પૂજા આઇ.ટી. એન્જીનિયર હતી. સારી કંપનીમાં સારા હોદ્દા ઉપર હતી. તેને કંપનીના કામકાજે ટ્રાવેલિંગ બહુ કરવું પડતું, પણ પૂજાને એ ગમતું. તેને જુદાં જુદાં સ્થળો, પર્યટન સ્થળો, કુદરતની, પ્રકૃતિની ગોદનાં સ્થળો બહુ ગમતાં. ક્યારેક, ક્યારેક મંદિર, ધાર્મિક સ્થળોની પણ મુલાકાત લેતી. એવું નહોતું પૂજા ધાર્મિક નહોતી કે ના નાસ્તિક હતી. એ વર્તમાનમાં જીવવામાં માનતી અને એવું માનતી અને કહેતી પણ ખરી કે ભૂતકાળને વાગોળી, ભવિષ્યની ચિંતા કરી, વર્તમાનનું જીવન શું કામ બગાડવું, જે થવાનું હશે, એ થશે, બસ જીવન મોજ મસ્તીથી જીવે જાવ.
એક મંદિરની મુલાકાત દરમ્યાન પૂજાએ જોયું કે એક ઘેઘુર વૃક્ષ પાસે દર્શન કરવા, પ્રદક્ષિણા કરવા, પ્રાર્થના કરવા, લગભગ સોએક લોકોની લાઈન છે. બધાં વૃક્ષની પૂજા કરી, પ્રદક્ષિણા કરી પ્રાર્થના કરતાં હતાં. તેણે કુતૂહલવશ પૂછ્યું, “આ બધાં શેની પૂજા ને પ્રાર્થના કરે છે?” જવાબ મળ્યો “એ આસ્થા વૃક્ષ છે અને જે કોઈ ખરા દિલથી પ્રાર્થના કરી મનની વાત કરે છે એ ફળે છે એટલે બધાં પ્રાર્થના કરી મનની વાત કહેવા માટે ઊભા છે.”
પૂજા પણ લાઈનમાં ઊભી રહી ગઈ, ખાલી કુતૂહલવશ, કોઈ ટીકા ટિપ્પણી કરવા માટે નહીં. પૂજાનો વારો આવ્યો ત્યાં સુધીમાં પૂજાએ મનમાં કંઈ વિચારી રાખ્યું નહોતું પણ અચાનક તેના મનમાં વિચાર આવ્યો અને તેનાથી પ્રાર્થના થઈ ગઈ કે જો મારું અભય સાથેનું બ્રેકઅપ પૂરું થઈ, લગ્ન સંબંધમાં પરિવર્તિત થઈ જશે તો હું અભય સાથે દર્શન કરવા ફરી આવીશ.
પૂજા તો કામના પ્રેસરમાં આ વાત ભૂલી જ ગઈ હતી. અઠવાડિયાં પછી અભયનો ફોન આવ્યો “પૂજા, તું ફ્રી હો તો મારે તને મળવું છે.” પૂજા ઘડીક તો જવાબ ન આપી શકી! કારણ કે બ્રેકઅપ પછી પૂજાએ અભયને ઘણા મેસેજ અને ફોન કર્યાં હતા. એક પણ મેસેજ અને ફોનનો અભયે જવાબ નહોતો આપ્યો. “પૂજા, તારી ઈચ્છા ન હોય તો નહીં મળીએ.”
“ના, ના, એવું નથી. ઘણા સમય પછી તારો અવાજ સાંભળ્યો એટલે વિચારમાં પડી ગઈ હતી.”
“તો ક્યાં, અને ક્યારે મળશું?”
“આ રવિવારે આપણે જ્યાં મળતા હતા એ બગીચામાં પીળાં ગુલાબના છોડના ક્યારા પાસે મળીશું. તને એ બહુ ગમે છે ને.”
“ઓકે …. ડન.”
•
પૂજા અને અભય સ્કૂલમાં સાથે અભ્યાસ કરતાં હતાં. બંને વચ્ચે સારી મિત્રતા હતી અને એકબીજાને પસંદ કરતાં હતાં. એટલું જ બાકી ભવિષ્ય માટે કોઈ પ્લાનિંગ નહોતું. એક વખત અભયે પૂછ્યું, “પૂજા, તારા આગળનાં અભ્યાસ માટે શું વિચારે છે?”
“હું આઇ.ટી. એન્જીનિયર થઈ સારી કંપનીમાં જોબ કરવા માગું છું.”
“તારું શું પ્લાનિંગ છે?”
“હું ડૉક્ટર બની લોકોની સેવા કરવા માગું છું.”
“તારો વિચાર તો સારો છે.”
“પૂજા, એક વાત પૂછું. તું આઇ.ટી. એન્જીનિયર બનીને સારી કંપનીમાં જોબ લઈશ અને સતત આગળ વધવા માટે સખત પરિશ્રમ કરીશ. આપણી જિંદગીની જરૂરિયાત કેટલી? આપણે ઈચ્છા રાખીએ એટલી. સમય જતાં બધું જ મળે પણ ત્યારે જિંદગીને એન્જોય કરવાનો સમય હાથથી જતો રહે. પછી મેળવેલું બધું શું કામનું? હું એમ નથી કહેતો કે તું આઇ.ટી. એન્જીનિયર ન બન, પણ અભ્યાસ પૂરો કરી તું મારી સાથે મારા કાર્યમાં અને મારી જીવનસંગિની રૂપે જોડાઈ શકે, તો આપણે સાથે સાથે જીવન જીવીશું અને જિંદગીનો આનંદ પણ લૂંટીશું. તને કેમ લાગે છે, મારી વાત?” “તારી વાત સારી છે, પણ, હું, તારી વાત સાથે સહમત નથી. હું, મારી જાતને પ્રુવ કરવા અને ખૂબ જ આગળ વધવા માગું છું.”
“તો પછી આપણા વિચારો અને મિત્રતાને અહીં જ વિરામ આપીએ.” આ રીતે બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું. આજે અભયના ફોનથી ભૂતકાળની આખી વાત પૂજા સામે સ્મૃતિ બનીને ઊભી રહી ગઈ હતી. એક ચલચિત્રની જેમ પસાર થઈ રહી હતી.
•
“કેમ, છે, પૂજા? તારી જોબ કેવી ચાલે છે?”
“મજામાં અને જોબ પણ સારી ચાલે છે.”
“તારી હોસ્પિટલનું તો બહુ સારું નામ છે. ખૂબ મહેનત કરે છે.”
“બસ, હું, તો દર્દીઓની સેવા કરું છું અને મારાં જ્ઞાનથી સાજા કરું છું. હવે કામ બહુ વધી ગયું છે એટલે ટેકનોલોજીનો ઉપયોગ કરવા વિચારું છું. અમારી ડૉક્ટરી લાઈનમાં પણ ટેકનોલોજીનું સારું યોગદાન છે.”
“પૂજા, તું એ સમયે સાચી હતી. આપણી પાસે જ્ઞાન હોય, ટેલેન્ટ હોય અને આગળ વધવાનો હોશલો બુલંદ હોય તો ઘરની ચાર દિવારીમાં પુરાઈ રહેવું યોગ્ય નથી. આજે તારી પ્રગતિ જોઈને મને લાગે છે કે મેં તને સમજવામાં ભૂલ કરી હતી.”
“અભય, તારી વાત સાચી છે. આજે હું જોબમાં સારી ઊંચાઈએ પહોંચી ગઈ છું. તેનાથી ખુશ છું, પણ મનમાં, જીવનમાં ખાલીપો લાગે છે, એકલી અટૂલી પડી ગઈ હોય એવું લાગે છે.”
“એમ કેમ બોલે છે?”
“અભય, આજે ઘરે થાકીને આવું તો કોઈ એમ નથી કહેતું કે તું થાકી ગઈ હોઈશ, જરા આરામ કર. મારી પાસે મારી ઈચ્છા પ્રમાણેનું બધું જ છે. પણ, મનનું સુખ આપનાર કોઈ નથી. જીવનમાં પ્રગતિ જરૂરી છે સાથે સાથે જીવન જીવવું પણ એટલું જ જરૂરી છે, જે હું નથી જીવી રહી.”
“અભય, તે કહ્યું ને ડૉક્ટરી લાઈનમાં પણ અપગ્રેડેશન અને ટેકનોલોજીનું યોગદાન છે, તો હું એ યોગદાન આપવા તારી જીવનસંગિની બની શકું?”
“ચોક્કસ બની શકે, મારે એવી જ જીવનસંગિની જરૂર છે, જે કામનાં યોગદાન સાથે જીવન જીવવાની ધગશવાળી હોય અને એ તારી સિવાય બીજું કોણ હોઈ શકે. તું ત્યારે ય મને સમજાતી હતી અને તે આજે પણ એ જ સમજણનો પુરાવો આપી દીધો.”
“અભય, મને ખબર નથી કે આસ્થાનાં વૃક્ષ પાસે કરેલી પ્રાર્થના સફળ થઈ કે ભાગ્યએ મને સાથ આપ્યો. હું, ત્યાં, આસ્થાનાં વૃક્ષનાં દર્શન કરવા તારી સાથે જવા ઈચ્છું છું, તું આવીશ ને?”
“ચોક્કસ આવીશ, આપણે સાથે જઈશું”.
“પૂજારીજી, એક વાત પુછવી છે. લોકો આ આસ્થાનાં વૃક્ષ પાસે આવે છે, પૂજા કરે છે, મનની મુરાદ કહે છે, ઘણાની પ્રાર્થના સફળ થતી જોઈ છે, એમાંની હું પણ એક છું. મને તેના રહસ્યની ખબર નથી. આપની પાસેથી જાણવું છે.”
“જો, બેટી, તારી વાત સાચી છે. લોકો આસ્થાનાં વૃક્ષ પાસે પ્રાર્થના કરે છે અને ઘણાને સફળતા મળે છે. પણ, બેટી મારા હિસાબે તો આ આસ્થાનું વૃક્ષ પૂજા, પ્રાર્થના માટેનું એક પ્રતિક છે. ખરેખર લોકો પોતાના જ આત્માને પ્રાર્થના કરતા હોય છે. મનની સુસુપ્ત ભાવનાને પૂજા, પ્રાર્થના દ્વારા ઉજાગર કરતા હોય છે અને સફળતા મળવા માટે સતત સકારાત્મક વિચારો કરતા હોય છે જે ફળીભૂત થતા, પ્રતિક ઉપર આસ્થા, શ્રદ્ધા અને વિશ્વાસ વધે છે. હકીકતમાં તો આ સકારાત્મક વિચારોનું પરિણામ હોય છે.”
“તમારી વાત મને સમજાય છે. હું, અહીં અભય વિશે પ્રાર્થના કરીને ગઈ પછી સતત અભય વિશે જ વિચારતી હતી. સતત અભયમય બની ગઈ હતી. એ વિચારોના સ્પંદનો અભય સુધી પહોંચ્યા હશે એટલે તેણે મને ફોન કર્યો, અમે મળ્યા અને અમારી વચ્ચેની ગેરસમજ દૂર થઈ ગઈ.”
“હા, બેટી એ જ આસ્થા, શ્રદ્ધા, કે વિશ્વાસ છે એ બધું જ આપણામાં છે. આસ્થા એટલે આપણા મનની શક્તિ, આત્મશ્રદ્ધા, નકારાત્મકતા પરનો વિજય. પરિણામે સફળતા …”
ભાવનગર (ગુજરાત)
e.mail : nkt7848@gmail.com