ભારતીય રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર ડી. સુબ્બારાવે, એમના તાજેતરના એક લેખમાં, ૧૯૮૨ની ચર્ચિત અંગ્રેજી ફિલ્મ ‘સોફીઝ ચોઇસ’નો ઉલ્લેખ કર્યો છે. વિશ્વયુદ્ધ દરમિયાન યહૂદીઓ પરના અત્યાચારોનું માર્મિક ચિત્રણ આ ફિલ્મમાં છે. ફિલ્મમાં પોલેન્ડની એક યહૂદી માતાના હ્રદયમાં ચાલતા માતૃત્વના દ્વંદ્વનું વર્ણન છે. આ માતાને એ સવાલ મૂંઝવે છે કે પોતાનાં બે બાળકોમાંથી તે કોને ગૅસ ચેમ્બરમાં અને કોને લેબર કૅમ્પમાં મોકલવાની અનુમતિ આપે. સુબ્બારાવ આ ફિલ્મનો હવાલો આપીને જણાવે છે કે સોફીની જેમ જ સરકાર માટે હાલના કઠણ સમયમાં વિકલ્પ પસંદગીનું સંકટ છે. તે લોકોની જિંદગી અને રોજીરોટીમાંથી કોને બચાવે? હાલના સંકટને એક યુદ્ધ જ ગણવામાં આવ્યું છે.
સુબ્બારાવ માટે સરકારની વિકલ્પ-પસંદગીનું સંકટ દેશની અર્થવ્યવસ્થા સંદર્ભે છે. પરંતુ આપણે અહીં જે વિષયની ચર્ચા કરવા માગીએ છીએ તેમાં સરકાર સમક્ષ વિકલ્પ પસંદગીનું કોઈ સંકટ ઊભું થવાનો પ્રશ્ન જ નથી. તેને એ બાબતનો સ્પષ્ટ ખ્યાલ હોય જ છે કે આવી પરિસ્થિતિમાં શું કરવું વધુ જરૂરી છે. સવાલ સમયની જરૂરિયાતના હિસાબે નાગરિકોની પસંદગી કરવાનો હતો અને તેણે અગાઉની જેમ આ વખતે પણ, સોફી જેવો તનાવ અનુભવ્યા વિના, પસંદગી કરી લીધી છે.
સરકારે પસંદગી એ બાબતે કરવાની હતી કે સંકટના આ સમયે તે પસંદગી એ નાગરિકોની કરે કે જે “નાગરિક” છે કે પછી પસંદગી એ નાગરિકોની કરે કે જે નાગરિક તો છે, પણ પહેલા પ્રકારના નાગરિકો જેવા નથી. વધુ સ્પષ્ટ રીતે કહીએ તો, આ સમયે ક્યા નાગરિકોનું ઘરમાં બંધ રહેવું જરૂરી છે? અને દેશહિતમાં ક્યા નાગરિકોને રસ્તે રોતા કકળતા, ચાલતા જવા માટે છોડી દેવા જરૂરી છે ?
હવે આ બે પ્રકારના નાગરિક કોણ છે? આ વખતે જ તેમની તરફ વધુ ધ્યાન કેમ ગયું? અને પ્રત્યેક શાસનમાં તેમની જુદી જુદી જરૂરિયાત કેમ હોય છે? તે સમજવું પણ આવશ્યક છે. જાણીને નવાઈ લાગશે કે વર્ષ ૨૦૧૭ સુધીમાં દેશની ૧૩૨ કરોડની વસ્તીમાંથી ૧૨૨ કરોડ લોકો પાસે આધાર કાર્ડ છે, જ્યારે પાસપોર્ટ માત્ર ૬ કરોડ ૮૦ લાખ પાસે છે! એટલે દેશની કુલ વસ્તીના માત્ર ૫.૧૫ % લોકો પાસે જ પાસપોર્ટ છે. તેમાં વળી એક જ પરિવારના બે થી વધુ પાસપોર્ટધારકો પણ હોઈ શકે છે. સાચું કહીએ તો આ એ જ લોકો છે. જે દેશ અને બૅન્કો પણ ચલાવે છે.
આ પાસપોર્ટધારકોમાંથી ૧૫મી જાન્યુઆરીથી ૨૩મી માર્ચ દરમિયાન આશરે ૧૫ લાખ લોકો વિદેશોથી ભારતીય એરપોર્ટ પર પ્રવેશ્યા હતા. આજે રોજ જેટલા લોકોનો કોરોના ટેસ્ટ થાય છે તે જોતાં, શું એ ૬૫ દિવસોમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર રોજના ૨૫ હજાર લોકોના સઘન કોરોના ટેસ્ટ થયા હશે? હવાઈ સેવાઓ શરૂ થયા પછી કેટલા બીજા ભારતીયો સ્વદેશ પાછા આવશે તે કહી શકાતું નથી. શક્ય છે કે સરકારને વિદેશોમાં ફસાયેલા આશરે ૨૫ હજાર ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓને લાવવાની વ્યવસ્થા કરવી પડશે. રાજસ્થાનના કોટામાં ભણતા વિદ્યાર્થીઓને પરત લાવવા ઉત્તર પ્રદેશ સરકારે સેંકડો બસો મોકલી હતી. બિહાર અને ઝારખંડ સરકારે પણ કોટાના છાત્રોના મુદ્દે નારાજગી અને ચિંતા વ્યક્ત કરી હતી. આ સમયે એ નાગરિકો અને તેમનાં નાનાં બાળકો કે જે ભૂખ્યાંતરસ્યાં પગપાળા માબાપ સાથે ઘર તરફ નીકળી પડ્યાં હતાં અને તેમને અધવચ્ચે રોકી દેવામાં આવ્યાં છે, તેમના અંગે કોઈ કશું જ વિચારતું નથી. સરકારો ચાહે યુ.પી, બિહાર કે ઝારખંડની હોય, તે જે નાગરિકોની ચિંતા કરે છે તેના કરતાં આ જુદા નાગરિકો છે. તેમને તેમને ઘરે કે તેમના રાજ્યમાં મોકલવા કોઈ વ્યવસ્થા થતી નથી.
સુબ્બારાવને એ સવાલ પૂછી શકાય શું લૉક ડાઉન એ ૪૦ ટકા નાગરિકો માટે છે, જે ઘરે રહીને કામ કરી શકે છે કે પછી કામ વગર પણ આરામથી ઘરે રહી શકે છે? અને બીજા નાગરિકો કે જેમની વસ્તી દેશમાં ૬૦ ટકા છે અને તેમના વિના દેશનું અર્થતંત્ર ચાલી શકે તેમ જ નથી. તેમને પણ તેમના ઘરે મોકલવામાં આવશે? આમ કરવા છતાં એ વાતની ખાતરી તો નથી જ કે તે પોતાના ઘરે પહોંચી શકશે.
અનુવાદઃ ચંદુ મહેરિયા
maheriyachandu@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 11 મે 2020