મને દૂરનું ઝાઝું દેખાતું નથી; પણ એ જ તો, કદાચ,
મારી ખરી તાકાત છે.
દૂરબીન લગાવીને દૂરનું જોનારાઓ કહે છે
કે આઘેના એક જબરજસ્ત મેદાનમાં
દુશ્મનોએ જ્યાફત માંડી છે ને એઓ ગીતો ગાય છે
પોતાની જીતનાં, આપણી હારનાં.
મને તો કશું સંભળાતું નથી એવું.
મારી એ જ તો ખરી તાકાત છે.
ક્યાંક બને કે આપણે યુદ્ધ હારી ગયા છીએ એવું કોઈક માનતું હોય,
પણ અહીં, હું જ્યાં છું ત્યાં, હજી લડાઈ ચાલુ છે મારી.
જ્યાં આપણે છીએ, અબીહાલ, ત્યાં આપણી લડાઈ ચાલુ છે.
ગીતો ગાવાનો વખત નથી આવ્યો હજી,
આપણો કે કોઈનો,
જીતનો કે હારનો.
હજી અહીં આજે આપણી લડાઈ ચાલુ છે
એ જ તો ખરી તાકાત છે આપણી.
પાલો આલ્ટો, ઑગસ્ટ ૨૯, ૨૦૧૮.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2018; પૃ. 01