Opinion Magazine
Number of visits: 9449542
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આઝાદીનો અમૃત કાળ અને દલિત સાહિત્ય !

નટુભાઈ પરમાર|Opinion - Literature|13 October 2022

આઝાદીના અમૃત કાળનો ભાવ વ્યાપક અને સાપેક્ષ છે. સ્વયં એક અનુભૂતિ છે.

આ દેશે ૧૯૪૭માં આઝાદ થયા પછી આજ ૨૦૨૨ના ૭૫ વર્ષના કાળ – અમૃત કાળમાં આર્થિક, સામાજિક, ઔધોગિક, રાજકીય, તકનીકી, વૈજ્ઞાનિક, શૈક્ષણિક, સાહિત્યિક અને એ સૌની સાથે વૈચારિક એવા તમામ મોરચે અંકે કરેલા કીર્તિમાનોના સાક્ષ્ય થવાનો અવસર છે.

ભલે વ્યાપક જણાતો હોય કે પ્રયત્નપૂર્વક એને વ્યાપક બનાવાયો હોય, ‘આઝાદીના અમૃત કાળ’નો જો કોઈને ખરેખર એહસાસ થાય છે ને જો કોઈને માત્ર આભાસ થાય છે તો એ અર્થમાં અમૃત કાળ એક સાપેક્ષ ભાવ પણ છે !

અમૃતકાળની આ આબોહવામાં, અમૃત કાળનાં લેખાંજોખાં કરતા કંઈ કેટલા ય લોકો કાયમ એવા આકરા સવાલો ઊભા કરતા રહે છે કે, આઝાદી કાળે એક રૂપિયો એક ડોલર બરાબર હતો, ક્યાં ખોવાયો એ રૂપિયો ? ત્યારે ગાંધીપ્રેરિત આચાર અને વિચારની શુદ્ધતા ગૌરવ લઈ શકાય એ હદની હતી, ક્યાં છે આજે આવી વૈચારિકતા ? એક અણગમતો બનાવ બને તો જવાબદારી સ્વીકારી મંત્રીઓ રાજીનામું ધરી દેવામાં લેશમાત્ર ખચકાટ ન અનુભવતા, ક્યાં ચાલી ગઈ આ નૈતિકતા ? ‘અસ્પૃશ્યતા આ દેશનું કલંક છે’ એમ કહેનાર અને જીવનભર અસ્પૃશ્યોનાં કલ્યાણ માટે ઝઝૂમનાર ગાંધીની એ સલાહ કેમ વિસારે પાડી દેવાઈ ?  કેમ જાતિવાદ પ્રેરિત અત્યાચારોના આંકડા દેશમાં દિનપ્રતિદિન વધતા જ જાય છે ?  કેમ ગાંધીચિંધ્યા કોમી એખલાસને આજે લૂણો લાગ્યો છે ? કેમ ‘રાષ્ટ્રપ્રેમ’ – ‘દેશભાવના’ એ દેશ માટે મરી-મીટવાની નહીંને માત્ર દેખાડવાની – જતાવવાની – હેતુ સાધવાની વાત બનીને રહી ગઈ છે?

એ તો એ … જે સંવિધાનથી દેશને આઝાદી મળી – જેમના પ્રયાસોથી પીડિતો-વંચિતોની સાથે દેશની મહિલાઓને પણ અધિકારો મળ્યા, એના પ્રમુખ રચયિતા ડૉ. આંબેડકરને શાને આજે કોઈ એક જાતિના નેતાના કુંડાળામાં કેદ કરી દેવાયા છે?

અમૃતકાળની દેશની સર્વાંગી પ્રગતિમાં કેમ આટલું બધું છૂટી ગયું ?

આઝાદીપ્રાપ્તિ પછી અનેકાનેક ક્ષેત્રે આપણા દેશે ધોધમાર પ્રગતિ હાંસલ કરી છે એ એક સત્ય અને આ ૭૫ વર્ષે ય હજી વણઉક્લ્યા રહેલા સવાલોના એક બીજા સત્યની વચ્ચે, ‘અમૃતકાળમાં દલિત સાહિત્ય’ વિશે મારે મારા વિચારો વ્યક્ત કરવાના છે ત્યારે આઝાદીકાળથી આજ પર્યંતના ગુજરાતી દલિત સાહિત્ય પર એક નજર કરીએ.

ગાંધી – આંબેડકર – સયાજીરાવ ગાયકવાડના ઉલ્લેખ વિનાની ગુજરાતી દલિત સાહિત્યની ચર્ચા અધૂરી છે.

અંગ્રેજોના આગમન પહેલા દલિતો – અસ્પૃશ્યોની હાલત દયનીય હતી. એ વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ જ હતા જેમણે ફરજિયાત શિક્ષણ દ્વારા – અસ્પૃશ્યો માટેની ખાસ શાળાઓ દ્વારા, અસ્પૃશ્યોને પણ અક્ષરજ્ઞાનના હક્કદાર બનાવ્યા હતા.

તે પછી દક્ષિણ આફ્રિકામાં રંગભેદનો કારમો અનુભવ લઈ ગાંધી ૧૯૧૫માં ભારત આવ્યા ને અસ્પૃશ્યો(જેમને તેઓ હરિના જન ‘ હરિજન કહેતા)ની દારૂણ સમસ્યાઓને સમજવા લાંબી ભારતયાત્રા આરંભી ને કહ્યું : ‘જો હિન્દુ ધર્મ અસ્પૃશ્યતાને સમર્થન આપતો હોય તો હું એ હિન્દુ ધર્મનો પણ ત્યાગ કરીશ.’

ગાંઘીની એ અદમ્ય ઈચ્છા હતી કે, દેશને આઝાદી મળે તે પહેલા આ દેશમાંથી અસ્પૃશ્યતાનો અંત આવે.

ગાંધી અટક્યા નહીં – આજીવન પ્રવૃત્ત રહ્યા, તેમણે ‘હરિજન સેવક સંધ’ સંસ્થા ઉપરાંત ‘હરિજન’, ‘યંગ ઈન્ડિયા’, ‘નવજીવન’ સામયિકો દ્વારા અસ્પૃશ્યોના પ્રશ્નોને વાચા આપી.

૧૯૧૫ના ગાંધીના આગમનથી આઝાદી મળવા સુધીનો (૧૯૪૮માં ગાંધીની વિદાય સુધીનો) સમયખંડ આખો જ ગાંધીયુગથી ઓળખાયો. ૧૯૩૬માં ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનને સંબોધતા કોશિયો પણ સમજી શકે તેવી ભાષાનો ઉપયોગ કરવાના ગાંધીજીના અનુરોધ પછી, ગાંધીની અસર હેઠળના ગાંધીયુગીન સાહિત્યકારોના સર્જનમાં પણ અસ્પૃશ્યોની સમસ્યા વત્તેઓછે અંશે સ્થાન પામતી રહી.

ગાંધીના પ્રભાવ હેઠળ તેથી મહદઅંશે દલિતો – અસ્પૃશ્યો પ્રતિ અનુકંપા – સહાનુભૂતિ દાખવતા સર્જકોમાં ર.વ. દેસાઈ, રામનારાયણ પાઠક, મેઘાણી, સુંદરમ્, ઉમાશંકર જોશી, સ્નેહરશ્મિ, કરસનદાસ માણેક,  પન્નાલાલ પટેલ, ઈશ્વર પેટલીકર, દર્શક સહિત અનેક ઉલ્લેખનીય નામો મળે છે.

આ તરફ અસ્પૃશ્યોના મંદિર પ્રવેશ, પાણી પીવાના અધિકાર માટે આંદોલનો અને અસ્પૃશ્યોને સમાન અધિકાર માટે દેશ ગજવી રહેલા તેમ જ બે-બે ગોળમેજી પરિષદોમાં અસ્પૃશ્યો – દલિતોના હિત માટે બુલંદ અવાજ ઉઠાવી રહેલા, અસ્પૃશ્યોના પોતાના એવા – ઉધ્ધારક અને મસીહા ડૉ. આંબેડકરના પ્રભાવથી ગુજરાત પણ બાકાત ન રહ્યું.

વિલાયતથી ભણીને પરત આવેલા આંબેડકરે પણ ૧૯૨૦થી તેઓ ૧૯૫૬માં મહાપરિનિર્વાણ પામ્યા ત્યાં સુધી મૂકનાયક, સમતા, જનતા, બહિષ્કૃત ભારત, પ્રબુદ્ધ ભારત જેવા પાંચ-પાંચ સામયિકો દ્વારા મહારાષ્ટ્રથી આરંભેલ સમાજજાગૃતિનો પડઘો તે સમયે ગુજરાતના દલિતોમાં પડ્યો, કારણ બૃહદ્દ મુંબઈ રાજ્ય હેઠળ ત્યારે ગુજરાત-મહારાષ્ટ્ર એક રાજ્ય હતા.

ડૉ. આંબેડકરની ૧૯૨૮, ૧૯૩૧, ૧૯૩૮, ૧૯૪૧, ૧૯૪૫માં અમદાવાદની, ૧૯૩૯માં રાજકોટની ૧૯૪૩માં સુરતની મુલાકાતોને કારણે ગુજરાતનો દલિત સમાજ પણ  ડૉ. આંબેડકર અને તેમના જીવનકાર્યોથી વાકેફ હતો – પ્રભાવિત હતો. આમ તે સમયે ભલે ‘દલિત સાહિત્ય’ એવી કોઈ સંજ્ઞા કે વિભાવના અસ્તિત્વ ન ધરાવતી હોય તો પણ અસ્પૃશ્યો-દલિતોની વેદનાને વાચા આપતું સાહિત્ય રચાતું તો હતું જ. એના પ્રમાણો મળે છે.

જેમની સાથે ગુજરાતનો દલિત – અસ્પૃશ્ય સમાજ પણ હ્રદયની ભાવનાથી જોડાયેલો તે ડૉ. આંબેડકરની ૬ ડિસેમ્બર ૧૯૫૬ના રોજની ચિર વિદાયથી ભારતભરનો ને એમ ગુજરાતનો વંચિત-દલિત સમાજ પણ શોકગ્રસ્ત બનેલો. ભલે સાહિત્ય  કે સાહિત્યની કલાવિદ્યાનું એને જ્ઞાન નથી તો પણ એના  હ્રદયનો આર્તનાદ – એની ઉર્મિઓનો ઉછાળ ચાલીઓ, સોસાયટીઓની દિવાલો પર શબ્દો રૂપે, ઠેર ઠેર ભરાતી શોકસભાઓમાં કરુણગાનરૂપે અને પત્રિકાઓ / ચોપાનિયાઓમાં કાવ્યાંજલિરૂપે પ્રગટ થયેલો. આવી શ્રદ્ધાંજલીઓને બહુ જહેમત લઈને દલિત આગેવાન ડૉ. રમેશચંન્દ્ર પરમારે ૧૯૭૮માં ‘અંજલિ’ નામે એક ગ્રંથ સંપાદિત કર્યો. ડૉ. પરમારે ૧૯૭૫માં ‘પેન્થર’ નામક સામયિક શરૂ કર્યું તેને ગુજરાતી દલિત સાહિત્યના કેટલાક અભ્યાસુઓ ગુજરાતી દલિત સાહિત્યનું આરંભ બિન્દુ ઞણે છે. જ્યારે કેટલાક ‘નવયુવક’ (૧૯૩૦-અમદાવાદ ), ‘દલિત ઉન્નતિ’ ,’સુધારક’, ‘વિજય’ (તમામ ૧૯૩૧-અમદાવાદ) જેવા અસંખ્ય દલિત સામયિકો જે આઝાદી પહેલા શરૂ થયેલા અને આઝાદી પ્રાપ્તિ પછી પણ ચાલેલાં ને બીજાં નવાં શરૂ થયેલાં પત્રો-સામયિકોમાં સમયેસમયે પ્રસિદ્ધ થયેલાં લખાણોને દલિત સાહિત્યના આરંભની ઘડી ગણે છે. તેઓ છેક ૧૯૨૯માં રચાયેલી મનોર ગાંગેરા નામક અસ્પૃશ્ય યુવકે રચેલી આ પંક્તિઓ સાધનિક પુરાવારૂપે રજૂ કરે છે : 

‘હડધૂત થઈ હળવો પડ્યો, જીવન પશુના તુલ્ય છે  

અવતાર લીધો હિન્દમાં, એ શું અમારી ભૂલ છે?’

ગાંધી શ્રમ સંસ્થાન પ્રકાશિત ‘પ્રબુદ્ધ’  ગ્રંથમાં દલિત સર્જક હરીશ મંગલમ્‌નો એવો મત છે કે, જેની પ્રસ્તાવના ૧૯૧૮માં ખુદ ગાંધીજીએ લખી હતી એ અમૃત પઢિયારના પુસ્તક ‘અંત્યજ સ્તોત્ર’માં અસ્પૃશ્યોની ચિંતા કરતા  વ્યક્ત થયેલા ગાંધીજી અને તંત્રીના – બેયના  વિચારો ગુજરાતી દલિત સાહિત્યની શરૂઆત હતી.

ઘણાં અભ્યાસુઓના મતે ૧૯૭૮ની ૧૪મી એપ્રિલ – ડૉ. આંબેડકરના જન્મદિને શરૂ થયેલા ‘આક્રોશ’ પત્ર દલિત સાહિત્યની સ્પષ્ટ સંજ્ઞા સાથે આ સાહિત્યનો આરંભ થાય છે. આ સામયિકમાં ડૉ. રમેશચંન્દ્ર પરમાર, નીરવ પટેલ, દલપત ચૌહાણ, હરીશ મંગલમ્, પ્રવીણ ગઢવી સૌ પ્રતિબદ્ધતાપૂર્વક જોડાય છે. ૧ ડિસેમ્બર ૧૯૭૯એ દલપત ચૌહાણ ‘કાળો સૂરજ’ દલિત કવિતા સામયિક સાથે તો ૧૯૮૧માં ગણપત પરમાર – મનીષી જાની ૬૩ કવિઓની ૧૭૨ કવિતાઓ સાથેના ‘દલિત કવિતા’ સંગ્રહ સાથે અને બાલકૃષ્ણ આનંદ-ચંદુ મહેરિયા ૧૯૮૪માં ૧૪ કવિઓની ૬૪ રચનાઓ સાથેના ‘વિસ્ફોટ’ કાવ્યસંગ્રહ લઈ આવે છે. ૧૯૮૪માં ઈન્દુકુમાર જાનીના સામયિક ‘નયામાર્ગ’માં પ્રસિદ્ધ થયેલ માત્ર દલિત કવિતાઓનો સંપાદિત સંગ્રહ ‘અસ્મિતા’ લઈને ચંદુ મહેરિયા આવે છે. ગુજરાતી દલિત સાહિત્યના પાલન અને પોષણમાં ‘નયા માર્ગ’ અને તેના તંત્રી ઈન્દુકુમાર જાનીનું અવિસ્મરણીય પ્રદાન છે.

આઝાદી પછી ડૉ. આંબેડકરના ત્રિસૂત્રને અનુસરીને દલિત વર્ગ શિક્ષિત તો થઈ  રહ્યો હતો, દેશના પોતાના  કાયદાના શાસનથી એને થોડીઘણી રાહત પણ મળી રહી હતી કિન્તુ જાતિપ્રેરિત અત્યાચાર – અપમાનની તેની પીડા સાવ નેસ્તનાબૂદ થયેલી નહોતી. ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં એને એનો રોજેરોજ અનુભવ થતો. ૧૯૮૧ અને ૧૯૮૫ના અનામત વિરોધી આંદોલનોએ – દલિત વર્ગ પ્રત્યેના વ્યાપક વિરોધે તો દલિત વર્ગનો ભ્રમ ભાગી નાખ્યો ને ત્યારે જ આ વર્ગના કેટલાક શિક્ષિતોએ પૂરી સમજ સાથે – પોતાનું આગવું સાહિત્ય રચવાના ધ્યેય સાથે – કહો કે ‘દલિત સાહિત્ય’ની સ્પષ્ટ સંજ્ઞા સાથે કલમ હાથમાં લીધી.

આ કલમોએ અન્યાય સામે પ્રતિકાર – વિદ્રોહનો સ્વર બુલંદ બનાવ્યો. એ આઠમા દાયકામાં અને તે પછી, સામાજિક નિસબત અને પ્રતિબદ્ધતા સાથેની કલમોનો દલિત સાહિત્યમાં જાણે ધોધ વહી આવ્યો અને તેમાંથી આજના ગુજરાતી દલિત સાહિત્યનો પિંડ બંધાયો.

કવિતાથી આરંભાયેલ ગુજરાતી દલિત સાહિત્યની આ યાત્રા આજે વાર્તા, નવલકથા, રેખાચિત્રો, નાટક, વિવેચન, આત્મચરિત્ર, સામાજિક લેખન જેવી સાહિત્યની તમામ વિધાઓમાં એનું કૌવત પુરવાર કરીને, એક નોંધપાત્ર સાહિત્ય ધારા રૂપે નીપજી આવી છે.

અસ્પૃશ્યતા, જાતિવાદ આધારિત અન્યાય – અપમાન, અસમાનતા, ઠોકી બેસાડાયેલ કુપ્રથાઓ, સમાજની ડરપોકતા, ડગલે ને પગલે થતાં સ્વમાન ભંગ, અમાનવીય વર્તાવ અને જીવાતા જીવનમાં વેઠવી પડતી હાડમારીઓનાં વર્ણન – નિરૂપણ સાથે, એમાંથી મુક્તિનો માર્ગ શોધવાના એક માત્ર ધ્યેય સાથે આ દલિત કલમો કટીબદ્ધ થઈ. આ કલમોએ ગુજરાતી દલિત સાહિત્યને સમૃદ્ધ અને સમર્થ બનાવ્યું.

દલિત કલમો ઉતરોત્તર આમ જોડાતી જ ગઈ ને ત્યાં ગુજરાતી દલિત સાહિત્યની સૌ પ્રથમ એવી નવલકથા ‘આંગળિયાત’ (૧૯૮૬ – જે ભારતીય સાહિત્ય અકાદમી એવોર્ડ વિજેતા બની) લઈને સમર્થ સર્જક જોસેફ મેકવાન આવ્યા તેમણે ગુજરાતી દલિત સાહિત્યના પ્રવાહને ન માત્ર વેગવાન બનાવ્યો એને ગરિમા ને ગૌરવ પણ અપાવ્યાં. એ જ પરંપરામાં વધુ એક ગુજરાતી સર્જક  મોહન પરમારને પણ ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો.

ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાત સાહિત્ય અકાદમી અને રાજ્યની પ્રમુખ સાહિત્ય સંસ્થાઓ દ્વારા અપાતા સન્માનો-પુરસ્કારોમાં ગુજરાતીદલિત સાહિત્યની અનેક કૃતિઓને સ્થાન મળ્યું છે – મળતું રહ્યું છે.

આજે ગુજરાતમાં વિપુલ માત્રામાં દલિત સાહિત્ય સર્જન થઈ રહ્યું છે. દલિત સાહિત્યની અનેક કૃતિઓ (મુંબઈ યુનિવર્સિટી સહિત) ગુજરાતની જુદી જુદી યુનિવર્સિટીઓના અભ્યાસક્રમમાં સ્થાન પામી છે. બી. કેસરશિવમ્ સહિતના કેટલાક ગુજરાતી દલિત સર્જકોની કૃતિઓ દેશ બહારની યુનિવર્સિટીઓના અભ્યાસક્રમમાં સ્થાન પામી છે. અનેક છાત્રો-છાત્રાઓ દલિત સાહિત્ય પર પીએચ.ડી. કરી ચૂક્યા છે – કરી રહ્યા છે.  એમાં ય નીવડેલા ગુજરાતી દલિત સર્જકો પર શોધપત્રો લખનાર – પીએચ.ડી. કરનાર છાત્રોની સંખ્યા પણ નોંધપાત્ર છે. ગુજરાતી દલિત સાહિત્યના હરીશ મંગલમ્, દલપત ચૌહાણ, પ્રવીણ ગઢવી, બી. કેસરશિવમ્ સહિતના અનેક સર્જકોનાં પુસ્તકો દેશની એકથી વધુ ભાષાઓમાં અનુવાદિત થયા છે. દલિત સાહિત્ય અનુવાદ ક્ષેત્રે ડો. મનસુખ ગાયજન (ભાવનગર) એક સન્માનિત નામ છે. ‘દિશા’ તંત્રી મૂળજીભાઈ ખુમાણે પણ ૨૫ જેટલી મરાઠી દલિત કૃતિઓને ગુજરાતીમાં અનુવાદ કરવાનું ભગીરથ કાર્ય કર્યુ છે.

ગુજરાતી દલિત સાહિત્ય પર યોજાતી ચર્ચાઓ-ગોષ્ટિઓમાં ભારતભરના અગ્રીમ સર્જકો જોડાઈ રહ્યા છે. રાષ્ટ્રીય સ્તરે યોજાતા સેમિનારો સમારોહોમાં ગુજરાતી દલિત સાહિત્ય ચર્ચામાં હોય છે. ગુજરાતની મોટા ભાગની યુનિવર્સિટીઓમાં સરકાર દ્વારા ‘આંબેડકર ચેર’ની સ્થાપનાને કારણે આવા વિચારમંથનમાં ગતિ આવી છે.

ચંદ્રાબહેન શ્રીમાળી, પ્રિયંકા કલ્પિત ઉપરાંત ‘શોષ’, ‘સિદ્ધાર્થ’ જેવી પુરસ્કૃત નવલકથાઓ આપનારાં દક્ષા દામોદરા (ભાવનગર) અગ્રીમ ગુજરાતી મહિલા દલિત કલમો છે. તો દલિત વિવેચન ક્ષેત્રે સૌરાષ્ટ્રના ડૉ. પથિક પરમાર – ડૉ. કેસર મકવાણા વર્તમાન સમયમાં સમગ્ર ગુજરાતી સાહિત્યના અભ્યાસુ સમીક્ષકો તરીકેની ખ્યાતિ ધરાવે છે. જૂની દલિત પેઢીમાં દલિત સર્જકો-સમીક્ષક ભી.ન. વણકરે ચારેક સમીક્ષાગ્રંથો આપ્યા છે.

દલિત સાહિત્યની નવી પેઢીના ઉમેશ સોલંકી, બ્રહ્મ ચમાર, અપૂર્વ અમીન, મયૂર વાઢેર, કુસુમ ડાભી, કૌશિક (શરૂઆત) જેવાં અનેક તરવરિયા આ સાહિત્યમાં નવા ને નોખા અંદાજ સાથે સાહિત્ય સર્જન કરી રહ્યાં છે.

શરૂઆતના ઈન્કાર – નકાર પછી આજે સ્વિકૃત થયેલા ગુજરાતી દલિત સાહિત્યને મુખ્ય પ્રવાહના સર્જકોએ પણ ઉમળકાથી આવકાર્યું છે. પ્રસિદ્ધ સર્જક વિષ્ણુ પંડ્યાએ ‘ચાંદની’ના તંત્રી હતા ત્યારે ૧૯૮૭માં અને ‘તાદર્થ્ય’ તંત્રી મફત ઓઝાએ ૧૯૮૮માં ગુજરાતી દલિત સાહિત્ય પર વિશેષ અંકો પ્રસિદ્ધ કર્યા. ગુજરાતી સાહિત્ય અકાદમીના તત્કાલીન મહામાત્ર હર્ષદ ત્રિવેદીએ પણ ‘શબ્દસૃષ્ટિ’નો દળદાર દલિત સાહિત્ય વિશેષાંક ૨૦૧૦માં પ્રસિદ્ધ કર્યો. ‘वि’ (વિદ્યાનગર’ સામયિકે પણ ‘દલિત વાર્તા વિશેષાંક’ પ્રસિદ્ધ કર્યો હતો.

અન્ય સાહિત્ય સંસ્થાઓએ પણ આવા વિશેષાંકો આપ્યા તો દલિત સાહિત્યના પોતાના એકાધિક સામયિકો પણ દલિત સાહિત્ય સેવામાં પ્રવૃત્ત છે. ‘સમાજમિત્ર’, ‘હયાતી’, ‘દલિત અધિકાર’, ‘દલિત ચેતના’, ‘દિશા’ના  દલિત સાહિત્ય પરના વિશેષાંકો આજે  અભ્યાસુઓ માટે સંદર્ભગ્રંથો બની રહ્યા છે.

અહીં તેની સાતત્યપૂર્ણ સાહિત્ય સેવાના ૨૫ વર્ષ પૂર્ણ કરી આ માસે જ રજત મહોત્સવ મનાવી રહેલી ગુજરાતી દલિત સાહિત્ય અકાદમી અને તેનું મુખપત્ર ‘હયાતી’ વિશેષ ઉલ્લેખનીય છે. ૨૫ વર્ષના ગાળામાં દલિત સાહિત્યના ૧૨૫ પુસ્તકો પ્રકાશિત કરીને આ અકાદમીએ દલિત સાહિત્યની ગણનાપાત્ર સેવા કરી છે.

સર્જક મોહન પરમારના વડપણ હેઠળના ‘ગુજરાત દલિત સાહિત્ય પ્રતિષ્ઠાન’ અને આ સંસ્થાએ લાંબો સમય ચલાવેલા સામયિક ‘દલિત ચેતના’એ પણ દલિત સાહિત્યના વાહક બનવામાં પ્રશંસનીય ભૂમિકા ભજવી છે.

૧૯૩૦માં શરૂ થયેલા દલિત પત્ર ‘નવયુવક’થી માંડી આજે ગુજરાતમાં પ્રકાશિત થઈ રહેલાં ‘દિશા’ – ‘અનુસૂચિત જાતિ સૌરભ’ જેવાં અનેક  દલિત સામયિકો પણ આ જવાબદારી નિભાવી રહ્યાં છે.

સમાપનમાં એ જ કહી શકાય કે ‘હરિજનથી જે અંતર ગણશે, તેના ફોગટ ફેરા ઠાલા રે’ ગાનાર ભક્તકવિ નરસિંહ મહેતામાં માનવ માત્રના સ્વીકારનો પહેલો સૂર સંભળાય છે. બીજી તરફ દેશની આઝાદીની ચળવળ સાથે જ દેશના દલિતોની સામાજિક આઝાદીની ચળવળ સમાંતરે ચાલતી હતી. આ જ મુદ્દે ગાંધી-આંબેડકર વિવાદ થયો. પુના કરાર થયો ને દલિતોને અનામત સાથે તેનું સમાધાન થયું. આ પ્રસંગ અને તેને અનુસંગે બનતી રહેલી ઘટનાઓ – હવે આટલાં વર્ષો પછી દેખાવા લાગેલા પરિણામો બહુધા દલિત સાહિત્યના વિષય બનતા રહ્યા છે !

આજે વિપુલ માત્રામાં દલિત સાહિત્ય લખાય છે ત્યારે તેની પાસે કલાસૌંદર્યની અપેક્ષાઓ પણ ઊભી થઈ છે ! આથી કેટલાક દલિત સર્જકોએ ડરી જઇને પ્રતિબદ્ધતાના ભોગે કલાના રાહે જવાનું પસંદ કર્યું છે !

આઝાદીના આ અમૃત કાળમાં  ગુજરાતી દલિત સાહિત્ય માટેના છેલ્લા સારા સમાચાર એ સાંભળવા મળ્યા છે કે, ગુજરાતી દલિત સર્જકોને રાજ્ય સરકાર સ્તરે સન્માનવાના, કોરોના વગેરે કારણે બે- ત્રણ વર્ષથી સ્થગિત રહેલા કાર્યક્રમો હવે ચૂંટણી પહેલા કદાચ યોજાઈ શકે તેમ છે !

(ગાંધીનગર)
e.mail : natubhaip56@gmail.com
પ્રગટ : દૈનિક “ફૂલછાબ”ની જન્મદિવસ વિશેષ પૂર્તિ; રવિવાર, 02 ઑક્ટોબર 2022; પૃ. 32

Loading

13 October 2022 Vipool Kalyani
← ‘સ્પાસ્ટિક સોસાયટી ઓફ ઇન્ડિયા’નાં પચાસ વરસની યાત્રા
દેશના વડા પ્રધાન બનવાની દરેક લાયકાત તેઓ ધરાવતા હતા →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved