મારી કેનેડાથી અમેરિકા (શિકાગો) યાત્રા દરમ્યાન (4-5 જુલાઈ 2025) મારા યજમાન ડો. દિનેશ ધાનાણીએ (હ્રદય અને ફેફસાં બદલવા(heart transplant)ના સર્જન) મને અને રમેશ સવાણીને ધણા ઐતિહાસિક / પ્રાકૃતિક સ્થળોની મુલાકાત કરાવી. જે દરમ્યાન એમણે અમને અનેક પ્રશ્નો પૂછ્યા. અમે ત્રણે વિજ્ઞાનવાદી છીએ. એટલે જિજ્ઞાસા / સંશય / સંવાદ / પ્રશ્નો કરવા અમારી આદત છે. ત્રણ દિવસના અમારા સહવાસ દરમ્યાન અનેક પ્રશ્નોની ચર્ચા થઇ. સવાણી સાહેબ અને મેં અમારાં વ્યક્તિગત મંતવ્યો, સમજણ અને અનુભવને આધારે જવાબો આપ્યા. આ પ્રશ્નોત્તરી / ચર્ચાનું કોઇ રેકોર્ડીંગ થયું નથી. પણ અમારા ફેસબુક મિત્રોની જાણકારી માટે કેટલાક મહત્ત્વના મુદ્દાની ચર્ચા, યાદ આવશે તેમ આ ફલક (platform) ઉપર મૂકવાનો આશય છે.
ડૉ. દિનેશનો પ્રશ્ન હતો કે રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી એ બંનેમાં આપ કોને મહાન ગણો છો? આમ તો અમારી ચર્ચાઓમાં રાજકારણ ખૂબ ઓછું અને સમાજકારણ / વિજ્ઞાન / ઇતિહાસ / પ્રકૃતિ અને પર્યાવરણ વિશેષ હતાં. પણ આ પ્રશ્ન હતો એટલે અમારો બંનેનો જવાબ હતો : “અલબત્ત, રાહુલ ગાંધી અનેક ગણા વધુ મહાન છે.”
અમારે ત્રણેને ભારતના રાજકારણ સાથે કશો સબંધ કે સ્વાર્થ નથી. અમે કોઈ રાજકીય પક્ષમાં નહિ, માત્ર સત્યના પક્ષમાં છીએ. અમે રાહુલને કદી મળ્યા નથી. પણ એમના વિષે જે જાણીએ છીએ તેના આધારે એમનું મૂલ્યાંકન કર્યું છે :
[1] મહાત્મા ગાંધી એમનાં અનેક સદ્દગુણો અને કાર્યોના કારણે મહાન હતા. પણ એક કારણ એ પણ હતું કે એમના પિતા કરમચંદ (કબા) ગાંધી અને દાદા ઉત્તમચંદ (ઓતા) ગાંધી પણ સચ્ચાઈ અને પ્રમાણિકતાના પૂજારી હતા. બંને એમના જમાનામાં રાજ્યના દિવાન (મુખ્ય મંત્રી) હતા, પણ રાજાને સાચું કહેતાં કદી અચકાતા નહિ અને ખોટું કરવાના બદલે હોદ્દાના રાજીનામાં આપેલા. આ ગુણો ગાંધીજીને વારસામાં મળેલા. એવું જ રાહુલ ગાંધી માટે પણ છે. પરપિતા જવાહરલાલ નહેરુ, દાદી ઇંદિરા ગાંધી અને પિતા રાજીવ ગાંધીની સચ્ચાઈ, પ્રમાણિકતા, દેશભક્તિ, અને શહીદીના ગુણો એમને વારસામાં મળ્યા છે.
[2] એમણે હાર્વર્ડ યુનિવર્સિટી (અમેરિકા) અને કેમ્બ્રિજ યુનિવર્સિટી(ઇંગ્લેન્ડ)માં ઉચ્ચ શિક્ષણ લીધું છે. એમની શિક્ષણની ડિગ્રીઓ કદી શંકાના ઘેરામાં રહી નથી.
[3] 2019ની સંસદની ચૂંટણીમાં કાઁગ્રેસ પક્ષની હાર થતાં એમણે નૈતિક જવાબદારી સ્વીકારી પક્ષ પ્રમુખ તરીકે રાજીનામું આપ્યું. એક આદર્શ દાખલો બેસાડ્યો અને પોતે સત્તા કે હોદ્દાના મોહમાં નથી એ પુરવાર કર્યું.
[4] મનમોહનસિંહજીની સરકાર (2004 – 2014) વખતે કોઇ મંત્રીપદ સ્વીકાર્યુ નથી. એ સમયે એમનાં માતા કે તેઓ પોતે વડા પ્રધાન પણ બની શક્યાં હોત. પણ બંનેએ પદનો મોહ કદી રાખ્યો નથી.
[5] પરિવારવાદના આક્ષેપો એમના વિરોધીઓ કરે છે. પણ આ લોકશાહી દેશ છે, રાજાશાહી નથી. એ માણસ પોતાની લાયકાતથી છેલ્લા ચાર ટર્મથી (20 વર્ષ) લોકસભામાં ચૂંટાઇને આવે છે. લોકો એમને ચૂંટીને મોકલે છે. જો એમની લાયકાત કે ક્ષમતા ના હોત તો ફરી ફરી ચૂંટાયા ના હોત.
[6] એમને જાનનો ખતરો છે માટે અમેરિકામાં બીજા નામથી અભ્યાસ કરવો પડેલો અને વારંવાર અભ્યાસનાં સ્થળ અને કોલેજો બદલવી પડેલી. પણ ભયના માર્યા વિદેશ ભાગી ગયા કે જાહેર જીવનથી દૂર થયા નથી. પોતાના જાનના જોખમે પણ લોકોની સેવા કરે છે.
[7] પત્રકારોને હિંમતથી જવાબો આપે છે. દેશ વિદેશમાં પત્રકાર પરિષદથી ડરીને ભાગતા નથી.
[8] રાજકીય કારકિર્દી પ્રાથમિક સ્તરથી શરૂ કરી. પ્રથમ કાઁગ્રેસની વિદ્યાર્થી પાંખ (NSUI) અને પછી યૂથ કાઁગ્રેસ, પછી કાઁગ્રેસના જનરલ સેક્રેટરી, ઉપપ્રમુખ અને પ્રમુખ બન્યા. કોઇના હકને ડુબાડી કે ટૂંકા રસ્તે સત્તા મેળવવા કદી પ્રયત્ન કર્યો નથી.
[9] અંગ્રેજી ભાષા ઉપર ખૂબ સારું પ્રભુત્વ છે. અંગ્રેજીમાં મુક્તપણે વાતચીત કરી શકે છે અને વિદેશની યુનિવર્સિટીમાં વ્યાખ્યાન પણ આપે છે. ઉપરાંત હિન્દી અને ઈટાલી ભાષા ઉપર સારી પકડ છે. જે વિદેશોમાં એમની પ્રતિભાને નીખારે છે.
[10] એમના વિરોધીઓએ એમને પપ્પુ (મંદબુદ્ધિ) સાબિત કરવા કરોડો રૂપિયા ખર્ચ કર્યો, પણ એ તો વધુ જ્ઞાની અને સ્પષ્ટ વક્તા સાબિત થયા. એમને પપ્પુ કહેનારા પપ્પુ સાબિત થયા.
[11] મહાત્મા ગાંધીના વિચારોને અનુસરે છે. સત્ય, અહિંસા, માનવતા, છેવાડાના માનવી માટેની ચિંતા અને મદદ એમના વિશિષ્ટ ગુણો છે. રાજકારણમાં રહીને પણ નીતિ અને પ્રમાણિકતા જણાવવાનું કઠિન કામ તેઓ કરી રહ્યા છે.
[12] એમની છાપ એક ફેંકુ તરીકે નહિ, પણ સાચા બોલા નીડર વ્યક્તિની છે.
[13] ખોટાં વચનો આપતા નથી. જુમલાબાજી કરતા નથી. બોલેલું પાળે છે.
[14] સગાં કે પરિવારને દૂર રાખવાનો દંભ કે દેખાડો કરતા નથી. પણ માતા, બહેન, ભાણેજ તથા મિત્રોને હરખથી મળે છે, વહાલ કરે છે અને કાળજી લે છે. જે તેમના સૌમ્ય અને નિરાભિમાની વ્યક્તિત્વની સાબિતિ છે.
[15] એમનાં દાદી ઇંદિરા ગાંધી અને પિતા રાજીવ ગાંધીની હત્યા થઈ છે, અને પોતે સાચા બોલા તથા સ્પષ્ટ વક્તા છે. જેના કારણે એમના જાનનો ખતરો છે. છતાં હિંમતથી લોકોને મળે છે અને સાચી વાત કહે છે. છતાં કદી 56ની છાતીનું ગુમાન રાખ્યુ નથી. દેશને લૂંટતા ધનપતિઓના ગોરખધંધા કોઈ ડર વિના ખૂલીને બહાર પાડે છે. એટલે જ દેશને લુંટતા આ ઘનપતિઓ પોતાની માલિકીની ટી.વી. ચેનલો ઉપર એમને બદનામ કરવાની કોઈ તક છોડતા નથી.
[16] પોતાના પરિવારના સભ્યોની શહીદીનાં ગાણાં ગાઇ કદી રાજકીય લાભ ખાટવા પ્રયત્ન કર્યો નથી કે લોકો મને ગાળો દે છે, પપ્પુ કહે છે એવું કહી સસ્તી સહાનુભૂતિ મેળવવા પ્રયત્ન કરતા નથી.
[17] એમને સંસદ સભ્ય તરીકે દૂર કર્યા, મકાન પણ તરત જ ખાલી કરાવ્યુ જે હસતે મુખે કરી આપ્યું. પોતાનું કોઇ મકાન ન હોવાથી એમની માતાને સંસદસભ્ય તરીકે મળેલા સરકારી મકાનમાં રહેવા ગયા. આમ સાચા અર્થમાં એમની કોઇ માલ મિલ્કત નથી. છતાં પોતે ફકીર છે એવી ખોટી શેખી મારતા નથી.
[18] પોતે 55 વરસના થયા. અવિવાહિત છે. છતાં એમના ચારિત્ર્ય વિષે કદી આંગળી ઊઠી નથી. કોઈ યુવાન છોકરીની જાસૂસી કર્યાના કે કોઈની પત્ની ઉપાડી ગયાના આક્ષેપ એમના ઉપર થયા નથી !
[19] રાજકારણમાં હોવા છતાં નીતિ, પ્રમાણિકતા, સચ્ચાઈને કોઇ ડાઘ પડવા દીધો નથી. છળકપટના કોઇ આક્ષેપ થતા જાણ્યા નથી. વિરોધીઓને અપમાનિત કરવા, ચરિત્રહનન કરવું, કે ખૂન કરાવવાના કોઇ આક્ષેપ એમના ઉપર થયા નથી.
[20] સત્તા પક્ષે બધી જ રીતરસમો અપનાવી, ડરાવી, ધમકાવી, સત્તાનો દુરુપયોગ કરી, કાઁગ્રેસને તોડવા, ખતમ કરાવામાં કોઇ કચાશ છોડી નથી. તેમ છતાં ડર્યા કે હાર્યા વિના એકલે હાથે કાઁગ્રેસને ફરી બેઠી કરવા ઝઝૂમી રહ્યા છે. અને સબળ વિરોધપક્ષ ઊભો કરવામાં અને વિરોધપક્ષના નેતા બનવામાં સફળ થયા છે. જે એમની ઊંચી નિષ્ઠા, સમજણ અને શક્તિનો પુરાવો છે.
[21] ધર્મ, જાતિ તથા નફરત અને વૈમનસ્યના ભેદભાવ ઊભા કરી દેશને તોડવાના સત્તાપક્ષના નાપાક પ્રયત્નો સામે પ્રેમ, મૈત્રી અને સર્વધર્મ સમભાવનો સંદેશ લઇ દેશ આખાની પદયાત્રાઓ કરી દેશની એકતા ટકાવી રાખવાનું સાહસિક અને અભૂતપૂર્વ કામ કરી લોકોના દિલમાં સ્થાન જમાવ્યું છે.
[22] એમના પરિવાર પાસે કરોડોની સંપત્તિ છે એવા તથા એમના બનેવી રોબર્ટ વાડ્રાએ કોંગ્રેસ શાસન વખતે અનેક કૌભાંડો કર્યાના આક્ષેપ કરી એમને બદનામ કરવાના પ્રયત્નો થયા. પણ એક પણ આક્ષેપ સત્તાપક્ષ પુરવાર કરી શક્યો નથી. જે તેમની સચ્ચાઈ અને પ્રમાણિકતાનો પુરાવો છે.
આમ રાહુલ ગાંધીના અનેક સદ્દગુણો એમને મહાન બનાવે છે. તેઓ યુવાન છે, નીડર છે, સાહસિક છે, પરિપક્વ છે, પ્રમાણિક છે, ચારિત્ર્યવાન છે, નિરાભિમાની છે, આવતી કાલની આશા છે !
[સૌજન્ય : જગદીશ બારોટ, કેનેડા]
18 જુલાઈ 2015
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર