એ યોગાનુયોગ પણ હોઈ શકે, પરંતુ આર્થિક રીતે પછાત વર્ગ (ઈકોનોમિકલી વીકર સેક્શન – ઈ.ડબલ્યુ.સી.) માટે સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં 10 ટકા આરક્ષણને બહાલી આપવાના સુપ્રીમ કોર્ટના ફેંસલાની સીધી અસર ગુજરાતની ચૂંટણી પર પડશે. ગુજરાતમાં, ભારતીય જનતા પાર્ટીના સવા બે દાયકાના એકચક્રી શાસનમાં, સૌથી ગંભીર પડકાર 2015માં પાટીદારોના અંદોલનના રૂપમાં આવ્યો હતો, જેમણે હાર્દિક પટેલના નેતૃત્વમાં આર્થિક રીતે પછાત વર્ગના દરજ્જા માટે મોટા પાયે આંદોલન કર્યું હતું. એ આંદોલનમાં જ મુખ્ય મંત્રી આનંદીબહેન પટેલનો ભોગ લેવાયો હતો.
લગભગ છ મહિના સુધી ચાલેલા આ હિંસક આંદોલનને ઠંડુણ પાડવા માટે, એપ્રિલ 2015માં, ગુજરાત સરકારે આર્થિક રીતે પછાત વર્ગ માટે 10 ટકા આરક્ષણની જાહેરાત કરી હતી. એ રીતે ગુજરાત પહેલું રાજ્ય હતું જેણે જનરલ કેટેગરીમાં 10 ટકા આરક્ષણ જાહેર કર્યું હતું. 2019માં, નરેન્દ્ર મોદીની સરકારે સંસદમાં બંધારણની જોગવાઈમાં ફેરફાર કરીને તે જોગવાઈને મંજૂરી આપી હતી. હવે, સુપ્રીમ કોર્ટે તેને બહાલી આપી છે.
અગાઉ, આ જોગવાઈને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી. કોર્ટે એવું કહીને સરકારની નીતિને ખારીજ કરી નાખી હતી કે આ પ્રકારના આરક્ષણની જરૂર છે તેનો ન તો કોઈ અભ્યાસ છે કે ન તો તેનાથી સમાજમાં શું પ્રભાવ પડશે, તેનું કોઈ વિશ્લેષણ. ટૂંકમાં કહીએ તો, સરકારે આંદોલને ચઢેલા પાટીદારોને ખુશ કરવા માટે આ આરક્ષણ જાહેર કર્યું હતું.
મુખ્ય ન્યાયાધીશ આર. સુભાષ રેડ્ડીની ડિવીઝન બેંચે આ જોગવાઈને ગેરબંધારણીય ઠેરેવીને કહ્યું હતું કે, “આર્થિક સ્થિતિ બદલાતી રહે છે, એટલે રાજ્ય સરકાર કોઈ વર્ગને આર્થિક રીતે નબળો જાહેર કરીને બિનઆરક્ષિત કેટેગરીમાં આરક્ષણ જાહેર કરી ન શકે.”
2019માં, જ્યારે મોદી સરકારે સંસદમાં તે જોગવાઈને બંધારણીય સ્વરૂપ આપ્યું, ત્યારે તેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી. સોમવારે, 5 જજોની બંધારણીય બેંચે 3 વિરુદ્ધ 2 મતથી આર્થિક રીતે પછાત વર્ગ માટે 10 ટકા આરક્ષણને બહાલી આપી છે.
એમાં ભિન્ન મત આપનાર ચીફ જસ્ટિસ યુ.યુ. લલિતે કહ્યું હતું કે, “આરક્ષણનો આર્થિક આધાર બંધારણની વિરુદ્ધ છે અને બંધારણમાં તે માટેનો 103મો સુધારો ભેદભાવવાળો છે.” તેમની સાથે સહમત થતાં જસ્ટિસ રવીન્દ્ર ભટ્ટે કહ્યું હતું કે, “આરક્ષણ એ કોઈ ફ્રી પાસ નથી કે ગમે તેને વહેંચી દેવાય. આર્થિક પછાતપણું દૂર કરવામાં બીજા પણ રસ્તા છે.” બીજા ત્રણ જજ, જસ્ટિસ બેલા ત્રિવેદી, જસ્ટિસ મહેશ્વરી અને જસ્ટિસ પારડીવાલાએ, ચોક્કસ સમયમર્યાદા માટે આર્થિક રીતે પછાત વર્ગ માટે 10 ટકા આરક્ષણને ઉચિત ઠેરવ્યો હતો.
આમ, દેશમાં હવે ચાર પ્રકારનું આરક્ષણ અમલમાં આવ્યું છે; ઓ.બી.સી. (અધર બેકવર્ડ ક્લાસ) – 27 ટકા, એસ.સી. (શેડ્યુલ કાસ્ટ) – 15 ટકા, એસ.ટી. (શેડ્યુલ ટ્રાઈબ્સ) – 7.5 ટકા અને હવે ઈ.ડબલ્યુ.એસ. – 10 ટકા.
સુપ્રીમ કોર્ટ તો ખેર કોઇ પણ જોગવાઈની બંધારણીય યોગ્યતા-અયોગ્યતા પર નિર્ણય કરતી હોય છે, પરંતુ સરકારોના નિર્ણયો પાછળ સામાજિક અને રાજકીય ગણતરીઓ હોય છે. ભારતમાં આરક્ષણનો ઇતિહાસ એટલો જ જૂનો છે જેટલી ગરીબી જૂની છે. આઝાદી પહેલાં, વિંધ્ય અને દક્ષિણનાં પ્રેસિડેન્સી ક્ષેત્રો અને રિયાસતોમાં પછાત વર્ગ (બી.સી.) માટે આરક્ષણ લાગુ કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રમાં કોલ્હાપુરના મહારાજા છત્રપતિ સાહૂજી મહારાજે 1902માં પછાત વર્ગમાં ગરીબી દૂર કરવા માટે રાજ્યના પ્રશાસનમાં તેમના માટે આરક્ષણ રાખ્યું હતું. તેમણે બાકાયદા એક વટહુકમ જારી કર્યો હતો. દલિત કલ્યાણ માટે આરક્ષણનો એ પહેલો સરકારી આદેશ હતો.
સુપ્રીમ કોર્ટના તાજેતરનો ફેંસલો ગુજરાત માટે બીજી રીતે પણ મહત્ત્વનો છે. પાટીદારોએ આરક્ષણ માટે અંદોલન કર્યું તેના મૂળમાં એક બીજી ભાવના પણ હતી; સામાજિક અને આર્થિક રીતે પછાત જાતિ(સોશ્યલી એન્ડ ઇકોનોમિકલી બેકવર્ડ કાસ્ટ – એસ.ઈ.બી.સી.)ને જો આરક્ષણ મળતું હોય, તો પછી પાટીદારોમાં જે લોકો પછાત છે તેમને કેમ નહીં?
વાસ્તવમાં, પાટીદારોના આંદોલનના મૂળમાં 1985નું એક બીજું આરક્ષણ આંદોલન છે, જેને આપણે અનામત-વિરોધી આંદોલન તરીકે ઓળખીએ છે. એ રીતે જોઈએ તો, આરક્ષણને લઈને ગુજરાતે બે મોટાં અને હિંસક આંદોલન જોયાં છે; એક તેની વિરુદ્ધમાં અને એક તેની તરફેણમાં. તેનાં મૂળમાં ગુજરાતનું જાતિગત રાજકારણ છે.
પાટીદારો રાજકીય રીતે પ્રભાવશાળી વર્ગમાંથી હાંસિયામાં ધકેલાઈ ગયા હતા 1981ની આરક્ષણ નીતિના કારણે અને તે નારાજગી હિંસક રીતે 2015માં બહાર આવી હતી. પાટીદારોનું આરક્ષણ ‘પાટીદાર આઇડેન્ટિટી’ને આગળ ધરવા માટેનું માધ્યમ હતું. આનંદીબહેનની સરકારે એ આંદોલનને કચડવાનો પ્રયાસ કર્યો તેમાં પાટીદારો ભાજપથી વિમુખ થઇ ગયા હતા.
2015માં યોજાયલી પંચાયતની ચૂંટણીમાં ગ્રામીણ ગુજરાતના પાટીદારોએ મોટા પ્રમાણમાં કાઁગ્રેસને મત આપ્યા હતા. પાટીદારોને પાછા ભા.જ.પ.માં લાવવા અને તેમને ખુશ કરવાના પ્રયાસો ત્યારથી ચાલતા હતા. તેનો અંત બે રીતે આવ્યો; હાર્દિક પટેલ સહિતના ઘણા પાટીદાર નેતાઓ આજે ભા.જ.પ.ની છાવણીમાં છે અને હવે તો સુપ્રીમ કોર્ટનો ફેંસલો પણ તેમની તરફેણમાં આવ્યો છે. એટલે 2022ની વિધાનસભામાં પાટીદાર મતો ભા.જ.પ.માં અકબંધ રહે તેવો ઘાટ ઘડાયો છે.
1981માં, માધવસિંહ સોલંકીની કોંગ્રેસ સરકારે, બક્ષી પંચની ભલામણના આધારે, ગુજરાતના સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગ (જેમાં 82 જેટલી જાતિઓ આવે છે) માટે મેડિકલ અને ટેકનિકલ કોલેજોમાં અને નોકરીઓમાં આરક્ષણની જોગવાઈ કરી હતી. જેના પગલે ગુજરાતના પટેલ અને અન્ય સવર્ણ વર્ગોએ તેનો વિરોધ કર્યો હતો અને તે 1985 સુધીમાં ક્રમશ: કોમી તોફાનોમાં તબદીલ થઇ ગયો હતો.
માધવસિંહે 1977થી ગુજરાતમાં ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ વર્ગની રાજકીય ગઠબંધન બનાવ્યું હતું, જેને આપણે ‘ખામ’ તરીકે ઓળખીએ છીએ. એ ગઠબંધનના જોરે સત્તામાં આવ્યા પછી તેમણે ‘પછાત’ના નામે 28 ટકા આરક્ષણ કર્યું હતું. એ આરક્ષણ માટેની લાયકાતમાંથી જાતિ કાઢી નાખી આવવામાં આવી હતી. આનો સૌથી મોટો વિરોધ પટેલો અને અન્ય ઉચ્ચ જ્ઞાતિમાં પડ્યો અને આખું ગુજરાત હિંસામાં ધકેલાઈ ગયું હતું. સવર્ણોએ આ આરક્ષણને ગરીબોના ઉદ્ધાર માટેની યોજના તરીકે નહીં, પણ ઉચ્ચ વર્ગને હાંસિયામાં ઘકેલી દેવાના કાવતરા તરીકે જોયું હતું.
ગુજરાતમાં પાટીદારો એ સમયથી કાઁગ્રેસથી વિમુખ થયા હતા અને ભા.જ.પે. ધીમે ધીમે એ જ સવર્ણોને પોતાનો આધાર બનાવીને ગુજરાતમાં સ્થાન મજબૂત કર્યું હતું. એવો પણ આરોપ છે કે 85ના આરક્ષણ-વિરોધી આંદોલનમાં ભા.જ.પે. પણ સક્રિય ભૂમિકા ભજવી હતી. ઇતિહાસની વિડંબના કેવી છે કે એ જ ભા.જ.પ.ને આરક્ષણની માંગણી સાથે પાટીદારોના ગુસ્સાનો શિકાર થવું પડ્યું હતું. ૩૫ વર્ષ પછી, નરેન્દ્ર મોદીએ પણ જાતિની બહાર જઈને પાટીદારો માટે આરક્ષણ જાહેર કર્યું, તે સાથે આરક્ષણની રાજનીતિનું એક આખું ચક્ર પૂરું થયું છે.
પ્રશ્ન એ છે કે આ આરક્ષણ સાચે જ કલ્યાણકારી સાબિત થશે કે પછી માત્ર રાજકીય ‘રમત’ બનીને રહી જશે? તેનો આછો જવાબ ગુજરાતના રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહ આપે છે. 1981 અને 1985નાં આંદોલનને યાદ કરીને તેઓ લખે છે;
“ગુજરાતમાં આર્થિક વિકાસની સાથે માધ્યમ વર્ગનો પણ તોતિંગ વિકાસ થયો છે પણ તે તેમની જરૂરિયાતો સંતોષી શકતો નથી કે તેનો પારંપરિક દરજ્જો જાળવી શક્યો, પરિણામે વંચિત હોવાનો અનુભવ કરે છે. ઉચ્ચ અને માધ્યમ જાતિના લોકોને નીચલી જાતિને મળતા મહત્ત્વની ઈર્ષ્યા થાય છે. અનામત વિરોધી બે અંદોલનો મૂળભૂત રીતે ઉચ્ચ અને મધ્યમ વર્ગ તેમ જ નીચલી જાતિના વર્ગ વચ્ચેનો સંઘર્ષ હતો. તેમાં મીડિયા, શિક્ષણ, બ્યુરોક્રસી અને પોલીસને નિયંત્રિત કરતા મૂડીવાદી વર્ગનું સમર્થન હતું. વંચિત વર્ગોની આકાંક્ષાઓને સંતોષવા માટે અને મતો લેવા માટે રાજકીય વર્ગે આરક્ષણનો સહારો લીધો હતો, પરંતુ તેમાં સામાજિક પરિવર્તનનો કોઈ દૃષ્ટિકોણ ન હોવાથી તે રાજકીય રમત બનીને રહી ગયું છે.”
લાસ્ટ લાઈન :
“જે દેશમાં લોકો ખુદને પછાત સાબિત કરવાની હોડમાં હોય, તે દેશ આગળ કેવી રીતે વધી શકે?”
(વોટ્સએપ ફોરવર્ડ)
પ્રગટ : ‘ક્રોસલાઈન’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”; 13 નવેમ્બર 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર