાત્રો પણ આવા અનેક નિજી સંબંધોમાં ગૂંચવાયેલાં છે.’
જો કે હવે આ અભિગમમાં ફરક આવ્યો છે. હવે નેતાઓ વધુ ખુલ્લા થયા છે અને સમાજ પણ તેમના સંબંધોને સ્વીકારતો થયો છે. અને એટલા માટે જ મહુઆ મોઇત્રા લગ્નની પાર્ટીના ફોટા સાથે પોતાના નવા જીવનની ખુશી ખુશી જાહેરાત કરી શકે છે.
(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 15 જૂન 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર