Opinion Magazine
Number of visits: 9461346
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આપવીતી

કુશલ તમંચે, કુશલ તમંચે|Opinion - Opinion|22 August 2018

જુલાઈના છેલ્લા અઠવાડિયામાં, ૨૮મી જુલાઈને રવિવારે અમદાવાદની કથિત બદનામ બસ્તી અગર ચર્ચિત વસાહત છારાનગરે (અને જોવા ઇચ્છે તો મહાનગર આખાએ) એક નવતર જોણું જોયું … ‘કાયદો અને વ્યવસ્થા’ના બેસણાનું! તે પછી ત્રણેક હજાર જેટલા વિશાળ સમુદાયની સંપૂર્ણ મૌન રેલીનું આયોજન થયું હતું. ડી.એન.ટી. કહેતાં ડિનોટિફાઈડ ઍન્ડ નૉમેડિક ટ્રાઈબ્સ છતે પ્રજાસત્તાક સ્વરાજે કેટલી સહેલાઈથી ‘નિશાન’ બને છે અને મુખ્ય પ્રવાહની બહાર રહેવાની એની કેવી નિયતિ છે તે આગલા બે-ત્રણ દિવસ પરના બેરહમ પોલીસ જુલમની વિગતો બહાર આવ્યા પછી નવેસર કે જુદેસર કહેવાનું રહેતું નથી. ૨૦૦૨ના સંહારસત્રમાં અનેક મુસ્લિમોના જીવ બચાવવાનો (અને એ રીતે ગુજરાતનું ગૌરવ સાચવવાનો) ધર્મ આ વિસ્તારે પાળી બતાવ્યો હતો. લાંછનયુક્ત લેખાતા ભૂતકાળમાંથી તાજેતરના દાયકાઓમાં યશસ્વીપણે બહાર આવી રહેલ છારાનગર બાકી મહાનગર અને શાસન-પ્રશાસન પાસેથી નાગરિક ધોરણે માનવીય પ્રતિસાદ અને સહયોગ ઈચ્છે છે ત્યારે પોલીસ માનસ અને સત્તામાનસ બેઉ કને લોકશાહી રાહે આ સંદર્ભમાં હિસાબ પણ અપેક્ષિત છે. આ અંકમાં પોલીસ જુલમનો ભોગ બનેલ એક યુવા છારા ધારાશાસ્ત્રીની કેફિયત અને ઉમેશ સોલંકીની સંવેદના પ્રકાશિત કરીએ છીએ.

[તંત્રી : “નિરીક્ષક”]

ગત ૨૭ જુલાઈ, રાત્રીના ૧૨.૪૦ની આસપાસ છારાનગર, બંગલા એરિયા રોડ પર કાન ફાડી નાંખે તેવો હો-હલ્લા થયો. હું પથારીવશ હતો. હો-હલ્લા સાંભળી હું તરત અગાસી પાસે ઊભો રહી ગયો. એટલામાં મોટી સંખ્યામાં પોલીસ આવી અને મારા ઘર આગળ પાર્ક કરેલી મારા મોટા ભાઈઓની બે બાઇકો લાઠીચાર્જ કરી તોડી નાંખી. મેં અગાસી ઉપરથી બૂમો પાડી! ‘ઍડ્‌વૉકેટની ગાડી છે, ના તોડો!’ ‘પોલીસે પ્રતિઉત્તર આપ્યો, ચલ તું અંદર જતો રે’.

પોલીસની દાદાગીરી જોઈ મેં ૧૨.૪૯ કલાકે પિતાને ફોન કર્યો અને ફોન પર સમગ્ર ઘટનાની વાત કરી. મારા અને પિતાના ઘર વચ્ચે એક મિનિટમાં પહોંચી શકાય એટલું અંતર છેે. તરત જ માતા-પિતા અને ત્રણેય ભાઈઓ મારા ઘરે આવ્યાં. પિતાએ પરિસ્થિતિ જોઈ અને ભાઈઓને પાછા ઘરે જવાની સલાહ આપી, જેમાં સૌથી નાના ભાઈનેે સમજાવી પાછો ઘેર મોકલ્યો પણ અમે પાંચેય જણાં ત્યાં જ રહ્યાં. પિતાએ ૧૦૦ નંબર (પોલીસ કંટ્રોલ) પર ફોન કર્યો. પિતા, પોલીસકંટ્રોલને ઘટના અંગે હજુ તો વિવરણ આપતા જ હતા અને એટલામાં પોલીસ ટીમે અમારાં પર લાઠીચાર્જ કરી દીધો. લાઠીચાર્જની સાથે તેઓ ખૂબ ગંદી ગાળો બોલતા રહ્યા અને મારતા રહ્યા. લાઠીચાર્જ થકી પોલીસે અમને માર મારી ઘરમાં અંદર ઘૂસવા મજબૂર કરી દીધાં; કેમ કે તેઓના ડંડા રોકાતા ન હતા.

પિતાની, મારા કૌટુંબિક મામા ફોટો-જર્નાલિસ્ટ પ્રવીણ ઇન્દ્રેકર જોડે ટેલિફોનિક વાત વાત થઈ. એમને પણ પોલીસે બેરહમીથી માર માર્યો હતો. મામાએ કહ્યું, મેં ઍમ્બ્યુલન્સ માટે ફોન કર્યો છે. ઍમ્બ્યુલન્સ આવે પછી સિવિલ હૉસ્પિટલ જઈએ.’ થોડા સમય પછી મામાએ પિતાને ફોન કર્યો : ઍમ્બ્યુલન્સ આવી ગઈ છે. તરત પછી અમે પાંચેય જણાં ઍમ્બ્યુલન્સ પાસે ગયાં જ્યાં ઍમ્બ્યુલન્સમાં મારા મામા પ્રવીણભાઈ પહેલેથી સ્ટેચર પર હતા સાથે તેમનો ભાણેજ નિતેષ પણ બેઠો હતો. પોલીસે તેને પણ મૂઢ માર માર્યો હતો.

ઍમ્બ્યુલન્સ-ઇન્ચાર્જ અમને જોઈને આનાકાની કરવા લાગ્યો. આટલા માણસ ઍમ્બ્યુલન્સમાં નહીં આવે. બધાંની પહેલાં વિગતો લખવી પડશે. બીજી ઍમ્બ્યુલન્સ બોલાવો. અડધાં એમાં જતાં રહો.

મારી માતાને ડાબા હાથમાંથી લોહી નીકળતું હતું, જે બંધ જ નહોતું થતું. મામા સ્ટ્રેચર પર હતા, અમે બધાં દુખાવાથી પીડાઈ રહ્યાં હતાં અને ઇન્ચાર્જને પોતાની ફૉર્માલિટીસની ફિકર રહી. અમારી ઇન્ચાર્જ સાથે બોલાચાલી થઈ જેમાં ઇન્ચાર્જે પાંચ જણાંને ઍમ્બ્યુલન્સમાં બેસવા દીધાં બાકીનાં ત્રણને નીચે ઉતારી દીધાં જેમાં મારા મોટાભાઈઓ અને એક અન્ય વ્યક્તિનો સમાવેશ થાય છે. તરત પછી અમે એમ્બ્યુલન્સમાં અને મોટાભાઈઓ બાઈક દ્વારા સિવિલ હૉસ્પિટલના ટ્રોમા સેન્ટર પહોંચ્યાં.

સિવિલ હૉસ્પિટલ પહોંચ્યા બાદ અમે બધાએ જાતે જ કેસપેપર કઢાવ્યા, કેસપેપર ભર્યા અને જમા કરાવ્યા. ત્યાર બાદ ઓ.પી.ડી.માં ડૉક્ટરને ઈજાઓ અંગે બતાવ્યું. ડૉક્ટરે તરત બધાને એક્સ-રે પડાવી આવવા કહ્યું. ફરફરિયું લઈ એક્સ-રે ડિપાર્ટમેન્ટમાં ગયાં જ્યાં ડિજિટલ એક્સ-રે વિભાગ પણ હતો. છતાં અમારા બધાંના ખખડધજ એક્સ-રે વિભાગમાં એક્સ-રે કાઢ્યા. એક્સ-રેની ફિલ્મો હાથમાં આપી, જે પાણીથી તરબોળ હતી, પકડતા પણ ન ફાવે. મુખ્યત્વે બધાંના હાથમાંથી એ એક્સ-રે ફિલ્મો છૂટતી રહી.

એ એક્સ-રે ફિલ્મો લઈ રૂમ-૧૭માં ગયા, જ્યાં દરદી અને ડૉક્ટર ડ્રેસ પહેરેલ વ્યક્તિઓ ઊંઘતી હતી. બે જુવાન ડૉક્ટર ડ્રેસમાં ઉપસ્થિત હતા. એક પછી એક બધાંએ એક્સ-રે ફિલ્મો બતાવી. પેલા ડૉક્ટરે બધાંને રૂમ નં. ૪૦ પર એક્સ-રે રિપોર્ટ કઢાવી આવવા જણાવ્યું. રૂમ નં. ૪૦ અડધો કિલોમીટર દૂર હતો. એક પછી એક અમે ગયાં. દુઃખ સહન કરતા ગયાં. ચાલતા ગયાં ત્યાં મહિલા ડૉક્ટર જોડે એક્સ-રે રિપોર્ટ કરાવ્યા. ત્યાંથી પાછાં રૂમ નં. ૧૭માં આવ્યાં. સમય એમ ને એમ જ પસાર થઈ રહ્યો હતો. પીડા વધતી જઈ રહી હતી. માતાને હાથમાંથી લોહી નીકળવાનું બંધ જ નહોતું થતું. રૂમ નં. ૧૭માં કોઈ સારવાર શરૂ કરવામાં આવી નહીં. માતા-પિતા અને મોટાભાઈનું દરદ વધી રહ્યું હતું. ડૉક્ટર કેમ સારવાર નહોતા આપતા એ ખબર નહોતી પડતી.

મારું મગજ છટકી ગયું. મેં ડૉક્ટરને ઝાટકી નાંખ્યો. ‘આટલો સમય થઈ ગયો છે, સારવાર કેમ નથી આપતા. અમે રદર્દથી બેહાલ થઈ રહ્યાં છીએ અને તમે ફાલતુ સમય પસાર કરી રહ્યા છો, નોબલ (મહાન) પ્રૉફેશનમાં કામ કરો છો અને આવું બેહૂદું વર્તન કરો છો. (દુનિયામાં એક માત્ર ડૉક્ટરના પ્રૉફેશનને જ નોબલ પ્રૉફેશન કહેવામાં આવે છે.)

ડૉક્ટરને ખખડાવ્યા બાદ તેણે સારવાર ચાલુ કરી, જેમાં માતા, મોટાભાઈ અને મામાને હાથમાં ફ્રૅક્ચર થયેલું હતું.

પોલીસ અને હૉસ્પિટલની પીડા સહન કરી સારવાર લીધી અને અચાનક વહેલી સવારે મહિલા પોલીસ વગરનો કાફલો રૂમ નં. ૧૭માં આવી પહોંચ્યો અને અમને ઘેરી ઊભો રહી ગયો. પોલીસ જમાદારે કહ્યું, ‘તમારે અમારી સાથે આવવાનું છે.’

સારવાર પત્યા બાદ પોલીસ-કાફલા સાથે જવા અમે મોબાઇલમાં બેસી ગયાં. સિવિલ હૉસ્પિટલમાં અમે પીડિત તરીકે સારવાર લેવા આવ્યાં પણ પોલીસવાળા અમને આરોપી તરીકે લઈ ગયાં. નિયમ મુજબ સિવિલ હૉસ્પિટલમાં સારવાર અર્થે જઈએ અને ડૉક્ટરને ઈજા અંગે બતાવીએ તો ડૉક્ટર, જો પોલીસકેસ બાબત હોય, તો તરત પોલીસને જાણ કરે અને FIR – NCR(ફર્સ્ટ ઇન્ફૉર્મેશન રિપોર્ટ – નૉન-કૉગ્નિઝેબલ રિપોર્ટ)ની કાર્યવાહી થાય, પણ અમારી FIR પોલીસ વિરુદ્ધ હતી, એટલે તેઓએ કોઈ પ્રક્રિયા હાથ ધરી નહીં અને સારવારમાં જાણીજોઈ સિવિલ હૉસ્પિટલ સત્તાવાળાઓએ સમય લીધો, જેથી પોલીસ આરામથી અમારા બધાંની ધરપકડ કરી શકે.

સિવિલ હૉસ્પિટલમાંથી ધરપકડ થઈ, એના તરત પછી અમને સાતેય જણાંને સરદારનગર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યાં અને અમારી જરૂરી વિગતો લઈ અમને આરોપી ઘોષિત કરવામાં આવ્યાં.

મારા પિતાએ પોલીસને કહ્યું, અમારે પણ FIR કરવી છે, અમારી FIR લખો. પોલીસે પ્રતિઉત્તર આપ્યોઃ હાલ મોટા સાહેબ નથી, હું તમારી FIR ના લઈ શકુ.’ પોલીસ દરેક ક્ષણે કાયદાનો ભંગ કરી રહી હતી. FIR લખવા માટે કોઈ મોટા અધિકારીની જરૂર નથી રહેતી. જે પોલીસસ્ટેશન-ઇન્ચાર્જમાં હોય એ FIR લઈ શકે. ખબર નહોતી પડતી કે પોલીસને અમારા રક્ષણ કરવા માટે નોકરીએ મૂક્યા છે કે લોહી ચૂસવા માટે.

છારાનગરમાં પોલીસ દ્વારા કરેલ આતંકી કૃત્યમાં ભોગ બનનાર બીજાં પણ નિર્દોષ લોકોને રાત્રીના જ આરોપી બનાવી પહેલેથી બંધ કરેલાં હતાં. ત્યાર બાદ અમારા મોબાઇલ, ઘરની ચાવી, વૉલેટ વગેરે જમા લઈ અમને પણ લૉક-અપમાં બંધ કરી દીધાં.

લૉક-અપમાં હું વિચારતો રહી ગયો કે કલમ અને દંડો બેઉ તમારા હાથમાં હોય, તો તમે કંઈ પણ કરી શકો છો. કોમી રમખાણો – નકલી ઍન્કાઉન્ટર કેસો જેવી ઘટનામાં ગુજરાત પોલીસનું આખી દુનિયામાં નામ ખરાબ થયું. આટઆટલી બદનામી છતાં ગુજરાત પોલીસમાં કોઈ સુધાર આવ્યો નહીં.

રાત્રીના બનાવ બાદ વહેલી સવારે લોકોનાં ટોળાં સરદારનગર પોલીસસ્ટેશન જમા થઈ ગયાં. સવારે ૮-૦૦ વાગે અમારા એકબીજાંનાં ઘરવાળાં ચા-બિસ્કિટ, નાસ્તો વગેરે પોલીસ પરમિશનથી લૉકઅપમાં આપવા આવ્યાં. બહાર ભીડ વધતી જઈ રહી હતી. એવામાં સિનિયર ઍડવૉકેટ અને પીડિતો માટે કાર્યરત શમશાદ પઠાનની ઍન્ટ્રી થઈ. મેં લૉક-અપમાંથી તેમને હાથ કર્યા, તેમણે મને સ્માઇલ આપી. શમશાદે અમારી વિરુદ્ધ FIR અંગે વિગત માંગી, પણ પોલીસે FIR અંગે કોઈ ફોડ પાડ્યો નહીં.

થોડો સમય પસાર થયો અને ‘ઍડ્‌વોકેટ કોણ છે?’ પોકાર પડી. મને, મોટાભાઈ અને પિતાને લૉક-અપમાંથી બહાર કાઢી પોલીસસ્ટેશનના અધિકારીની ઑફિસમાં લઈ ગયા જ્યાં મેટ્રો કોર્ટબાર અને બારકાઉન્સિલ ઑફ ગુજરાતના વકીલ સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા. અમે વકીલ- સભ્યોને ઘટના અંગે જાણકારી આપી. ઘટના અંગે સાંભળી એમને પણ આંચકો લાગ્યો. પોલીસ સ્ટેશન બહાર ભીડ વધતી જઈ રહી હતી. ત્યાર બાદ વકીલ સભ્યોએ પોલીસ સ્ટેશનના ઉપરી અધિકારીને રજૂઆત કરી. રજૂઆત બાદ પોલીસ તરફથી એવી ઑફર આવી કે અમે ઍડ્‌વોકેટના ફૅમિલીના પાંચ માણસોને અહીંથી જ કોઈ કેસ કર્યા વગર છોડી દઈએ છીએ. (૨૭ આરોપીઓમાંથી હું, મોટાભાઈ અને પિતા ત્રણેય ઍડ્‌વોકેટ છીએ, મારી માતા અને અન્ય ભાઈ મળી કુલ પાંચ જણ)

ઍડ્‌વોકેટ મોટી સંખ્યામાં હાજર હતા, તેથી પોલીસ નર્વસ થઈ ગઈ કે આ ઍડ્‌વોકેટ વિરુદ્ધ કરેલ ખોટી કાર્યવાહી અમારા પર ભારે પડી જશે, તેથી તેમણે તાત્કાલિક ઍડ્‌વોકેટ ફૅમિલીને છોડવાની ઑફર કરી. પરંતુ મારા પિતાએ કહ્યું કે હું સમાજ સાથે ગદ્દારી નહીં કરી શકું. ઑફર ઠુકરાવી દીધી.

બપોરે મેડિકલ ચેકઅપ કરાવવા સિવિલ હૉસ્પિટલ લઈ જવા અમને લૉક-અપમાંથી બહારા કાઢ્યાં ત્યારે બહાર અસંખ્ય ઍડ્‌વોકેટ, કર્મશીલો, મીડિયા અને આમજનતાને જોઈ પોલીસની ગભરાહટ સાફ દેખાઈ આવતી હતી.

સિવિલ હૉસ્પિટલ ટ્રૉમાં સેન્ટરમાં મેડિકલ ચેકઅપ ચાલુ થયું અને અમે બધાંએ એ જ બોગસ પ્રક્રિયામાંથી પસાર થઈ ચેકઅપ કરાવ્યું. સિવિલ હૉસ્પિટલ બહાર પણ ભીડનો જમાવડો હતો. ચેકઅપ બાદ અમને પેશકશી માટે કોર્ટમાં રજૂ કરવાના હતા, પરંતુ ઍડ્‌વોકેટ અને આમજનતાથી ગભરાયેલી પોલીસે સારવારમાં સમય પસાર કર્યોં, જેથી તેઓને કોર્ટની જગ્યાએ અરજન્ટ ચાર્જમાં ઉપસ્થિત મૅજિસ્ટ્રેટ સામે રજૂ કરવાનો મોકો મળી ગયો. ત્યારબાદ રાત્રે શાહીબાગ સ્થિત મૅજિસ્ટ્રેટના બંગલે અમને બધાંને રજૂ કર્યાં.

મૅજિસ્ટ્રેટના ઘરની બહાર ખુલ્લી જગ્યામાં ટેબલખુરશી લગાવી કોર્ટકામગીરી શરૂ કરી. મૅજિસ્ટ્રેટના બંગલા પર પણ ઍડ્‌વોકેટ, કર્મશીલો, મીડિયા અને આમજનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત હતી.

મૅજિસ્ટ્રેટે એક પછી એક આરોપીઓને પૂછ્યું : તમને પોલીસ વિરુદ્ધ કોઈ ફરિયાદ છે ? બધાં આરોપીઓએ પોલીસ વિરુદ્ધ ફરિયાદ છે એવું જણાવ્યું. એક પછી એક આરોપીઓએ પોતાનું નિવેદન નોંધાવ્યું પછી મૅજિસ્ટ્રેટે પર્સનલી આરોપીઓને ઘરમાં બોલાવી તેમની ઈજા વિશે જોયું-જાણ્યું અને લખ્યું : દિન-૭ દરમિયાન પોલીસે ફરીથી મેડિકલ ચેકઅપ કરાવવું. આટલી કાર્યવાહી પતતાં રાતના ૪.૩૦ વાગી ગયા. ૫૮ વર્ષ પહેલાં કોર્ટ આટલી લાંબી ચાલી હતી. અને એક અમારા કેસમાં કોર્ટ આટલી મોડી રાત સુધી ચાલી. ત્યાર બાદ મૅજિસ્ટ્રેટે સાબરમતી સેન્ટ્રલ જેલ મોકલવાનો આદેશ કર્યો, કેમ કે પોલીસે અમારી સામે લૂંટ, હુલ્લડ, પોલીસ પર હુમલો જેવી કુલ ૧૧ જેટલી અલગ-અલગ કલમોનો ગુનો નોંધ્યો હતો.

અમે બધાં ત્યાં જ ઘરવાળાઓથી જેલમાં જવાનું હોઈ જરૂરી સામાનની થેલીઓ લઈ સીધાં સાબરમતી જેલ પહોંચ્યાં ત્યારે રાતના ૫.૦૦ વાગી ગયા હતા.

વહેલી સવારે ૫.૦૦ વાગે સાબરમતી સેન્ટ્રલ જેલમાં પહેલી વાર પહોંચ્યા બાદ અને કોર્ટ દ્વારા જામીન પર છૂટ્યા દરમિયાનના અનુભવો ટૂંકમાં કહીશ.

જેલ-સત્તાધીશોએ ચેકિંગના ઓઠા હેઠળ દરેક વખતે અમારાં સંપૂર્ણ કપડાં કઢાવ્યાં. બૉડી-સ્કૅનિંગ મશીન હોવા છતાં બધાંની સામે કપડાં કઢાવ્યાં, ચહેરાપટ્ટી અને મેડિકલ ચેકઅપ વખતે પણ અમારાં બધાંની વચ્ચે સંપૂર્ણ કપડાં કઢાવ્યાં. મૅજિસ્ટ્રેટે સિવિલ હૉસ્પિટલમાં લખી આપેલ મેડિકલ ચેકઅપ બાદ જ્યારે પાછાં જેલમાં આવ્યાં ત્યારે પણ બધાંની વચ્ચે કપડાં કઢાવ્યાં. દરવખતે કપડાં કાઢવાની પ્રક્રિયા ઘણી તકલીફદાયક હતી. દર વખતે અમારી પ્રાઇવસીનો ભંગ થઈ રહ્યો હતો. આ સરેઆમ બંધારણીય અને માનવ-અધિકારોનો ભંગ હતું.

કપડાં કઢાવી ચેક કરવાનો એવો હેતુ છે કે અમે કોઈ પ્રતિબંધિત વસ્તુ જેલની અંદર ન લઈ જઈ શકીએ. પણ ‘કાગડા બધે કાળા’ એમ જ્યારે જેલમાં રહ્યાં ત્યારે બધી પ્રતિબંધિત વસ્તુઓનો કેદીઓ આરામથી ઉપયોગ કરી રહ્યા હતા. જેલમાં દરેક જગ્યાએ સી.સી.ટી.વી. લાગેલા છે. અહીં પણ કલમ અને દંડો જેલ સત્તાધીશોના હાથમાં છે, એટલે તેઓ મન-મરજી મુજબ બધું જ કરી શકે.

જેલ-સત્તાધીશો દ્વારા આપવામાં આવેલ ભોજનની વાત કરું તો ‘જાનવરો પણ ન ખાઈ શકે,’ એવું ભોજન પીરસવામાં આવ્યું. બેસ્વાદ બિનપૌષ્ટિક, બિનઆરોગ્યપ્રદ પણ મજબૂરીવશ એ જમવું પડ્યું. જમ્યા બાદ એવું લાગ્યું કે આ પ્રકારનું ભોજન અમને સજાના ભાગરૂપે જ પીરસવામાં આવે છે.

નાહવા-ધોવાની પણ ગંદી-ગોબરી વ્યવસ્થા હતી, જેનું હું અહીં વર્ણન પણ ન કરી શકું, પણ કેદીએ એ ગંદી-ગોબરી વ્યવસ્થાને સ્વીકારવી જ પડે એ જ સજા છે.

બૅરેકમાં રહેવાની વ્યવસ્થા પણ કોઈ ખાસ સારી નહીં. જેલમાં અંદાજે ૨,૨૦૦ કેદીઓને સમાવવાની ક્ષમતા છે, પણ ત્યાં રહે છે ૫,૫૦૦થી ઉપર કેદીઓ, તેથી સ્વાભાવિક છે એક કેદીનો પગ બીજા કેદીના પગ ઉપર, બીજા કેદીનો પગ ત્રીજાની પગ ચોથા કેદીના ખભા-માથા પર.

જેલવાસ દરમિયાન બૅરેકની દૃશ્યવાડની સીમામાં જ રહેવું પડ્યું. દૃશ્યવાડથી બહારનું કોઈ જીવન નહીં. ૨૪ કલાકમાંથી ફક્ત ૭ કલાક જ બૅરેક બહાર એકદમ મર્યાદિત જગ્યામાં અમે બહાર નીકળી શકતાં જ્યાં ફક્ત અમે બેસી શકતાં.

જેલમાં તબીબી સારવાર અંગે પણ એ જ અનુભવ થયો, જે સિવિલ હૉસ્પિટલમાં થયો હતો. અમારી બૅરેકની સામે માનસિક રીતે પાગલ કેદીઓની બૅરેક હતી, પણ તેમને ના તો કોઈ સારવાર આપવામાં આવતી, ના તો કોઈ એમની દરકાર લેવામાં આવતી. એક યુવાન ગાંડા કેદીને તો લૉક-અપમાંથી બહાર પણ નહોતો કાઢવામાં આવતો જે ખરેખર ઘણું અમાનવીય કહેવાય.

જેલવાસ દરમિયાન અમારી બૅરેેકના કેદીઓને સમાચારપત્રો મારફતે ખબર પડી કે અમે ત્રણે વકીલ છીએ અને પોલીસે ખોટી રીતે અમને સંડોવી દીધા છે. અમારા વકીલ હોવા અંગે ખબર પડતા બૅરેકમાં મોજૂદ કેદીઓએ પોતપોતાના કેસો અંગે સલાહસૂચન લીધાં. અન્ય કેદીઓને અમારા પ્રત્યે એક દયાભાવના ઉત્પન્ન થઈ ગઈ કે પોલીસે વકીલો સાથે પણ ખોટું કર્યું.

બૅરેકમાં ઘણા કેદીઓ જોડે વાતચીત થઈ. ચર્ચા દરમિયાન મેં તેઓને પોલીસ અંગે જણાવ્યું કે મારો એક મિત્ર વિજય બારોટ શિકાગો- યુ.એસ.એ. રહે છે. તેણે મને એક વખત કીધેલું કે અહીંની પોલીસને તું રસ્તો પૂછે તો એ તમને ઘર સુધી મૂકી જાય અને જો તું કોઈના વિરુદ્ધ ફરિયાદ કરે, તો સૌથી પહેલા તારી જ વાત સાંભળવામાં આવે, પછી સામે કોઈ પણ વગદાર વ્યક્તિ કેમ ન હોય.

ઉપરાંત અહીં પોલીસનું કૅમેરા વડે મૉનિટરિંગ થાય છે કે તેઓ પબ્લિક સાથે કેવું વર્તન કરે છે. તેમની ફરિયાદ પર કેવી રીતે કામ કરે છે. ત્યાં સતત પોલીસ પર વૉચ હોય છે. વર્તન પણ ખૂબ જ નમ્ર હોય છે. ત્યાંની પોલીસ પબ્લિકના બંધારણીય અને માનવ અધિકારોનું ખાસ ધ્યાન રાખે છે. આ બધું સાંભળી ઘણા કેદીઓને આશ્ચર્ય થયું. મેં વધુમાં કહ્યું : અહીંની પોલીસ ફક્ત મેજર ઍક્ટ અને દાદાગીરી કેમ કરવી એની ટ્રેનિંગ લે છે, પણ નૈતિકતા, ઈમાનદારી, માનવતા જેવી કોઈ વસ્તુઓની ટ્રેનિંગ એ લોકોને આપવામાં આવતી નથી.

બનાવ બન્યાના છઠ્ઠા દિવસે ૭ જણ સેશન્સ કોર્ટમાંથી જામીન પર છૂટ્યાં. જેલબહાર નીકળતાં જ લોકોએ જે અભિવાદન કર્યું. એ મારા માટે ખૂબ સન્માનની વસ્તુ બની ગઈ. ઍડ્‌વોકેટ, કર્મશીલો, મિત્રો, સગાંસંબંધીઓએ ફૂલહાર પહેરાવી અમારું સ્વાગત કર્યું. ત્યાર બાદ ઘરે પણ આખા સમાજના લોકો ભેગા થઈ ગયા અને અમારું ઉષ્માભર્યું સ્વાગત કર્યું.

અમે નિર્દોષ હોવા છતાં પોલીસના વાંકે યાતનાઓ ભોગવી, પણ મનમાં સતત એક વસ્તુ આવ્યા કરે છે કે ‘જો હું એક ઍડ્‌વોકટ થઈને મારા ફૅમિલીને પ્રોટેક્ટ ના કરી શકું તો ધિક્કાર છે એવી વકીલાત પર. ‘અમારી લડાઈ ચાલુ છે અને રહેશે.’

૩૭, ચાલીસ મકાન સોસાયટી, છારાનગર, કુબેરનગર, અમદાવાદ.

સૌજન્ય “નિરીક્ષક”, 16 અૉગસ્ટ 2018; પૃ. 13-15

Loading

22 August 2018 admin
← આપણે સાંસ્કૃિતક લડવૈયા છીએ :
હરિવર મુજને હરી ગયો! →

Search by

Opinion

  • ગરબો : ગુજરાતી પ્રજાની સંસ્કૃતિનું સૌભાગ્ય
  • राहुल गांधी से मत पूछो !
  • ઝુબીન જુબાન હતો …
  • પુણેનું સમાજવાદી સંમેલન : શું વિકલ્પની ભોં ભાંગે છે?
  • રમત ક્ષેત્રે વિશ્વ મંચ પર ઉત્કૃષ્ટતાની નેમ સાથેની નવી ખેલકૂદ નીતિ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • શૂન્ય …
  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved